આદમકદ આયનો ~ (જાપાનીઝ વાર્તા) ~ મૂળ લેખકઃ હારુકી મુરાકામી ~ અનુવાદ: હસમુખ કે. રાવલ
(“આપણું આંગણુંં”ની સમસ્ત ટીમ અને વાચકો વતી સર્જક શ્રી હસમુખભાઈ રાવલનું સ્વાગત કરતાં હું આનંદ અનુભવું છું. એમનો પરિચય નીચે આપ્યો છે. આશા છે કે એમની કૃતિ અને કલમનો લાભ આપણને મળતો રહેશે.)
લેખકનું પૂરું નામ: હસમુખ કે. રાવલ
સરનામું : B/408, Bandhan, G.H.B. Complex, Near Ankur Bus Stop,
Naranpura, AHMEDABAD-380 013
PH : 96012 94665
EMAIL :h_k_raval@yahoo.co.in
અનુવાદક/લેખક પરિચય: (પ્રતિષ્ઠિત સામયિકોમાં વાર્તા, કવિતા, નિબંધ, અનુવાદ પ્રગટ થતાં રહે છે. તીતલીલેન્ડ (વાર્તાસંગ્રહ-2025) શબ્દમુદ્રિકા (કાવ્યસંગ્રહ), નવલિકાચયન -2006 (ગુ.સા.પ.), સૂર્યલીલા (દીર્ઘકાવ્ય), તો ઊડવાની દુનિયા અમારી, તમારા માટે નવી નક્કોર બાળવાર્તાઓ (બાળવાર્તાઓ) તથા સીમનો ટહુકો, સત્યમુખી, ગુલાબનગર, આવળ બાવળ બોરડી, જયશ્રી જંગલ (મૌલિક નાટકો), એક પગલું આકાશમાં, મારી રંગયાત્રા (પ્રવાસ) ગોડસે@ગાંધી.કૉમ અસગર વજાહતના નાટકનો અનુવાદ),
શ્રી. સચ્ચિદાનંદનના અંગ્રેજી કાવ્યસંગ્રહ MISPLACED OBJECTS AND OTHER POEMSનો ગુજરાતી અનુવાદ ઉપરાંત કેટલીક અંગ્રેજી તેમજ પ્રાદેશિક ભાષાઓની વાર્તા-કવિતા- નાટકના અનુવાદ.
શોખ : પુસ્તક, પ્રવાસ, ફોટોગ્રાફીને ઑનલાઈન સતત વાચન. તેથી સર્જાતો શબ્દ સહેજ ઉજળો બને છે. સાંપ્રત ગુજરાતી સાહિત્ય કરતાં વૈશ્વિક ભાષાઓમાં થતું કામ વિશેષ ગમે છે.
(મૂળ જાપનીઝ લેખકનો પરિચય વાર્તાના અંતે આપ્યો છે.)
આદમકદ આયનો
~ મૂળ જાપાનીઝ વાર્તા
મિત્રો,આજે રાત્રે તમે જે પ્રકારની વાતોની રાવઠી જમાવી છે તે બધી વાતો બે વિભાગોમાં મૂકી શકાય.. એકમાં જીવંત દુનિયા છે, બીજામાં મૃત દુનિયા છે. પહેલામાં જીવન અને મૃત્યુ બંનેમાં હેરાફેરી કરવાની મંજૂરી આપતી કોઈ શક્તિ છે. આમાં ભૂત આદિનો સમાવેશ થાય છે.
જ્યારે બીજા પ્રકારમાં અભૌતિક ક્ષમતાઓ, ઘટનારી ઘટનાનાં પૂર્વવર્તારા, અનુમાનો અથવા તો ભવિષ્ય વિશેની આગાહી કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. તમારી બધી વાર્તાઓ ભૂતપ્રેતની વાતો અથવા ભાવિ ભાખનારાંની વાતો છે. આ બે જૂથોમાંથી એકની છે.
હકીકતમાં, તમારા અનુભવો લગભગ સંપૂર્ણપણે પહેલા અથવા બીજા જૂથમાં આવે છે. મારો મતલબ એ છે કે, જે લોકો ભૂત જુએ છે તેઓ ફક્ત ભૂત જુએ છે અને ક્યારેય ભવિષ્ય ભાખવાની શક્તિ ધરાવતા નથી. અને ભવિષ્ય ભખનારા ભૂતડાકણ જોતા નથી. મને ખબર નથી કે આવું શા માટે શા માટે થાય છે. કદાચ એક કે બીજા માટે વ્યક્તિગત વલણ રહેતું હશે એવું મને લાગે છે. ઓછામાં ઓછી મારી આવી ધારણા છે.
અલબત્ત, કેટલાક લોકો બંને શ્રેણીમાં આવતા નથી. જેમકે, હું. મારાં ત્રીસ વર્ષોમાં મેં ક્યારેય ભૂત જોયું નથી, કે ક્યારેય વરસાદ કે વાવાઝોડાના વર્તારા કે ભવિષ્યવાણીનાં સપનાં જોયાં નથી. એક વાર હું મારા બે મિત્રો સાથે લિફ્ટમાં જઈ રહ્યો હતો અને તેઓએ સોગંદપૂર્વક કહ્યું કે અમારી સાથે એક ભૂત પણ લિફ્ટમાં હતું. પણ મને કંઈ દેખાયું નહીં.
તેઓએ દાવો કર્યો કે મારી બાજુમાં ગ્રે સૂટ પહેરેલી એક સ્ત્રી ઊભી હતી, પણ મેં કોઈ સ્ત્રી જોઈ નહોતી. લિફ્ટમાં અમે ત્રણ જ લોકો હતા. મજાક નથી. અને આ બે મિત્રો એવા નહોતા કે તેઓ જાણી જોઈને મારી સાથે મજાક-મસ્તી કરે. આખી વાત ખૂબ વિચિત્ર હતી, પણ હકીકતમાં મેં આજ દિવસ સુધી ક્યારેય કોઈ ભૂત જોયું નથી.
પરંતુ એક વખત એવું બનેલું, ફક્ત એક જ વખત, હાં. જેનાથી હું ડરી ગયો હતો. આ લગભગ દસ વર્ષ પહેલાં બન્યું હતું, પણ મેં ક્યારેય કોઈને તેના વિશે કહ્યું નથી. મને તેની વાત કરવામાં પણ ડર લાગતો હતો.
મને હતું કે જે મેં જોયું, તે ફરીથી થઈ શકે છે, તેથી મેં ક્યારેય કોઈની સામે તેનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ આજની રાત તમારામાંના દરેકે પોતાનો ડરામણો અનુભવ કહ્યો છે, અને મહેમાન તરીકે હું મારી પોતાની રીતે કંઈક કહ્યા વિના કહી શકતો નથી. તો મેં નક્કી કર્યું છે કે હું તમને મારી વાર્તા કહીશ. સાંભળો.
૧૯૬૦ના દશકાના અંતમાં હું હાઇસ્કૂલમાંથી સ્નાતક થયો, ત્યારે વિદ્યાર્થી ચળવળ પૂરજોશમાં હતી. હું હિપ્પી ચળવળનો ભાગ હતો, અને કોલેજ જવાનો ઇન્કાર કર્યો હતો. ભણવાના બદલે, હું આખા જાપાનમાં વિવિધ પ્રકારની જાતમજૂરીની નોકરીઓ કરતો રહ્યો.
મને લાગતું કે એ સમયે જીવવાનો એ સૌથી યોગ્ય માર્ગ છે. યુવાન અને ઉતાવળિયો. તે સમયે મારું જીવન ખૂબ જ મનોરંજક હતું. ભલે મારી પસંદગી યોગ્ય ન હતી , પણ જો મને ફરીથી તે કરવાનું કહેવામાં આવે, તો મને ખાતરી છે કે હું ચોક્કસ કરીશ.
દેશભરમાં રખડવાના મારા બીજા વર્ષના પાનખરમાં, મને જુનિયર હાઇ સ્કૂલમાં નાઇટ વોચમેન તરીકે બે મહિના માટે નિગાતા જીલ્લાનાના એક નાના શહેરની એક શાળામાં નોકરી મળી. હું ઉનાળા દરમિયાન ખૂબ કામ કરીને થાકી ગયો હતો. હવે અને થોડા સમય માટે આરામ કરવા માંગતો હતો.
