ચાલ ફરીથી રમીયે રે ~ મેઘબિંદુ (૮૦મો જન્મદિવસ)

કવિ – મેઘબિંદુ,
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર – હંસા દવે અને સાથીઓ

કવિ મેઘબિંદુ ડોડેચાનો આજે, તા. ૯ ડિસેમ્બરે , ૮૦મો જન્મદિવસ. આ સજ્જન કવિના સર્જન સંગીતકારોને કાયમ અતિપ્રિય રહ્યા છે. તેમના ગીતોના સ્વરાંકનોની સંખ્યા ક્યારની ય સદી પાર કરી ચુકી છે. એમાં પણ લિવિંગ લિજેન્ડ PU (પુરુષોત્તમ ઉપાધ્યાય) સ્વરાંકિત ગીતોએ ચાહકોને ન્યાલ કર્યા છે. સુગમ સંગીત કેવું હોવું જોઈએ એનો અણસાર આપે એવું એક ઓર્ગેનિક સ્વરાંકન સાંભળીને કવિને શુભેચ્છા પાઠવીએ.

(ગીત)
તારા મારા સપનાઓની લઇ લખોટી રમીયે રે
વીતેલી વાતોને ભૂલી, ચાલ ફરીથી રમીયે રે..

હવે પછી આ જીવનબાજી રમતાં રમતાં
અંચઇ કદી ના કરશું રે.
હવે ફરીથી કોઇ પ્રસંગે, કોઇ વાતના
સોગંદ કદી ના લઇશું રે,
રમત અધૂરી મુકેલી જે, એને પૂરી કરીયે રે.
ચાલ ફરીથી રમીયે રે.

હવે ફરીથી સ્મિત, સ્પર્શ ને સંકેતોની
લેવડદેવડ કરીયે રે,
બંધાયો  સંબંધ આપણો, સાથે રહીને
પળપળ એની ઊજવીયે રે.
જુદાઇ કેરો રસ્તો છોડી, જલ્દી પાછા વળિયે રે
ચાલ ફરીથી રમીયે રે.

~ મેઘબિંદુ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. મેઘબિંદુ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
    માણ્યું, એમનું ગીત. હંસા દવે નો મીઠો સ્વર મનભરીને માણ્યો. અભિનંદન.
    … યોગેશ શાહ

  2. કવિ – મેઘબિંદુની સુંદર રચનાનું સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાયનુ અને સ્વર – હંસા દવે અને સાથીઓનો માણવાની મજા આવી