બદલાવ (વાર્તા) ~ ગોપાલી બુચ
(શબ્દો: ૨૫૪૬)
શિવમે છાપામાં આવેલાં ભાવનાના ફોટાને જોયા કર્યુ. સોનગઢ ગામનું ગૌરવ – ભાવના વણકરને ધો.12 સામાન્ય પ્રવાહમાં જિલ્લા કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ અભિનંદન.
નીચે ‘ગામવાસીઓ તરફથી સરપંચશ્રી ત્રિવેદી સાહેબ દ્વારા’ વાંચીને એનો ચહેરો મલકી ઉઠ્યો. એને પિતા માટે પૂજ્ય ભાવ જાગી ઉઠ્યો. પોતાના ઘરનાં નોકરની દીકરીનો ભણાવવાનો ખર્ચો તો ઉઠાવ્યો અને પાછો જિલ્લામાં નંબર આવ્યો તો સ્વખર્ચે ફોટો પણ છાપાંમા આપ્યો સાચે જ ‘He is a great man’.
પણ પિતાજી વિશે વિચારધારા આગળ ચાલે એ પહેલા જ વળી ભાવનાના ફોટામાં શિવમની દ્રષ્ટિ સ્થિર થઈ. પણ વચ્ચે વચ્ચે એ આજુબાજુ નજર કરી જોઇ લેતો કે એને ભાવલીના ફોટાને જોતા કોઈ જોતું તો નથી ને?
“કેટલી સુંદર લાગે છે?” શિવમ મનોમન બોલ્યો પણ એ સાથે હળવો નિસાસો પણ એનાથી નંખાઈ જ ગયો. ગમે તેટલી સુંદર હોય પણ… હજી એ કાંઈ આગળ વિચારે એ પહેલા જ “મને છાપું જોવા દેશો?“ એવો મીઠો ટહુકો એના કાને પડ્યો.
‘શું જોશો છાપામાં?’ શિવમે છાપું સંકેલતા સામો પ્રશ્ન કર્યો.
‘જે તમે જોતા હતા તે જ.’ કહેતા ભાવનાએ છાપું લેવા હાથ લંબાવ્યો.
‘ન આપું તો?’ શિવમે મલકાઇને તોફાની અદામાં પૂછ્યું.
‘તો…’ કહેતા તો ભાવના હાથમાંથી છાપું ઝૂંટવી ચાલવા લાગી. છાપું ઝૂંટવતી વખતે બન્ને હાથનો થયેલો સ્પર્શ બન્નેના શરીરમાં ઝણઝણાટી ફેલાવી ગયો.
ભાવના ઉર્ફે ભાવલી છાપુ લઈ સડસડાટ સરપંચશ્રીના ભવ્ય બંગલાના બંગ્લાના કમ્પાઉન્ડમાં જમણાં ખૂણે આવેલાં પોતાના એક રૂમ – રસોડાના ઘરમાં ગઈ અને તરત જ છાપું ખોલી પોતાનો ફોટો જોવા લાગી.
ખૂબ જ સુંદર છે પોતે, પણ આ સુંદરતાને કારણે બાપ દામો વણકર એને આગળ ભણવાની ના કહે છે. એ વિચારથી સુંદરતા પ્રત્યે તેને અણગમો થયો. ગામમાં કે નજીક્માં ક્યાંય કોલેજ નથી એટલે આગળ ભણવું હોય તો શહેરમાં જવું પડે. અને એના માટે એનાં માબાપ ક્યારેય તૈયાર નહિ થાય એવું ભાવના જાણતી હતી.
ગામના છેવાડે નાની ઝૂંપડીમાં રહેતા હતાં ત્યારથી આજે તો સરપંચના બંગલામાં જ રહેવા માટે આઉટ હાઉસ મળ્યું છે તોપણ પોતાનું અપ્રતિમ સૌંદર્ય માબાપ માટે ચિંતાનો વિષય છે એ વાત ભાવના જાણતી હતી.
એમાં પણ મોટી બહેનના લગ્નમાં જે રીતે સૌ કોઈ ભાવના માટે પૂછતા હતાં એ પછી ભાવના માટે દામોની ચિંતા બેવડાઇ ગઇ હતી.
