પન્ના નાયકનો જન્મદિવસ ~ ૨૮મી ડિસેમ્બર ~ શુભેચ્છાઓ ~ કાવ્યાસ્વાદ

સામૂહિક હત્યા  ~ પન્ના નાયક

માણસોમાણસોમાણસો
ટોળામાં ડૂબેલા
ટોળામાં ઊગેલા
ટોળામાં વિકસેલા
માણસોમાણસોમાણસો
હથિયાર થઈને ઊગ્યા છે હાથ
માણસના પગ તો થઈ ગયા છે લાત
એક એક માણસની આંખ ઉપર ચશ્માં છે
એક એક માણસ અહીં ટોળાના વશમાં છે
એક એક માણસમાં
એક એક હત્યાની
મોટી મોટી વલખે સિફારસો
માણસોમાણસોમાણસો.
પાનખરનાં નગ્ન વૃક્ષ નીચે
બળવો થઈ બેઠા છે માણસો
જંપ નથીચેન નથી
જીવવાનું ઘેન નથી
વેરીલી ઝેરીલી સાપણ થઈને
એકમેકના જીવતરને ક્યારે ડસે
એવા
માણસોમાણસોમાણસો..!

આસ્વાદ – જયશ્રી વિનુ મરચંટ

માણસ એક સામાજિક પ્રાણી છે એ સત્ય તો હજારો વર્ષોથી પ્રતિપાદિત છે, પણ, આ ટેકનોલોજીના યુગમાં, Virtually –  ભ્રામિક વાસ્તવિકતા પ્રમાણે જ, માણસ સામાજિક પ્રાણી તરીકે જીવે છે, પણ, વાસ્તવમાં તો એ હવે “સામૂહિક માણસ” બની ગયો છે.

માણસ અને માનસ, જ્યારે સામૂહિક બની જાય ત્યારે એક સુગઠિત સમાજનું અવિભાજ્ય અંગ ન રહેતાં, એ એક અનિયંત્રિત ટોળું અને ટોળાની માનસિકતા બની જાય છે. માણસોનો સમૂહ, ટોળું એટલે આડેધડ ઊગી નીકળેલા Weeds – ખડ-ઝાડ-ઝાંખર અને સમાજ એટલે વ્યવસ્થિત રીતે, માવજત કરીને ઉગાડેલું ઉપવન. માવજત કરવા કે પામવા માણસોનું એકમેક સાથેનું Interaction – એકમેક સાથેની ક્રિયા-પ્રતિક્રિયા આવશ્યક છે.

આજના આ યંત્ર-યુગમાંથી હવે “હાઈ ટેક” યુગમાં પ્રવેશ કરતાં અને જીવતાં, આપણે, માણસોએ, આ એકબીજા સાથે મળવાની ક્રિયા-પ્રતિક્રિયાનો સહજ આનંદ કઈ અને કેટલી હદ સુધી ગુમાવી દીધો છે, એનો તો કોઈનેય ખ્યાલ પણ નથી!

ધીરે ધીરે સમાજનું સહિયારું અને સહભાગી અંગ, “આપણે” ન રહેતાં, માત્ર “હું” બનીને જ સમૂહમાં રહેતાં થઈ ગયાં છીએ. આવા બધાં, સહસ્ત્રો “હું” નું ટોળું, દીમક કે ઊધઈ નો રાફડો બનીને, લાંબા ગાળે કેવો વિનાશ ભીતરથી કરશે એનો વિચાર કરતાં જ કંપારી આવે છે! આ ટોળામાં, હવે માણસોના હાથ, પગ અને માનસ, હથિયાર બનીને એકમેકની સામે જ ઉપડી રહ્યાં છે. દરેક માણસે દીમક, ઊધઈની રાણીએ સ્વ-લાભાર્થે, Deliberately – જાણી જોઈને કરેલા ઝેરી પ્રચારના ચશ્માં પહેરી લીધાં છે, જેથી, માત્ર જે દેખાડવામાં આવે છે એ જ અને એટલું જ સહુ જોઈ શકે છે. આ Limited Vision – નિયંત્રિત દર્શન ભયાવહ છે, કારણ, અહીં માણસોની નિષ્પક્ષ રીતે, અમાપ વિશ્વને મોકળાશથી જોવાની કે સમજવાની શક્તિ, ક્ષમતા કુંઠિત થાય છે.  માણસ, માણસ ન રહેતાં ટોળાના વશમાં આવી જાય છે. આવાં “ટોળાશાહી” માણસો માટે બાગ ઉગાડવાનું તો શક્ય જ ક્યાંથી બને? બસ, કવયિત્રી કહે છે એમ,
પાનખરનાં નગ્ન વૃક્ષ નીચે
બળવો થઈ બેઠા છે માણસો
જંપ નથીચેન નથી
જીવવાનું ઘેન નથી
આ અજંપો અને જીવવા માટેનો ખુમાર, ઘેન, પ્રેમનો અભાવ, કેવા અનર્થો સર્જ્યા કરશે, એની કલ્પના પણ મુશ્કેલ છે. જ્યાં માણસના મનમાં પ્રેમનો અભાવ હોય છે ત્યાં ધર્મ, જાતિ અને માન્યતાની અસહમતિનું ઝેર પ્રસરે છે. આ વિષથી માણસજાત, ડાયનોસોરની જેમ, એકેમેકને ભરખી જઈને, પોતાના વિનાશ તરફ ઝડપથી વધી રહી છે. જો માણસ જાતને બચવું હોય તો શું કરવું જોઈએ, એની “પીંજણ” કે “પિષ્ટપેષણ” માં કવિ પડતા નથી, પણ, જવાબ રૂપે રજુ થયેલાં કવિના સવાલો, આપણા અંતર-મનને ઝંઝોડીને જગાડી જાય છે. એ જ કવિકર્મનું, સર્જકતાનું અને સાર્થકતાનું શિખર છે.

