“એક વાર્તા તો લખીશ…!” ~ વાર્તા ~ ઋતંભરા કલ્પેન્દ્ર છાયા, વડોદરા

“અરે પંથા,  તૈયાર થઈ ગઈ કે નહીં?  આ પાવની તારી રાહ જોઈને બેઠી છે.” “આવું.  છું મમ્મી, આ પાવની પણ બહુ ઉતાવળી  છે….”  પંથાનો બબડાટ ચાલુ થઈ ગયો…” આટલા મસ્ત પ્રોગ્રામમાં જવું હોય તો તૈયાર તો થવું જ  પડેને.! વર્ષમાં એકવાર  ટેલેન્ટ  ઇવનિંગનો પ્રોગ્રામ થાય છે. એમાં અમને અમારો ગરબો પ્રથમ આવ્યો,  એટલે તેનું  પ્રાઇઝ લેવા માટે સ્ટેજ પર જવાનું  છે.”

ફરી એકવાર અરીસામાં. પોતાની જાત નિરખીને  હરખાઈ, “કંઈક તો છે હોં આપણામાં.. છાકો તો પાડશું જ.” અને  મલકાટ સાથે નીચે આવી.  “હાશ..આજના દિવસમાં. આવી તો ખરી.”. પાવની હસીને બોલી.

ઝેવિયર્સ કોલેજમાં આજે  કોલેજિયનો માટે આનંદોત્સવ છે. આખા વર્ષ દરમ્યાન જે સ્પર્ધાઓ થઈ હોય અને જેમણે ઇનામો મેળવ્યાં હોય તેમનું સન્માન અને મોમેન્ટો કે કોઈ નાની ભેટ આપવામાં આવતી. પંથા એટલે જ  ખુશ છે એને પોતાની કોઈક ઓળખ બનાવવી  છે. કંઈ નહી તો ગરબા ક્વિન તો કહેશે જ. એવા સપનાં લઈને પાવની સાથે કોલેજ ઉપડી.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપપ્રાગટ્યથી થઈ. નવોદિત ગાયકોએ ફિલ્મી ગીતો રજૂ કર્યા. એક કલાક બરાબર વિદ્યાર્થીઓ ગીતો સાથે ઝૂમ્યા. હોલમાં કિકિયારીઓ સાથે તાળીઓના અવાજો ગૂંજ્યા.

આખરે પ્રિન્સીપાલે બધાને શાંત કર્યા અને ઇનામ વિતરણ ચાલુ કરાવ્યું. સહુ પ્રથમ સાહિત્યિક સિદ્ધિઓવાળા …એટલે કે વાર્તા, મૌલિક કવિતાઓ ગઝલો લખીને ઈનામ મેળવીને કોલેજનું નામ રોશન કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને  ખૂબ અભિનંદન સાથે  મોમેન્ટો લેવા બોલાવ્યા.

પંથા સ્ટેજ પર ઉભેલા લેખકો અને કવિઓને જોતી રહી. મન જરા  ચચર્યું.. “ પાવની.. આ બધા લેખકો અને કવિઓ ક્યારથી થઈ ગયા? આપણે બધા ખબર છેને સાથે જ રમતા અને સોસાયટીમાં બધા ઉત્સવોમાં ધમાલ કરતાં, એ વાતને હજી વર્ષ નહી થયું હોય અને ત્યાં તો આ રેષા, ગાર્ગી, દેવિકા પેલો અજય, નરેશ આ બધા પોતાના નામ આગળ પેલું આયકન.. કલમનું.. એ મૂકવા માંડ્યા છે. ટૂંકી વાર્તાઓ અને નાની કવિતા.. હાઈકુ લખવા મંડ્યા છે. અત્યારે જોને આપણાં  પ્રિન્સીપાલ દરેકનું કેવું અભિવાદન કરે છે પાછા આ બધાંના ફોટા કાલે છાપામાં આવશે.”

