સાયુજ્ય (વાર્તા) ~ વસુધા ઈનામદાર, બોસ્ટન
મોટાં મોટાં વૃક્ષો અને લીલીછમ હરિયાળીથી શોભતી આ મેન્ટલ હોસ્પિટલ છે. આ હોસ્પિટલની એક અનોખી દુનિયા છે, ઊંચી ઊંચી દિવાલોથી ઘેરાયેલી આ હોસ્પિટલમાં જાણે ક્યારેય રાત પડતી નથી.
ઘડિયાળના કાંટે ચોવીસ કલાક કામ કરનારો મેડિકલ સ્ટાફ છે અને વોર્ડની બહાર ખડા પગે ચોકી કરવાવાળા ચોકીદારો છે.
હોસ્પિટલનો સ્ટાફ ત્રણ શિફ્ટમાં કામ કરીને દર્દીઓની કાળજી લે છે, દિવસ અને રાત તનમનનાં દુઃખોથી પીડાતાં પોતાના જ પડછાયાથી છળી ઉઠનારાં પોતાની જાત સાથે કલાકો સુધી વાત કરનારાં તો ક્યારેક નિરાશાના વાદળ વચ્ચે ઘેરાઈને હંમેશા ચૂપ રહેનારાં, અકારણ રડતાં કે હસતાં આ બધા દર્દીઓ આપણાં સહુની દુનિયાથી દૂર છતાંય આપણી વચ્ચે “ગાંડા”ના લેબલ હેઠળ જીવે છે. એ પાગલોની દુનિયામાં અમે પણ જીવીએ છીએ, શક્ય એટલું એમનું જીવન સહજ અને સરળ બનાવવાની આશા સાથે.
હજી તો સવારના માંડ આઠેક વાગ્યા છે, આ દર્દીઓમાંથી કેટલાંક પોતાના ડોક્ટરની કે ગ્રુપ લીડરની અને કેટલાંક સોશિયલ વર્કરની રાહ જોઈ રહ્યા છે. કેટલાંક તો વળી સવારના સ્મોક બ્રેક માટે ઉતાવળા થઈને બેકયાર્ડના દરવાજે લાઈનમાં ઊભા છે.
ડોક્ટર, સોશિયલ વર્કર, સાયકિયાટ્રીક, ટેકનિશિયન અને નર્સિંગ સ્ટાફની અવરજવરથી નર્સિંગ સ્ટેશન ધમધમતું હતું. નર્સિંગ સ્ટેશનની અંદર થઈ રહેલી હિલચાલ ચારે બાજુની કાચની દિવાલોમાંથી દેખાતી હતી.
ત્યાં ફોનની ઘંટડી વાગી, મેં ફોન ઉપાડ્યો. સામે છેડેથી અવાજ આવ્યો, “હું કાઈઝર હોસ્પિટલમાંથી બોલું છું, સોશિયલ વર્કર ડોરાને આપશો કે પ્લીઝ?”
મેં કહ્યું, “હા, હમણાં જ બોલાવી લાવું.” નર્સિંગ સ્ટેશનની બહાર જઈને મેં ડોરાને બોલાવી. ડોરા એના પેશન્ટ સાથે વાત કરી રહી હતી.
ડોરાએ પૂછ્યું, “કોણ છે?”
મેં કહ્યું, “કાઈઝર હોસ્પિટલમાંથી.” ચાલતાં ચાલતાં એના પગ થંભી ગયા. મુખ પર ગ્લાનિ ફેલાઈ.
જડવત પગલે નર્સિંગ સ્ટેશનમાં આવીને ડોરાએ ફોન ઉપાડ્યો. “હા, હું ડોરા બોલું છું.“ સામે છેડેથી થઈ રહેલા વાતનું અનુમાન કરી શકાય એમ હતું.
ડોરાએ પૂછ્યું, “ક્યારે? સારું, હું થોડા સમયમાં ત્યાં આવી પહોંચું છું.“ ડોરાએ હળવેકથી ફોન નીચે મૂક્યો.
મેં એની સામે જોયું. આંખોમાં અશ્રુ ભરાઈ આવ્યાં, પણ ડોરાએ પળવાર માટે આંખો બંધ કરીને પોતાના દર્દને જાણે સીલબંધ કરી દીધું. અમે સહુ અમારાં કામમાં વ્યસ્ત. ડોરા પણ એના પેશન્ટો વચ્ચે ગોઠવાઈ ગઈ.
થોડા સમય પછી ડોરા સાથે કામ કરતી લિસાએ આવીને મને કહ્યું, “ડોરાના પતિનો સ્વર્ગવાસ થયો.” હું કશું બોલી જ ન શકી.
એટલામાં મારી સુપરવાઇઝર પેગી આવી. મેં એને ડોરા વિશેના સમાચાર આપ્યા. તે બોલી, “અરે, મેં એને હમણાં જ એની ઓફિસમાં જતાં જોઈ. એણે મને હેલો પણ કહ્યું, તારી વાત કોણ જાણે મારા માનવામાં નથી આવતી.” એમ કહી પેગી પાછી બહાર નીકળી ગઈ, પણ મારા આશ્ચર્ય વચ્ચે થોડી વારમાં તે પાછી આવી.
