સૌંદર્યભૂમિ સ્વિત્ઝરલૅન્ડ ~ (યુરોપ યાત્રા ભાગ-૫) ~ સંધ્યા શાહ

આલ્પ્સની ગિરિમાળાના અવર્ણનીય સ્વરુપને નિહાળતી વખતે લાગ્યું કે યુરોપના પ્રાકૃતિક સૌંદર્યને માણવાના આ સ્વર્ણિમ દિવસો છે.

આજે ટ્રમલબેક ફોલ્સ જોવા જવાનું હતું.

યુંગફ્રાઉ (Jungfrau) ઈગર (Eiger) અને મોન્ક (Monch)ના બર્ફીલા શિખરમાંથી વહી આવતો ધસમસતો ધોધ એ ટ્રમલબેક ફોલ્સ (Trummelback Falls). પ્રતિક્ષણ પથ્થરો પર પડતા 20,000 લીટર પાણીનો નાદ અમને દૂરથી સંભળાતો હતો.

ધોધને નજીકથી નિહાળવા માટે પહાડ પર એક મોટા ઓરડા જેવી લિફ્ટ બનાવી છે. ત્રણ માળ સુધી તેમાં જઈ શકાય છે. બહાર નીકળીને પગથિયા ચડીને અમે પહાડોની વચ્ચે-વચ્ચે દેખાતા અને સંભળાતા આ ધોધના ઘેઘૂર નાદને માણતા રહ્યા. જળશિકરોથી ભીંજાતા રહેવાની મજા તો કાંઈ ઑર જ હતી.

ત્યાંથી ગ્રિન્ડલવાલ્ડ ગ્રાઉન્ડ ગયા. Jungfrauનો ઉચ્ચાર અહીં યુંગ-ફ્રાઉ કરવામાં આવે છે. Top Of Europe. સ્વિત્ઝરલૅન્ડના સહુથી ઊંચા શિખર પર પહોંચવાની ઉત્સુકતા હતી કારણ સમુદ્રની સપાટીથી 12,000 ફૂટ ઊંચે ટ્રેનમાં જવાનું હતું.

પહાડ પર ધીરે-ધીરે સરકતી ટ્રેનમાંથી દેખાતા હિમાચ્છાદિત શિખરો નિરવધિ આનંદમાં ડૂબાડી દેતા હતા. ચોમેર પથરાયેલી હરિયાળી અને વચ્ચે વહેતા ઝરણાઓ પહાડોની ભવ્યતામાં ચાર ચાંદ લગાવતા હતા. પોણા ભાગનું અંતર વટાવ્યા પછી ફરી એક નાનકડી ટ્રેનમાં શિખર પર પહોંચવાનું હતું.

આ પ્રજાના અપ્રતિમ સાહસ, કૌશલ્ય અને બુદ્ધિમત્તાને સલામ કરવી પડે. આપણે હિમાલયના માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી શકાય એવી સુવિધા કરી શકીએ? 12,000 ફૂટની ઊંચાઈએ શિખર પર પહોંચવા માટે જે ટ્રેનની સુવિધા કરી શકે, બરફ્ની ગેલેરી બનાવી શકે ને ગરમાગરમ જૈન ભોજન પણ આપી શકે તેની સ્તુતિ માટે શબ્દો ઓછા પડે.

Jungfrau-Top Of Europe ના આ શિખર પર પહોંચવા માટે ઈ.સ. 1896 માં એકસો ઈટાલિયન મજૂરોએ બાંધકામ શરૂ કર્યુ હતું. અનેક વિટંબણાઓ વેઠ્યા પછી સોળ વર્ષને અંતે આ કાર્ય સંપન્ન થયું.

Buy Jungfraujoch Tickets | Top of Europe | jungfrau.ch

અહીંની આઈસ ગેલેરીમાં આ કાર્યના પ્રમુખ કર્તાઓના ચિત્રો અને શિલ્પો તો છે જ, સાથે-સાથે આ કાર્ય કરતા કરતા મૃત્યુ પામેલા શહીદોને પણ અંજલિ આપવામાં આવી છે.

આ આઈસ પેલેસમાં- બરફની ગેલેરીના અતિ ઠંડા વાતાવરણમાં (-6) સરકવાની મજા પડી. જ્યારે ટોચ પર પહોંચ્યા ત્યારે જોરદાર પવન સાથે બરફ વરસતો હતો. બરફના કરાંને ઝીલવાનો આનંદ અવર્ણનીય હતો પણ પવનના એટલા જોરમાં બે મિનિટથી વધુ વખત ઊભા રહી શકાય એમ જ નહોતું. (યુરોપમાં ઠંડી લાગશે એમ ધારીને લીધેલા બધા ગરમ કપડા પહેલી વાર તો પહેર્યા હતા તેમ છતાં.)

આટલા જ ઠંડા વાતાવરણમાં કારગિલની સરહદ પર ચોકીપહેરો કરતા સૈનિકોનું સહજ સ્મરણ થઈ આવ્યું.

અમે બીજી ગેલેરીમાંથી ફરી એકવાર વરસતા હિમકણોને માણવા બહાર નીકળ્યા, સદ્દ્ભાગ્યે અહીં પવન ન હતો એટલે વધુ વાર ભીંજાયા. શુભ્ર આકાશ અને ધરા પર અનંતપણે વિસ્તરેલું બરફનું સામ્રાજ્ય હ્રદયસ્થ બની ગયું.

આખા રસ્તે પર્વતમાળા પર ઢોળાઈ ગયેલો બરફ અહીં કેટકેટલા સ્વરૂપે દેખાતો હતો! સમુદ્રના છલકાતા-ફીણ ફીણ થઈને વેરાતા મોજાઓ કે આકાશમાંથી ઊતરી આવેલી ધોધમાર ચાંદની. આ ધવલ ઉજાસ અંતરતમને ઉજાળી રહ્યો. સાંજ ઈન્ટરલેકનના પાર્કમાં વીતાવી.

ઘેરા લીલા ઘાસની બિછાત, સુગંધી- ખુશ્બૂદાર ફૂલોથી શોભતા નાનકડા છોડ, સાઈકલ ફેરવતા ભૂલકાઓ અને પાર્કમાં ટહેલતી યુવાપેઢીને નિહાળતા રહ્યાં. મકાનોની બાંધણી પણ એટલી સરસ કે જોતા જ રહીએ.

આખો દિવસ ખૂબ ઠંડીમાં રહ્યા પછી ચા પીવાની તીવ્ર ઈચ્છા હતી. એક પાકિસ્તાની હૉટેલિયરની આતિથ્યભાવનાનો ઉમદા પરિચય થયો. એના વાક્યો તો હ્રદયને સ્પર્શી ગયા. એ કહે,

“વતનથી અહીં આવ્યા પછી પાછા જવાનો માર્ગ તો રહેતો જ નથી. 19 વર્ષની ઉંમરે અહીં આવ્યો છું, આજે પણ મારા વતનની માટીને ભૂલ્યો નથી. અહીંના સંબંધો તો રણના ઝાંઝવા જેવા. સાચો સ્નેહ ક્યાં શોધવાનો?”

કોઈને પણ મદદ કરીને અલ્લાહને જવાબ આપવાનું પસંદ કરતા એ ભાઇ સહુને ભીંજવી ગયા. ગરમ-ગરમ મસાલાવાળી ચા અને તેમનું ઉષ્માપૂર્ણ વ્યક્તિત્વ યાદ રહી જશે.

બાજુમાં સ્વિસ ઘડિયાળો અને વિક્ટરીનોક્સ victorinoxના ચપ્પા બહુ જ સરસ મળતા હતા. 32 રીતે કામ આવી શકે એવા ચપ્પા અને ઘડિયાળો ખરીદી.

Victorinox SwissChamp Black

શાક અને ફળોની છાલ ઉતારવાના ચપ્પા પણ અહીં બહુ જ સસ્તા મળે. મિત્રો અને સ્વજનોને આપવા માટે એ સારી વસ્તુ હતી. બધાએ એની ખરીદી કરી. વાતો કરતા કરતા સહુ હોટલ પર પરત આવ્યા.