દામો વણકર અને જીવીના ઘેર ભગવાને ચાર-ચાર દીકરી આપી એમાં બીજી દીકરી એટલે ભાવના. ઇશ્વરે અતિ નવરાશની પળોમાં કોઇ ઉત્કૃષ્ટ કવિતા વાંચી ભાવનાનું લાલિત્ય નિર્માણ કર્યું હશે. વર્લ્ડ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લે તો સોએ સો ટકા મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને આવે એવી નખશિખ સૌદંર્યથી છલોછલ.
ભાવના સાવ ચાર-પાંચ વર્ષની હતી ત્યારથી જ એનું સૌંદર્ય દામો વણકર માટે ચિંતાનો વિષય હતું અને એટલે જ એણે જીવીનું મજૂરીએ જવાનું બંધ કરાવ્યું હતું કે ભાવલીનું ધ્યાન રહે.
ઘરમાં ચાર દીકરી અને પોતે બે એટલે છ જણનું પૂરું કરવામાં દામોને ખૂબ તક્લીફ તો પડતી જ. મજૂરીમાં કેટલું મળે? દામો બે જગ્યાએ મજૂરીએ જતો.
સવારથી સાંજ ગામના સુખી ખેડૂતોનાં ખેતરમાં, એ પછી મોડી રાત સુધી ગામ બહાર ગવર્મેંન્ટ દ્વારા સંચાલિત રસ્તા ખોદવાના કામોમાં. હા, સરપંચના બંગલે આવ્યા પછી દામોના જીવને થોડી નિરાંત થઇ હતી.
ભાવનાને યાદ આવ્યું કે બાર ધોરણ પછી મોટી બહેને પણ આગળ ભણવાની વાત કરી હતી, પણ બાપુએ એની વાત પણ ક્યાં માની હતી. ભાવનાને પોતાની હાજરીમાં બાપ-દીકરી વચ્ચે થયેલો સંવાદ યાદ આવી ગયો.
બહુ સંકોચથી મોટી બહેને બાપુને કહ્યું હતું, “બાપુ કોલેજના ફોર્મ મળે છે, મારે ભરવું છે”.
‘સરપંચ સાહેબને પૂછી જોઈશ.’ બાપુએ જવાબ આપ્યો હતો.
“એમાં સરપંચ સાહેબને શું પૂછવાનું? આપણે એમની પાસેથી ફીના પૈસા નહિ લઈએ બાપુ. આમ પણ છોકરીઓની ફી નથી હોતી. બાકી શહેરમાં તો નોકરી કે ટ્યુશન મળી જશે.” મોટી બહેને ભાવ અને ભારપૂર્વક બાપુને કહ્યું હતું.
સાહેબને તો પૂછવું પડે. તારી બા હવે બંગલાના કામને પહોંચી નથી વળતા, થાકી જાય છે. શેઠાણીને કામવાળીની જરૂર છે. તને તારી બા સાથે બંગલે મોકલવાનું શેઠાણી કહેતા હતા. બાપુએ મોટી બહેનને પરિસ્થિતી જણાવી.
મોટી બહેનને જરા પણ ગમ્યું ન હતું. કામ જ કરવાનું હતું તો સરપંચે ખર્ચો આપી બાર ધોરણ ભણાવી શું કામ? પણ બાપુએ સરપંચના ઉપકાર ગણાવી મોટી બહેનને બંધ કરી દીધી.
ભાવનાને યાદ આવી એ સમયની વાત કે જ્યારે બાપુ બે-બે શિફટમાં મજૂરી કરતાં અને તોપણ સહુ સરખું ખાવા પામતા નહોતા. એક દિવસ અડધી રાત્રે બાપુ રસ્તો ખોદવાની મજૂરીએથી પાછા આવતા હતા ત્યારે રસ્તાની બાજુએથી બાપુને કોઇના કણસવાનો અવાજ આવ્યો હતો.
અંધારી રાત, સૂમસામ રસ્તો, બાજુમાં જંગલ અને જંગલી પ્રાણીની બીક પણ ખરી જ. બાપુને થયું કે ઝાડી-ઝંખરામાં કોણ હશે?
બાપુ જ કહેતા હતાં કે, “બીક તો મીને પણ લાગેલી કે કુણ હશે? કોક વખાનું માર્યું હશે કે કો’ માણાને જાનવર તાણી લાયું હશે?પણ હિમ્મત કરી પાશે ગ્યો તો સરપંચસાહેબ બાઇક પરથી સલીપ થઇને પડ્યાતા હેઠાં. જીમતીમ કરી ઘીરે પુગાડ્યા. આ તે દાડાના સરપંચસાહેબ જોડે છીએ. જીવ બચાવ્યો ઇના બદલામાં આ નોકરી ને ખોરડી બેય આલી શે.”
