ટેકનોલૉજીના તાણાવાણા (૨) ~ રોબોટ અને તેનાં વિવિધ ઉપયોગો ~ લે. સંજય ચૌધરી

રોબોટના પ્રકાર
વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં રોબોટનો વપરાશ વધતો જાય છે, જેને ઇન્ડસ્ટ્રીયલ રોબોટ કહેવામાં આવે છે.
વર્લ્ડ રોબોટિક્સ સંસ્થાના અહેવાલ મુજબ 2021 દરમ્યાન દુનિયામાં વિવિધ ફેકટરીમાં કુલ ત્રીસ લાખ રોબોટ ઇન્ડસ્ટ્રીયલ રોબોટ કાર્યરત છે. 2020માં કુલ નવા ત્રણ લાખ ચોર્યાસી હજાર ઇન્ડસ્ટ્રીયલ રોબોટ ઇન્સ્ટોલ થયા હતા, જેમાંથી ચીનમાં જ એક લાખ અડસઠ હજાર જેટલા નવા ઇન્ડસ્ટ્રીયલ રોબોટ ઇન્સ્ટોલ થયા હતા, જ્યારે ભારતમાં ત્રણ હજાર બસો જેટલા નવા ઇન્ડસ્ટ્રીયલ રોબોટ ઇન્સ્ટોલ થયા હતા.
ક્રમની રીતે ઇન્ડસ્ટ્રીયલ રોબોટનો સૌથી વધુ ઉપયોગ ચીન, જાપાન, અમેરિકા, સાઉથ કોરિયા, જર્મની, ઇટાલી, ચાઇનીઝ ટાઇપાઈ, ફ્રાંસ, સિંગાપોર, સ્પેન, મેક્સિકો, ભારત, થાઈલૅન્ડ, કેનેડા, ઇંગ્લૅન્ડ દેશોમાં થાય છે.
વર્ષ 2021માં કુલ નવા ચાર લાખ પાંત્રીસ હજાર જેટલા નવા ઇન્ડસ્ટ્રીયલ રોબોટ ઇન્સ્ટોલ થયા હતા અને તે વર્ષ 2022 દરમ્યાન તે સંખ્યા વધીને ચાર લાખ ત્રેપન હાજાર થવાની છે. ઇન્ડસ્ટ્રીયલ રોબોટનો સવિશેષ ઉપયોગ ઇલેકટ્રોનિક્સ – ઇલેકટ્રિકલ,ઓટોમોબાઇલ્સ, મેટલ અને મશીનરી, પ્લાસ્ટિક અને કેમિકલ, ફુડ પ્રોસેસિંગ તથા અન્ય ઉદ્યોગોમાં થઈ રહ્યો છે. 2023 તથા 2024 દરમ્યાન ઇન્ડસ્ટ્રીયલ રોબોટનું ઇન્સ્ટોલેશન છ ટકાના દરે વધવાની આગાહી છે.
અત્યારે વિવિધ પ્રકારના રોબોટ જોવા મળે છે, જેમ કે હસ્તસંચાલિત, એકધારું અને ક્રમબદ્ધ કામ કરતો, એકધારું પણ કામનો ક્રમ બદલી શકાય તેવું કામ કરતો રોબોટ, પુનરાવર્તન કરતો રોબોટ, સંખ્યાના આધારે કામ કરતો રોબોટ તેમ જ બુદ્ધિમાન રોબોટ. છતાં પણ રોબોટને નીચે મુજબ કુલ છ પ્રકારમાં વહેંચી શકાય.
- ઑટોનોમસ મોબાઈલ રોબોટ – કેમેરા તથા સેન્સરની મદદથી આસપાસના વાતાવરણમાંથી તમામ પ્રકારની માહિતી મેળવી, પ્રોસેસિંગ કરી, જાતે જ નિર્ણય લેતો રોબોટ, જેમ કે કઈ ચોક્કસ જગ્યાએ દવા છાંટવી, અથવા કન્વેયર બેલ્ટ પર આવતા અનેક પેકેટમાંથી જરૂરી પેકેટ ઉપાડી લેવું વગેરે. આ પ્રકારના રોબોટ હલનચલન કરતા હોય છે.
- ઑટોમેટેડ ગાઈડેડ વેહીકલ્સ – ચોક્કસ અથવા પહેલેથી નક્કી કરેલા માર્ગ પર માલની હેરફેર કરતા રોબોટ, જેમ કે ગોડાઉનમાં નિશ્ચિત કરેલા ટ્રેક પર સામાનની હેરફેર કરતા રોબોટ.