રાત્રિ ચોકીદાર બનવું એ કોઈ રોકેટ સાયન્સ નથી. દિવસ દરમિયાન હું ચોકીદારની ઑફિસમાં સૂતો હતો, અને રાત્રે મારે ફક્ત આખી શાળામાં બે વાર ફરવાનું હતું જેથી ખાતરી કરી શકાય કે બધું બરાબર છે. બાકીનો સમય હું સંગીત રૂમમાં રેકોર્ડ સાંભળતો, પુસ્તકાલયમાં પુસ્તકો વાંચતો, જીમમાં એકલા બાસ્કેટબોલ રમતો.
શાળામાં આખી રાત એકલા રહેવું એટલું ખરાબ નથી, ખરેખર. શું મને ડર હતો? ના. જ્યારે તમે અઢાર કે ઓગણીસ વર્ષના હો, ત્યારે તમને કંઈ પરેશાન કરતું નથી.
મને નથી લાગતું કે તમારામાંથી કોઈએ ક્યારેય નાઇટ ચોકીદાર તરીકે કામ કર્યું હોય, તેથી મારે કામની ફરજો સમજાવવી જોઈએ. તેમાં દરરોજ રાત્રે 9:00 વાગ્યે અને વહેલી સવારે 3:00 વાગ્યે બે રાઉન્ડ મારવાના, આ કામનું સમયપત્રક.
શાળા નવીનકોર ત્રણ માળની કોંક્રિટની ઇમારત હતી, અઢારથી વીસ વર્ગખંડો હતા, ખાસ મોટી ના કહેવાય. વર્ગખંડો ઉપરાંત સંગીત ખંડ, સાયંસ લેબ, કલાઆર્ટ સ્ટુડિયો, સ્ટાફ ઓફિસ અને પ્રિન્સિપાલની ઓફિસ હતી. ઉપરાંત એક અલગ કાફેટેરિયા, સ્વિમિંગ પૂલ, જીમ અને ઓડિટોરિયમ. મારું કામ આ બધાની ઝડપી તપાસ કરવાનું હતું.
હું રાઉન્ડ મારતો, તેમાં વીસ-પોઇન્ટ ચેકલિસ્ટનું પાલન કરવાનું હતું. હું દરેકની દિશામાં એક ચેકમાર્ક બનાવતો હતો – સ્ટાફ ઓફિસ, ચેક, સાયન્સ લેબ, ચેક… હું ફક્ત ચોકીદારના રૂમમાં પથારીમાં પડ્યો રહી, સૂતાં સૂતાં તકલીફ વિના આડેધડ લીટાં કરી નોકરી કરી શકયો હોત. પણ હું એટલો નઘરોળ નહોતો. રાઉન્ડ કરવામાં વધુ સમય લાગતો ન હતો, અને જો કોઈ તોડફોડ કરે ને હું સૂતો ઝડપાઉં તો આક્ષેપ મારા પર જ આવે.
હું દરરોજ રાત્રે નવ અને ત્રણ વાગ્યે ત્યાં હાજર રહેતો, મારા ડાબા હાથમાં ફ્લેશલાઇટ, મારા જમણા હાથમાં લાઠીની કેન્ડો તલવાર રાખતો. હું હાઈસ્કૂલમાં હતો ત્યારે લાઠીદાવનો અભ્યાસ કરતો હતો.