અને મોટી બહેન પણ ચૂપ થઇ બા જોડે જવા લાગેલી. પછી તો આઠ-દસ મહિનામા જ બાપુએ ઘડિયા લગન થઇ મોટી બહેનને પરણાવી દીધેલી. મોટી બહેન સુવાવડે આવી એ આવી, પછી કોઈ દિવસ આવી નથી.
સરપંચસાહેબ મોટી બહેનને જોવા આવેલા અને સોનાનો દોરો પણ ભાણિયાને આપી ગયેલા એ ભાવલીને યાદ આવ્યું. સરપંચસાહેબે તો મોટી બહેનને કીધું પણ હતું કે, “આવતી-જતી રહેજે, ઘર નાનું પડે તો બાજુમાં ઓરડી બંધાવી આપું, એવું લાગે તો વરને લઇને કાયમ આવી જજે”.
મોટી બહેન ફીક્કુ હસેલી. ભાવનાએ પણ કીધું હતું, “આવતી રે’ને જીજાજી જોડે અહીં મંછી. તારા વગર ગમતું નથી”. પણ મોટી બહેને હસીને વાત ઉડાડી હતી.
ભાવનાની વિચારયાત્રા અટકી. એનું મન બેચેન થવા લાગ્યું, ‘ના, ના મારે એવું નથી થવા દેવું. મારે ભણવું છે.’ એમ વિચારી ભાવનાએ છાપાની ઘડી વાળી છાપું પલંગ નીચેનાં પટારામાં મૂકી દીધું. એને શિવમ યાદ આવ્યો. શિવમ જ હતો જે એની મદદ કરી શકે એમ હતો.
શિવમ એટલે સરપંચશ્રી ત્રિવેદી સાહેબનો એકનો એક દીકરો.કો મ્પ્યુટર એન્જિનિયરીંગના છેલ્લા વર્ષની પરીક્ષા આપી વેકેશનમાં ઘેર આવ્યો હતો અને આગળ માસ્ટર કરવાની તૈયારીમાં હતો. થોડો શ્યામ પણ સોહામણો યુવાન. ભણવામાં અત્યંત તેજસ્વી અને સ્વભાવે શાંત અને સરળ. મનોમન ભાવનાને ચાહતો હતો એ વાતની ભાવનાને પણ જાણ હતી.
સરપંચશ્રી ત્રિવેદીસાહેબના ઘરમાં ભાવનાની પણ અવરજવર હતી. વધારાના કામકાજ માટે ભાવના પોતાની માને મદદ કરવા જતી. શેઠાણી પણ ભાવના માટે આત્મીય ભાવ રાખતાં. ભાવના કોઈને પણ ગમી જાય એવી હતી તો શિવમને તો ઉંમર સહજ લગાવ થાય એ સ્વાભાવિક હતું. પણ ભાવના ખૂબ સમજી વિચારી એક અંતર જાળવતી હતી. શિવમ સાથે હસતી, બોલતી રમતિયાળ ભાવનને લાગણીઓ ઉપર કાબૂ ધરાવવાની સારી ફાવટ હતી.
ભાવના ફટાફટ બંગલે ગઈ. શિવમ એને બહારનાં રૂમમાં જ મળી ગયો. સરપંચસાહેબ પણ બેઠાં હતા. એમણે ભાવનાને પૂછ્યું, “છાપું જોયું ?”
ભાવનાએ માત્ર ડોકું હલાવી હા કહી.
“હવે બંગલે રોજ આવવા લાગજે”. સરપંચે ભાવનાને કહ્યું. ભાવના નીચું જોઈ ઊભી રહી અને તરત પાછી વળી, પણ શિવમ એના ભાવ કળી ગયો. તરત જ પાછળ ગયો.
“ભાવલી, કામ હતું કંઇ?” શિવમે પાછળથી ભાવનાને બૂમ પાડી. ભાવના અટકીને પાછી ફરી.
”મારે આગળ ભણવું છે”.
