“અશ્વિનભાઈના મરણ પછી” ~ (એક બ્લેક હ્યુમર) ~ રઈશ મનીઆર
અશ્વિનભાઈ ગુજરી ગયા, એના છ મહિના પછીની આ વાત છે.
સ્વર્ગમાં આર.ટી.આઈનો રૂલ આવ્યા, પછી ચિત્રગુપ્તનું કામ ખૂબ વધી ગયું હતું. કોઈ પણ સ્વર્ગવાસી આમ આદમી માત્ર એક અરજી કરે એટલે ચિત્રગુપ્તની આખી ટીમ દોડતી થઈ જાય. અરજી આવે એટલે સ્વર્ગવાસી થયેલા મૃતાત્માઓને એમના પરિવાર કઈ હાલતમાં છે એ વિગત પહોંચાડવી જ પડે! અરે કેટલીક વાર તો સ્વર્ગસ્થ સજ્જનો દુશ્મનોની સ્થિતિ જાણવા માટે પણ આર.ટી.આઈ કરતા.
સ્વર્ગમાં હોલીડે હોય ત્યારે ચિત્રગુપ્ત અને યમરાજ ક્યાંક હેંગઆઉટ કરે અને સુખદુ:ખની વાતો કરે. હાફ-ડે હોય ત્યારે બન્ને સાથે ચા પીવા બેસતાં. આજે પણ બન્ને ચાની લારી પર મળ્યા. કડક અને કમ-શક્કર ચા ઓર્ડર કરી.
સ્વર્ગ અને નરકની વચ્ચેની પાતળી ગલીમાં આ ચાની લારી હતી. એની બન્ને તરફ વીંડો ખુલે. એટલે બન્ને તરફ સર્વિસ આપી શકાય એવી સગવડ હતી. ચા તો બન્ને તરફ જોઈએ જ ને!
યમરાજ અને ચિત્રગુપ્ત જેવા સિનિયર સ્ટાફને આ સાઈડ કે તે સાઈડનું બંધન નહીં. એમની પાસે તો અનરિસ્ટ્રિક્ટેડ એન્ટ્રીવાળી ડીજિટલ ચીપ હોય એટલે એ તો વળી દ્વાર ખોલી સાવ સ્વર્ગ અને નરકની વચ્ચે આવીને ચા પીવા બેસે. એકધારી સ્વર્ગની હવાથી પણ કંટાળો આવે. આપણે ત્યાં સેંટ્રલી એસી મોલમાં કામ કરનારા ફ્રેશ થવા એસીમાંથી બહાર નીકળે એવું..
આવી જ એક ફૂરસદની પળે ચિત્રગુપ્તે બીડી સળગાવી, કશ ખેંચીને કહ્યું, “યાર! યમરાજ તમે તો એક જ વારમાં ડેડબોડીનું પાર્સલ અહીં પહોંચાડી છૂટા. અમારે જીવનભર પાપ-પુણ્યની એંટ્રીઓ ચોખ્ખી રાખવાની અને એમાં મરણ પછી આ વળી આર.ટી.આઈનું નવું તૂત આવ્યું.
યમરાજ બોલ્યા, “અરે તૂત ન કહેવાય! રાઈટ ટુ ઈંફોર્મેશન તો લોકશાહીનું મહત્વનું અંગ છે!”
ચિત્રેગુપ્તે કહ્યું, “શું યાર! સ્વર્ગલોકમાં લોકશાહી! શું જરૂર છે?”
યમરાજ બોલ્યા, “વાત તો સાચી, અહીં તો ભગવાનનું દીધેલું બધું છે! જ્યાં ક્શું ન હોય ત્યાં લોકશાહીની લોલીપોપ અપાય!”
ચિત્રગુપ્ત મુખ્ય વિષય પર આવ્યા, “જુઓને આ અશ્વિનભાઈ! મર્યા પછીય ચેન નથી. અશ્વિનભાઈને ઓળખો ને?”
યમરાજે પણ અશ્વિનભાઈને ભૂલોક પરથી ઘસડીને લાવવા પડેલા એટલે એ પણ અશ્વિનભાઈને ઓળખે, “હા, ઓળખું ને! અશ્વિનભાઈનો સ્વભાવ જરા ટેંશનવાળો ખરો!”
