સિન્થિયા (લઘુનવલ) ~ પ્રકરણ 5 ~ ઝાતરીનો આર્તનાદ ~ ડૉ. ભારતી રાજીવ રાણે
ઝાતરી કૅમ્પ વિશેની સિન્થિયાની વાતો સાંભળીને પ્રેક્ષકોમાં નિરાશ્રિતોના એ આશ્રયસ્થાન વિશે જાણવાની જિજ્ઞાસા જાગી હતી. ઝાતરીની વાત કરતાં સિન્થિયા જાણે કોઈ બીજી જ દુનિયામાં ખોવાઈ જતી હોય, તેવું લાગતું. અત્યારે પણ જાણે ઝાતરીમાં પહોંચી ગઈ હોય, તેવી એકાગ્રતાથી અને સહજતાથી સિન્થિયા અસ્ખલિત બોલી રહી હતીઃ
‘કૅમ્પનાં લોકો સાથે મિત્રતા થતાં વાર નહોતી લાગી. ઘણાં લોકોએ દિલ ખોલીને વાતો કરી. તે દિવસે અમીરા કોઈ વાત કહેવાના મૂડમાં હતી, પણ એનો પતિ નબીલ ના પાડતો હતો.
અમીરા કહે ‘એન્ના અર્વિ ક્વિસત્ત અલ્જિરાન્ના (હું આપણા પડોસીઓની વારતા કહું છું.)’
નબીલે ચમકીને પૂછયું, ‘મઅદા ક્વોલિક્તુ? (શું કહ્યું?)’
‘અલ્જીરાન ફિ સુરિયા (સિરિયાના પાડોસી). જિરાઉના ફિ સુરિયા (સિરિયાના આપણા પાડોસી)’
માથું ધુણાવતાં નબીલ બોલ્યોઃ ‘દોહ્ તદહબ! (જવાદે ને!)’
મને મળેલી લાખેણી તક હાથમાંથી સરકી જતી જોઈને હું આજીજીભર્યા સ્વરે બોલી પડી, ‘અર્જુકા ક્થવુલ લી! રઝા અખબર્ના ! (મહેરબાની કરીને મને કહે! કહે ને પ્લીઝ!)’
અરેબિક ભાષાના મારા અધકચરા જ્ઞાન પર હસી પડતાં અમીરાએ વાત માંડેલી. કહેતી હતીઃ
‘સિરિયામાં અમે રિફ દિમાસ્ક પ્રાંતના દરાયા શહેરમાં રહેતાં હતાં. અમારે અમારા પાડોસી સાથે જરાય બનતું નહીં. ઝૂલ્મા બહુ ઝગડાખોર હતી. કાયમ અમારી વચ્ચે નાનીનાની વાતમાં ઝગડા થયા કરતા. એ દિવસની તારીખ મને બરાબર યાદ છે. 24 ઑગસ્ટ 2012.
આમ તો અમારો વિસ્તાર અહિંસામાં માનનારો ગણાતો, પણ ત્રણ-ચાર દિવસથી મિલિટરીએ બળવાખોર હોવાની શંકામાં સેંકડો લોકોને મારી નાખ્યા, અને એટલા જ ને જેલમાં પૂર્યા, ત્યારથી નાગરિકોએ શસ્ત્રો ઊપાડયા. પછી તો કોણ કોને મારે છે, તે સમજવાનું જ મુશ્કેલ બની ગયું.
કોઈને સરકાર બળવાખોર માનીને મારી નાખે, તો બળવાખોરો કોઈને સરકારના સમર્થક માનીને મારી નાખે! વળી ક્યારેક તો નાસી છૂટતા ટોળાંને લડવાને બદલે મેદાન છોડવાની સજારૂપે એકસામટાં વીંધી નાખવામાં આવે. કોણ કોને મારી નાખશે, એની ખબર જ પડતી નહોતી. આવી અંધાધૂંધીથી અમારે ટેવાઈ જવાનું હતું. ઘર-બાર અને ધંધો છોડીને જઈએ, તો ક્યાં જઈએ?
તે સાંજે બાળકો ઘરની બહાર રમી રહ્યા હતાં અને બુઝર્ગો ખાટલો ઢાળીને આંગણમાં બેઠા હતા. અચાનક ગોળીબારની ધણધણાટી સંભળાઈ. હું ને મારા પતિ પાછલા વાડામાં હતા. ગોળીઓની ધણધણાટી અમારા માટે કોઈ નવી વાત નહોતી, પણ લોકોની ચીસાચીસ સાંભળી અમે બહાર દોડી આવ્યાં.
અમે જોયું કે, ગોળીઓ વરસાવી, અનેકોની લાશો ઢાળીને જાલિમો પળભરમાં નાસી ગયા હતા. અમારાં બાળકોનાં અને મા-બાપનાં તરફડતાં શરીર સામે પડયાં હતાં. હજી કાંઈ સમજી શકીએ એ પહેલાં એ બધાં અલ્લાહને પ્યારાં થઈ ગયાં. કોઈને જનાજો પણ નસીબ ન થયો. બેબસ રૂહોને ફાતિહા પણ નસીબ ન થયા. યા ઈલાહી!
બાજુની ગલીમાંથી ધાંય, ધાંય, ધાંય… ગોળીબારના અવાજો આવી રહ્યા હતા. લાગતું હતું કે, મહોલ્લામાંથી કોઈ આજે બચવાનું નથી. જીવ બચાવવો હોય તો જે હાથ લાગે તેનું પોટલું વાળીને અમારે નાસી છૂટવાનું હતું.
હું ને મારા પતિ ભાગવા જતાં હતાં ત્યાં પાડોસી ઝૂલ્માનું ત્રણેક વર્ષનું બાળક રડતું દેખાયું. એનાં ઘરનાં બધાંનું મૈયત થઈ ગયું હતું. મા-બાપની લાશ વચ્ચે યબકિ તિફ્લુન (રડતા બાળક)ને એકલું મૂકી જતાં જીવ ન ચાલ્યો. મોતના ખેલમાં ફિ ઈલાખ્વતિન(એક મિનિટમાં) સૂમસામ થઈ ગયેલા મહોલ્લામાં એકલું મરી જશે બિચારું! એને ખાવા કોણ આપશે? કોણ એની રિઆયતુન(સંભાળ) લેશે?
વધારે વિચારવાનો સમય નહોતો. બાળકને ઊંચકી લઈને અમે નાઠાં. અમારાં બાળકોને તો કાફિરોએ છીનવી લીધાં. આ માસૂમને ઈલાહિએ અમારા માટે જ રાખ્યું હશે, તેમ માનીને એને સાથે લીધું.
ચાલતાં-ચાલતાં આઠ દિવસની મજલ પછી અહીં ઝાતરી કૅમ્પ પહોંચ્યાં ત્યારે ભૂખ, તરસ અને થાકથી અમે ત્રણેય આલા વશ્કિન મૌતિ (મરેલાં જેવાં) થઈ ગયાં હતાં. ઝાતરીમાં મહવા (આશરો) મળ્યો પછી સારું લાગે છે. આ તિફ્લહન (બાળક) અમારું પોતાનું હોય, તેટલું વહાલું લાગે છે. હઅદા હુઆ (એ છે એટલે) અલહૈયતુ તબદુ વકાઅન્હ તાઈશુ (જિંદગી જીવવા જેવી લાગે છે).’
‘ઝાતરીના મહવામાં તિફ્લહન સાઈદાતુન છે? (ઝાતરીના આશરામાં બાળક ખુશ છે?)’ મેં પૂછયું.
વાતચીતમાં હું ઘણાં અરેબિક શબ્દો વાપરવા લાગી હતી. કેટલા બરાબર હશે ખબર નથી, પણ અમે સૌ એકબીજાંને સમજી તો શકતાં જ હતાં. મને આવડતા અરેબિક શબ્દોને જોડવા હું અંગ્રેજી નહીં ગુજરાતી અથવા હિન્દી શબ્દો વાપરતી. મને ખાતરી થઈ ગઈ હતી, એ રીત વધારે સારું કામ આપતી હતી. યસ, આય વૉઝ શ્યોર, ધેટ વૉઝ વર્કિંગ બેટર!
‘દેખીતી રીતે તો એ અમારી સાથે ખુશ છે, પણ મુસ્તામિરુન (લગાતાર) પોતાના મા-બાપને શોધતી રહેતી એની માસૂમ આંખોની સાથે આંખ મિલાવીને જોઈ શકાતું નથી. ઘણી વાર એ ઊંઘમાં હિબકે ચડી જાય છે. ક્યારેક આખો દિવસ સૂનમૂન બેસી રહે છે. અમે એને ખુશ રાખીને અમારાં બચ્ચાંઓની રૂહને ઇતમિનાન મળે તેની બંદગી કરીએ છીએ.
મઅદા અફાલુ? (શું કરીએ?) વક્ત પોતાનું કામ કરશે એવી એમલુન(આશા) સાથે ઐયામુન (દિવસો) વિતાવી રહ્યાં છીએ.’
