જૂઈનાં ફૂલોની મહેક (લેખ) – હિતેન આનંદપરા ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ ગુજરાતી મિડ-ડે

આપણા સાહિત્યિક ઇતિહાસમાં નારીલિખિત સાહિત્યની નોંધ પ્રમાણમાં ઘણી ઓછી લેવાઈ છે. આ મેણુ ભાંગવા સતત કાર્યરત ડૉ. ઉષા ઉપાધ્યાયનું વધુ એક સંપાદન પ્રગટ થયું છે જેનું શીર્ષક છે જૂઈનાં ફૂલો. જૂઈની વેલ થાય છે. જૂઈને સાહેલી પણ કહેવામાં આવે છે. કલમને નાતે જોડાયેલી આવી ૮૧ સહેલીઓ – કવયિત્રીઓના ચૂંટેલા શેરોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી કેટલાક જૂઈ-શેરોની ખુશબૂ આપણે પણ માણીએ. આશા પુરોહિત સ્ત્રીના વિવિધ સ્વરૂપોનું દર્શન કરાવે છે…
બને છે બેન, બેટી, વહુ ને ભાભી, પત્ની કે મમ્મી
જનમ છે એક ને તોયે ઘણા અવતાર રાખે છે
મલ્ટી ટાસ્કિંગ સ્ત્રી માટે સહજ વાત રહી છે. ઍટ અ ટાઈમ કાને મોબાઈલ મૂકી પિયરે દીકરી બનીને વાત કરી શકે, અન્નપૂર્ણાની જવાબારી નિભાવતા રોટલી પણ બનાવી શકે અને સંતાનને જરૂર પડે ટીકટોક કરી મમ્મીની જવાબદારી પણ અદા કરી શકે. પરિવાર પરત્વેની આ શક્તિ ક્યાંથી આવે છે એનો સરળ જવાબ દિવ્યા મોદી આપે છે…
એટલે તો મન ભરીને ચાહ્યો તને
કાળજાની કાળજી કરવી હતી
પરિવારની કાળજી રાખવામાં સ્ત્રીએ કેટલીયે વાર પોતાની ઇચ્છાને ઍનેસ્થેસિયા આપી દેવો પડે.  સર્જનાત્મક લખાણોમાં પ્રવૃત્ત ઘણી સ્ત્રીઓ ચાલીસ કે પચાસની ઉંમર પછી કલમ ઉપાડે છે. સંસારની સફરમાં મન મુજબ લેફટ-રાઈટ જવાની અનુકુળતા બધાને નથી મળતી. ઘણા કિસ્સામાં તો લેફટ-રાઈટ લેવાઈ જતી હોય છે. ઉષા ઉપાધ્યાય એ સાધનાની વાત છેડે છે, જે જિંદગી જીવવા જેવી બનાવે છે…
હતી ગિરનારમાં કરતાલ, દ્વારિકા વસે મીરાં
કલમની સાધનાથી હું, રસમ એની નિભાવું છું
અવ્યક્ત રહેતી ઇચ્છાઓ ગૅસ ચેમ્બરમાં ગુંગળાઈ મરતાં જ્યુઈશ જેવી થઈ જાય. ભીતરની સામગ્રીનો પિંડ ન બંધાય તો વિસ્ફોટ થવાની શક્યતા વધી જાય. સાહિત્ય અને કલાનું કામ ભીતરમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાનું અને અંદરની અકળામણને શાતા આપવાનું છે. જો આ ટેકો લઈ લેવામાં આવે તો વૃક્ષ ધરાશાયી થઈ શકે. કિરણ જોગીદાસ ‘રોશન’ની વાતમાં એક તરફ પર્યાવરણ તો બીજી તરફ સુકાયેલી સરવાણી સાંભળી શકાશે…  
સવારે નીકળી ચકલી તણખલું શોધવા માટે
ફરી પાછી તો આખું ઝાડ એનું થઈ ગયું ગાયબ
અનેક સવાલદારીઓ ઝેલી, જવાબદારીઓનું વહન કરવું સહેલું નથી હોતું. વર અને ઘરને સાચવવામાં સ્વર ટુંપાતો હોય તો ટહુકાને બદલે ડૂમા જન્મે. જે કૌશલ્યને અભિવ્યક્તિનો અવસર ન મળે તેણે કરુણને વ્હાલું કરવું પડે. સંસાર આનંદ સાથે બંધન પણ લઈને આવે છે. એનો રેશિયો નક્કી કરે કે રહેંસાવાનું છે કે રિચાર્જ થવાનું છે. ગોપાલી બુચનો સવાલ અનેક અર્થછાયાઓ ધરાવે છે…
સાદ દીધો, ગીત આપ્યું, વૃક્ષ સાથે આભ પણ
પણ ખૂલે ના પાંખ તારી તો પછી હું શું કરું?
જેને ઊડતા આવડતું હોય એને પીંજરામાં પૂરી રખાય તો એની પાંખોને પેરેલિસિસ થઈ જાય. એક દિવસ એવો આવે કે સિલકમાં એકાદ બે પીંછાની મૂડી જ બચે. પીંજરાની અંદરની છટપટાહટ સળિયા સાથે અથડાઈને પાછી ફરવાની નિયતિ ધરાવે છે. સળિયાની બહારનું સુખ હોય તો ઘરની ભીંત સાથે અફળાઈને પાછી ફરે. છતાં એકાદ દિવસ તો એવો આવે કે દક્ષા સંઘવી જેવો ઠરેલ આક્રોશ સરી પડે…
મઝામાં છું કહી, વાસી દીધાં છે ઢાંકણા જેના
અગર એ બરણીઓ ખૂલી ગઈ તો શું થશે? બોલો!
વિકટ પરિસ્થિતિઓમાં કોઈક સથવારો હોવો જોઈએ જેના ખભે માથું મૂકી હૈયું ખાલી કરી શકાય. સ્વજન પાસેથી સ્નેહની ઉણપ જ મળ્યા કરે ત્યારે સખી વહારે આવતી હોય છે. મૈત્રી પણ ઋણાનુબંધનો વિષય છે. એ થાય તો થાય. એમાં એક વૅવલેન્થ સર્જાવી જોઈએ. જો આ હૈયાધારણ પણ કાચી નીકળે તો જયશ્રી વિનુ મરચંટ કહે છે તે બે જ પર્યાય બાકી રહે…  
હોય મોત કે મુશ્કેલી, બે નામ કાયમ સાથમાં
એ એક ઈશ્વરનું હતું અને બીજું તે માનું હતું

