ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ – 5) ~ ખેવરા સોલ્ટ માઈન ~ પૂર્વી મોદી મલકાણ

અમે કરોડો વર્ષ જૂના એ ઇતિહાસ તરફ કદમ માંડ્યાં ત્યારે ખબર ન હતી કે જેનાં વગર સ્વાદ બે-સ્વાદ અને બે-સ્વાદ સ્વાદ બની જાય છે તે મીઠાનો ય કોઈ ઇતિહાસ હશે. આ સ્વાદિષ્ટ ઇતિહાસની શોધનાં પાનાં અમને “ખેવરા સોલ્ટ માઈન” પર દોરી ગયાં.

અમે સવારે ઇસ્લામાબાદથી નીકળ્યાં ત્યારે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ તૂટી પડ્યો, પણ વાદળોથી આચ્છાદિત રસ્તાઓને ચીરતાં અમે અમારે માર્ગે આગળ વધ્યાં ત્યારે રસ્તામાં આવતાં નાના નાના પાક ગામડાઓનું સૌંદર્ય અમારી આંખોમાં વસી ગયું અને અમને ખ્યાલ આવ્યો કે; ભારતમાં જેમ આજે ગામડાંઓ શહેરોનાં ભાગ બની છે તેમ અહીં ન હતું.

જ્યારે લાલ માટીવાળો વિસ્તાર શરૂ થયો ત્યારે ખ્યાલ આવી ગયો, કે વધુ પડતી ખારાશવાળી આ જગ્યાઓ હોય અહીં કશું ખાસ ઉગતું નહીં હોય. આ વિસ્તારમાંથી યે પસાર થતી વખતે જૂની વિસરાઈ ગયેલી કેટલીયે સંસ્કૃતિનાં અવશેષો અમારા ધ્યાનમાં આવ્યાં, પણ અમારી સફર હજુ લાંબી હતી તેથી અમે વધુ લાલચ ન રાખતાં ત્યાંથી આગળ વધી ગયાં.

૩૨૬ વર્ષ પૂર્વેનો ઇતિહાસ:-

પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં ઇસ્લામાબાદથી ૧૬૦ કી.મી દૂર જેલમ જિલ્લામાં આવેલ ખેવરાની આ સોલ્ટમાઇન “નમક કોહ” નામની પહાડી વિસ્તારમાં ૧૧૦ સ્કેવર કી.મી માં આવેલ વિશ્વની બીજા નંબરની મોટી અને જૂની માઇન છે.

આ જગ્યાનો મૂળ ઇતિહાસ તો ૨૫૦ લાખ વર્ષ પૂર્વેથી શરૂ થયો છે પણ આ જગ્યાની શોધ સિકંદર ધ ગ્રેટનાં સૈન્ય દ્વારા ૩૨૬ વર્ષ પૂર્વે કરાયેલ. ૨૫૦ લાખ વર્ષ પૂર્વે અહીં મહાસાગર હતો તે હિમાલયની પર્વતમાળામાં પરિવર્તિત થયો.

કુદરતનાં આ બદલાવથી સાગરીય મીઠું તે પર્વતીય મીઠામાં ફેરવાઇ જવાથી આ નમકને સૈન્ધવ (સાગરનું) સોલ્ટને નામે ઓળખવામાં આવ્યું. જો’કે અર્વાચીન ઇતિહાસ કહે છે કે સિંધવ એ નામ હકીકતમાં સિંધ પ્રાંત પરથી આવેલું છે. એક સમયે અખંડ ભારત હતું, પણ આ પ્રાંત સિંધમાં આવેલો કહેવાતો. આજે સિંધ પ્રાંત કહેવો હોય તો તે કરાંચીને કહી શકાય પણ પંજાબ પ્રાંતને સિંધ પ્રાંત કહેવામાં નથી આવતો.

મીઠાની શોધ:-

સદીઓ અગાઉ હિંદુસ્તાન જીતવા મેસેડોનિયાથી સમ્રાટ સિકંદર પોતાનાં સૈન્ય સાથે નીકળેલો ત્યારે તેણે જેલમ નદી પાસે મુકામ કરેલો. આ મુકામ દરમ્યાન સમ્રાટ સિકંદરે જોયું કે તેઓનાં ઘોડાઓ આ જગ્યાનાં પથ્થરો ચાટીને એનર્જી મેળવી રહ્યાં છે ત્યારે અહીંની માટીની ખાસિયત ધ્યાનમાં આવેલી.