કોઈને પણ ઘાયલ કરવાની મારી ક્ષમતા પર ખૂબ વિશ્વાસ હતો. જો કોઈ હુમલાખોર કલાપ્રેમી હોય, અને ધારો કે તેની પાસે સાચુકલી તલવાર હોત, તો પણ હું ડરતો નહીં. હું ભલે નાનો પણ રાઈનો દાણો. તમે મારી દોડ જોઈ છે…
એ બધું તો ઠીક. ઓક્ટોબરની શરૂઆતમાં પવન ફૂંકાતી રાત્રે આ ઘટના બની હતી. ખરેખર તો વર્ષના તે સમયે હવા થોડી ભેજવાળી હતી. સાંજે બે કોઇલ સળગાવી મચ્છરોનાં ટોળાં ભગાડ્યાં હતાં. પવન ઘોંઘાટીયો હતો. સ્વિમિંગ પૂલનો દરવાજો તૂટી ગયો હતો અને પવનને કારણે દરવાજો ઉઘાડવાસ થયા કરતો હતો. મેં તેને ઠીક કરવાનું વિચાર્યું, પણ બહાર ખૂબ અંધારું હતું, તેથી તે આખી રાત ટકરાતો રહ્યો.
રાત્રે 9:00 વાગ્યાનો મારો રાઉન્ડ બરાબર ચાલ્યો, યાદીમાંની બધી વીસ વસ્તુઓ કાળજીપૂર્વક ચેક કરી. દરવાજા બધા બંધ હતા, બધું તેની જગ્યાએ વ્યવસ્થિત હતું. કંઈ અસામાન્ય નહોતું. હું ચોકીદારના રૂમમાં પાછો ગયો, 3:00 વાગ્યાનો એલાર્મ સેટ કર્યો, અને ગાઢ ઊંઘી ગયો.
જોકે, જ્યારે એલાર્મ 3:00 વાગ્યે વાગ્યો, ત્યારે હું વિચિત્ર લાગણીથી જાગી ગયો. હું તમને સમજાવી શકતો નથી, પણ મને કંઈક અલગ લાગ્યું. ઉઠવાનું મન જ થતું નહોતું થયું. એવું લાગતું હતું કે જાણે કોઈ મારી ઉઠવાની ઇચ્છાને પથારીમાં દબાવી રહ્યું છે.
હું તો તરવરિયો. એલાર્મ સાંભળતાં જ પથારીમાંથી ઉછળી પડતો. તેથી હું એ હતાશા સમજી શકતો ન હતો. મારે મારી જાતને પથારીમાંથી બહાર નીકળવા માટે દબાણ કરવું પડ્યું અને મારા રાઉન્ડ માટે પરાણે તૈયાર થવું પડ્યું.
પૂલનો દરવાજો હજુ પણ લયબદ્ધ રીતે અથડાતો રહેતો હતો, પરંતુ હવે એ પહેલાં કરતાં અલગ સંભળાવા લાગ્યો. ચોક્કસ કંઈક વિચિત્ર છે, મેં વિચાર્યું, આગળ વધવા માટે અનિચ્છા. પરંતુ મેં મન બનાવી લીધેલું કે મારે મારું કામ કરવાનું જ છે. ભલે ગમે તે હોય. જો તમે એક વાર તમારી ફરજ બજાવવામાં ચૂકી જાઓ, તો તમને કાયમની આદત પડી જાય. હું તેમાં પડવા માંગતો ન હતો. તેથી મેં મારી ફ્લેશલાઇટ અને લાકડાની તલવાર લીધી અને હું નીકળ્યો.
તે એકદમ વિચિત્ર રાત હતી. જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ પવન વધુ જોરદાર થતો ગયો, હવા વધુ ભેજવાળી થઈ ગઈ. મારી ત્વચામાં ખંજવાળ આવવા લાગી અને હું ધ્યાન કેન્દ્રિત કરી શક્યો નહીં.
મેં પહેલાં જીમ, ઓડિટોરિયમ અને પૂલમાં ફરવાનું નક્કી કર્યું. બધું બરાબર થઈ ગયું. પૂલનો દરવાજો પવનમાં એવી રીતે અથડાતો જાણે કોઈ પાગલ માણસ વારાફરતી માથું પછાડે છે ને હોંકારા કરે છે. જો કે તેમાં કોઈ ક્રમ નહોતો. પહેલા બે-ત્રણ વાર હકાર – હા, હા, – પછી નકાર ના, ના, ના…. મને ખબર છે કે દરવાજાની માણસ સાથે સરખામણી કરવી એ જ વિચિત્ર વાત છે, પણ મને એવું જ લાગ્યું.