“એમણે આ સાતમી આર.ટી.આઈ કરી છે! સ્વર્ગની નવી 371મી કલમના આર્ટીકલ 16 અનુસાર મરનાર મર્યા પછી 3 મહિના સુધી દર પંદર દિવસે એક આર.ટી.આઈ કરી શકે, એ દરમ્યાન પોતાના સ્વજનો સગાવહાલા કઈ હાલતમાં છે એની તપાસ કરી શકે. હવે છ મહિના રહીને એમણે આ સાતમી આર.ટી.આઈ કરી છે! જે કાયદેસરની ત્રણ મહિનાની મુદત પછીની હોવાથી વેલિડ નથી.”
“પણ ત્રણ મહિનાની મુદત કેમ?”
ચિત્રગુપ્તે કહ્યું, “વચ્ચે ઈંદ્રએ ફ્રોઈડ, એરિક્સન, કાર્લ યુંગ, સોક્રેટિસ, વેદ વ્યાસ વગેરે ચાર-પાંચ જણાની કમિટી બનાવી હતી. એ લોકોએ ‘ડેથ એંડ બિરેવમેંટ’ એટલે કે મૃત્યુ અને શોકનો સમયગાળો, એ માટે ત્રણ મહિનાની મુદત નિશ્ચિત કરી હતી.
એ અનુસાર અમે ભૂલોક પરથી છ વાર એમને એક એક પાનાંનો વિગતવાર રિપોર્ટ આપ્યો. પણ હવે આ અશ્વિનભાઈ કંઈ સમજતા નથી. સાતમી આર.ટી.આઈ કરીને ઉપવાસ પર બેઠા છે.”
“ઈંદ્રનું આસન ડોલવા માંડ્યું હશે!” યમરાજે ચવાયેલી કલ્પના કરી
“ના રે, એ તો હમણાં જ નવું બનાવડાવ્યું છે, ભારતના પ્રધાનોની ખુરશીનું મટિરિયલ વાપર્યું છે, એ જલદી ડોલતું નથી. પણ આ અશ્વિનભાઈના ઉપવાસને કારણે ઈંદ્ર અપસેટ છે. મેનકા, રંભા વગરેએ ‘નચ બલિયે’ અને ‘ડાંસ હેવન ડાંસ’ જેવા નવા શો ચાલુ કર્યા છે, એ પણ ઈંદ્ર એંજોય નથી કરી શકતા.”
“અશ્વિનભાઈનો પ્રોબ્લેમ શું છે?” યમરાજને લાગ્યું કે ડીપમાં ગયા વગર છૂટકો નથી.
“અત્યારે તો કંઈ નથી, પ્રોબ્લેમ તો બધો ધરતી પર છોડીને આવ્યા છે!”
“અરે એ જ પૂછું છું. છ-છ વાર આર.ટી.આઈ. કરવાથીય સંતોષ ન થયો એવું તો શું ટેન્શન છે એમને?”
“એમનું ટેંશન સાવ કંઈ વિનાકારણેય નથી!” ચિત્રગુપ્તના અવાજમાં થોડી સંવેદના દેખાઈ. એણે ‘મરો’ કંપનીના મોબાઈલમાં સિંક કરેલો સર્વર પરનો ડેટા રેફરન્સ માટે ખોલ્યો.
“અશ્વિનભાઈને એક વાઈફ. ધારાબેન એમનું નામ. ધારાબેન તમે ધારો એના કરતાં પોચાં. વાતેવાતે અશ્રુધારા વહાવે. અશ્વિનભાઈ વગર એક દિવસ ન રહી શકે. અરે, એમને લીધા વિના પિયર પણ ન જાય.
ધારાબેનને ઈંજેક્શન મુકાવવાનું હોય તો તો ડોક્ટર અને કમ્પાઉંડર ધારાબેનનો હાથ પકડે. અને ધારાબેન અશ્વિનભાઈનો હાથ પકડે. અશ્વિનભાઈની એટલી ચિંતા કે ધારાબેન રાતે ઊઠીને અશ્વિનભાઈના શ્વાસ ચેક કરે. ‘તમે નહીં હો પછી મારું શું થશે’, એમ બોલી બોલી રડે! એટલે જ અશ્વિનભાઈ હેલ્થની કેર પણ બહુ રાખતા.”
યમરાજ બોલ્યા, “ધારાબેનની આ બધી તકેદારી કંઈ કામ ન લાગી. શું કરીએ? અમારા રેકર્ડ પર અશ્વિનભાઈની છપ્પન વરસની જ એક્સપાયરી ડેટ હતી. મને હજુ યાદ છે, આજથી બારબર છ મહિના પહેલા અમારે ઈનવોઈસ આવી ગયું. હવે અમે તો ચિઠ્ઠીના ચાકર.