ભાવનાને ઘરની બહાર તો મોકલવામાં ન આવી, પણ ઘેર બેસીને આગળ ભણવાની વ્યવસ્થા થઈ ગઈ. બંગલાના કામકાજ સાથે ભાવના મન લગાવીને ભણવા લાગી અને કોલેજના ત્રીજા વર્ષમાં પહોચી ગઈ.
શિવમ આગળ ભણવા પૂના ચાલ્યો ગયો. એમ ને એમ બે વર્ષ નીકળી પણ ગયાં. માસ્ટર પૂરું કરીને શિવમ પાછો ઘેર આવ્યો ત્યારે એણે નોંધ્યું કે ભાવનામાં આ સમયગાળામાં ઘણો બદલાવ આવ્યો હતો.
ભાવના સાવ ઓછાબોલી થઇ ગઈ છે. એના ચહેરાનું હાસ્ય દૂર થઈ ગયું છે. એની મસ્તીભરી ચંચળ ચાલમાં પણ બદલાવ આવ્યો છે. ખળખળ વહેતાં ઝરણાંની જેમ બંગલે આવતી ભાવના હવે સ્થિર નદીની જેમ ઠહેરાવ સાથે ઘરમાં આવે છે અને જાય છે. ભાવના સ્વત્વ ખોઈ બેઠી છે. એનું તરુણી જેવું લાગતું શરીર પણ પુખ્ત દેખાવા લાગ્યું છે. અને પોતાની સાથે તો ભાવના બિલકુલ નજર મેળવી વાત નથી કરતી એ શિવમે ખાસ નોંધ્યું.
એક દિવસ રાતના સમયે શિવમ દામોને બોલાવવા ઓરડી પર આવ્યો ત્યારે સંવાદ સાંભળી શિવમ હબક ખાઇ ગયો. એ બારણાની આડશે ઊભો રહી ગયો. ભાવના કાકલુદીભર્યા સ્વરે એની બાને વિનવી રહી હતી,
“બા, મને મોટી બહેનને ત્યાં મોકલી દે, મારે મોટી બહેન પાસે જવું છે. મારે એને મળવું છે.”
જીવીએ ભારે રોષ સાથે કહ્યું હતું, “તારા લગન પછે જજે જ્યાં જવું હોય ત્યાં. પછે તું જીવે, મરે અમારે કાંઈ નહિ.”
“મારે લગન નથી કરવા બા.” ભાવના રડમસ ચહેરે કહી રહી હતી.
“શું બોલી? લગન નથ કરવાં, તો મોં કાળું કરતાં પહેલાં આ વચાર ન આવ્યો. પડી રયે ચૂપચાપ, અને જો ભાવલી પંચમાં આવું બોલતી નહિ, નકર હું તો વખ ઘોળી મરી જઇશ. તે તો અમને મોઢું બતાવા લાયક નો રાખ્યા ને હવે લગન નથ કરવાં?”
“બા, મારી વાત સાંભળ બા.”
“મૂંગી મર કપાતર. હાવ ઠંડુ બધું પતી જાત છીનાળ. ભલું થશે રમેશનું કે એણે કબૂલ્યું કે તમારી વચ્ચે પરેમ હતો ને ઇને તારી હારે જ લગન કરવા છે. મુઇ રાંડ, જેનું છોકરું પેટમાં લઇ ફર છ ઇની હારે પરણવું નથ? તો તારે કરવું છ હું?” કહેતા તો જીવીએ ભાવનાના વાળને પાછળથી પકડીને બોચી હચમચાવી નાખી.
‘ઇને તારી હારે લગન કરવા છ ને હરામખોર તે ના પાડી ઇમાં વાત પંચ લગી પૂગી ગઈ. ઇમ થાય છ કે ટુપી નાખું, પણ તારા પેટમાં તઇણ મહિનાનો જીવ છે ઇની દયા આવે છે.’ કહેતા જીવીએ ભાવનાનાં વાળની પકડ વધુ મજબૂત કરી.
ભાવનાથી ચીસ નીકળી ગઇ. સ્તબ્ધ થઇ ઊભેલા શિવમને એ ચીસ આરપાર વીંધી ગઇ. એ બંગલાની બહાર દોડી ગયો. એને એનો ભાઇબંધ રાકેશ યાદ આવ્યો જેની ગામમાં જ દૂધની સહ્કારી મંડળી હતી. શિવમ સીધો ત્યાં જ પહોંચી ગયો.