સ્કૂલ બિલ્ડીંગમાં પરિસ્થિતિ સામાન્ય હતી. મેં આસપાસ જોયું અને મારી યાદીમાંના મુદ્દાઓ તપાસ્યા. મને બધું વિચિત્ર લાગતું હતું છતાં, ત્યાં અસામાન્ય જેવું કંઈ બન્યું ન હતું. રાહત અનુભવીને, હું ચોકીદારના રૂમમાં પાછો જવા લાગ્યો.
મારા ચેકલિસ્ટમાં છેલ્લું સ્થાન મકાનની પૂર્વ બાજુએ કાફેટેરિયાની બાજુમાં બોઈલર રૂમ હતી, જે ચોકીદારના રૂમની સામેની બાજુએ હતું. આનો અર્થ એ થયો કે પાછા ફરતી વખતે મારે પહેલા માળના લાંબા કોરિડોરમાંથી નીચે ચાલવું પડશે. ત્યાં ઘોર અંધારું હતું..
રાત્રે ચંદ્ર દેખાતો ત્યારે કોરિડોરમાં થોડો પ્રકાશ રહેતો, પરંતુ એ ન હોત, ત્યારે તમે કંઈ જોઈ શકતા ન હતા. હું ક્યાં જઈ રહ્યો છું તે જોવા માટે મારે મારી ફ્લેશલાઇટ મારી આગળ ચમકાવવી પડતી હતી. આ ખાસ રાત્રે, એક વાવાઝોડું બહુ દૂર નહોતું, તેથી ચંદ્ર બિલકુલ નહોતો. વાદળો એકાએક છવાઈ જતાં, અને ફરીથી અંધારું છવાઈ જતું.
હું હંમેશ કરતાં વધુ ઝડપથી કોરિડોરમાં ચાલ્યો, મારા બાસ્કેટબોલ શૂઝના રબરના તળિયા લિનોલિયમના ફ્લોર પર ટપ ટપ કરી રહ્યા હતા. માળ લીલો લિનોલિયમનો હતો, શેવાળના ધુમ્મસિયા પલંગ જેવો રંગ. હું આજે પણ કલ્પના કરી શકું છું.
શાળાનો પ્રવેશદ્વાર કોરિડોરમાં વચ્ચે હતો. જ્યારે તેમાંથી પસાર થયો ત્યારે મેં વિચાર્યું કે શું—? મને લાગ્યું કે મેં અંધારામાં કંઈક જોયું છે. હું પરસેવામાં પલળી ગયો.
લાકડાની તલવાર પકડીને, મેં જ્યાં જોયું હતું તે તરફ વળ્યો. મેં જોડા રાખવાના શેલ્ફની બાજુમાં દિવાલ પર મારી ફ્લેશલાઇટ ચમકાવી. તો હું ત્યાં હતો. હું ગભરાયો. હું અહીં હતો કે ત્યાં હતો….? ત્યાં પણ માર હાથમાં ફ્લેશલાઈટ હતી. હા. અરીસો હતો.. અરીસામાં મારું પ્રતિબિંબ હતું…. ગઈકાલે ….તો રાત્રે ત્યાં કોઈ અરીસો નહોતો, કદાચ આજે તેઓએ અહીં વચ્ચે એક મૂક્યો હશે.
દોસ્તો, હું ચોંકી ગયો. તે ખરેખર એક લાંબો, આદમકદનો અરીસો હતો. અરીસામાં હું જ છું એ જાણીને મને મારી થોડી મૂર્ખતા સમજાઈ. બસ, બસ, આટલું જ, મેં મારી જાતને કહ્યું. રે મૂર્ખાભાઈ. મેં ફ્લેશલાઇટ નીચે મૂકી, ખિસ્સામાંથી સિગારેટ કાઢી સળગાવી. પફ લેતા જ મેં અરીસામાં મારી જાતને જોઈ. બહારથી એક ઝાંખી સ્ટ્રીટલાઇટ બારીમાંથી અંદર ચમકી, અરીસા સુધી પહોંચી. મારી પાછળ, સ્વિમિંગ પૂલનો દરવાજો પવનમાં અથડાઈ રહ્યો હતો.
