આંખની પાંખ ~ કટાર: બિલોરી (૫) ~ ભાવેશ ભટ્ટ
આપણા ધર્મ પુસ્તકોમાં ઉલ્લેખ છે એ પ્રમાણે મહાદેવ એટલે કે શંકર ભગવાન જ્યારે કોપાયમાન થતા હતા ત્યારે એમનું ત્રીજું નેત્ર ખોલતા હતા જે એમના પ્રકોપની નિશાની હતી.
![]()
હવે આ એક્સલુઝિવલી ત્રીજી આંખ હોવાનું એમને અભિમાન કે ગૌરવ હતું કે નહીં એ વિશે કોઈ નોંધ નથી.
હવે વાત કરીએ આપણી માનવોની દુનિયાની કે જ્યાં કોઈ ત્રિનેત્ર નથી પણ કેમેરાને ‘ત્રીજી આંખ’ કહેવામાં આવે છે. એટલે કે જે કેમેરામેન છે એને ત્રીજી આંખની ફેસિલિટી મળી છે એવું કહી શકાય.

જે ત્રીજી આંખ હોવાથી શિવજીને કૈં જ વિશેષતાની કે અભિમાનની લાગણીનો કોઈ જ ઉલ્લેખ નથી મળતો ત્યાં આજે કેમેરાની ત્રીજી આંખ એટલે કે કેમેરામેનની લાગણીઓ કેવી હોય છે એ તરફ એક નજર નાખીએ.
ફિલ્મ, ટી.વીના જે કેમેરામેન હોય છે એમની વિશિષ્ટતા અને મહાનતા વિશે અલગથી એક લેખ થાય એવો છે એટલે અહીં એમને બાદ કરતાં બાકીના જે કેમેરામેન છે એમની વાત કરીએ તો એમની દુનિયા અનોખી હોય છે.
તમે રસ્તે ચાલતા લોકોની ચાલ ઉપર જો નજર રાખશો તો જેની ચાલમાં બ્રહ્માંડની જવાબદારીનો ભાર વર્તાય તો તરત નજર ઉપર કરજો. એના ખભે કેમેરો લટકતો હશે. એ કેમેરામેન જ હશે.

મોબાઈલ કેમેરાના આગમન પહેલા મુગલયુગ જેવો શાહી ઠાઠ ભોગવતા આ નરેશોના મિજાજમાં આજે ડિજિટલ યુગમાં પણ લેશમાત્ર ફરક આવ્યો નથી. કોઈ સમારંભમાં હોલની અંદર સંસારનું વિશ્લેષણ કરતી નજરો લઈને ફરતા કેમેરામેનની અદાઓ આકર્ષક હોય છે.
એમને કૈં પણ પૂછો તો લગભગ એ એક વારમાં નથી સાંભળતા. ગરદન હલાવીને ફરી આપણને એક બે વાર પૂછે છે અને પછી એનો જવાબ પણ ગરદન હલાવીને જ આપે છે.
એ જ્યારે કેમેરાથી કોઈ ચહેરાને તાકે છે એ સ્ટાઇલ ઉપર તો એ ક્ષણે એમનો એક ફોટો પાડવાનું મન થઈ જાય.

એમની સિકસ્થ સેન્સથી એ મંચ પર કે મંચ નીચેના ફોટા પડાવવાની ખેવના રાખનારની આંખો વાંચી લે છે. પછી પોતાની વિનોદ વૃત્તિ પોષવા જેમ કોઈ નટખટ સ્વભાવનો ભોજન પીરસનાર પંગતમાં લાડુના રસિયાને હાથે કરીને લાડુ આપવું ચૂકી જાય એમ એ ક્લિક માટે પેલા ‘છબી વાંચ્છુક’ને તડપાવે છે. તો ક્યારેક ક્યાંક પ્રેમ ઉભરાઈ જાય તો કોઈના કપડાંનું માપ લેતા હોય એમ એની પાસે જઈ જગ્યાઓ બદલી બદલીને ક્લિક કરે છે.

ગુજરાતીઓના કલ્ચરમાં નેતાછાપ ‘કોટી’ને બાદ કરતાં ‘ફેશનેબલ કોટી’ અને ‘સસ્પેન્ડર’ પહેરવાનો વરસો પહેલા પાયો નાખવામાં કેમેરામેનનો હાથીફાળો છે. જે પહેરવામાં આજે પણ દરેક ગુજરાતી આધુનિકતાનો અનુભવ કરે છે.
આજે તો ફોટો સ્ટુડિયો ચલણમાં નથી રહ્યા અથવા જે અમુક છે તે પાંચેક મિનિટ વિચારવાની મહેનત પછી સમજાય કે આ ફોટો સ્ટુડિયો છે એવા એકદમ બદલાયેલા સ્વરૂપે છે. પણ થોડા વરસો અગાઉના એ સ્ટુડિયો કેમેરામેનની રાજધાની જેવા હતા. જેમાં પ્રવેશ કરતા એક રોમાંચ રહેતો હતો.