- આર્ટીક્યુલેટેડ રોબોટ – જે રીતે માણસનો હાથ વળી શકે છે અને વિવિધ કામ કરી શકે છે તેવી જ રીતે બેથી દસ જેટલા સાંધાનો બનેલો આ રોબોટ અલગ અલગ ખૂણેથી વળીને કામ કરી શકે છે, જેમ કે વેલ્ડિંગ, સામાન કે કાચા માલને ઉપાડીને તેના પર નિશ્ચિત કામ કરવું, પેકીંગ કરવું વગેરે. આવા રોબોટ એક સ્થાને રહીને કામ કરતા હોય છે.
- હ્યુમનોઇડ રોબોટ – માણસ જે પ્રકારનાં કામો કરે છે તેવા પ્રકારનાં કામ કરતો તેમ જ હલનચલન કરતો રોબોટ. ઑટોનોમસ મોબાઈલ રોબોટની માફક કેમેરા તથા સેન્સરની મદદથી આસપાસના વાતાવરણમાંથી તમામ પ્રકારની માહિતી મેળવી, પ્રોસેસિંગ કરી, જાતે જ નિર્ણય લેતો રોબોટ. હોટલમાં દાખલ થતાંની સાથે જેમ કર્મચારી દોરવણી કરતા હોય છે તે રીતે આ પ્રકારના રોબોટ દિશા સૂચવતા હોય છે.
- કોબોટ – માણસની સતત આસપાસ રહીને તેની સાથે સંપર્ક રાખીને કામ કરતા રોબોટ. આવા રોબોટ એક સ્થાને રહીને કામ કરતા હોય છે. રોજબરોજના ભયજનક, વાંરવાર પુનરાવર્તન પામતા અથવા કંટળાજનક કામો આ પ્રકારના રોબોટ કરતા હોય છે અને માણસ સાથેના સંપર્કમાંથી તેઓ શીખતા પણ હોય છે.
- હાઇબ્રીડ રોબોટ – એકથી વધુ પ્રકારના રોબોટને ભેગા કરીને તૈયાર કરવામાં આવેલા રોબોટને હાઇબ્રીડ રોબોટ કહેવામાં આવે છે. જેમ કે સતત હાથ ઊંચો નીચો કરીને કામ કરતા રોબોટની સાથે આસપાસના વાતાવરણમાંથી માહિતી મેળવી તેનું પ્રોસેસીંગ કરીને નિર્ણય કરતા રોબોટ. આ પ્રકારના રોબોટ હલનચલન પણ કરતા હોય છે. આની રચના જટિલ બની જાય છે અને આ પ્રકારના રોબોટ પાસે પ્રોસેસીંગ કરવાની ક્ષમતા પણ ઘણી વધુ હોવી જોઈએ.
વૅલ્ડીંગનું કામ કરતો ઇન્ડસ્ટ્રીયલ રોબોટ
રોબોટના ઉપયોગના ફાયદા
- માનવ કરતાં ઘણાં બધાં કાર્યો ઝડપથી, સુરક્ષાથી, બળથી, ચોકસાઈપૂર્વક તથા ઓછા ખર્ચે કરી શકે છે.
- ઘણાં લાંબા સમય સુધી થાક્યા કે કંટાળ્યા વગર કામ કરી શકે છે.
- માનવીય આંખોને જે ના દેખાઈ શકે તેવું ઘણું બધું રોબોટ જોઈ શકે છે.
- ભયજનક તેમ જ માનવીય જીવન માટે ખતરારૂપ ક્ષેત્રોમાં કામ કરી છે.
- એકથી વધુ પાળીમાં સતત કામ કરીને મૂડીરોકાણનું વળતર ઝડપથી મેળવી આપે છે.
રોબોટના ઉપયોગના ગેરફાયદા
- માનવબળનો વિકલ્પ તથા બેરોજગારી
- નવી અને સતત બદલાતી ટેકનોલૉજી માટે તાલીમ ખર્ચ
- છૂપું ખર્ચ – રોબોટ તૈયાર કરવામાં ઉપયોગમાં લેવામાં આવેલા સામાન તથા તે બગડી જાય તો સમારકામ કે બદલવાનો ખર્ચ – 3થી 10 ગણો હોય છે.
- ભવિષ્યમાં જો માણસો રોબોટને જીવનસાથી તરીકે પસંદ કરે તો સામાજિક વિષમતાનો પ્રશ્ન પેદા નહીં થાય ?
