બે કાવ્ય ~ જયન્ત પાઠક ~ જન્મદિન: ૨૦ ઑક્ટોબર
૧. જૂના પત્રોનો નાશ કરતાં
પત્રો જૂના અણમૂલ ખજાનો ગણી સાચવેલા,
પાને પાને ઊકલતી કશી લાગણીની ગડીઓ !
વર્ણે વર્ણે વિભવ ઉર ને ચિત્તના ઠાલવેલા,
નાનાંમોટાં સુખદુ:ખ તણી સુપ્ત જેમાં ઘડીઓ.
કેવાં કેવાં વચન પ્રણયાનંદનાં ને વ્યથાનાં :
આખાં હૈયાં પરબીડિયું થૈ કાળ ને સ્થાન કેરાં
વીંધીને અંતર અહીં સુધી લાવતાં લોક છાનાં
ઊનાં આંસુ તણું લવણ ને લાસ્ય આનંદપ્રેર્યાં !
હૈયે ચાંપી બહુ વખત જેનો કર્યો પાઠ પ્રીતે;
‘રે સંબંધો મરણ પછીયે ના છૂટે કોઈ રીતે’
એવાં એવાં વચન વદતાં કાળની ઠેકડીઓ
કીધી; આજે ખબર પડી કે આખરે એ જ જીત્યો !
જૂના પત્રો અહીં તહીં ચીરા ઊડતા જોઈ રહેતો
થોડું કંપે કર, હૃદય થોડું દ્રવે
થોડું….. થોડું જ એ તો !
૨. અવતાર
ક્ષિતિજ-કાંઠે રાહ જોઈ ઊભેલી
ઉષાને માથે
સૂરજનો ઘડો ચઢાવવા હવે મારાથી જવાતું નથી.
ઝરણાના વળાંકોમાં
મનને વાળવાનું ફાવતું નથી
વૃક્ષમાંથી ટપટપ ટપકતા ટહુકામાં
ઉઘાડે ડિલે પલળવાનું અઘરું લાગે છે.
થરકતા ઘાસ સાથે
મારા રોમાંચનો પ્રાસ મળતો નથી
ગોરજમાં હવે ગુલાલની સોડમ આવતી નથી
જાડા કાચની આંખે
શિશુઆંખનો વિસ્મય વંચાતો નથી
લાગે છે કે એક અવતાર પૂરો થયો છે
ને
હું લખચોરાશી ફેરામાં
ચોપગાંની જાતમાં જન્મી ચૂક્યો છું!
~ જયન્ત પાઠક
કવિશ્રી જયન્ત પાઠકની સ્મરણાંજલીમા બે સ રસ રચનાઓ
ધન્યવાદ