“પંથા, સાંભળ, ડોક્ટર  હોય તે નામ આગળ ડો. લખે. એન્જીનિયર આગળ “ઈઆર.” મુકે તો લેખકો કલમને મુકી શકેને? તને વાંધો શું છે? તું એ લોકોની માથાકૂટ મૂકી દે..સાંભળ આપણી ટીમ અને ગરબાનું નામ આવ્યું. હવે આપણે સ્ટેજ પર જવાનું છે.” ટીમ લીડરે ટ્રોફી લીધી અને દરેકને કવર આપવામાં આવ્યું.

પંથાનો મૂડ ખરાબ થઈ ગયો. “આપણો તો ટોળામાં ફોટો આવશે અને પેલા લેખકોનો.. તો.. પોતાનો જ ફોટો.. એવું તે શું લખતા હશે કે વાહી વાહી ચારેબાજુ મળે.. વાર્તા લખવી એ કઈ મોટું કામ નથી. કોરો કાગળ અને મસ્ત પેન લઈને બેસી જવાનું અને મનમાં જે વાર્તા સૂઝે તે  લખવાની..”

“કોરા કાગળનો મુકાબલો પેન સાથે કરવો સહેલો નથી હો. તમારામાં ક્ષમતા હોય તો જ તમે અક્ષર સાથે વાર્તાનો દેહ આપી શકો. તારે લેખક બનવું છે? હું તને ત્રણ દિવસ આપું છું. એક નાની વાર્તા લખીને બતાવ. સમજણ પડે તેવી લખજે.”  પાવનીએ પંથાને ચાનક પણ  ચડાવી અને ચેલેન્જ પણ આપી.

“અરે એમાં શું? મેં પણ ક્યાંક વાંચ્યું. છે કે વાર્તાઓ તમારી આસપાસ બનતી ઘટનાઓમાંથી જ ઉદ્દભવે. કાલથી આપણું  નિરીક્ષણ ચાલુ. એમ કંઇ પાછી નહી પડું.”  અને બંને બેનપણીઓ છૂટી પડી.
**
આખી રાત પંથા પડખા ફેરવતી રહી અને વાર્તા વિશે વિચારતી રહી. વહેલી સવારે મસ્ત મસાલાવાળી ચાનો કપ લઈને વરંડામાં હિંચકા પર બેઠી. સોસાયટીમાં આવતો પેપરવાળો, દૂધવાળો, કચરાવાળો. એ બધાનું બારીકાઈથી નિરીક્ષણ કરતી હતી.

“આ બધા પાત્રો પર વાર્તા લખું તો કેવું?  પણ હું જાણતી તો નથી એ લોકો વિશે તો વાર્તા કેવી રીતે બને… છટ.. જવા દે.. બીજું કંઈક વિચારું.”

થોડીવારે સામેના ઘરમાંથી મા-દીકરીની ચર્ચા ધીમા અવાજે પંથાને સાંભળવા મળી.

“જો તારે ગરબામાં જવું હોય તો જા, પણ આ બેક્લેસ ચોલી અને સ્લીવલેસ બ્લાઉઝ વગેરે નહી પહેરવા દઉં. પાછું ખુલ્લી પીઠમાં ટેટૂ કરાવવું હોય છે. આ બધા ફતવા મારે ન જોઈએ..” મમ્મીનું એલાન બહાર પડ્યું..

“શું મમ્મી તું પણ.. તારા પ્રમાણે જાઉં તો મણીબેન જ લાગું. વર્ષમાં એકવાર જ આવી ફેશન કરવાની હોય એમાં તું મનાઈ કરે એવું તો નહીં જ ચાલે. હું તો મને ગમશે તે પહેરીશ.” દીકરીનું એલાન પણ બહાર પડ્યું.

“વાહ વાહ મસ્ત ટોપિક મળ્યો.. હવે આ. “નવી અને જૂની પેઢીનો સંઘર્ષ” નામની વાર્તા  લખાશે જ. શ્રી ગણેશ કરી જ નાખું.” પંથાએ ખુશ થઈને પેન અને કાગળ હાથમાં લીધાં અને ટેબલ પર ગોઠવણી કરી.

“કેવી રીતે શરૂ કરું? એમ તો વાત  મા-દીકરીની છે તો એ જ વાર્તાલાપ લખીને વાર્તા બનાવાશે. પણ બીજા બધાની વાર્તાઓમાં કંઇક સંવાદ જેવું હોય છે. તો મારે સંવાદ શું બનાવવા? ઘટનામાં સંવાદ ઉમેરવાથી વાર્તા બનતી હશે?  સા# આ તો મગજ કસવું  પડશે.”

પંથાએ પ્રયત્નપૂર્વક દસેક લીટી વાર્તા બનાવવા લખી પણ ખરી, પણ પછી આગળ વધી જ ન શકી.. અંતે કાગળ ફાડીને ડૂચો નીચે નાખીને પેન ટેબલ પર પછાડીને ઉભી થઈ ગઈ.

સાંજે ફરી પાછી વાર્તાની  ધૂન ચડી.  “ચાલ, બગીચામાં ફરવા જાઉં કદાચ ત્યાંથી વાર્તામાં ફિટ થાય એવી કોઈ ઘટના જોવા મળે!

એક બાંકડા પર બેઠક જમાવી. આસપાસ નજર દોડાવી. “અરે વાહ અહીં બગીચામાં મસ્ત ઠંડા  પવનની લહેરખીથી  વૃક્ષો  નૃત્ય કરતાં હોય તેવું લાગે છે. કેટલા વિવિધ રંગના પુષ્પો છે. પ્રકૃતિ સોળે કળાએ જાણે  ખીલી છે.” પંથા કાગળ પેન લઈને જ નીકળી હતી… વાર્તા લખવાની છે તો… પ્રકૃતિ સૌંદર્ય પર જ લખવા બેઠી.. ફરી દસ લાઇન લખી અને અટકી ગઈ…

”હે ભગવાન.. આ સંવાદોનું શું? આ પ્રકૃતિ સૌંદર્ય  લખીએ એમાં સંવાદ ક્યાંથી લાવું?”  ફરી એનું એજ.. કાગળનો ડૂચો થઈ ગયો અને પર્સમાં મુકાઈ ગયો.

નિરાશ વદને માથા પર હાથ રાખીને બેઠી. ત્યાં જ સામેનાં બાંકડે એક વડીલ થાક ખાવા બેઠા. થોડીવારે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. માંડ-માંડ ચાલુ કરી શક્યા. થોડીવાર આંગળીઓ મોબાઈલ પર ફરતી રહી પણ વારે વારે મોબાઈલ બંધ થઈ જતો જોયો.

પંથા વડીલની મુશ્કેલી સમજી. ગઈ. તરત જ વડીલ પાસે ગઈ. “લાવો દાદા તમારો મોબાઈલ. શું પ્રોબ્લેમ છે તે જોઈ દઉં… દાદા, આ તો આખો ભરાઈ ગયો છે. ઘણું ડિલીટ કરવું પડશે. તમારા કામનું મને બતાવજો. તે સિવાયનું ડિલીટ કરી નાખીશ. પછી તમારો મોબાઈલ બરાબર ચાલશે.”

“અરે બેટા, ઘણાં વખતથી આવું થાય છે પણ મને સમજણ પડે નહીં અને ઘરમાં કોઈની પાસે ટાઈમ નથી.”

“કંઈ વાંધો નહીં, હું  કરી દઉં છું…”  પંથા  મોબાઈલ ઠીક કરવામાં બિઝી થઈ ગઈ.

દાદાનો મોબાઈલ ઠીક થઈ ગયો અને પંથના દિમાગની બત્તી ઝબકી!“ ઓત્તારી. આમાંથી તો વાર્તા લખાશે. શીર્ષક આપીશ  “વડીલોની વ્યથા”.  ફરી કલમને વેગવંતી કરવા પંથાએ  હામ  ભીડી.

આ વખતે તો વાર્તા લખાશે જ.. અને લખાઈ પણ ખરી.. સંવાદો પણ જેમતેમ કરી ગોઠવ્યા. થોડે સુધી બરાબર વાર્તા ચાલી પણ પછી સંવાદો ખૂટ્યા એટલે બોધકથા જેવું લખાણ લખાવા માંડ્યું.

“હે ભગવાન..આ તો બોધકથા બની જશે તો કોઈને નહી ગમે અને કોઈ  વાર્તા તરીકે સ્વીકારશે નહીં.”

ફરી એકવાર કાગળનો ડૂચો પર્સમાં મૂકાયો અને નિરાશ વદને ગાર્ડનમાંથી પંથા ઘર ભણી ચાલી.

ઘેર પહોચતાં જ મમ્મીએ વધાવી. “ક્યાં ભટક્યા કરે છે? તારા રૂમમાં કાગળનાં ડૂચા પડ્યા છે. પર્સમા પણ ડૂચા દેખાય છે. આ શું છે બધું? પાવની તને મળવા આવી’તી. પૂછતી હતી કે પંથાએ વાર્તા લખી? તે હેં તારે વાર્તાઓ લખવી છે? લેખક બનવું છે?”

“ના ભાઈ ના. તું પણ શું મમ્મી.. એમ કંઇ લેખક થવાતું હશે. આ તો ખાલી…” પંથા મનમાં બોલી, “મજબૂત કલમનો સહારો હોય તો બધું થાય”.

રાતે પંથાને પથારીમાં પડખાં ઘસતાં વસવસો થતો હતો. “કંઈ થયું નહીં. શાહી વગરની પેન જેવી મારી દશા થઈ ગઈ.”

“ના ના એમ નહીં.. હું “વાર્તાનું મનોમંથન” નામની માઇક્રોફિકશન  લખું તો કેવું? એમાં મને જે વીત્યું છે એજ લખું. લખાશે તો ખરું જ.”

ઘણાં વિચારો પછી  પરોઢિયે કાગળ અને પેન સાથે નાનકડી વાર્તા માટે કટિબદ્ધ થઈ. લખતાં લખતાં વાર્તાના મનોમંથને આત્મકથાનું રૂપ આવ્યું. સંવાદો ન ફાવ્યા.

માઈક્રોફિક્શન જેવું રહ્યું નહીં. “હે ભગવાન…. મારા આટલા બધા પ્રયત્નો તદ્દન નકામા..! એક વાર્તા બનાવી ના શકી. મારા પ્રયત્નો ડૂચામાં ફેરવાઈ ગયા…ઓલી ચાંપલી….આવીને પૂછશે જ. શું કરું?”


ડોરબેલ વાગી જ. “ક્યાં ગયાં અમારા લેખિકા.. પંથાબેન?” ત્યાં તો ઉપરથી હાઈકલાસ, કડક સાડી, વાળનો ઢીલો અંબોડો, કપાળમાં લાલચટ્ટક ચાંદલો, હોઠે મસ્ત લાલ લિપસ્ટિક અને આછા મેકઅપ સાથે ધીમી ચાલે પંથા ઊતરી..

“પંથા, શું છે આ  બધું”? પાવની સહેજ હસીને બોલી.

“પાવની, તું વિડિઓ ચાલુ કર. હું  લેખક તો ન બની શકી. વાર્તા લખવી મારા ગજા બહારની વાત લાગી, પણ બોલી તો શકીશ જ. એટલે કે હવે  મોટીવેશનલ સ્પીકર બનીશ.”.“પણ…એમાં આ ચાંદલો…..”

“અરે. ચાંદલાથી  હું જાજરમાન લાગીશ. અને લિપસ્ટિકથી  સામી વ્યક્તિને મારો કોન્ફિડન્સ દેખાશે.. ચાલ થવા દે..”

 

~ ઋતંભરા કલ્પેન્દ્ર છાયા, વડોદરા
+91 9328735180

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.