ઝાંઝર (વાર્તા) ~ મિતા ગોર મેવાડા

“હીરાલાલ જલ્દી ચલો મંડપ મુહૂર્ત જતું રહેશે.” રમેશચંદ્રે બનેવીને બૂમ પાડતા કહ્યું. આજે તો રમેશચંદ્રના આનંદનો પાર નહોતો. તેમની એકની એક લાડકી દીકરી ઝરણાનાં લગ્ન હતા. બેન સુશીલા અને બનેવી હીરાલાલ તો અઠવાડિયા પહેલાથી ભત્રીજીના લગ્ન માણવા આવી ગયા હતા.

આજે સાંજથી બીજા બધા મહેમાનો આવવાના હતા. બાજુનું ખાલી પડેલું ઘર સાફ કરાવીને રાખ્યું હતું. મંડપ મુહૂર્ત, ગણેશ સ્થાપન, આ બધી વિધિઓ ચાલી રહી હતી.

અંદરના ઓરડામાં સ્ત્રીઓ પાપડ,વડીયો બનાવી રહી હતી. રસોડામાં લાડવા, પૂરી, શાક બની રહ્યા હતા. ચારે તરફ ધમાચકડી અને આનંદનો માહોલ હતો.

અને કેમ ન હોય? રમેશચંદ્ર અને ભાવનાબેનની એકની એક દીકરીના લગ્ન હતાં. ઝરણા પછી એ બંનેને બીજું સંતાન જ ના થયું. બંને પતિ-પત્નીએ પોતાનું સઘળું વ્હાલ ઝરણા પર જ ઢોળી દીધુ હતું. ઝરણા હતી પણ એવી. ઝરણા જેવી જ ઉછળતી કૂદતી. જ્યાં જાય ત્યાં ઉલ્લાસ પ્રસરાવી દે. હંમેશા હસતી જ રહેતી. હવે એના જવાથી ઘર સૂનું થઈ જવાનુ. રમેશચંદ્ર એમ વિચારી થોડા હતાશ થયા.

પણ છોકરો સરસ મળી ગયો. બાજુના શહેરમાં રહેતો હતો. બેન્કમાં જોબ હતી. દેખાવમાં પણ ઝરણાની સાથે શોભી ઊઠે એવો હતો.

ઝરણાએ પહેલા તો લગ્ન કરવાની જ ના પાડી દીધી. “ગમે તેવો સારો છોકરો હોય મારે લગ્ન કરવા જ નથી.”

“પણ કેમ?”

“ના પપ્પા તમને લોકોને છોડીને હું ના જઈ શકું. મારા ગયા પછી તમારું કોણ?”

“અરે ગાંડી,અમે તો અમારી રીતે જીવી લઈશું. એના માટે કઈ તારાથી કુંવારા થોડી રહેવાય? અને તું ક્યાં બહુ દૂર છે? વારે-તહેવારે આપણે એકબીજાના ઘરે આવતા જતા રહીશું.”

ખૂબ સમજાવ્યા પછી ઝરણાએ લગ્ન માટે હા પાડી. અને ભગવાનની કૃપાથી ચાંદલો, સગાઈ બધા જ પ્રસંગ વિના વિઘ્ને ઉકેલાઈ ગયા. હવે આ લગ્ન પણ રંગેચંગે થઈ જાય એટલે ભયો ભયો.

બીજે દિવસે તો આખુ આંગણું ધમધમી ઉઠ્યું. બેન્ડવાજા સાથે ઝરણાનો વર રશ્મિકાંત મોટી શણગારેલી ગાડી લઈને પરણવા આવ્યો. રશ્મિકાંતના પપ્પા હરખી હરખીને બધાને કહેતા હતા, “બે મહિના પહેલા ગાડી બુક કરાવી હતી, પરમ દિવસે ગાડીની ડિલિવરી મળી.” વરની મા ઈલાબેન નવા ખરીદેલા દાગીના અને આપવાની સાડીઓ બધાને બતાવી રહ્યા હતા.

“પણ તમે ઝાંઝરા તો મુક્યા જ નથી?” સુશીલાબેને દાગીના જોઈને કહ્યું.

ઇલાબેન થોડા છોભા પડી ગયા, “અરે એ મારા ઘરમાં આવશેને એટલે સોનાના ઝાંઝર કરી આપીશ.” એમણે ભૂલને છાવરી લેતા કહ્યું.

ઝરણા ઉપર મેડી પર તૈયાર થઈ રહી હતી. એની બધી બહેનપણીઓ મેડીની બારીમાંથી વરને અને એના જાનૈયાઓના ઠાઠને જોઈ રહી હતી.

“અરે વાહ રે ઝરણા, તું તો સાલી બહુ નસીબદાર નીકળી.આ જોને તારો વર તો કેટલી મોટી ગાડી લઈને આવ્યો છે.”

“તું તો આ બધા વૈભવમાં અમને ભૂલી જ જઈશ ઝરણાડી.”

પણ કોને ખબર ઝરણાના મનમાં કોઈ ઉમંગ નહોતો. દોલત વૈભવ એ બધું તો ઠીક પણ રશ્મિકાંતને એ જે અલપઝલપ મળી હતી એમાં એ એની સાથે જાણે મનથી જોડાઈ શકતી નહોતી.

પોતે શિક્ષક પિતાની પુત્રી હતી. વાણી વર્તનમાં સંસ્કારિતા અને સાદગી તેનામાં વણાઈ ગયા હતા. આ શહેરી લોકો જાણે તેમના વૈભવનું પ્રદર્શન કરતા હોય એમ જ વર્તતા અને બોલતા. તેમના બોલવા ચાલવામાં એક આડંબર રહેતો.

રશ્મિકાંત પણ જાણે ઝરણાને પરણીને તેના પર ઉપકાર કરતો હોય એમ હંમેશા ભારમાં રહેતો. ઝરણાને શું કરવું એ સમજાતું નહોતું. એ થોડી ઓછપાઈ જતી.

“ઝરણા, તારા સાસરેથી આવેલા દાગીનામાં ઝાંઝરા ખૂટે છે.” એની સખી જે એને તૈયાર કરતી હતી એણે ઝરણાને કહ્યું.

ઝાંઝરા નહીં કશુંક બીજું ખૂટતું હતું, ઝરણાએ વિચાર્યું. તેનું મન જાણે કોઈ સંદેશો મોકલતું હતું કે ચેતવણી આપતું હતું, પણ આ બધા શોરબકોરમાં એ જાણે સાંભળી શકતી નહોતી.
મંગળાષ્ટક બોલાવવાના ચાલુ થયા. ઝરણા મેડી પરથી નીચે ઉતરી. આંગણામાં બાંધેલા મંડપ તરફ આગળ વધી. દરવાજામાંથી બહાર નીકળી ત્યાં જ…

“બધા ખસી જાઓ. ચલો ચલો.. સાઈડ આપો..”

ઝાંપામાં એક ઇન્સ્પેક્ટર અને બે-ત્રણ હવાલદાર ઊભા હતા.

“રશ્મિકાંત પારેખ કોણ છે?”

અંતરપટની પાછળ બેઠેલો રશ્મિકાંત ઊભો થયો. ” હું રશ્મિકાંત પારેખ, બોલો શું કામ છે?”

“તમારા નામનુ અરેસ્ટ વોરંટ છે.”

“મારા નામનું?”
“હા, તમારા પર આરોપ છે કે તમે બેંકમાંથી લોન આપવા માટે લાંચ લીધી છે અને લોનધારક પાસેથી ઈનોવા ગાડી લીધી છે.”

રશ્મિકાંતના મોં પર સ્યાહી ઢળી ગઈ. એના પિતા આગળ આવ્યા. “સાહેબ તમારી કઈક ભૂલ થતી લાગે છે.”

“જુઓ મારી પાસે ફરિયાદીએ કરેલું મોબાઈલ રેકોર્ડિંગ છે જેમાં રશ્મિકાંત લોન આપવાના બદલામાં ગાડીની માગણી કરે છે અને હજી આ ગાડી ફરિયાદીના નામે જ છે. નામ હજી આર.ટી.ઓ.માં ટ્રાન્સફર થયું નથી એટલે હમણાં ને હમણાં રશ્મિકાંતે પોલીસ સ્ટેશન આવવું પડશે.”

“પણ સાહેબ અત્યારે એના લગ્ન ચાલી રહ્યા છે. તમે તો જોઈ શકો છો અડધી વિધિ પણ બાકી છે.” રમેશચંદ્રે ઇન્સ્પેક્ટરને સમજાવતા કહ્યું.

“અને એ વિધિ અડધી જ રહેશે, પૂરી નહીં થાય” પાછળથી ઝરણાનો અવાજ આવ્યો.

“હું આવા લાલચી અને રિશ્વતખોર માણસ સાથે લગ્ન નહીં કરી શકું. ઇન્સ્પેક્ટર તમે તમારું કામ કરી શકો છો.”

ઝરણાએ સાસરેથી આવેલા દાગીના એક પછી એક ઉતારી સાસુના હાથમાં મુક્યા. શું ખૂટતું હતું એ ઝરણાને ત્યારે સમજાયું.

દાગીનામાં ઝાંઝર નહોતા ખૂટયા, ખાનદાનમાં પ્રમાણિકતા ખૂટતી હતી.

~ મિતા ગોર મેવાડા
mita.mewada@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.