પુરાતત્વવિદોએ ખોદકામ કરતાં અહીંથી ૭૦૦૦થી ૮૦૦૦ વર્ષ પૂર્વેના અવશેષો મળી આવ્યાં, જેને કારણે આ સ્થળનું ઐતિહાસિક મહત્વ વધી ગયું. પાક આંકડા પ્રમાણે દર વર્ષે લગભગ ૪૦,૦૦૦ હજાર લોકો આ માઇનની મુલાકાત લે છે. જેમાં મોટા ભાગનાં લોકો લોકલ હોય છે.

આ માઈનમાં જવા માટેની ટિકિટ લઈ અમે અમારા ગાઈડ સાથે ટ્રેનમાં અંદર ગયાં  અને અમારી ટૂરની શરૂઆત સોલ્ટ બ્રિક્સથી કરી.

સોલ્ટ બ્રિક્સ

સોલ્ટ બ્રિકસથી અંદર જતાં અમુક રસ્તા પર નાના નાના બલ્બ લગાવેલ હતાં જેને કારણે અંદરનું અંધારું એટલું નડયું નહીં, પણ સોલ્ટ બ્રિક્સનો રંગ જોવા માટે અંધારામાં ટોર્ચનાં સીધા પ્રકાશની જરૂર હતી. આથી જ્યાં જરૂર લાગે ત્યાં લાઇટ બંધ કરી દઈ અમને માહિતી આપવામાં આવતી.

સોલ્ટ સીલિંગ

અહીં જોયેલાં સોલ્ટમાં સફેદ, લાલ, બદામી અને ગુલાબી એમ ચાર પ્રકાર છે જેમાં ૯૫-થી ૯૮ ટકા સોડિયમ ક્લોરાઈડ સાથે પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, કોપર, કૈડમિયમ, લિથિયમ, સિલ્વર, ટાઈટેનિયમ, સિલિકોન, જિંક, યુરેનિયમ, કાર્બન, એલ્યુમીનિયમ, હાઈડ્રોજન, ફ્લોરાઈડ, આયોડિન ઉપરાંત અન્ય ૮૪ જેટલાં ખનીજતત્ત્વો રહેલાં છે.

મોટાભાગનાં લોકોનું માનવું છે કે અહીંથી મળતું મીઠું એ સિંધવ મીઠું છે, પણ સિંધવ નમકમાં બીજા રસાયણો ભેળવેલાં હોય છે. સિંધા નમકમાં સોડિયમ ક્લોરાઈડ સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે; જેને કારણે આ નમક સામાન્ય રીતે રંગહીન હોય છે. પણ જ્યારે સોડિયમ ક્લોરાઈડ અન્ય ખનીજ તત્ત્વો સાથે મળી જાય છે ત્યારે આ નમક આછો બ્લૂ, ઘાટો બ્લૂ, કાળાશ પડતો, લીલો, જાંબલી, ગુલાબી, પીળો, કેસરી, ભૂરો એમ વિવિધ રંગોની છાયા પકડી લે છે.

એક સમય હતો જ્યારે આ વિવિધ રંગોની ઝાંયવાળો સિંધવ સોલ્ટ ખૈબર પશ્તુનખ્વા-પેશાવર બાજુથી આવતું હતું. હવે એવું નથી રહ્યું. પણ તેમ છતાં યે આ પેશાવર પ્રાંતનાં સિંધવ સોલ્ટનો દરજ્જો હજુ છે જ.

એમ કહેવાય છે કે; સદીઓથી આ જગ્યામાંથી સોલ્ટ કાઢવામાં આવી રહ્યું છે પણ તેમ છતાં યે આ સોલ્ટની માત્રા ઓછી નથી થઈ. હજુયે ૫૦૦ વર્ષ ચાલે તેટલું ૨૨ કરોડ ટન સોલ્ટ આ માઈનમાં છે. જેમાંથી દર વર્ષે ૪.૬૭ લાખ ટન સોલ્ટ અહીંથી કાઢવામાં આવે છે.

મુઘલ સામ્રાજ્ય દરમ્યાન અકબર બાદશાહનાં બેગમ રૂકૈયાએ આ નમકનો વ્યાપાર શરૂ કરી તેને “લાહૌરી નમક” નામ આપેલું. સોલ્ટ કાઢતી વખતે અહીં ૫૦ ટકા ખોદકામ કરી આજુબાજુનો ૫૦ ટકા વિસ્તાર છોડી દેવામાં આવે છે. આ ખાસિયતથી ખાણની અંદર જ વિવિધ ખંડો તૈયાર થયાં છે જે ખાણનાં મુખ્ય ઢાંચાને સહારો આપી રહેલ છે.