ઉપરથી એકવાર અશ્વિનભાઈની ચિઠ્ઠી ફાટી એટલે નિશ્ચિત સમયે અમારે તો માલ લાવીને ડિલિવરી કરવી જ પડે! એમાં કોઈનું કંઈ ન ચાલે! પણ અશ્વિનભાઈએ તો રસ્તે પણ ઝપાઝપી કરી.”
“કહેવું હતું ને, કે સ્વર્ગમાં ડિલિવરી કરવાની છે!”
“કહ્યું તો પણ એમ જ કહેતા રહ્યા, નથી જોઈતું મારે સ્વર્ગ! મને પાછો જવા દો, આ લોકો મારા વગર નહીં રહી શકે!”
જરાવાર રહીને ચિત્રગુપ્તે પ્રશ્ન કર્યો, “બીજું છે કોણ એમના પરિવારમાં?
ચિત્રગુપ્ત બોલ્યા, “એક ઓગણત્રીસ વરસની મોટી દીકરી માયા અને એક ચોવીસ વરસનો દીકરો બબલુ.”
“ઓહો સંતાનો ખાસાં મોટાં છે, એટલે પગભર હશે. વાંધો નહીં આવ્યો હોય!”
“અરે જવા દો ને વાત! અશ્વિનભાઈને આ ત્રણેની ખૂબ ચિંતા. એમાં વળી ધારાબેનને પ્રેસરની બીમારી, સુગર ક્યારેક હાઈ તો ક્યારેક લો, રાતે સૂતાં ફાળ પડે, સવારે જાગતાં સાંધાના દુખાવા!”
“આ ઉંમરે ગુજરાતણોઓમાં આટલું તો હોય જ ને!” યમરાજે એમનું ઓબઝર્વેશન કહ્યું.
“એમાં ઉપરથી વિધવા થયાં, એટલે ધારાબેનની અશ્રુધારા ત્રણ મહિના સુધી તો તો એક્ધારી ચાલી. ધારાબેન નોંધારા થઈ ગયા. માને જોઈને છોકરાઓ પણ રડે. છઠ્ઠી આર. ટી.આઈના રિપોર્ટ પ્રમાણે 3 મહિના પછી પણ ફેમિલીના શોકમાં કોઈ ઘટાડો થયો નહોતો.” ચિત્રગુપ્તે કહ્યું.
“તો પછી અશ્વિનભાઈ જેવા પોચા હૃદયના પરિવારપ્રેમી સાતમી આર.ટી.આઈ કરે જ ને!” વાતમાં રસ પડ્યો એટલે યમરાજે બીજી ચા ઓર્ડર કરી, “પ્રોબ્લેમ શું છે? એક્ચ્યુઅલી 29 વરસની દીકરી હોય, ચોવીસ વરસનો દીકરો હોય તો માને સાચવી ન લે?”
“ત્યાં જ બધો પ્રોબ્લેમ છે! દીકરી માયાને કોઈ પરધર્મી સાથે અફેયર ચાલતું હતું. સમજ્યા ને તમે? આજકાલ કેવું ચાલે છે ઈંડિયામાં! દીકરી એકવાર ભાગી પણ ગયેલી. સાંસદ, વકીલ, પોલિસ, સંતો અને ગુંડાઓની મદદ લીધી ત્યારે સૌની સહિયારી મહેનતથી દીકરી પાછી આવી.”
“હા, આમાં તો પંચ-પાંખિયો હુમલો કરવો જ પડે!”
“પણ હવે અશ્વિનભાઈને એમ છે કે પિતા વગરની દીકરી કંઈ થોડી માના કંટ્રોલમાં રહેવાની છે? એ તો ફરી પેલા સાથે જ ભાગી જશે!”
“એ ય સાચું!” હવે યમરાજે સિગરેટ કાઢી. પેકેટ પર સ્ટેચ્યુટરી વોર્નિંગ વાંચીને ફરી પાછી સિગરેટ અંદર મૂકી દીધી, “છોકરીનું તો સમજ્યા પણ છોકરો કેવો છે, બબલુ એંજીનિયર હશે, નહીં?”
ચિત્રગુપ્ત ડેટા ચેક કરીને બોલ્યા, “યમરાજ! શું ધારણા કરી છે યાર! યૂ આર જિનિયસ!”
યમરાજે કહ્યું, “ભગવાને જ્યારે જગત બનાવવાનું હતું ત્યારે કોઈ ડિગ્રીવાળા એંજિનિયર તો હતા નહીં, તે આખો પ્રોજેક્ટ વિશ્વકર્માને સોંપ્યો. અને અત્યારે દુનિયામાં એટલાં કોઈ કામ નથી અને છતાં ગલીએ ગલીએ એંજિનિયર રખડે છે.”
“બસ તે આ બબલુનું પણ એવું જ છે. બબલુ આમેય ભણવામાં ડબલુ હતો. તમને યમમંડળીને તો મરણ પછી બારમુ આવે, એનો ખ્યાલ હશે, પણ ત્યાં ગુજરાતમાં, ભારતમાં બાળકોનું જીવતે-જીવતા બારમું થાય, એમાં બબલુ પહેલીવાર ફેલ થયો. બીજીવાર છત્રીસ ટકાએ પાસ થયો.
અશ્વિનભાઈએ છોકરાને તેરમામાં સેટ કરવા પોતાની હેસિયતની બહાર જઈ લોન લીધી, પંદર લાખ ફી ખરચીને, પાંચ લાખ પાસ કરાવવાના આપીને, જેમતેમ બબલુને એંજીનિયર બનાવ્યો.”
“ઓહો, સંતાન પ્રત્યેની જવાબદારી! અશ્વિનભાઈની આર્થિક સ્થિતિ કેવી? એમનો પોતાનો વ્યવસાય શું? પ્લમ્બર, સુથાર કે પંક્ચર રિપેરર હોય તો ય મહિને વીસ હજાર તો પાડી લે!”
“ના, રે, એટલી બધી આવક ક્યાંથી? એવો કોઈ સેટલ વ્યવસાય નહોતો એમનો, એ બિચારા તો ખાનગી શાળામાં ગુજરાતીના શિક્ષક હતા!”
“ઓહો, સો સેડ! પણ કોઈ ઉપયોગી આવડત ન હોય તો છૂટકો પણ નહીં. બાર હજારના પગારે ગુજરાતીના શિક્ષકની નોકરી લેવી જ પડે! સારું તો એ થયું કે ગુજરાતમાં ગુજરાતી શાળાઓ બંધ થાય એ પહેલા અશ્વિનભાઈ ગુજરી ગયા! બાકી..”
“હા, અશ્વિનભાઈ કહેતા હતા, સરકાર અત્યારે સંસ્કૃતને ઉત્તેજન આપે છે, પણ એનો ગુજરાતી માટે કોઈ પ્લાન દેખાતો નથી!”
“એની વે, બબલુ એંજિનિયર થઈને પી.ડબલ્યૂ.ડીમાં બે જાતની આવક પગાર મેળવતો હશે! નીચેની અને ઉપરની!” યમરાજે કલ્પના કરી.
“ના! બબલુને હજુ નોકરી નથી મળી. સરકારી નોકરી તો છે જ નહીં. અને કંપનીવાળા સાહેબો પણ નોકરી આપવા માટે 20 લાખ ઉચ્ચક માંગે છે!”
હવે યમરાજ પ્રોબ્લેમની ગ્રેવિટી સમજ્યા, “એટલે અશ્વિનભાઈને ધારાબેન, માયા અને બબલુ ત્રણેની ચિંતા. એ ફિકરમાં ને ફિકરમાં તો અશ્વિનભાઈને સ્વર્ગ પણ નરક જેવું લાગતું હશે!”
ચાની લારી પર અશ્વિનભાઈ વિશેની આ વાત ચાલતી હતી. ત્યાં અચાનક સ્વર્ગ તરફ હોહા થઈ.
નવાઈની વાત હતી. મોટેભાગે નરક તરફ બબાલ થાય. નરકમાં કોઈ બે વકીલો બાઝે, કોઈ નેતાઓની વચ્ચે ગાળાગાળી કે કુશ્તી થાય, બાઈપાસ કરનારા ડોક્ટરો એમની ઓપરેશનની કાતર લઈ સામસામા આવી જાય, પણ આજે સ્વર્ગ તરફથી બબાલનો અવાજ આવ્યો. દિવ્ય 108નો ડ્રાઈવર મગન પણ ‘ઈમરજંસી બીપ’ આવવાથી ચા અડધી મૂકીને ભાગ્યો.
થોડી જ વારમાં વહેતી વહેતી વાત આવી ગઈ કે અશ્વિનભાઈ પોતાના આખા શરીરે કેરોસીન છાંટીને ‘ડાન્સ હેવન ડાંસ’ના સેટ પર ધસી ગયા હતા અને લાઈવ ટેલિકાસ્ટ દરમ્યાન જ દીવાસળી સળગાવી ઊભા હતા. ઈંદ્રને ફેસ ટુ ફેસ ધમકી આપી કે માંગ પૂરી કરો છો કે અગ્નિસ્નાન કરું? મરુતદેવના સ્ટાફે કેટલી ફૂંકો મારી ત્યારે દીવાસળી હોલવાઈ.
