કવિશ્રી ચિનુ મોદી ~ પુણ્યસ્મૃતિમાં ચાર ગઝલ

ચિનુ મોદી ‘ઈર્શાદ’

1. યત્નો ઠાલા….!

શબ્દોમાં સાચું ખોટું કરવાના યત્નો ઠાલા,
પોતીકા પોલાણોને ભરવાના  યત્નો ઠાલા.

ઊગેલી દીવાલોને પણ ઠેકીને ક્યાં જાઉં?
ખોડેલા અશ્વો માથે ફરવાના  યત્નો ઠાલા

તૂટેલા સંદર્ભોના પડછાયા કાળાપીળા
પડછાયે સંકેલાઈ સરવાના  યત્નો ઠાલા

નામેરી ચહેરાઓની રેખાઓ આઘીપાછી
રેખાઓ હરતીફરતી કરવાના યત્નો ઠાલા

અંધારે ઝાંખાપાંખા કાંટીલો મારગ કાપ્યો
સૂરજને માથે રાખી ફરવાના યત્નો ઠાલા.

2. સરસ વાત કરવાનો મોકો મળ્યો…!

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર: હું છું વહેતો પવન,
બધાને ઘેર ફરવાનો મોકો મળ્યો.

હતાં ઝાંઝવા એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો.

થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

3. મન વગર…!

તું મને મળતી ખરી પણ મન વગર
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર.

શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડ ખડ હસું છું ભય વગર.

જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.

દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.

સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.

4. સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ?

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ?
જીવવા માટે બહાનું જોઈએ.

એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ?

એક પરપોટો ઘણો સુંદર હતો,
પણ હવાને ચાલવાનું જોઈએ.

સીમમાંથી ઘર તરફ પાછા જતાં,
આ ક્ષણે પંખી મજાનું જોઈએ.

વાટ વચ્ચે અધવચ લૂંટશે તને,
જીવ તારે ચોરખાનું જોઈએ.

આંસુ જ્યાં થીજી ગયેલા હોય છે,
સાંભરણ એવી જગાનું જોઈએ?

તું કહે ત્યાં આવશે ‘ઈર્શાદ’ પણ,
એક ઢેફું આ ધરાનું જોઈએ.

~ ચિનુ મોદી

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment