આથમણી કોરનો ઉજાસ ~ (ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી) ~ પત્ર: ૫ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ

પત્ર નં-૫

પ્રિય  નીના,

 

કોલેજ કાળની વાતો લખીને તું મને સાબરમતીને તીરે લઈ ગઈ. એચ. કે આર્ટ્સ કોલેજમાં વહેલી સવારે ઝીરો પીરીયડ્માં સંસ્કૃતના પાઠો ભણવાનો પણ એક લ્હાવો હતો!

H.K. Arts College Ahmedabad - Courses, Fees and Admissions | Joon Square

આપણે કેટલાં નસીબદાર કે મોટા મોટા સાહિત્યકારો પાસે ગુજરાતી ભણ્યાં. આજે તેમાંના મોટા ભાગના સાક્ષરો દિવાલ પરની ફ્રેઈમમાં આવી ગયાં છે. ક્યાં આજની કોલેજ લાઈફ અને ક્યાં તે વખતની?

ભારતની દરેક મુલાકાત દરમ્યાન સ્પષ્ટપણે  દેખાયું છે કે, શિક્ષણની પદ્ધતિ અને વાતાવરણમાં હવે ધરખમ ફેરફાર થઈ ગયો છે.

The Education System is Broken: Here's an Alternative - The Positive Psychology People

ઘણીવાર વિચારું છું કે આજની યુનિવર્સિટીનો સ્નાતક બનીને બહાર નીકળતો વિદ્યાર્થી જીવનપ્રવેશ માટેનો પાસપોર્ટ મેળવે છે પણ જીવનપ્રવાસ માટેનો વીસા પામે છે ખરો?! ખેર!

આજથી ૩૫ વર્ષ પૂર્વે, ૧૯૮૦ની સાલમાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરની ધરતી પર પગ મૂક્યો ત્યારે….ઓહોહો….આખું વિશ્વ કંઈ જુદું જ અનુભવેલું.

New York City Back in the 1980s — GREAT FUTURE STORIES

ભાષાના ઉચ્ચારોથી માંડીને, ૠતુઓના ચક્ર, આબોહવા, રીતરિવાજ, લોકો, બધું જ સાવ નોખું. એવા જીવનમાં ગોઠવાઈ શકાશે કે કેમ એ એક પ્રશ્ન બિહામણું રૂપ ધરીને ડરાવ્યા કરતો. પણ “કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો, ને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો’ એ ન્યાયે આ સ્વૈચ્છિક સ્વીકારેલા સંજોગો અને સમયની સાથે તાલ મિલાવી આગળ ધપ્યે રાખ્યું.

તારી એક વાત મને ખૂબ સાચી લાગી કે, અહીં બે ચાર મહિના ‘વિઝીટર’ તરીકે આવીને ‘અમેરિકાના કે યુરોપના અનુભવો’ વિશે ઘણું લખાયું છે. પણ વર્ષો સુધી જીવન વીતાવ્યા પછી એનું સમગ્રતયા દર્શન કરાવનાર કદાચ બહુ ઓછા હશે.

APOD: 2000 July 8 - The United States At Night

શિક્ષણ-પ્રથાના જ મુદ્દાને આગળ વધારું તો મારા પહેલાં અનુભવની વાત કરું. અરે, પ્રથાની વાત ક્યાં? એ તો પછી આવશે. પહેલાં તો સ્કૂલમાં પ્રવેશ અંગેની વાત. સાંભળ.

અહીંની નિશાળોમાં જૂન મહિનામાં વેકેશન પડે. અમે એપ્રિલ મહિનામાં ન્યૂયોર્કમાં આવ્યાં. પહેલાં જ અઠવાડિયામાં બંને બાળકોને લઈ નજીકની સ્કૂલમાં ગયાં. અમને એમ હતું કે, સપ્ટે.થી શરુ થતાં વર્ષ માટે ‘એડમિશન’ મેળવી લઈએ.

અમારા આશ્ચર્ય વચ્ચે, માર્ગદર્શક શિક્ષક, અમારી સાથે એક કલાકથી પણ વધુ સમય મેળવી શાંતિથી બેઠા અને અમને વિનય અને આદરપૂર્વક બધી માહિતી આપી અને એ જ દિવસથી પ્રવેશ પણ આપી દીધો. એટલું જ નહિ, બીજાં જ દિવસથી શાળામાં જવાની મંજૂરી પણ આપી કે જેથી કરીને બાળકો અહીંના વાતાવરણથી, પદ્ધતિથી વાકેફ થાય અને તેમને ઈંગ્લીશ ઉચ્ચારોને સમજવાનો અવકાશ અને પૂરતો સમય મળી રહે!