ત્યાં પહોંચી ગયેલા યમરાજે દૃશ્ય જોઈ ઈંદ્રને કહ્યું, “ઈંદ્રદેવ, જિદ શું પકડીને બેઠા છો? ટ્રમ્પ છો તમે? અમેરિકાનો વીઝા આલવા બેઠા છો? આર. ટી. આઈ જ મંજૂર કરવાની ને? અશ્વિનભાઈ બિચારા ટેંશનમાં છે, આલી દો ને એમને ન્યૂઝ એમની ફેમિલીના!”
ઈંદ્ર બોલ્યા, “મને વાંધો નથી, તમારા ફ્રેન્ડ ચિત્રગુપ્તનો જ વર્કલોડ વધશે. ચિત્રગુપ્તનું ડિપાર્ટમેંટ કહે છે કે આવા ચિલ્લર કામ અમે સાતમું પગારપંચ લાગુ થાય પછી જ કરીશું!”
ચિત્રગુપ્ત પણ પાછળ પાછળ આવી ગયા હતા, એ બોલ્યા, “કરી દઈશું કામ! ભલે અમે દેવ રહ્યા, પણ થોડી માનવતા તો ખરી ને! એક્સેપ્શન કેસ તરીકે એકવાર આ માહિતી લાવી આપીશ! પણ એક જ પેજ, એ પણ ડબલ સ્પેસ અને તેરના ફોંટમાં!
અશ્વિનભાઈએ બાકીનો અડધો શીશો પોતાના દેહ ઠાલવી દીધો. સ્વર્ગ જેવું એસી ચાલતું હોય તો કેરોસીન પણ સાલું ઠંડુ લાગે. તોય થરથરવા છતાં હિંમતભેર કહ્યું, “હવે ચિત્રગુપ્તનું કામ નથી. કોઈ રિપોર્ટ નથી જોઈતો, યમરાજનું કામ છે! મારે જાતે પૃથ્વીની ટૂર કરવી છે!”
એક ડૂસકું મૂકીને બોલ્યા, “મારો પરિવાર કઈ હાલતમાં છે એ નરી આંખે જોવું છે!” અશ્વિનભાઈ ચોધાર આંસુએ રડી પડયા. યમરાજની પણ આંખો ભીની થઈ. યમરાજને એક વધારાનો ફેરો થવાનો એનું તો દુ:ખ હતું જ. એમાં પાછી અશ્વિનભાઈની વેદના પણ સ્પર્શી ગઈ. આખા સ્વર્ગમાં શોકનું સામ્રાજ્ય પ્રસરી ગયું. ડાન્સ કરવા માટે તૈયાર થયેલી મેનકા અને રંભાનો પણ આંસુઓને કારણે મેક-અપ બગડ્યો.
*
અઠવાડિયા પછી ઓવરટાઈમ કરીને યમરાજે અશ્વિનભાઈને સુરત અડાજણ સાગરસ્મૃતિ સોસાયટી પર ઉતાર્યા. યમરાજે સામે જૂના બસ ડેપોમાં પાડો પાર્ક કર્યો. યમરાજને સાવચેતીથી મેઈન રોડ ક્રોસ કરાવી, અશ્વિનભાઈ સાગરસ્મૃતિ સોસાયટીમાં પ્રવેશ્યા.
એમણે જોયું છ મહિનામાં ખાસ કંઈ બદલાયું નહોતું. અશ્વિનભાઈ બધાને ‘નમસ્તે નમસ્તે’ કરતા હતા, પણ કોઈ જવાબ વાળતું નહોતું. અશ્વિનભાઈએ નવાઈથી યમરાજને પૂછ્યું, “આ બધા પરિચિતો બહેરામૂંગા થઈ ગયા છે?”
યમરાજે કહ્યું, “ના આપણે સ્વર્ગથી એડ-હોક મુલાકાતે આવ્યા હોવાથી આપણે જ અદૃશ્ય, અશ્રાવ્ય અને અસ્પૃશ્ય છીએ.”