સોલ્ટ રૂમ

અગર ઉપર નીચેના ખંડો ગણવામાં આવે તો લગભગ ૨૩ માળ તો જમીનની અંદર બનેલાં છે. જ્યારે સુરંગની વાત કરીએ તો તે પહાડોની અંદર ૪૦ કી.મી સુધીનો ૨૪૦૦ ફૂટ અને ૭૩૦ મીટરનો ઉપર નીચેનો રસ્તો ખોદવામાં આવેલ છે.

અમે જેમ જેમ આગળ વધતાં ગયાં તેમ તેમ નમકમાંથી બનાવેલ વિવિધ સ્થાપત્ય નજર આવ્યાં. પ્રથમ આવ્યો તે ૩૫૦ ફૂટ ઊંચા સભા કક્ષમાં ૩૦૦ નમકનાં પગથિયાં આવ્યાં. આ પગથિયાંથી આગળ વધી અમને ૨૫ ફૂટ લાંબા સોલ્ટ બ્રિજ પાસે લઈ ગયાં. બ્રિજની આજુબાજુ અને જમીનની નીચે રહેલ ખંડમાં ખારા પાણીનાં તળાવ ભરેલાં હતાં જેમાંથી અમુક તો મુઘલ સમયનાં પણ છે.

ખંડમાં ભરાયેલ પાણીની ઊંડાઈ વિષે પૂછતાં જાણવાં મળ્યું કે “પાણી તો બહુ ઊંડું છે, પણ કોઈ પડી જાય તો તેમને બહાર નિકળવા માટે ખંડની ચારે દિશામાં સીઢીઓ છે. આમાં બીજી વાત એ પણ છે કે કોઈ પડી જાય તોયે એ ડૂબી નહીં શકે કારણ કે નમક તેમને ડૂબવાં નહીં દે.”

ત્યાંથી આગળ વધતાં અમે એક માર્બલ જેવી લીસ્સી ગુફા જોઈ. આ ગુફા વિષે પૂછતાં જાણવાં મળ્યું કે વિઝિટરો અને ખાણીયાઓ આવતાં જતાં આ દીવાલને ચાટતાં જતાં તેથી અહીંનો ખરબચડો ભાગ ધીરેધીરે કરીને લીસો બની ગયો.

સોલ્ટ કેવ્ઝ

ખેવરા સોલ્ટ માઈનની અંદરનું વાતાવરણ એટલું મોહક હતું કે અમે આ અહીં ઘણીવાર સુધી ફરતાં રહ્યાં. અમને ખોવાયેલ જોઈ ગાઈડ રતુજીએ (રહેમતુલ્લાજી) છતમાં રહેલ એક સફેદ મીઠાનો ટુકડો તોડી મારા હાથમાં મૂક્યો. તે જોઈ બે -પળ એક બાળકની જેમ મારું મો ખીલી ઉઠ્યું, પણ પછી નવાઈ જોઈ રહી. કુદરતને જે રૂપ બનાવતાં યુગો વિત્યાં હતાં તે રૂપને રતુજીએ તેનાં રૂટથી છૂટો કરી નાખ્યો હતો. આ સમયે કદાચ મારા મનોભાવને રહેમતુલ્લાજી જાણી ગયાં હતાં તેથી મને કહે “બીબીજી આપ ફ્રિક્ર ના કરે કુદરત વાપસ અપને આપ કો જોડ લેગી.” તે ફરી અંદર ગયો અને અંદરની અંધારી કેવ્ઝમાંથી પોલિશ કરાયેલ સોલ્ટ બ્રિકસ અને રો પીસ લાવી મારા હાથમાં મૂકી દીધાં.

અહીં સારો એવો સમય વિતાવ્યાં પછી અમે કેવ્ઝની બહાર નીકળ્યાં ત્યારે વરસાદ હજુ વરસી રહ્યો હતો જેને કારણે વાતાવરણમાં ખાસ્સી ઠંડી હતી. આ ઠંડીથી અને વરસાદથી બચવા ઠૂં….ઠૂં કરતાં અમે બે પળ માટે ફરી કેવ્ઝમાં પાછા ફરવા વિચારવા લાગ્યાં કારણ કે આ સોલ્ટ કેવ્ઝ એક જ ટેમ્પરેચરને પકડીને બેઠું હતું જેથી અંદર અમને ન ઠંડી લાગતી હતી, ન ગરમી લાગતી હતી અને બહારની દુનિયાની તો અમને ખબર જ ન હતી.

© પૂર્વી મોદી મલકાણ, યુ.એસ. એ.
purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment