વેક્સિન ~ એષા દાદાવાળા

પઠન: એષા દાદાવાળા

એક વેક્સિન મારે પણ શોધવી છે….
બોરિયત-રોજીંદી ઘટમાળમાં
ફસાઇ ગયેલાઓને બહાર કાઢે એવી…
કૂકરની ત્રીજી સીટીએ રસોડામાં દોડી જતી સ્ત્રીઓને
થોડી પળો માટે ગણતરીઓ ભૂલાવી દે એવી…
પિસ્તાળીસમા વર્ષે માથા પર બેસી રહેલી સફેદીને
મેઘધનુષી રંગે રંગી નાંખે એવી…
ભૂલી જવા જેવી, પણ યાદ રહી ગયેલી ઘટનાઓને
યાદ-દાશ્તમાંથી બાકાત કરી આપે એવી…
કિસ્મતે હિસ્સામાં નહીં મૂકી આપેલી પળો-ઘટનાઓ
અને વ્યક્તિઓને મનનાં દરવાજેથી “ગેટ આઉટ” કહી શકે એવી….
“એ” પાસે હોય ત્યારે સમયને અટકાવી દે
અને “એ” પાસે ન હોય ત્યારે સમયને દોડાવી દે એવી….
દીકરીની પિંક હેરબેન્ડનાં ખોટ્ટા પતંગિયાને
સાચ્ચું કરી આપે એવી….
ઘરડાં થતા જતા મા-બાપની આંખોમાંથી
પ્રતીક્ષાને બાદ કરી આપે એવી…
એક વેક્સિન મારે પણ શોધવી છે
સ્વીકારની પરવા કર્યા વિના ચહેરા પર પહેરી રાખેલા,
પહેરવા પડેલા તમામ માસ્ક ઉતારી આપે એવી ! 

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. કવયિત્રી એષા દાદાવાળાની રચના વેક્સિન નુ તેમના જ સ્વરમા સ રસ પઠન