૩ કાવ્ય ~ ભાવેશ ભટ્ટ

૧. બચ્યા (ગઝલ)

આંખોની જેમ મનને મીંચી, ભાનથી બચ્યા
વેરાનમાં રહી અને વેરાનથી બચ્યા

‘ઈશ્વર-કૃપા છે આ તો, કશું મેં નથી કર્યું’
આવું બધું કહીને અભિમાનથી બચ્યા!

આદર મળ્યો છે ખૂબ પછી બાદશાહનો
અંદર જતા જે મહેલના દરવાનથી બચ્યા

શું ખોયું છે નો ક્યાં કદી અંદાજ હોય છે!
લાગે છે જ્યારે જીવના નુકસાનથી બચ્યા

આશ્ચર્ય વચ્ચે હોય છે આરામ શ્વાસમાં!
ડ્હાપણનો હાથ છોડી જો અનુમાનથી બચ્યા

ચહેરાની બાબતે તું, હું સિક્કાની બાબતે
ગમતા ન હોય એવા મહેમાનથી બચ્યા

લંકાનો નાશ પણ કોઈ માથે શું કામ લે?
સંતાડી ટચલી આંગળી વરદાનથી બચ્યા

૨. નથી પડતો (ગઝલ)

‘બધાયે માનવી સરખા’નો ભ્રમ સાચો નથી પડતો
અમુકની રાહ જોવામાં મને વાંધો નથી પડતો!

તમે ફુરસત લઈ આવો તો બીજે ક્યાંક પાડીએ
અહીં પૃથ્વી ઉપર ફોટો બહુ સારો નથી પડતો

હતું બસ આટલું આકાશની ઊંચાઈનું તારણ
પડે છે જેટલો વરસાદ એ તાજો નથી પડતો

સિતારા જેટલા દેખાય છે, તડજોડવાળા છે
ટકે છે એ જ કે જે સૂર્યની સામો નથી પડતો

હતાશા ઊંચકી ભારે પગે છત પર ચઢ્યો હમણાં
છે એની છાપ કે જ્યાં જાય ત્યાં પાછો નથી પડતો

હજીયે કૈંક આંખોમાં બચી છે આટલી ધરપત
પડે છે રાત, એવો તો હજી દાડો નથી પડતો

જગત પર કેટલો મોટો છે આ ઉપકાર કુદરતનો
પડે જો બદનજર કોઈની તો ડાઘો નથી પડતો

૩. રિમોટ (અછાંદસ)

ખુશીના ભાવ તો ચહેરા ઉપર આવ્યા
અને સાથે નવાઈ પણ ઘણી લાગી
રવિવારે અચાનક ફોન ઓફિસથી જો આવ્યો’તો
અને એ પણ ન આવે માનવામાં એક એવી ખુશખબર દેવા
અને પાછી હકીકત જો જુઓને તો
સદા સાહેબ સાથે કૈંક તો ચડભડ રહેતી’તી
ભલે ને જીવ રેડીને કરે મહેનત
છતાં સંતોષ તો થાય જ નહીં સહેજે
ગમે તે રીતથી ખામી તો એ કાઢે જ કૈં એની
ગયા અઠવાડિયે તો નોકરી જઉં જઉં થઈ ગઈ’તી !
ને આ વિપરીત પરિસ્થિતિમાં ક્યાંથી આજ આવ્યો ફોન !
ને કીધું
‘તમારું કાલથી મોટું પ્રમોશન થઈ રહ્યું છે,
તમારા હાલના સાહેબના ઉપરી તરીકેનું’
ચમત્કારો જગતમાં થાય છે આજેય
એવું સાંભળ્યું’તું
આજ એને સાચું પણ લાગ્યું
ખબર જાણી સુગંધિત થઈ ગયું વાતાવરણ ઘરનું
અને સાથે બધા ચહેરા ઉપર આનંદ ઉભરાયો
હરખમાંને હરખમાં કોઈએ ના એ તરફ જોયું
કે એનો બે વરસનો દીકરો લઈ ટી.વીનું રિમોટ રમતો’તો
ફરક બસ એ હતો કે એ બટન આજે ટી.વી સામે નહીં, ભગવાનના ફોટાની સામે પ્રેસ કરતો’તો !

~ ભાવેશ ભટ્ટ (અમદાવાદ)
bhavbhatt12@gmail.com

 

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. 1) “‘ઈશ્વર-કૃપા છે આ તો, કશું મેં નથી કર્યું’
    આવું બધું કહીને અભિમાનથી બચ્યા!”

    2) “સિતારા જેટલા દેખાય છે, તડજોડવાળા છે
    ટકે છે એ જ કે જે સૂર્યની સામો નથી પડતો”

    3) “ચમત્કારો જગતમાં થાય છે આજેય”