રાકેશ બહુ સમય પછી શિવમને આવેલો જોઈ ખુશ થયો, પણ એના ચહેરા પર સ્પષ્ટ સવાલો જોઈ ચૂપ રહ્યો.
‘આટલી રાતે?’ રાકેશે પૂછ્યું.
”ગામમાં પંચ બેસવાનું છે?” શિવમે સીધો રાકેશને સવાલ કર્યો.
“હા, આ રવિવારે એટલે કે ચાર દિવસ પછી.”
‘તે મને કશું જણાવ્યું નહિ? ભલે આપણે મળતા નહોતા, પણ તને મારા મનની વાત તો ખબર હતીને…” શિવમ ભાવુક થઈ ગયો.
“શિવમ, જ્યારે રમેશ અને ભાવના એક્બીજાને પ્રેમ કરતાં હોય તો હું તને શું જણાવું? આ બધા બખેડા તો ભાવલી હવે પ્રેગનેન્ટ હોવા છતાં લગનની ના પડે છે એના છે. આખું ગામ દામો વણકરને મેણાં મારે છે કે બહુ ભણાવાનો સવાદ હતો તો ભોગવ હવે.”
રાકેશે શિવમનો હાથ પકડીને હિંમત આપી, “ભૂલી જા દોસ્ત, આમ પણ તે એને ક્યાં કોઈ દિવસ મનની વાત જણાવી હતી તે અફસોસ કરે છે? ને આમ પણ તમે સવર્ણ, તારા બાપ ગામના સરપંચ અને દામો એને ત્યાં નોકર! તને સમજાય છે મારું કહેવું?” રાકેશે શિવમને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
શિવમ ઊભો થઇને ત્યાંથી ચાલી નિકળ્યો. શિવમને ચેન નહોતું. ભાવનાને મળું? રમેશને પૂછું? માને વાત કરું? દામો વણકરને પૂછી આવું? પપ્પાને પૂછી જોઉં? એક વાર તો એણે પપ્પા સાથે ભાવના નામ લઈ અમસ્તી વાત છેડી પણ ખરી, પણ બાપે એક વેધક નજર શિવમ તરફ કરી ચૂપ કરી દીધો. “મારે કામ છે કહી ચાલવા લાગ્યાં.”
ત્રિવેદીસાહેબનો માભો જ એવો હતો કે કોઈ સામે કશું બોલી શકે જ નહિ. વર્ષોથી ગામના સરપંચ તરીકે ચૂંટાઈ આવતા હતા, ગામ ઉપયોગી કાર્યો પણ ઘણાં કર્યા હતાં એટલે ગામલોક એમનો પડ્યો બોલ ઝીલતા એ બધું શિવમ જાણતો હતો. શિવમની તો વળી હિંમત જ ક્યાંથી હોય કે આગળ એક અક્ષર બોલી શકે.
આખરે રવિવારનો દિવસ આવી પહોંચ્યો. બધા ગ્રામજનોની જેમ જ શિવમ પણ પંચાયતમાં પહોંચી ગયો અને એક ખૂણો પકડી બેસી ગયો. એણે જોયું કે ગામમાં ચોકની મધ્યમાં સામસામા ખાટલા પર પંચ પરમેશ્વર બિરાજમાન છે.
બન્ને ખાટલાંની વચ્ચે એક ખુરશી પર સરપંચ ત્રિવેદીસાહેબ બેઠા છે. ગામલોકો સામે નીચે શેતરંજી પાથરી બેઠાં છે. ગામનાં ઘણા જુવાનિયા એક બાજુ ભીડ જમાવીને ઊભા છે. હોય જને? ભાવના દરેકની સ્વપ્નસુંદરી રહી હતી. ઘણાંએ ભાવનાની નજરમાં આવવાના બધા જ પ્રયત્નો કર્યા હતાં, પણ ભાવનાએ કોઇને કોઠું આપ્યું જ નહોતું.
“અરે ચાલ, ના શેની પાડે છે કજાત?” એમ બૂમો પાડતો રમેશ ભાવનાને લગભગ ઢસડીને પંચાયતમાં લઈ આવ્યો. ભાવના શૂન્યમનસ્ક ઢસડાતી રહી, જાણે કોઈ લાશ ઢસડાતી હોય. પાછળ દામો વણકર પણ ભાંગેલ પગલે આવતો હતો. જીવી સાથે આવી નહોતી. આમ પણ પંચાયતમાં સ્ત્રીનું શું કામ એવી ગામના લોકોની માન્યતા હતી.