રોબોટના ઉપયોગના અનેક ફાયદા છે તો સાથે સાથે કેટલાક ગેરફાયદા પણ છે, જેમ કે તે માનવબળનો સબળ વિકલ્પ પૂરો પાડે છે. તેને કારણે ફેકટરી તથા અમુક પ્રકારના કામ કરતા કર્મચારીઓને બેરોજગાર કરી શકે છે અને તેવું બની પણ રહ્યું છે.
રોબોટની નવી અને સતત બદલાતી ટેકનોલૉજી માટે વિશષ તાલીમ ખર્ચની જોગવાઈ કરવી પડે છે. માણસની સાથે તુલના કરીએ તો માનવીય આંખો અને હાથનો જે સમન્વય છે તે પ્રકારનો સમન્વય રોબોટ માટે અઘરો છે. રોબોટની માળખાગત રચનાને કારણે તેનાં સાંધાંની ગતિવિધિ મર્યાદિત હોય છે. તેથી માણસનો સંપૂર્ણ વિકલ્પ બની શકે તેમ છે જ નહીં.

યુરોપિયન ઇકોનોમિક રીસર્ચ (ZEW)ના તારણ મુજબ વિકસિત દેશોમાં ભયજનક, કંટાળાજનક અને તબિયત માટે હાનિકારક કામો માટે ઇન્ડસ્ટ્રીયલ રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો અને તમામ પ્રકારના કામ માટે રોબોટનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. 5 % લોકોને રોજગારી બદલવી પડી, પરંતુ તેટલી જ નવી રોજગારી વધી છે.
2021 સુધીમાં યાંત્રીકરણ તેમ જ ડિજીટલાઈજેશનના કારણે 1.8 % રોજગારી વધી છે. ઓછું કૌશલ્ય ધરાવતી નોકરીનું પ્રમાણ ઘટ્યું છે, જે ભારત જેવા વધુ વસતિ ધરાવતા દેશ માટે ચિંતાજનક બની શકે.
રોબોટના ઉપયોગના કારણે કંપનીઓમાંથી મધ્યમ કક્ષાની રોજગારી ઘટી, તેવા ઓછા કર્મચારીઓની જરૂર પડવા લાગી અને તેને કારણે તેવી કંપનીઓમાં કર્મચારીઓનું સરેરાશ પગારધોરણ સુધર્યું. જો કે ડેવિડ વેઇલ માને છે કે ઇન્ડસ્ટ્રીયલ રોબોટના વધતા જતા ઉપયોગને કારણે મોટી કંપનીઓએ સીધી ભરતી ઓછી કરી અને એકબીજા સાથે ગળાકાપ હરીફાઇ કરતી નાની કંપનીઓમાં આઉટસોર્સનું પ્રમાણ વધાર્યું. તેને કારણે પગારો ઘટ્યા, કલ્યાણકારી યોજનાઓ પર કાપ મૂકાયો, આરોગ્ય અને સુરક્ષાનાં ધોરણેને બાજુ પર મૂકવામાં આવ્યાં, અને આવકમાં અસમાનતા અનેક ગણી વધી છે. સાથે સાથે ઉત્પાદનના ક્ષેત્રે રોજગારી ઘટતી રહી છે.
જે ગતિએ ટેકનોલૉજીનો વિકાસ થઈ રહ્યો છે તે જોતાં ભવિષ્યમાં માણસની સાથે રહી શકે – તેનો સંસર્ગ કરી શકે તેવા રોબોટ પણ તૈયાર થશે અને તેને કારણે સામાજિક વિષમતાઓ પણ ઊભી થશે.
રોબોટના ક્ષેત્રે થઈ રહેલો વિકાસ, તેની અર્થતંત્ર, શિક્ષણ અને સમાજ પર પડી રહેલી અસરો વગેરેને ધ્યાનમાં રાખીને વિશેષ વિચાર કરી, રોબોટના ઉત્પાદન તેમ જ શિક્ષણ ક્ષેત્રે તેના ઉપયોગના સંદર્ભમાં રાષ્ટ્રીય કક્ષાએ નીતિ ઘડવી જરૂરી છે.
સંદર્ભ
- ‘Introduction To Robotics’ by Ed Red
- https://sciencing.com/main-parts-robot-html
- https://www.intel.com/content/www/us/en/robotics/types-and-applications.html
- https://ifr.org/ifr-press-releases/news/robot-sales-rise-again
***
યાંત્રીકરણ વધવાથી માનવ શ્રમ ઘટયો. માનવ આળસુ અને ખોખલો બનતો ગયો. નાના પરિશ્રમીનીરોજગારી છીનવાઈ ગઈ.