અશ્વિનભાઈને પોતાનો ફ્લેટ દૂરથી દેખાયો. પોતે જેને રોજ પાણી પાતા, એ તુલસીનો છોડ સાવ સૂકાઈ ગયો હતો. અશ્વિનભાઈ ઈમોશનલ થઈ ગયા, “યમરાજ, તમને નહીં સમજાય, એક મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારમાં ઘરના મોભ જેવો માણસ છપ્પન વરસની ઉંમરે અકાળ વિદાય થઈ જાય તો એના ઘરમાં કેવો સોપો પડી જાય! એની વિધવા અને એના દીકરા-દીકરીની શું દશા થાય?
ખાલીપો દીવાલોને ડસે, છત કરોળિયાના જાળાની જેમ ઝળૂંબે, પગ નીચેથી ફ્લોરિંગ ખસી જાય! આમેય અમારી સોસાયટીનું બાંધકામ હાઉસિંગ બોર્ડ કરતા થોડુંક જ સારું છે! રિનોવેશન માટે પણ પૈસા જોઈએ ને! આગલી લોન પૂરી થાય તો નવી લઉં ને! અને નવી લોન મળે તો રિનોવેશનમાં વાપરું કે દીકરીના લગ્નમાં? ને વહુના ઘરેણાં ક્યાંથી લાવીશ?
આ બધા ટેન્શનમાં હું ને ધારા બે વરસથી ઊંઘી નહોતા શકતા!” યમરાજે આવી મેલોડ્રામાવાળી થોડી સાઉથની જૂની ફિલ્મો જોઈ હતી એટલે એમના પર ધારી અસર ન થઈ.
અશ્વિનભાઈના જૂનાપુરાણા ડુપ્લેક્ષ બંગલાની સામે તેઓ ઊભા હતા. કૂંડા સુકાયેલા હતા પણ દીવાલની તિરાડોમાંથી લીલોતરી ઊગી નીકળી હતી. આવો બંગલો જો પોતાનો ન હોય તો આ દૃશ્ય બહુ કાવ્યાત્મક અને ફોટોજનિક લાગે.
“ચાલો તૈયાર છો ને!” અશ્વિનભાઈનો ઉદગાર સાંભળી યમરાજને થયું કે અશ્વિનભાઈ પોતાના પરિવારની બેહાલી જોવા આવ્યા હતા કે બતાવવા?
“આ દુ:ખમાં પણ તમને પિતૃ-મહિમાના દર્શન થશે” યમરાજને એમ કહી અશ્વિનભાઈ ડોરબેલ મારવા જતા હતા. પણ યમરાજે તો સીધા બહારથી ગ્રીલ અને એલ્યુમિન્યમ સેક્શન ઓળંગી પ્રવેશ લીધો. પછી અશ્વિનભાઈએ પણ એમ જ કર્યું.
અશ્વિનભાઈના એક્યાસી વરસના પડોશી પકાકાકા પણ ત્યારે ઘરમાં હતા. અશ્વિનભાઈની અર્ધવાર્ષિક તિથિ હોવાથી બેસવા આવ્યા હતા.
આજે છમાસિક તિથિ હતી એ પકાકાકાને યાદ હતું. ઘરવાળાને કદાચ યાદ નહોતું. આજકાલ છમાસિક તિથિ કોણ યાદ રાખે?
ઘરમાં જોર \જોરથી સાઉંડ સિસ્ટમ ચાલતી હતી. અંદરથી એક કૂતરો આવી સાઉંડ સિસ્ટમની સામે હિઝ માસ્ટર્સ વોઈસની અદામાં બેસી ગયો. અશ્વિનભાઈની હયાતીમાં આ સાઉંડ સિસ્ટમ પણ નહોતી અને આ કૂતરો પણ નહોતો.
અશ્વિનભાઈનો દીકરો બબલુ ડોલતો ડોલતો આવ્યો. અને બોલ્યો, “વીની! શેક હેંડ!”
“વીની શેક હેંડ!” આ શબ્દો સાંભળીને અશ્વિનભાઈએ યમરાજને કહ્યું, “મારું મૂળ નામ અશ્વિનીકુમાર! ધારા 20-30 વરસ પહેલા ક્યારેક લાડથી મને અશ્વિનીકુમારના બદલે શોર્ટમાં ‘વીની’ કહેતી, પણ એ મારા બબલુને ક્યાંથી ખબર હોય? વળી આપણે તો અદૃશ્ય છીએ. અને પુત્ર સ્વર્ગસ્થ પિતાજીને આ સ્થિતિમાં પગે પડે, “શેક હેંડ” એમ થોડો કહે?”
યમરાજે ફોડ પાડ્યો, “મને એમ સમજાય છે કે કૂતરાનું નામ વીની છે!” અને ખરેખર કૂતરાએ બબલુને શેક હેંડ કર્યું.