દેશ, ધર્મ, જાતપાત, રંગદ્વેષ અને અસહિષ્ણુતાને કારણે આજનો માણસ, માણસના લોહીનો તરસ્યો થયો છે અને કોઈ અજ્ઞાત આદેશો કે માન્યતાઓને વશ થઈને, સમસ્ત માણસજાત સામે જ સતત યુદ્ધ આદરીને બેઠો છે. આજના આવા Challenging – પડકારવાળા સમયમાં, આપણી, માણસોની “સામૂહિક હત્યા” ના વાડામાં જીવવાની આ માનસિકતા નહીં બદલાય તો શું પરિણામો આવશે એની લાલબત્તી ધરીને કવિ વિરમે છે.

જ્યાં કવિતા પૂરી થાય છે, ત્યાં જ, કાવ્યનું અનંત આકાશ ખુલે છે અને એ જ પન્નાબેનની કવિતાનો Charm – મોહિની, લાવણ્ય અને આભિજાત્ય છે, જેની અનુભૂતિ અહીં પાછી ફરી એક વાર થાય છે. આ કવિતા જ્યારે પણ, ભૂતકાળમાં લખાઈ હશે, પણ, આજના સમયને, આ કવિતાથી વધુ સારી રીતે, બીજું કોઈ પણ સર્જન વર્ણવી શકત નહીં. સાચા કવિ અને સર્જકની કૃતિઓ દેશકાળથી પરે હોય છે, એનું ઉત્તમ ઉદાહરણ આ કવિતા પૂરૂં પાડે છે. મારૂં મસ્તક અહીં કવિના ચરણોમાં આદરથી ઝૂકી જાય છે.

 ક્લોઝઅપઃ
“શિયાળામાં વહેલા પરોઢિયે, મારા રૂમમાં આવીને,
લાઈટ ઓન કરીને, મારી મા મને રોજ સવારે,
વ્હાલથી જગાડતાં કહેતી, “કેટલું ઊંઘશે, જાગ, રાત તો પૂરી થઈ ગઈ!’
હવે હું આ રાત પૂરી થવાની રાહ જોતી બેઠી છું,
કે ક્યારે મા આવીને કહેશે કે,
“બેટા, ઊઠ, રાત પૂરી થઈ ગઈ!”
હું બસ, હજુ રાહ જોયા જ કરું છું.”

(ઉપરની પંક્તિઓ જયશ્રી મરચંટની અંગ્રેજી કવિતાWaiting” ની નીચેની પંક્તિઓનો ભાવાનુવાદ છે.)
“In the dark winter morning
My mom used to wake me up, by turning on the lights in my room,
Saying, “Night is over, wake up sleepy head”
Today, I am waiting for this night to end
So that Mom can come and say
“Night is over, wake up sleepy head”
I am still waiting and waiting and…”

***

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. સુ શ્રી પન્ના નાયકના જન્મદિવસે
    હાસ્ય અને ખુશીઓથી ભરેલા દિવસની શુભેચ્છા. જન્મદિવસ ની શુભકામના!
    સરસ રચનાઓનો શુશ્રી જયશ્રી વિનુ મરચંટનો ખૂબ સ રસ આસ્વાદ –