દિલ હૈ જહાં હમારા ~ કટાર: નીલે ગગન કે તલે ~ મધુ રાય
જગજાહિર છે કે હમો દાયકાઓથી ગુરબતમાં રહીએ છીએ અને ગુરબતિયા ફોરેનરિયા અમેરિકનોને રુઆબથી કહેતા ફરીએ છીએ કે રહેતા હૈ દિલ વતન મેં.
કોઈવાર કોઈ સાહિત્યની સભાબભામાં ગયા હોઈએ ને બોલવાનું આવે તો વતનઝુરાપાના દેખાડાથી ઘોષણા કરીએ છીએ કે અમે ભલે ફ્લોરિડામાં ફૂલ વીણીએ કિંતુ હમારી કાંડાની નસ કાટો તો લોહી નીકળે કેસરી, સફેદ ને લીલા રંગનું.
એ વાત અલગ છે કે સાચેસાચ વતન આવવાનું થાય ત્યારે પેટમાં એક કોને ખબર કેવા રંગનો ફફડાટ થતો હોય છે, આમેઆમે, નો રીઝન!
અને મિત્રોં! ગગનવાલા ગયા મહિનાની અમુક તારીખે ગગનમાં ઉડ્ડયનયાનમાં આધ્ધર વિહાર કરંતા હતા ને કપ્તાન સાહેબે જણાવ્યું કે આપણે ભારતની ભૂમિ મતલબ ભારતના આકાશમાં પગપ્રવેશ કરી દીધો છે. ત્યારે હજી એહસાસ ન થયેલો કે વતનમાં આઈ ગયા છીએ!
પછી વિમાનનાં પૈડાંએ ઠચાક અવાજ સાથે ભૂમિચુંબન કીધું છત્રપતિ શિવાજીના મુલકમાં, ત્યારે બી હજી સો ટકા ઇન્ડિયા આયા એવું નહીં લાગેલું. ત્યારબાદ ઇમિગ્રેશનવાળા માડૂએ અમારો ટોપો ઉતરાવી ફોટો લીધો ને પારપત્રમાં સિક્કો માર્યો ઠપાક, ને સહેજસાજ લાગ્યું કે ઓકેઓકે આયા હૈ ઇન્ડિયા, જયહિન્દ!
પરંતુ તોય આમે રગેરગમાં કેસરી, ને સફેદ, ને લીલું શોણિત ખળખળ વહેતું હોય ને સિર્ફ માનસિક નહીં પણ સદેહે આત્મજ્ઞાન થવું ઘટે એવું નહોતું થયું કે મુંબઈ આણાચી! સાચેસાચ ભારતના મોરમુકુટ સમા મહાનગર મુંબઈમાં આવ્યા, રે આવ્યા, હજી એવો પટિયાલા પેગ જેવડો ગોદો નહીં લાગેલો હૃદિયાને, ન્નો સરજી!
પછી ક્રમેક્રમે બેગું લીધીને ઉડ્ડાણપટની વાયડી વાયફાય સર્વિસ ફોનમાં લગાડી ને ગેટની બહાર નીકળી સ્ટારબક્સ પાસેથી અસિતકુમારને ફોન કીધો ને વાયફાય લીધા છતાં ન લાગ્યો! ને થયું કે યસ્સસસ! યહ દેશ હૈ હમારા!
એટલે પાછા ટ્રોલી ઠેલતાઠેલતા ગેટની ભીતર જઈ ખાખી દરવાન પાસે ગિડગિડાયા ને અંદર જઈને ફોન કીધો, ને ફોન લાગ્યો ને ડ્રાઇવરસાહેબ દિખાઈ દિયા ને આખરે વેળા વેરી અર્લી સકાળે અમે સાન્તાક્રૂઝ મધ્યેના ઝાકઝમાળ નિવાસે પહોંચ્યા.
મીનળ–સિસ્ટરે ઇન્સ્ટન્ટ ટીનાં પડીકાં ને દૂધનાં સ્મોલ–સ્મોલ પેકેટ વેગેરે લાવી મૂકેલાં, ને નાસ્તા કા પડીકાં ખોલી અમે ખાધું, અમે પીધું, ને અમે આરામનો દેખાવ કીધો પણ તનબદનમાં એવો ઉન્માદ મચેલો કે નીંદર ન આવી, ને જેટ–ફેટ લેગ–ફેગ કાંઈ ન નડ્યું.
ક્રમેક્રમે મીનળ–સિસ્ટરે ગરમ ઉપમા ને મસાલા છાશ મોકલાવી ને યામિની–સિસ્ટરે થેપલાં, સૂકી ભાજી વગેરે હાજર કીધાં.
યસ, વેગન હોને કા ડંફાસ છોડી હમોએ છાશની ચુસ્કી લીધી ને આહ, હવે લગભગ ૭૫ ટકા મિજાજમાં બસ ગયા કે હમ બમ્બઈ આયા હૈ ઔર બડા મજા આયા હૈ. પણ હજી નોટ હન્ડ્રેડ પર્સન્ટ.
પછી ડોટડોટડોટ ને અનિલના ઘરે જવાનું, ને તેની સાથે ચોપાટી ભવન ઉપર સિતાંશુને મળવાનું ને ત્યાં જ પ્રબોધાદિ મુંબઈના વડાવડા કવિઓને ને કવયિત્રી અરુંધતીને સર્વેને મળીને પાછા આવવાનું હતું. અને દીપક દોશીની ઓફિસમાં રમેશભાઈએ ચોપાટીના અફલાતૂન સમોસા આદિ રમ્યરમ્ય વ્યંજન અને મદિર ચાયની પિયાલીઓ પેશ કરી. યસ, યસ, ચોપાટી, સમોસા, કટિંગ ચાય, યસ યસ, બમ્બઈ, બમ્બઈ, બમ્બઈ.
પછી દસ્તૂર સાહેબજીને સાહેબજી કીધાં ને નીચેના કોઈ હોલના ગોળ મેજની આસપાસ મુંબઈકર પર્સનાલિટિઝો એક પછી એક ગોઠવાતી ગઈ ને ચર્ચા ચાલી મુનશી વિશે ને કવિતા વિશે કિંતુ અમારી આંખે બોમ્બ ફૂટે એવી ત્વરાથી ઊંઘના ધડાકા થયા ને અમે નમ્ર અવસર ખોળી ચોપાટી પર ચર્ની રોડ સ્ટેશન ભણી ચાલ્યા.
ટ્રેનો ખાલી હતી પણ અમને ટિકિટ બારી ન જડી. અમને થયું, કોઈવાર વેગન હોવા છતાં છાશ પી લેવાય, ને જવાબદાર નાગરિક હોવા છતાં ચાલે. કોઈવાર ટિકિટ વિના ચડી બેસાય, નો પ્રોબલેમ.
ને ટ્રેન ચાલી પરંતુ ગ્રાન્ટ રોડ આવ્યું ને ટિકિટ બારી દેખાણી ને અમે સજ્જનની જેમ ઊતરી ટિકિટ લેવા ગયા. જતનથી સાચવીને રાખેલી લીલા રંગની વીસ રૂપિયાની નોટ ગ્રાન્ટ રોડના ટિકિટવાળાને ધરીને કહ્યું, એક સાન્તા ક્રૂઝ. તેણે જે કાંઈ મંતર ભણવાના હોય તે ભણી અમને ટિકિટ આપી, છાપેલી કિંમત દસ રૂપિયા! લવલી, દસ રૂપિયામાં સાન્તા ક્રૂઝ પહોંચી જવાશે.
અમે દસ રૂપિયાનું ચેન્જ આપે તેની રાહ જોતા થનગનતા હતા. ક્યા મંગતા? ટિકિટવાળાએ છણકો કીધો! ચેન્જ મંગતા, અમે ડરતાં ડરતાં કહ્યું. હટ, કાયકા ચેન્જ? તુમને દસ રૂપિયા કા નોટ દિયા! કહી તે બકાસુરે કોઈ ભળતી લાલ રંગની નોટ બતાવી.
અમે ઝાઝી ગરબડ વિના ચાલતા થયા ને દોડતા થયા ને સડસડાટ ચડી બેઠા કોઈ દહીંસરની લોકલમાં, અને યસ્સ! ત્યારે હંડ્રેડ પરસન્ટ ખાતરી થઈ, એહસાસ થયો, વિશ્વાસ આવ્યો, તસલ્લી હો ગઈઈઈ કે હાજી, હાજી અમે હંડ્રેડ પરસન્ટ આવી ગયા છીએ, અય મેરે પ્યારે વતનમાં! ભારત માતા કી જય!
~ મધુ રાય
MADHU.THAKER@GMAIL.COM
Wednesday, December 4, 2024