RANKING: How Much Money Teachers Make in Every US State

અમે તો આભા જ થઈ ગયા! કારણ કે, અમારા મનના નેપથ્યમાં તો બાળકના જન્મ પહેલાં જ, સ્કૂલોના એડમિશનની ચિંતા કરતા માબાપોના દૃશ્યો ચાલતા હતાં! આપણા દેશમાં ઊંચામાં ઊંચું બુદ્ધિધન હોવા છતાં, એક માત્ર સારી પદ્ધતિને અભાવે કેટલો મોટો ફરક? નાની નાની વસ્તુઓનો મહિમા ઘણો મોટો હોય છે એ ત્યારે સમજાયું.

માતૃભૂમિ માટે મને ખૂબ પ્રેમ છે, અભિમાન છે. તટસ્થ રીતે જોવાની દૃષ્ટિ ત્યાંથી જ કેળવાઈ છે. કદાચ એટલે જ વિશ્વની બારીઓ ખોલીને કશાયે પૂર્વગ્રહ વગર, જુદા જુદા પણ સાચાં દૃશ્યો આલેખવાની અને વહેંચવાની ઝંખના સળવળી.

માર્શલ પ્રોસ્ટ નામના એક લેખકે લખ્યું છે તેમ, સાચો આનંદ નવા દૃશ્યો જોવામાં નહીં, પણ એ જ દૃશ્યને નવા દૃષ્ટિબિંદુથી જોવામાં છે.

'Marcel Proust, French Writer in 1900 Near Age 30' Photo | Art.com | Marcel proust, Bücher, Marcel
Marcel Proust

હમણાં હમણાં ધૂમકેતુની ‘રજકણ’ જેવા સુવિચારોના ઘણાં પુસ્તકો વાંચી રહી છું.

રજકણ by Dhumketu | Goodreads

અંગ્રેજી સાહિત્ય પણ વધારે વાંચવું છે. ગુજરાતીની સાથે સાથે હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ દરેક ભાષા માટે મને આદરભાવ છે. કારણ કે, કોઈપણ ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. એ જુદી વાત છે કે, સૌને પોતાની ભાષા માટે સવિશેષ પ્રેમ હોય. વળી સાહિત્ય ક્યાં જીવનથી જુદું છે?

હું તો દૃઢપણે માનું છું કે, સાહિત્ય એ બીજું કંઈ જ નથી પણ આ જોવાતું જગત છે અને જીવાતું જીવન છે. સાહિત્ય એનું જ પ્રતિબિંબ છે. તું શું કહે છે ? જરૂર લખજે.

આ વાંચીને અન્ય દેશોના આપણા જેવાં આ પત્રશ્રેણીમાં જોડાય તો સોનામાં સુગંધ ભળે. કારણ કે, આજની આ ટેક્નોલોજીના ચમત્કારિક કહી શકાય તેવાં માધ્યમોએ તો જગતને ખૂબ નાનું બનાવી દીધું છે અને નજીક લાવી દીધું છે. એ રીતે જોઈએ તો કવિવર ઉમાશંકર જોશીનું ‘વિશ્વમાનવી’નું સ્વપ્ન સાકાર થતું નથી લાગતું?

લયસ્તરો » વિશ્વમાનવી -ઉમાશંકર જોશી

આ સંદર્ભમાં મારી બે પંક્તિ લખી આજે અટકું છું.

હું કોણ છું ને ક્યાંનો છું?
પ્રશ્નો નકામા લાગતા,
ઇન્સાન છું બ્રહ્માંડનો,
બસ એ કથન સમજાય છે.
છોડો બધી વ્યાખ્યા જૂની,
જે જે વતન માટે રચી,
આજે જુઓ આ વિશ્વનું,
પૃથ્વી વતન  કે’વાય  છે. 

ચાલ, ત્યારે, મળીશુ અહીં જ. આ રીતે….

દેવીની સ્નેહ યાદ
જાન્યુ.૩૦, ૨૦૧૬

***

Leave a Reply to પરથીભાઈ ચૌધરી,'રાજ '(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક)Cancel reply

One Comment

  1. પરથીભાઈ ચૌધરી,'રાજ '(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    પત્રમાં ઘણું બધું કહેવાઈ ગયું છે. પહેલાંનું શિક્ષણ અને આજના શિક્ષણ વચ્ચેની અસમાનતાનું દર્શન પણ કરાવ્યું છે. અભિનંદન.