પંચાયત શરૂ થઈ. રાકેશના પિતા સહકારી મંડળીના પ્રમુખ અને પંચ પરમેશ્વરમાંના એક હતા એમણે ભાવનાને પૂછ્યું, ”બોલ ભાવના, તાર પેટમાં રમેશનું છોકરું છે અને એ તારી જોડે લગન કરવા તૈયાર છે, તો તું કેમ ના પાડે છે?”
ભાવના નીચું જોઇ જમીન ખોતરતી મૂઢ બની ઊભી હતી જાણે એને કશું સંભળાતું જ નહોતું. રાકેશના પિતાએ ફરીવાર એ જ પ્રશ્ન પૂછ્યો. ભાવના શબવત ઊભી હતી.
વારંવાર પંચના અલગ અલગ સભ્ય દ્વારા પૂછાયેલા એક જ પ્રશ્નનો ભાવના પાસે એક જ જવાબ હતો, “મૌન”. આખરે સરપંચે સીધું રમેશને જ પુછ્યું, ‘રમેશ તારે ભાવના સાથે લગ્ન કરવાના છે?’ રમેશે લોલૂપ નજર ભાવના તરફ કરી. “પંચનો ફેસલો આંખ માથે છે મારે તો! પંચ માઇબાપ છે અમારાં”.
હવે સરપંચશ્રી એ ભાવનાને પૂછ્યું, “ભાવના, તારા પેટમાં રમેશનું બાળક છે?”
ભાવના નિરૂતર રહી.
“ભાવના, તારા પેટમાં રમેશનું બાળક છે?” ફરી જવાબ મૌન જ આવ્યો.
હવે ગ્રામજનોમાં ગણગણાટ થવા લાગ્યો. કેટલાંક તો ભાવનાને “પથ્થર મારવા જોઇએ… કોરડા મારો… ગામ બહાર મૂકો” એમ પોતપોતાની રીતે ફેસલો સંભળાવવા લાગ્યા.
“ભાવના, તને છેલ્લી વાર પૂછું છું કે તારા પેટમાં રમેશનું બાળક છે?” સરપંચનો અવાજ જરા ધારદાર બન્યો.
ભાંગ્યા-તૂટ્યાં અવાજે ભાવનાના મોઢામાંથી એટલું જ નીકળ્યું કે “મોટી બહેન પાસે…”
ત્યાં તો સરપંચે વચ્ચેથી પંચાયતને કહ્યું કે આપણે આપણો નિર્ણય જણાવી દેવો જોઇએ. ગ્રામજનોને ઉદ્દેશીને બોલ્યાં કે, ‘પંચ એ પરમેશ્વર છે. ખાસ ધ્યાન રહે કે પંચાયતના નિર્ણયનો અનાદર થાય નહિ. ભાવના ચૂપ છે એ સાબિત કરી છે કે ભાવનાના પેટમાં રમેશનું બાળક છે અને ભાવના એ…”
‘એક મિનિટ, એક મિનિટ, પંચ પોતાનો નિર્ણય જણાવે એ પહેલાં મારે કશુંક કહેવું છે. ભાવનાના પેટમાં રમેશનું નહિ પણ મારું બાળક છે.” એમ બોલતા બોલતા શિવમ પંચાયત વચ્ચે આવી ભાવનાની બાજુમાં ઊભો રહી ગયો.
“શિવમ” ત્રિવેદીસાહેબની રાડ પડી ગઇ.
“આ હળાહળ જુઠાણું છે, તું પંચની કામગીરી અવરોધી રહ્યો છે.”
‘આ જ સત્ય છે પપ્પા- સોરી સરપંચશ્રી. ભાવનાના પેટમા મારું બાળક છે. હું ને ભાવના એકબીજાને પ્રેમ કરીએ છીએ. હું ત્રણ મહિના પહેલાં બે દિવસ રજામાં આવ્યો હતો ત્યારે હું ભાવનાને મળ્યો હતો, આ મારું બાળક છે. શિવમે મકકમતાથી પોતાની વાત રજૂ કરી. પંચાયતમાં ગુસપુસ શરૂ થઇ ગઈ. દામો વણકર માથે હાથ દઈ બેસી પડ્યો.