બે પફ પછી, મને અચાનક કંઈક વિચિત્ર લાગ્યું. અરીસામાં મારું પ્રતિબિંબ પણ હું નહોતો. તે સહેજ વાંકા મોઢાવાળો બહારથી બિલકુલ મારા જેવો દેખાતો હતો, પણ તે ચોક્કસપણે હું નહોતો. ના, ના, એવું ન હોય…. તે હું જ હતો… અલબત્ત, પણ બીજો હું. પણ બીજો ક્યાંથી ? બીજો હું તો ક્યારેય ન હોવો જોઈએ. મને ખબર નથી કે તે સ્થિતિને કેવી રીતે મૂકવી. તે સમજાવવું મુશ્કેલ છે.
એક વાત જે હું સમજી શક્યો તે એ હતી કે વાંકા મોઢાવાળી એ બીજી વ્યક્તિ મને ધિક્કારતી હતી. તેની અંદર કાળા સમુદ્રમાં તરતા બરફના પથ્થર જેવી નફરત હતી. નફરત….. નફરત જેને કોઈ ક્યારેય ઘટાડી શકતું નથી.
હું થોડીવાર ત્યાં જ ઊભો રહ્યો, મૂંઝાઈ ગયો. સિગારેટ મારી આંગળીઓ વચ્ચેથી સરકીને જમીન પર પડી. અરીસામાં રહેલી સિગારેટ પણ જમીન પર પડી. અમે ત્યાં જ ઊભા રહીને એકબીજા સામે જોઈ રહ્યા. મને લાગ્યું કે મારા હાથ-પગ બંધાયેલા છે, પૂતળા જેવો હું હલનચલન કરી શકતો નથી.
અંતે તેનો હાથ હલ્યો, તેના જમણા હાથની આંગળીઓ તેની ડોકને અડી ગઈ અને પછી ધીમે ધીમે, સરતા જીવજંતુની જેમ, તેના ચહેરા પર સરકી ગઈ. મને અચાનક ખ્યાલ આવ્યો કે એ જે કંઈ કરી રહ્યો છે, હું પણ એ જ કરી રહ્યો છું. જાણે હું હું નહીં, એ જે કંઈ હતું, તેનું હું પ્રતિબિંબ હતો.
મારી છેલ્લી શક્તિનો પરચો બતાવતાં, મેં એક ગર્જના કરી, અને મારા જડબેસલાક બાંધાયેલાં બંધનો તૂટી ગયાં. મેં મારી લક્કડિયા તલવાર કેન્ડો ઉંચી કરી અને તેને શક્ય તેટલી જોરથી અરીસા પર ઝીંકી.
મેં કાચ તૂટવાનો અવાજ સાંભળ્યો, પણ હું મારા રૂમમાં પાછો દોડી ગયો ત્યારે પાછા વળીને મેં જોયું નહીં. રુમમાં ગયા પછી, મેં ઉતાવળથી દરવાજો બંધ કરી દીધો અને પથારીમાં કૂદી ગયો. હું ફ્લોર પર પડેલી સિગારેટ વિશે ચિંતિત હતો, પરંતુ પાછા જવાનો કોઈ રસ્તો નહોતો. પવન આખો સમય દોડતો રહ્યો, અને પૂલનો દરવાજો સવાર સુધી ધમાલ મચાવતો રહ્યો. હા, હા, હા, ના, ના, ના….
મને ખાતરી છે કે તમે મારી વાર્તાનો અંત પહેલાથી જ અંદાજ લગાવી લીધો હશે….. ત્યાં ક્યારેય કોઈ અરીસો નહોતો…..!
સવારે સૂર્ય ઉગ્યો, ત્યારે વાવાઝોડું પસાર થઈ ગયું હતું. પવન શાંત થઈ ગયો હતો અને દિવસ ખૂબ જ ‘તડકિલો’ હતો. હું પ્રવેશદ્વાર તરફ ગયો. મેં જે સિગારેટનું ઠુંઠુ ફેંકી દીધું હતું, તે ત્યાં હતું, અને મારી લાકડાની તલવાર પણ. પણ ત્યાં કોઈ અરીસો નહોતો. ત્યાં ક્યારેય કોઈ અરીસો નહોતો.
