ચૂંટેલા ૩૧ શેર ~ હર્ષ બ્રહ્મભટ્ટ ~ જન્મદિન: ૩૧ જુલાઈ

હર્ષ બ્રહ્મભટ્ટના જન્મદિન નિમિત્તે તેમના ગઝલસંગ્રહોમાંથી ચૂંટેલા ૩૧ શેર:
૧.
એમાં જ હું વણતો રહું છું રંગ સૃષ્ટિના 
મારી ગઝલના પોતમાં મારો કબીર છે 
૨.
કેટલાં વરસો ગયાં એ ભૂંસવામાં 
ક્રોધમાં જે શબ્દ હું બે-ચાર બોલ્યો 
૩.
માત્ર આધાર છે સૌ રજુઆત પર 
વાત તો કોઈની ક્યાં નવી હોય છે?
૪.
જળની જ કોઈ દેરી ને જળનો પવન હશે 
કૈં વાર ધજા જેમ ત્યાં ફરફરતી માછલી 
૫.
કરી કાળી મજૂરી સાવ થાકી ગઈ છે ઊંઘી મા
દિવસની જેમ બાળક એકલું રડતું પથારીમાં 
૬.
રોજ શ્રદ્ધામાં થતી વધઘટ રહી 
રોજ વત્તાઓછા ઈશ્વરમાં રહ્યાં 
૭.
એની તમામ સાંજ ફરું છું હું ઊંચકી 
સપનામાં જે સદાય સૂરજ ઊગતો રહ્યો 
૮.
એક બીજું આકાશ છે ભીતર 
પરોઢિયે કલરવ સંભળાતો 
૯.
મેં જ તો એને સતત ઝંખી હતી 
વેદના મારી જીવનસંગી હતી 
૧૦.
ઇ-મૅઇલ બ્લેન્ક મોકલું છું હું તને 
વાંચી શકે તો વાંચ તું ખાલીપણું 
૧૧.
અર્થ ક્યાં છે આ દીવાલોનો હવે 
બ્હાર પણ હું, હું જ અંદર હોઉં છું 
૧૨.
આ ઝરૂખાઓ કશાની શોધમાં 
કાંગરા છોડીને, બસ દોડી ગયા 
૧૩.
એક પળ એવી મળે 
વિસ્તરે ને યુગ બને 
૧૪.
આંખમાં આવ્યાં નથી એ આંસુઓ 
લો, જુઓ દરિયા સુધી રેલાય છે 
૧૫.
એક હોડી આંખમાં દેખાય છે 
હાથ મારા, લો હલેસાં થાય છે 
૧૬.
ખુદને ય ક્યાં મળ્યો છું 
ગુમનામ આદમી છું 
૧૭.
નથી ક્યાંય જંગલ, ન તો ઘાસ લીલું 
હરણને બચાવી હું ઊભો રહ્યો છું 
૧૮.
કરો હાથ લાંબો ને ચૂંટી લો તારા 
કહો ક્યાં સુધી આમ કણસ્યા કરીશું?
૧૯.
બા અને બાપુ મરણ પામે ઘણાં વર્ષો થયાં 
તોય સાંજે લાગતું બોલાવતા જમવા મને 
૨૦.
હોઉં છું સિદ્ધાર્થ હું વહેલી સવારે 
‘હર્ષ’ થૈને સાંજના પાછો વળું છું 
૨૧.
કોઈ સુખદુઃખના પ્રસંગે બે ઘડી રોકાઉં છું 
મારું મારા પડોશી જેવું સગપણ હોય છે 
૨૨.
ભાગ્ય પણ કેવું ઘડ્યું છે ઈશ્વરે 
ખેતરો ખોવાય ત્યારે હળ મળે 
૨૩.
શબ્દોમાં એને ઢાળતાં વર્ષો વીતી જશે 
પૂછી ગયાં છે આંખથી એવું સહજ મને 
૨૪.
જિંદગીભર શ્વાસ ચૂકવતા રહ્યા 
મોતનું માથે ગજબ દેવું હતું 
૨૫.
તું જ સંસારી ને સંન્યાસી હતું 
બેઉ બાજુ આમ ના ભટકાવ મન 
૨૬.
નામ પાડી ગયો એ નદીઓનાં 
જે હતો તરસી નજરનો માણસ 
૨૭.
રોજ એનું એ જ છાપું, એ જ આઘાતો દુઃખદ 
કૈંક જીવવું પણ ગમે એવું છપાતું હોત તો! 
૨૮.
પ્રેમની પાગલ અવસ્થા કઈ હદે આ
પ્રાર્થના, પૂજા અને વંદન બની ગઈ 
૨૯.
એક આંખો છે કે પળભર સાચવે ના આંસુઓ 
એક છે આ મન કે દુઃખ દુનિયાનાં સંઘરતું રહે 
૩૦.
વૈદજી બોલી ઊઠ્યા જોઈ ગતિ નાડીની
તરસનો રોગ છે, વરસાદી યાદ છોડી દે
૩૧.
કૈં ગજબનું તેં પલ્લું બરાબર કર્યું 
જે હતું બુંદમાં એ જ સાગર કર્યું 

~ હર્ષ બ્રહ્મભટ્ટ



આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટ ને જન્મદિન મુબારક
    વૈદજી બોલી ઊઠ્યા જોઈ ગતિ નાડીની
    તરસનો રોગ છે, વરસાદી યાદ છોડી દે
    વાહ્

  2. ખૂબ સરસ……ખૂબ સુંદર……. વાહ…… વાહ

  3. સરસ મજાનું સંકલન

    કવિને જન્મદિવસ પર સુમધુર સ્નેહ કામનાઓ