ત્યાં તો દીકરી આવી અને કૂતરાને બચીઓથી નવડાવી નાખ્યો, “માય વીની વીની વીની!” કરીને.
વીની વારાફરતી બબલુ અને માયાના ખોળામાં કૂદતો રહ્યો.
અશ્વિનભાઈએ નોંધ્યું કે દસમા ધોરણ સુધી અંગ્રેજી વિષયમાં ત્રીસ-બત્રીસ માર્ક લાવી કોંડોનેશન ગુણથી પાસ થનાર એમનો દીકરો કૂતરા સાથે અંગ્રેજીમાં જ વાત કરતો હતો. અને એ સારું જ અંગ્રેજી બોલતો હશે, એવું કૂતરાના હાવભાવ પરથી જણાતું હતું.
“પકાકાકા! ડૂ યૂ નો? વીની ઈઝ અવર સુપરહીરો!”
પકાકાકા બોલ્યા, “અશ્વિન બહુ યાદ આવે છે!”
માયાએ મજાક કરી, “બહુ યાદ ન કરો, બોલાવી લેશે!”
કૂતરો ઘરનો માલિક હોય એમ આરામ ખુરશી પર બેસી ગયો.
ધારાબેન લૂટેરા પિક્ચરનું “સંવાર લૂં સંવાર લૂ” ગીત ગાતાં ગાતાં બહાર આવ્યા.
“પકાકાકા યાદ છે? તમારા અશ્વિનભઈ પણ આમ જ આ ખુરશી પર બેસતાં!”
ત્યાં કૂતરો ભસ્યો!
“મમ્મી! વીનીનો અવાજ પણ થોડો પપ્પા જેવો છે નહીં?” દીકરી બોલી.
“માય વીની ઈઝ સો સ્વીટ” કરીને ધારાબહેને કૂતરાને અંગ્રેજીમાં વહાલ કર્યું.
ધારા પકાકાકાને કહેવા લાગી, “એ ગયા ત્યારે લાગતું હતું, માથે પહાડ તૂટી પડ્યો. હવે કેમ કરી જીવાશે? એમના વગર પહેલા ત્રણ મહિના તો ત્રણ યુગ જેવા ગયા!”
અશ્વિનભાઈએ યમરાજના બૂટ પર બૂટ મારી કહ્યું, “જોયું? મારા વગર આ લોકો ઝૂરે છે! મારી ખોટ કદી ન પુરાય!”
પકાકાકાએ કહ્યું, “ઘરમાં કોઈ ખમતીધર માણહ હાજરી હોય, એ અચાનક ચાલી જાય તો ખોટ તો પડે જ ને!”
ધારાબહેન બોલ્યા, “હા, પણ વીનીની હાજરી પણ કંઈ કમતી(ઓછી) નથી. જુઓ ને, અશ્વિનને પણ મહેમાન ગમતા, વીની પણ ગમે છે. અશ્વિનની જેમ વીની પણ તરત રીસાઈ જાય તરત માની જાય. અશ્વિન પણ ખોટું ખોટું ખિજાતાં, આ વીની પણ ખોટું ખોટું ભસે. આ શ્વાન અને એ અશ્વિન! સરખું સરખું જ લાગે ને!”
પકાકાકા બોલ્યા, “પણ બાપ તે બાપ!” અશ્વિનભાઈએ પકાકાકાના ચરણ સ્પર્શ કરી લીધા.
ધારાબહેન બોલ્યાં, “આ હવે બાપની જગ્યાએ જ છે. પકાકાકા! તમારાથી તો કંઈ છાનું નથી. મારી માયા પેલા આઉટકાસ્ટના છોકરા સાથે ભાગેલી ત્યારે એના પપ્પા જ એને પાછી લઈ આવેલા અને એ જ એને છાની રાખતા. માયા પપ્પાને જુએ તો જ એના ઉદાસ મો પર હંસી આવે.
પપ્પા ગુજરી ગયા પછી ‘સુસાઈટ’ કરવા જ કહેતી હતી. પણ આ વીની આવ્યો છે ત્યારથી મરવાની વાત નથી કરતી અને પેલા મવાલી છોકરાને તો સાવ ભૂલી જ ગઈ. હવે તો કહે છે કે લગ્ન જ નથી કરવા.”
