બે કાવ્ય ~ (૧) અચાનક (૨) માળો ~ મીનાક્ષી પંડિત ~ જન્મદિન: ૨૧ જૂન
૧. અચાનક
કાલે અચાનક વરસાદ પડે અને
સમગ્ર વાતાવરણ ખુશનુમા થઈ જાય
સવારે ઑફિસમાં આવતો સૂરજ રજા લઈ
ચાલ્યો જાય પહાડોની કોતરમાં ફરવા,
અથવા
બહાર જ ન આવે દરિયાની ગોદથી
અથવા
એને એની જ ગરમીથી ત્રાસ થઈ જતાં
ખોલી દે આકાશના શાવરને
અચાનક પડેલા વરસાદથી મઘમઘતી
માટી મીઠી લાગે છે હં!
મને એવી સોડમ બહુ ગમે છે હં!
તું પણ કોઈ દિવસ આમ
અચાનક આવી જાય તો?
***
૨. માળો
મોકળા મને રડી શકું એની કને
એવો ખમતીધર છે એ
વિશ્વાસપૂર્વક હાથ મૂકી શકું
એવા ખભા છે એના
અક્ષરો વચ્ચેની ખાલી જગ્યાનો
અર્થ સમજાવ્યો છે એણે
સળીઓ ભેગી કરી
માળો બાંધતી ચકલીને
છબીની પાછળથી
ઉડાડી મૂકતી હતી પહેલાં
હવે
ખુશ થાઉં છું એને જોઈને
~ મીનાક્ષી પંડિત

સુંદર કાવ્યો
બન્ને રચના સ રસ
તેમા માંળો વધુ ગમી
વિશ્વાસપૂર્વક હાથ મૂકી શકું
એવા ખભા છે એના
અક્ષરો વચ્ચેની ખાલી જગ્યાનો
અર્થ સમજાવ્યો છે એણે
વાહ
યાદ આવે
કોઈ એક છેવાડાના ગામમાં,
વૃક્ષ નીચે ખાટલામાં સુતેલ,
એકલો અટૂલો નિવૃત વૃદ્ધ જન ,
નીરખી રહ્યો ઉંચી નજર કરી ,
વૃક્ષની ડાળે રચેલ પંખીના માળાને.
માળો જોઈ વિચારે ચડ્યો કે ,
તિનકા તિનકા ગોઠવી દિનરાત,
કેવો મજાનો રચ્યો છે આ માળો
બે મહેનતુ પંખી યુગલે !
ચણ વીણી લાવી ચાંચમાં એમની,
જાતે ભૂખ્યા રહીને પણ પોષ્યાં ,
કેવાં એમનાં વ્હાલાં બચ્ચાંઓને ,
ઠંડી, ગરમી કે વરસાદમાં પણ
પાંખો ફેલાવી કેવું જતન કર્યું હતું એમનું હેતથી !
કેવાં ખુશ થયાં હતાં જોઈ એમને મોટાં ,
પણ આ શિશુ પંખીડાં મોટાં થઇ ગયાં ,
એમની પાંખો મજબુત થઇ ગઈ ,
જોત જોતામાં તો ઉડી ગયાં એક દિન,
અને ખુબ મહેનતે રચેલો એમનો ,
આ સુંદર પંખી માળો ઉજડી ગયો !
વૃક્ષ નીચે સુતેલ વિચાર મગ્ન વૃદ્ધ ,
ઊંડો નિસાસો નાખી, કહી રહ્યો એના મનને,
પંખીડાં મારાં પણ ઉડી ગયાં છે વિદેશે ,
પોત પોતાનો આગવો માળો રચવાને,
પેલાં પંખીઓની જેમ મારો પણ ,
માળો જોત જોતામાં કેવો ઉજડી ગયો !
રહી ગયાં માત્ર હું ને મારી વેદનાઓ,
અને મારાં પંખીડાંની એ હરી ભરી યાદો ,
ઓ મારાં ઉડી ગયેલ પંખીડાંઓ ,
સુખેથી ચણજો, રહેજો ,તમારા રચેલ માળામાં,
આશીર્વાદ આપી રહ્યો છે તમને આજે,
ખાટલે સુતેલ આ એકલો અટૂલો તમારો ,
શરીરે હવે નબળો પડેલો વૃદ્ધ બાપ !