જ્યારે ફોટો પાડતી વખતે એ સફેદ છત્રીઓવાળી લાઈટ ચાલુ કરતા ત્યારે હૃદય એવું ભરાઈ આવતું હતું કે આંખમાંથી એકાદ દોઢ ટીપું આપણી સાથે જ હરખથી પોઝ આપતું હતું. જેને આપણે ભોળપણમાં લાઈટના પ્રકાશના લીધે આવેલ આંસુનું નામ આપી દેતા હતા.
જ્યારે સ્ટુડિયોની બહાર શૉકેશમાં કેમેરામેને પોતે ઘરમેળે બનાવેલા મોડેલ્સના ફોટાઓમાં જો આપણો પણ મૂકાઈ જાય તો! એવી આંખોમાં હસરત લઈ નીકળતા હતા.
આજે ચારેબાજું કોઈ પણ પ્રોડક્ટ્સની દુકાનના નામની પાછળ જે રીતે ‘સ્ટુડિયો’ લગાવી દેવામાં આવે છે, જેનો વાંધો ક્યારેય આ પરગજુ લોકોએ ઉઠાવ્યો નથી. બાકી ‘સ્ટુડિયો’ શબ્દના સાચા વારસદારોમાંના આ પણ એક છે.
ખૈર આજે એ રિયાસત નથી રહી પણ એનો એક ટકો રંજ આ સુલ્તાનોને નથી. હવે એ પોતે જ હાલતુંચાલતું સ્ટેટ છે એમ એ પણ માને છે અને આપણે પણ માની લઈએ. આમ જુઓ તો એમનો ઉપકાર એવો છે કે જેમની કિંમત કયારેય આપણે ચૂકવી ન શકીએ.
દરેક સામાન્ય પરિવાર તેની બે ત્રણ પેઢી સાથે જીવન વિતાવતો હોય છે. એમાં એના ઘરમાં આવેલા નાના મોટા દરેક પ્રસંગોની યાદો ફોટો આલ્બમ સ્વરૂપે સચવાયેલી હોય છે. જેને એ સમયાંતરે જોઈને તૃપ્ત થતો હોય છે અને પ્રેરક બળ પણ મેળવતો હોય છે.

આ ફોટો આલ્બમના રચયિતા એટલે આપણા આ કેમેરામેન, ફોટોગ્રાફર ભાઈઓ.
(અહીં ફક્ત ‘ફોટોગ્રાફર ભાઈઓ‘ એટલા માટે લખ્યું છે કે તમામ ક્ષેત્રની જેમ અહીં સ્ત્રી સશક્તિકરણ કદાચ ગોઠણીયે છે, આગળ જતા ચાલવા દોડવા માંડશે ત્યારે આ લેખ એડિટ કરવામાં આવશે એનો હું આપ સર્વેને ભરોસો આપું છું. હું પુરુષપ્રધાન સમાજમાં માનનારો નથી)
એમણે આપેલી આ અમૂલ્ય ભેટ આપણા જીવનનો મોટો આધાર બની જતી હોય છે.
એક બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો આનો એક ફાયદો એ પણ છે કે આ કેમેરો એમને જે મિજાજ/મસ્તીની દુનિયામાં રાખે છે એ આમ તો એક વરદાન જેવું છે. કેમ કે અંગત કે જાહેર દુનિયામાં તકલીફોનો ને ઘર્ષણનો દરેકને સામનો કરવો જ પડે છે. જેનાથી સ્ટ્રેસ કે ડિપ્રેશનથી બચવું મુશ્કેલ હોય છે.
એને ચહેરા ઉપર કે વર્તનમાં ન લાવી ભીતરના કોઈ ખૂણે સંતાડી એક કેમેરાને ઝમીર માની આ બધાથી અંતર રાખીને વટથી રહેવું કાબિલેદાદ છે.
બસ તો આ સાથે આપણા જીવનની ખુશીઓને કંડારી આપનાર આ જાદુગરોનો આપણે પ્રણામ કરીને આભાર માનીએ.

આમ તો ફોટોગ્રાફી કોઈ સામાન્ય વાત નથી, એક બહુ મોટી આર્ટ છે. એટલે કોઈ પણ આર્ટના આર્ટિસ્ટનું વલણ બીજાથી અલગ હોઈ શકે એમ કેમેરામેનને પણ હોઈ શકે. પણ એમના વલણમાં સુપર પાવરની છાંટ દેખાતી હોય છે અને એ જોઈને સ્હેજ ઈર્ષાળુ આનંદ થતો હોય છે એટલે આ લખવાનું મન થયું.
![]()
અહીં જે વાત કરવામાં આવી છે એ સો ટકા કેમેરામેનની નથી. જેટલા આમાંથી બાકાત છે એમાંના ઘણા મારા અંગત મિત્રો છે એનો મને આનંદ અને ગર્વ છે.
***
ખૂબ સુંદર કટાર લેખ.
એ જ્યારે કેમેરાથી કોઈ ચહેરાને તાકે છે એ સ્ટાઇલ ઉપર તો એ ક્ષણે એમનો એક ફોટો પાડવાનું મન થઈ જાય. આપણા જીવનની ખુશીઓને કંડારી આપનાર આ જાદુગરોનો આપણે પ્રણામ કરીને આભાર માનીએ.