ભાવનાએ પહેલી વખત પોતાનું મોઢું ઊંચું કર્યું. સરપંચ પોતાની ખુરશીએથી ઊભા થયા અને બાવડું ઝાલીને શિવમને બાજુએ લઈ ગયા,
“નાલાયક, નામ બોળવા બેઠો છે આખી ત્રિવેદી બ્રાહ્મણની સાત પેઢીનું? જૂઠ્ઠા, શરમ નથી આવતી? એક છોકરીના મોહમાં આટલો આંધળો થઈ ગયો છે? જૂઠ્ઠું બોલે છે તું? તારે ભાવના સાથે લગ્ન કરવા છે એટલે આટલી હદે નીચો ઊતરી ગયો? આપણે સવર્ણ છીએ અને પાછી છોકરી બેજીવી છે. આ ક્યારેય શક્ય નહિ બને યાદ રાખજે.”
બાપના પ્રચંડ ક્રોધને શિવમ શાંતિથી ઝીલતો રહ્યો.
”મહેરબાની કરી મારી સાથે વર્ણભેદની વાતો તો કરતાં જ નહિ. નથી શોભતું તમને. સરપંચસાહેબ, ગઇકાલે રાત્રે ભાવના તમને મળવા આવેલી ત્યારે એણે હાથ જોડી કહ્યું હતું કે, ‘મને મોટી બહેન પાસે મોકલી દયો, મારે રમેશ સાથે લગ્ન નથી કરવા.”.
‘હા, તો? તને કોણે કહ્યું આ બધું? ભાવનાએ? હું સરપંચ છું, મારી અમુક જવાબદારી છે. એ રીતે લાગણીશીલ થઉં તો સમાજમાં શિસ્ત ક્યાંથી જળવાય’ ત્રિવેદીસાહેબે સામી દલીલ કરી.
શિવમે સામે એટલી જ શાંતિથી કહ્યું, “પપ્પા, મારી વાત પૂરી સાંભળો. તમે ભાવનાને કહ્યું હતું કે રમેશ તને સાચવશે બધી રીતે, અહીં ઓરડી બંધાવી આપીશ, રમેશ મારો ડ્રાઈવર છે. એનો પગાર પણ વધારી આપીશ. તને તકલીફ નહિ પડે, આવું જ કહ્યું હતુંને પપ્પા? તોપણ ભાવનાએ એક જ રટણ ચાલુ રાખ્યું કે મને મોટી બહેન પાસે જવું છે. હું બહાર ઊભો હતો, મે બધું જ સાંભળ્યું હતું પપ્પા.”
હવે બાપના ચહેરાનો રંગ ઊડવા લાગ્યો હતો અને શિવમ મક્કમ રીતે જરાપણ, ખચકાયા વગર પોતાની રજૂઆત કરતો ગયો.
“અને પપ્પા તમે ભાવનાનો હાથ મરડીને બોલ્યા હતાં કે શું કરી લેશે તારી મોટી બહેન? તને ખબર છેને કે એ પણ બંગલે આવતી જતી! મેં એને પણ છોડી નહોતી. પણ એ ભણેલી નહોતી ને એટલે મોઢું બંધ રાખી પરણી ગઈ જ્યાં પરણાવી ત્યાં. એ રસકસ વગરની હતી એટલે મેં એને જવા દીધી, પણ તને કોઈ પણ ભોગે હું નહિ જવા દઉં. ચૂપચાપ કાલે પંચમાં રમેશ સાથે લગ્નની હા કહી દે જે નહિતર તારી બીજી બે નાની બહેનો છે. ખબર છેને ભાવલી! એને પણ તારી જેમ જ…”
બહુ સ્વસ્થતાથી શિવમે બાપની આંખમાં આંખ નાખી નગ્ન સત્ય રજૂ કર્યું અને માણસને ઠંડે કલેજે ચીરી નાખે એવી કાતિલ શાંતિથી કહ્યું,
“સરપંચશ્રી ત્રિવેદીસાહેબ! હવે ભાવનાના પેટમાં કોનું બાળક છે એ સત્ય આપણે બન્ને જાણીએ છીએ. ઘરની વાત ઘરમાં પતાવો તો સારું. અને આમ પણ, સમાજની સડેલી માનસિકતામાં કોઈએ તો બદલાવ લાવવો પડશેને?”
~ ગોપાલી બુચ
gopalibuch@gmail.com