|

પન્નાને જન્મદિને (૨૮ ડિસેમ્બર ૨૦૨૧) ~ સોનેટ (શિખરિણી) ~ નટવર ગાંધી

સવારે છાપામાં જરૂર નીરખું કોણ ગુજર્યું,
ગયા મિત્રો જૂના, નવીન વળી કૈં નાની વયના,
વળાવ્યાં કૈં વ્હાલાં, દૂર નજીકના વૃદ્વ વડીલો
હવે મારો વારો અચૂક બસ એવી ગણતરી,

હતું બાંધ્યું બીસ્ત્રે ફગવી બધું, કીધી અલવિદા,
પછી હું બેઠો’તો ભજન ભજતો, દિન ગણતો.
કરી તૈયારી સૌ, ચૂકવી દઈ સૌ દેણુ હતું તે
વળી માગી માફી કરજ હજી કૈં બાકી રહ્યું તો,

અને  ત્યાં તું આવી કમલનયના, કામ્ય, રમણી
કહ્યું: આ શું માંડ્યું? જીવન જીવવુ બાકી ઘણું છે,
રસે, ગંધે, સ્પર્શે, શ્રવણ, નયને સૃષ્ટિ સઘળી,
નથી માણી તેને તન મન થકી એક થઈને

જીવીશું, માણીશું, જીવન જીવશું સાથ જ વળી,
ઊઠો, દીધું’તું જે વચન કરવું સાર્થ હજી છે.

~ નટવર ગાંધી 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. “અને ત્યાં તું આવી કમલનયના, કામ્ય, રમણી
    કહ્યું: આ શું માંડ્યું? જીવન જીવવુ બાકી ઘણું છે,
    રસે, ગંધે, સ્પર્શે, શ્રવણ, નયને સૃષ્ટિ સઘળી,
    નથી માણી તેને તન મન થકી એક થઈને
    જીવીશું, માણીશું, જીવન જીવશું સાથ જ વળી,”

  2. શ્રી નટવર ગાંધી નું સુંદર સોનેટ
    જીવીશું, માણીશું, જીવન જીવશું સાથ જ વળી,
    ઊઠો, દીધું’તું જે વચન કરવું સાર્થ હજી છે.
    વાહ

    હમ તુમ, યુગ યુગસે યે ગીત મિલન કે ,ગાતે રહે હૈ,ગાતે રહેંગે ———-

    ~