પેગીનો ચહેરો ગંભીર હતો. તે મારી નજીક આવીને બોલી, “તારી વાત સાચી, એના પતિ ગુજરી ગયા, પણ… પણ જોને એ કેટલી સ્વસ્થતાથી હજી પણ પેશન્ટો સાથે વાતો કરે છે. જાણે કશું બન્યું જ નથી. હું માની જ નથી શકતી કે કોઈ સ્ત્રી પાંત્રીસ વર્ષના સુખી લગ્ન જીવન બાદ પતિના મૃત્યુને આમ…” વાત કરતાં કરતાં પેગીનું હૃદય ભરાઈ આવ્યું.
પેગી મારી વધુ નજીક આવીને બોલી, “તને ખબર છે, હું ડોરાને અઢાર વર્ષથી ઓળખું છું. એ પતિ-પત્નીને એકબીજા માટે ખૂબ પ્રેમ હતો. તને નહીં સમજાય, કેમ કે તું ભારતીય છે, તમારે ત્યાં આવું બધું સહજ હોય છે.
અમેરિકામાં પાંત્રીસ વર્ષનું દાંપત્યજીવન અને તે પણ આનંદ ભર્યું, ક્યારેય એકબીજા વિશે ફરિયાદ નહીં. એટલું જ નહીં, તેઓ એકબીજાના પ્રેમમાં એટલા બધા ગળાડૂબ હતા કે એમણે બાળક ન થવા દીધું.”
ડોરા કહેતી, “અમારે અમારા પ્રેમની વહેંચણી કરવી નથી. અમારા ખુદના સંતાનોમાં પણ નહીં.” શોધ્યું ન જડે એવું પ્રેમીયુગલ અને આજે … આજે… એ જ્હોન મરી ગયો ત્યારે ડોરા હજી પેશન્ટોની સાથે છે! જહન્નમાં જાય નોકરી અને પેશન્ટ. હું એ જગ્યાએ હોત તો ક્યારની ઉપડી ગઈ હોત.” પેગીએ પેપર નેપ્કિનથી પોતાનું નાક લૂછ્યું.
અમારી વાતચીત ચાલી રહી હતી ત્યાં જ ડોરાએ અંદર પ્રવેશવા માટે બારણું ધકેલ્યું. પણ એ અંદર આવે તે પહેલાં જ એક પેશન્ટ દોડતો આવ્યો અને બોલ્યો, “ડોરા, તું મારી વાત જ સાંભળતી નથી. મેં તને કેટલી વાર કહ્યું છે કે આ લોકો મારા ખાવામાં ઝેર નાખે છે. મને આ હોસ્પિટલમાંથી બીજે ક્યાંક મોકલને, પ્લીઝ, પ્લીઝ, ડોરા.”
ડોરા બારણામાં જ ઊભી રહીને બોલી, “માઈકલ, આ હોસ્પિટલમાં તું કેટલા બધા વર્ષથી રહે છે. તને તો ખબર જ છે આપણો સ્ટાફ બહુ સારો અને વિશ્વાસુ છે. એ લોકો ભલા તને શા માટે ઝેર આપે? બાકીની વાતો આપણે નિરાતે કરીશું.”
ડોરાએ માઈકલના પીઠ ઉપર પ્રેમથી હાથ પસવાર્યો તે ખુશ થઈ દોડી ગયો. નર્સિંગ સ્ટેશન પરનો સ્ટાફ સ્તબ્ધ! સાથોસાથ હું પણ!
ડોરા મારી સામે જોઈને બોલી, “આજે મારે વહેલા જવું પડશે. હું બે અઠવાડિયાની રજા લેવાની છું.” એટલું કહીને તે બહાર નીકળી ગઈ.
અમારી સૌની આંખો એ ખુમારી ભરી ચાલને નિરખી રહી. પેગી મને ઉદ્દેશીને બોલી, “ડોરાનો પતિ એને ખૂબ પ્રેમ કરતો હતો. એ વિશે હું તને ક્યારેક નિરાતે વાત કરીશ.”
મેં કહ્યું, “ડોરા સાથે મારે ઘણી વાતો થાય છે. પણ એ માત્ર પેશન્ટના સંદર્ભમાં જ.”
પતિના મૃત્યુ પછી બે અઠવાડિયામાં જ ડોરા કામ ઉપર હાજર થઈ. એ જ મૃદુ સ્મિત, દર્દીઓ પ્રત્યે સ્નેહ વર્ષાવતી કરુણાર્દ આંખો અને એવી જ કર્તવ્યદક્ષતા! થોડા દિવસ બાદ ડોરાએ મને કહ્યું કે તે ત્રણ મહિનાની રજા ઉપર જાય છે.