પકાકાકાએ અશ્વિનભાઈના મનમાં હતો તે પ્રશ્ન પૂછી નાખ્યો, “પણ નાનીમોટી નોકરી કરવાની ઉંમરે બબલુ આખો દિવસ કૂતરાં રમાડે એ કંઈ સારું લાગે?”
“અરે, આ બબલુની નોકરી માટે કંપનીવાળા વીસ લાખ માંગતા હતા, પણ જ્યારથી બબલુ ડોગ ટ્રેનરનું કામ શીખ્યો છે ત્યારથી રોજ નવું કામ ઘરબેઠા આવે છે. અમે તો સેટલ થઈ ગયા!”
આ સાંભળીને અન-સેટલ થઈ રહેલા અશ્વિનભાઈને યમરાજે ટેકો દઈ પકડી રાખ્યા.
ગુજરાતી શિક્ષકના થોડા ગુણો વારસામાં લઈને જન્મેલી માયા બોલી, “વીની એટલે સુખનું સરનામું!”
“માલું ચુખનું ચરનામું” કહી ધારાબહેને વીનીને ગળે લગાડ્યો.
બબલુ બોલ્યો, “પણ મમ્મી, પપ્પા હોત તો “મારે ઘરમાં કૂતરું ન જોઈએ!” એમ કરી મોં ચડાવી બેઠા હોત!”
જાણે સમજ પડી હોય એમ વીની હસ્યો. આમ તો ભસ્યો, પણ હસ્યા જેવું જ ભસ્યો.
“જો ને કેવું ચરચ હચે છે!” ધારાબહેન વીનીની હરેક અદા પર ફિદા હતા.
“વીનીની હૂંફને કારણે અમે જીવી ગયા!” માયા બોલી.
અકળાયેલા અદૃશ્ય અશ્વિનભાઈને શું સૂઝ્યું તે એમણે વીનીને એક ચીમટું ભર્યું!
વીનીએ ભેંકડો તાણી, કૂદકો માર્યો. નજીક ટેબલ ઉપર ફ્રેમમાં સ્વ.અશ્વિનભાઈનો ફોટો શોભતો હતો. એ ફ્રેમ નીચે પડી. કાચ વેરાયા. ધારાબહેન બોલ્યાં, “શુકન થયા!”
સહુ ગભરાયેલા કૂતરાને નવેસરથી લાડ કરવા લાગ્યા.
કૂતરું રડે તો આંસુ ન પડે, લાળ પડે, અને એ લાળ અશ્વિનભાઈની તસવીર પર જ પડી.
યમરાજે જોયું કે આખા ઘરમાં ‘પિતૃમહિમા’ને સ્થાન ‘કૂતરું-મહિમા’ જ વ્યાપ્ત હતો. અશ્વિનભાઈનો પ્રતિભાવ જોવા બાજુમાં જોયું તો અશ્વિનભાઈ હતા જ નહીં.
હાંફળાફાંફળા થયેલા યમરાજ આમતેમ શોધી આખરે ડેપો પર આવ્યા તો અશ્વિનભાઈ પાડા પર જ બેઠા હતા, “ચાલો ને યાર, પૃથ્વી પર શું દાટ્યું છે?” અદેહી અશ્વિનભાઈને સમજાઈ ગયું કે એક ‘ફાલતૂ’ની જગા ‘પાલતૂ’થી પુરાઈ ગઈ હતી..
પાછાં વળતાં ઉદાસ અશ્વિનભાઈને એંટરટેઈન કરવા યમરાજે શેર સંભળાવ્યો, “મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ..”
પહેલો મિસરો બેવાર બોલી, યમરાજ બીજી લીટી જ ભૂલી ગયા. અશ્વિનભાઈ પાછા ગુજરાતીના શિક્ષક ખરા ને, એટલે બીજી એમને લીટી યાદ હતી,
“આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ!”
પણ એ શબ્દો બદલી બોલ્યા,
“માનવી ઘરમાંથી નીકળ્યો, ને જગા એક શ્વાનથી પુરાઈ ગઈ.”
~ રઈશ મનીઆર
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ માનવી ઘરમાંથી નીકળ્યો, ને જગા એક શ્વાનથી પુરાઈ ગઈ
રઈશભાઈ, આ તો જબરું કોમેડી લાગ્યું, જે આ જગ છોડી ચાલ્યા ગયા એની વ્યથા તો ઠીક, પણ જે જીવતા સ્વજનો ની દિલ ની કથા નું વર્ણન જે કોઈ કળી નથી સકતા એ તમે જરૂર ખેંચીને લાવ્યા છો.
Nicely articlualted.. What a imaginations, Raeesh bhai..Moj padi gai.