મેં જે જોયું તે ભૂત નહોતું. તે ફક્ત હું જ હતો. હું ક્યારેય ભૂલી શકતો નથી કે તે રાત્રે હું કેટલો ડરી ગયો હતો, અને જ્યારે પણ મને તે યાદ આવે છે, ત્યારે હંમેશાં આ જ વિચાર મનમાં આવે છે: કે દુનિયામાં સૌથી ભયાનક વસ્તુ આપણું પોતાનું રુપ છે. તમને શું લાગે છે?
તમે કદાચ જોયું હશે કે મારા આજના ઘરમાં એક પણ અરીસો નથી. અને અરીસા વિના દાઢી કરવાનું શીખવું એ કોઈ સહેલું કામ નથી, મારો વિશ્વાસ કરો….!
***

Haruki Murakami (હરુકી મુરાકામી) જાપાનના વિશ્વપ્રસિદ્ધ અને અત્યંત લોકપ્રિય નવલકથાકાર, નિબંધકાર અને અનુવાદક છે.
સંક્ષિપ્ત પરિચય
- જન્મ સ્થળ અને ઉછેર: 12 જાન્યુઆરી 1949, ક્યોટો, જાપાન, અને ઉછેર કોબે શહેરમાં થયો.
તેમના માતા–પિતા બન્ને જાપાનીઝ ભાષા અને સાહિત્યના શિક્ષકો હતા. બાળપણથી જ તેઓ પશ્ચિમી સંગીત અને સાહિત્ય તરફ આકર્ષાયા — જે પછી તેમના લેખનમાં મોટા પ્રમાણમાં ઝળહળે છે. - શૈક્ષણિક જીવનઃ વાસેદા યુનિવર્સિટી, ટોક્યો — નાટ્યશાસ્ત્ર અને ફિલ્મનો અભ્યાસ.
યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન જાઝ સંગીત પ્રત્યેનું ઝુનૂન વધ્યું અને પછી તેમણે પોતાની પત્ની યોકો સાથે ટોક્યોમાં “Peter Cat” નામનું જેઝ કેફે પણ ચલાવ્યું. પણ મૂળ વ્યવસાય તો નવલકથાકાર, નિબંધકાર, અનુવાદક – એક સર્જકનો જ રહ્યો.
તેમના લેખનકાર્યની શરૂઆત માટે મુરાકામી કહે છે કે 1978માં બેઝબૉલ મેચ જોતાં–જોતાં તેમને અચાનક小说 લખવાની પ્રેરણા થઈ.
તેમની પ્રથમ નવલકથા “Hear the Wind Sing” (1979) — પ્રતિષ્ઠિત ગુંઝો પ્રાઈઝની ફાઈનલિસ્ટ બની અને આ સાથે જ તેઓ પૂર્ણ સમયના લેખક બન્યા. - વિશેષતા:
તેમની વાર્તાઓમાં વાસ્તવિક અને અવાસ્તવિક દુનિયા એકબીજા સાથે મિશ્રિત થાય છે. એકલતા, આધ્યાત્મિક શોધ, સ્મૃતિ, સપનાં અને સંગીત તેમના લેખનની કેન્દ્રિય થીમ્સ છે. - શૈલી: મેજિકલ રીઅલિઝમ, સરરિયાલિઝમ, આંતરિક એકાંત, સંગીત (ખાસ કરીને જાઝ) અને માનસિક ઊંડાણ
- વિશ્વપ્રખ્યાત કૃતિઓ:
- Norwegian Wood (1987)
- Kafka on the Shore (2002)
- The Wind-Up Bird Chronicle (1994–95)
- 1Q84 (2009–10)
- Men Without Women (2014)
(Note: This story is translated from the English Translation by Philip Gabriel. He is a professor of Japanese literature at the University of Arizona and head of the Department of East Asian Studies. He has translated four books by Haruki Murakami, including Kafka on the Shore, selected by The New York Times as one of the Ten Best books of 2005.)