હું અને ડોરા ઓફિસમાં એકલાં જ હતાં. મેં ડોરાને કહ્યું, “ડોરા, મારે તને એક અંગત વાત પૂછવી છે.”
તે બોલી, “હા હા, જરૂર.”
મેં એને કહ્યું, “તે દિવસે તારા પતિના અવસાનના સમાચાર જાણ્યા પછી તું કેટલી સહજ રીતે સંયમપૂર્વક વર્તી શકી. મને તારા માટે માન છે, પણ તે દિવસે એમાં અનેકગણો વધારો થયો. ખાસ કરીને સ્ત્રીઓ માટે તો એ ખૂબ જ મુશ્કેલ છે.”
મેં એને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈની જાણીતો કિસ્સો કહ્યો. તે ચૂપચાપ સાંભળી રહી. મેં કહ્યું, “મેં તો સાંભળ્યું છે કે તમારું દાંપત્યજીવન ખૂબ પ્રસન્ન અને આનંદમય હતું. તો જ્હોનનાં મૃત્યુથી તને આઘાત ન લાગ્યો?”
તે બોલી, “ના ના, એમ નથી. એના જવાથી આઘાત તો મને લાગ્યો. જે દિવસે જ્હોનને કહેવામાં આવ્યું હતું કે તું હવે થોડા દિવસનો મહેમાન છે, તે દિવસથી જ્હોન જાણે મારી સાથે એના મૃત્યુનો ઉત્સવ ઉજવવા લાગ્યો હતો.
લાંબા ગાળાના સહજીવન પછી એકબીજાની હાજરી એ જીવનની જરૂરિયાત બની જાય છે. એ કહેતો, “આપણે ખૂબ સુખ ભોગવ્યું અને હવે વિદાય ટાણે બસ આનંદ આનંદ.”
થોડા દિવસ પછી શારીરિક અશક્તિને કારણે જીવન જીવી લેવાનો એનો ઉત્સાહ ઓસરતો ગયો. એ લગભગ પથારીવશ થઈ ગયો. કેન્સરનું સામ્રાજ્ય એના તન મન ઉપર જાણે ફરી વળ્યું. પણ એટલા દુઃખમાં તે મને કહેતો, “મૃત્યુનું દુઃખ તને કે મને હોવું ન જોઈએ. મારે તો હવે એની માત્ર પ્રતીક્ષા જ કરવાની છે.“ અને તે દિવસે એની પ્રતીક્ષાનો અંત આવ્યો.”
ડોરા આગળ બોલી, “જ્હોનની બીમારી દરમિયાન જીવન અને મૃત્યુ વિશેની થોડી ઘણી સમજદારી અમે કેળવી હતી. જ્યારે ડોક્ટરોએ એને ગણતરીનો સમય આપ્યો ત્યારે એણે મને એકલા જીવવા માટેની ટ્રેનિંગ આપવી શરૂ કરી.
એના વગર ખાવું, સૂવું, એના વગર શોપિંગ કરવું, બેંકમાં જવું, એટલું જ નહીં, જ્હોન વગર સગાંવહાલાંને ત્યાં અને મિત્રમંડળોમાં પાર્ટીઓમાં જવું, એ બધું જાણે મેં શીખી લીધું.
એની વિદાય પહેલા જ મેં એના મૃત્યુને સ્વીકારી લીધું. એ બધી પ્રવૃત્તિમાં હું જ્હોનથી અલગ છું એવું ક્યારેય મને લાગ્યું નહોતું. કારણ કે સહજીવનનાં સાયુજ્યનો અનુભવ મને થવા લાગ્યો હતો.”
થોડીવાર શાંત રહીને ડોરા બોલી, “જ્હોને મને કહ્યું હતું કે તું જો જીવનને સમજીશ, તો મૃત્યુને જરૂર સમજી શકીશ. અને જો તું ખરેખર મૃત્યુને સમજી હોઈશ, તો તું તારા કર્તવ્યોમાંથી પાછી ન ફરીશ.
તું નોકરી કરતી હોય અને હું મરી જાઉં, તો અધીરી થઈને મારા મૃતદેહ આગળ દોડી ન આવીશ. વેવલી બનીને આંસુ ન સારીશ.
અંતિમ ક્ષણે હું ભાંગી ન પડું, તેથી એણે એના જીવતા જ મને વિધવા બનાવી હતી. એની બીમારીને કારણે અમે વર્લ્ડ ટૂરમાં જઈ શક્યાં નહોતાં. એટલે એણે મારી પાસેથી વચન લીધું હતું કે એના મૃત્યુ પછી મારે વર્લ્ડ ટૂર કરવા જવું.
હું દુનિયાના ખૂણે ખૂણે જઈને મારા પ્રિય પતિના સ્મૃતિ કણોને ઠેર-ઠેર વેરતી જઈશ. વહેતું જીવન, વહેતી નદીની જેમ ઝટ દરિયામાં ભળી જશે ખરું ને ?”
~ વસુધા ઈનામદાર, બોસ્ટન
+1 781 462 8173