સવારે આરામથી ઉઠ્યા. બહુ જ બધા વ્યસ્ત દિવસોમાં આજે કંઈક અંશે હળવાશભર્યો આ દિવસ હતો. અહીંની હોટલમાં સવારે નાસ્તામાં બ્રેડ-બટર, ફ્રૂટ, જ્યૂસ, ચા, કોફી, દૂધ, કોર્નફ્લેક્સ તો હતા જ. સાથે અમે ગુજરાતીની ઓળખ સમા ઘરેથી લઈ ગયેલા ખાખરા, થેપલા, ગાંઠિયા ને મરચાં પણ ખાઈને મજાથી નીકળી પડ્યા.

વિશ્વના સમૃધ્ધ શહેરમાં જેની ગણના થાય છે તેવી સૌંદર્યભૂમિ સ્વિત્ઝરલૅન્ડની વહીવટી રાજધાની બર્ન જોવાની ઉત્સુકતા હતી. ફેડરલ સિટી તરીકે ઓળખાતું, આલ્પ્સની પર્વતમાળાનો સમૃદ્ધ વારસો ધરાવતું, અત્યંત મુગ્ધ કરી દેતું આ શહેર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ છે.

Discover Bern - the capital of Switzerland | AlpExcursion.com

આરે નદીના કિનારે વસેલા આ શહેરમાં બહુધા આછા લીલા રંગના પથ્થરના ઉત્તમ બાંધણી વાળા મકાનો, પહોળા રસ્તાઓ, રસ્તાઓ પર ફરતી ચકચકતી લાલ ટ્રામ, વૈભવી મોટરો અને શોપિંગ મૉલ્સ ધ્યાન ખેંચતા હતા.

લીલા રંગના પાણી પરની કેનાલ, અગાસી પર ઉગાડેલા બગીચા અને 13મી સદીમાં બંધાયેલા બેલ ટાવરના પરિસરમાં ફરવાની મજા આવી.

અહીં સ્વિસ પાર્લામેન્ટ જોવા જેવી છે. નવજાગૃતિની ચળવળ વખતે બૌદ્ધિકોનું જ્યાં મિલન થતું એ ભૂમિ તેના ભૂતકાળની યાદ આપતી અડીખમ આજે પણ ઊભી છે.

Parliament Building

લાંબા પરિસરમાં બંધાયેલા પ્રભાવશાળી પાર્લામેન્ટના પ્રાંગણમાં ખુરશી ટેબલો જોઈ અમે પણ ત્યાં જ બેસી ગયા અલબત્ત, આ શહેરના અનોખા અંદાજમાં…

યુરોપ આવતા  પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ તે રાઈન ફૉલ્સ (Rhine Falls).

યુરોપનો સહુથી મોટો- 150 મીટર પહોળો, 23 મીટર ઊંચો અને પ્રતિક્ષણ સાત લાખ લીટર પાણી વહાવતો આ ધોધ અત્યંત ભવ્ય છે. આલ્પ્સના હિમમંડિત શિખરો પરથી ધસી આવતા પાણીનો એ અદ્દ્ભુત નજારો હતો. ધસમસતા જળનો પથ્થર પર અફળાઈને આવતો કર્ણમધુર ધ્વનિ ગૂંજી રહ્યો હતો.

The Rhine Falls: Europe's Majestic Waterfall - International School Parent

બૉટમાં બેસીને એ ધોધની નજીક જઈ એ જળશિકરોથી ભીંજાતી વેળાએ આખું શરીર રોમાંચિત થઈ ઊઠ્યું. પગથિયા પર ચડીને પેનોરમા વ્યૂ જોવાની મજા પણ લેવા જેવી છે. છેક જર્મનીથી સ્વિત્ઝરલૅન્ડ સુધી વહી આવતા એ રૂપેરી પ્રવાહનું સૌંદર્ય મનમાં વસી ગયુ.

યુરોપની યાત્રાનો પ્રત્યેક દિવસ કોઈ વિશિષ્ટ સંભારણું બનીને રહી ગયો છે.

(ક્રમશ:)

Leave a Reply to Harish DasaniCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments