દીપાવલીના ચાર શુભદિનોની ગઝલો ~ ભાવિન ગોપાણી
૧. ધનતેરસની શુભકામના 
ગઝલ…
રાખે ના રસ ઈલાજમાં, ના ઢાંકવા કહે
મન છે જ એવું, જખ્મને શણગારવા કહે
હું માંડ એને ભૂલવા સક્ષમ બનું અને,
એ રૂબરૂ મળી મને ભૂલી જવા કહે
ઘરમાં પ્રવેશતાં જ મહેકી ઊઠે છે શ્વાસ
ભેટીને મારું ફૂલ મને તેડવા કહે
ટેકો જરૂરી હોય છે સૌ થનગનાટને
કોઈ તો એવું જોઈએ જે નાચવા કહે
છે સત્ય આજકાલ પુરાવાના આશરે
સૌને કબૂલ એ જ છે જે ત્રાજવા કહે
ઈચ્છા મુજબનું બડબડી સૌ ચાલતા થયા,
મેં રાહ જોઈ કોઈ મને બોલવા કહે
ખુલ્લા હશે ચરણ ને હશે રેત બહુ ગરમ
સંયોગ બીજો હોય શું જે દોડવા કહે
પાણી નથીનો વસવસો ઓછો થઈ શકે?
તરસ્યાને કોઈ એક ઝરણ ધારવા કહે
તારા કહેલા શબ્દને હું કેમ અવગણું ?
હું સાંભળું છું ધ્યાનથી જે કંઈ હવા કહે.
– ભાવિન ગોપાણી
૨. રૂપ ચૌદસની શુભેચ્છા 

ગઝલ
ત્યાં અટકવું આપણાં પર હોય છે
સૌ અરીસા સ્પીડબ્રેકર હોય છે
એમનું હોવું જ અવસર હોય છે
જે અહીં સર્વાંગસુંદર હોય છે
ચાર ભીંતો, માથે છપ્પર હોય છે
કંઈક લોકો તોય બેઘર હોય છે
એ બધી તો ક્યાં મનોહર હોય છે?
વિશ્વ માટે જે ધરોહર હોય છે
આ ફરક છે પ્રેમમાં ને યુદ્ધમાં
સૈનિકો પાસે તો બખ્તર હોય છે
એ ગલી ને એ ઝરૂખો, શું કહું ?
સ્વર્ગને કાંટાની ટક્કર હોય છે
કંઈકના વૈભવના ઊંડા મૂળમાં
એક બે મિત્રો તવંગર હોય છે
છે ફકીરોની અમીરી લાજવાબ
ચોરખાનામાંય પથ્થર હોય છે
સુખ મને એવી રીતે સામું મળ્યું
સાપની સામે છછૂંદર હોય છે
આંસુઓનો માર્ગ છો ને એ જ હોય
ગાલ તો રહેતાં જ બંજર હોય છે
ઊંઘ આવી જાય એની ગોદમાં
વૃક્ષમાં પણ જાદુમંતર હોય છે
કંઈક વેળા કહી દીધું છુટ્ટા નથી
પર્સમાં છુટ્ટા ખરેખર હોય છે
– ભાવિન ગોપાણી
૩. દિવાળીની શુભેચ્છા 

ગઝલ
રીતસરની કોઈને માયા લગાડી કોઈએ
આ તરફ નહિ જોઈને માયા લગાડી કોઈએ
એ જ માળા આજે થોડી ખાસ લાગે છે મને
ભિન્ન મણકો પ્રોઈને માયા લગાડી કોઈએ
માત્ર ભેટ્યા હોત તો ના થાત બહુ ઊંડી અસર
આ ખભા પર રોઈને માયા લગાડી કોઈએ
ડાઘ ધોવા જ્યાં બધા ભેગા થતા’તા એ સ્થળે,
સ્વચ્છ પહેરણ ધોઈને માયા લગાડી કોઈએ
ભાન ભૂલી નાચનારા ધ્યાન ખેંચે એ રીતે,
સાન સમજણ ખોઈને માયા લગાડી કોઈએ
એક બે પાગલ તો અહીંયા સૌના ભાગે હોય છે
કોઈને ને કોઈને માયા લગાડી કોઈએ
છે ખબર સૌને કે માયા પાંખ પરનો ભાર છે,
તોય જાણી જોઈને માયા લગાડી કોઈએ
– ભાવિન ગોપાણી
૪. નૂતન વર્ષાભિનંદન

ગઝલ
ભલેને ફૂલ છું, ગજરાની બ્હાર કાઢ મને
છે અર્થ એ જ કે ટોળાની બ્હાર કાઢ મને
ભડાસ, ભય અને ભ્રમણાની બ્હાર કાઢ મને
બધા પ્રકારના પંજાની બ્હાર કાઢ મને
છે એવા કષ્ટ કે ફરિયાદ થઈ શકે છે હજી
આ સવલતોના તબક્કાની બ્હાર કાઢ મને
કદી ન કામમાં આવી શક્યાનો લઈ અફસોસ
ચલણ કહે છે કે ખિસ્સાની બ્હાર કાઢ મને
છું એવી જ્યોત કે જેણે જગત નથી જોયું
કદી તો મારા ધુમાડાની બ્હાર કાઢ મને
હું તારા નામ સુધી પ્હોંચવા મથું છું હજી
જપી રહ્યો છું એ માળાની બ્હાર કાઢ મને
ગમે તે માર્ગથી પાછો ફરીશ નક્કી છે
હ્રદયની બ્હાર કે દુનિયાની બ્હાર કાઢ મને
હવે તો પાત્ર નહી મંચ રાડ પાડે છે
“પડી ગયેલ આ પડદાની બ્હાર કાઢ મને”
સમાધિ પામવા થીજી જવાની ઈચ્છા છે
ગુલાબી સ્મિતના તડકાની બ્હાર કાઢ મને.
સમગ્ર રૂપના દર્શન સુધી હવે લઈ જા,
લે ઝાલી આંગળી પીંછાની બ્હાર કાઢ મને
– ભાવિન ગોપાણી
Vaah.. એકથી એક ચડીયાતી ગઝલ
સરસ ગઝલો ભાવિન, વાહ ક્યા બાત હૈ