ક્યા બાત હૈ

સૌને શુભેચ્છા આપવા સક્ષમ બની શકે
એવા જ દિલની પ્રાર્થના અક્ષત બની શકે
જિજ્ઞા ત્રિવેદી

બધી નાજુક અદાઓને સમેટી બાનમાં રાખો
વધારે જુલ્ફ ભીની હોય તો ટુવાલમાં રાખો
જિજ્ઞા મહેતા

આખેઆખી ભીની થઈ ગઈ
છેલ્લે આંખે નમતું મૂક્યું
ચૈતાલી જોગી

પડે આભથી ક્યાં પછી કોઈ ફુગ્ગા
તમે જે ભરી એ હવાઓ ગમે છે
દિવ્યા સોજિત્રા

પ્યાસ નજરે પડે તો જોવી છે
આયનો જળ ઉપર ધરું છું હું
દીના શાહ

ચીસ મૂંગી નીકળી પણ સાંભળી ના કોઈએ
ભીતરે વિદ્રોહ કેવા ચળવળે છે શ્વાસમાં?
જિગીષા રાજ
****

જૂઈનાં ફૂલો – સંપાદન: ઉષા ઉપાધ્યાય
પ્રકાશક: ફ્લેમિંગો પબ્લિકેશન્સ
૧૪, ચોથે માળે, વન્દેમાતરમ્ આર્કેડ,
વન્દેમાતરમ્ રોડ, ગોતા, અમદાવાદ – ૩૮૨ ૪૮૧
મોબાઈલ: +૯૧ ૯૮૭૯૦ ૨૮૪૭૭
email: flamingopublications@gmail.com

Leave a Reply to pragnajuCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. V nice અંતરનો આંબલિયો મ્હોરી ઉઠ્યો

  2. ડૉ. ઉષા ઉપાધ્યાયનું સંપાદન જૂઈનાં ફૂલો.
    ૮૧ સહેલીઓ – કવયિત્રીઓના ચૂંટેલા શેરોનુ સ રસ સંકલન.