*
જવાદની કથા વળી કાંઈ અજબ જ હતી! 45 વરસનો જવાદ દરરોજ જુવાનિયાઓ પાસે સ્માર્ટફોન વાપરતાં શીખવા સેન્ટર ઉપર આવતો. એને વિશ્વાસ હતો કે, સેલફોનની મદદથી એક દિવસ એ પોતાનાં બિછડેલાં બીબી-બચ્ચાંને શોધી શકશે. સિરિયામાં એની ગણતરી અમીરોમાં થતી.
એ એલેપ્પો નામના શહેરમાં રહેતો હતો. એલેપ્પો એટલે સિરિયાનું અગત્યનું વ્યાપારી અને ઔદ્યોગિક મથક. જવાદનો ત્યાં બહોળો વેપાર હતો. એના ધ્યાનમાં એ પણ આવતું ગયું કે, સરકારી વસાહતોની આસપાસમાં રહેતા અનેક લોકો, અનેક એટલે સેંકડો લોકો અચાનક ગુમ થઈ જતા.
વિદ્રોહીઓ અને સરકાર વચ્ચે સપાટી નીચે બનતી ગોઝારી ઘટનાઓને કારણે છૂપા ભયનું વાતાવરણ ચારેકોર છવાયેલું રહેતું. ઘણાંને ત્યાંથી નાસી છૂટવું હતું. પણ સરકાર સામે લડનારાં વિદ્રોહીઓ લોકોને શહેર છોડીને જવા દેતા નહોતા. જોકે એય એક સવાલ તો હતો જ કે, જવું તો ક્યાં જવું? કયું સ્થળ સલામત હતું આખાય દેશમાં? ગમે ત્યારે ભાગવું પડે તો કામ લાગે એમ વિચારી સારા એવા પૈસા એણે હાથવગા પણ રાખેલા.
એક દિવસ આકાશમાંથી અગનગોળા વરસ્યા. સદીઓથી ધમધમતી બજાર પળવારમાં ખંડિયેર થઈ ગઈ! એના જેવા નિર્દોષ નાગરિકોને તો એટલુંય ન સમજાયું કે, કોણ કોને મારી રહ્યું છે. જે દિવસે કુટુંબ સહિત ઘરબાર છોડીને ભાગવું પડેલું ત્યારે એણે ટર્કીનો રસ્તો પકડેલો.
કોઈએ કહ્યું હતું કે, પૈસા હોય તો ટર્કીના ઈસકેન્ડર્ન બંદરેથી પવન ભરેલા હોડકામાં દરિયો પાર કરાવી યુરોપના કોઈ સલામત બંદર ઉપર ઉતારે છે. આપવીતીની વાત કરતાં જવાદ કહેતો હતોઃ
‘અમારા એલેપ્પોથી ઈસકેન્ડર્ન બહુ દૂર નહોતું. હું મારી બીબી, તેર વરસનો દીકરો અને દસ વરસની દીકરી, અમે સૌ ક્યારેક કોઈ વાહનમાં લિફ્ટ માગતાં તો ક્યારેક પગપાળાં ત્યાં સુધી પહોંચ્યાં. પૈસા સાથે હતા, એટલે દેશ છોડીને નાસી છૂટવાની વ્યવસ્થા કરતાં પણ વાર નહોતી લાગી.
રાતના ત્રણ વાગે અમને દરિયા કિનારે લઈ જવામાં આવ્યાં. ઘોર અંધારામાં દરિયાનાં મોજાંનો અવાજ બિહામણો લાગતો હતો. ‘જરાય અવાજ કર્યો તો જાન ગુમાવશો’ એવી ધમકી સૌને મળેલી હતી, એટલે અમારાં જેવાં બીજાં કેટલાંક મુસાફરો પણ સ્તબ્ધ ઊભાં હતાં.
પવન ભરેલાં બે હોડકાં અમને લઈ જવા તૈયાર ઊભેલાં હતાં. દરિયો પાર કરાવવા માટે તગડી રકમ મેં પણ આપેલી. જિંદગીની બધી કમાઈ જે હાથવગી હતી, તે ખર્ચાઈ ગઈ.
હોડકામાં બેસાડતી વખતે કહેવામાં આવ્યું કે, ખાતૂન અને બચ્ચાઓએ પહેલાં બેસવાનું છે. રહી જશે તે મર્દ લોકો બીજા હોડકામાં આવશે. મારો નંબર પહેલા હોડકામાં લાગ્યો નહીં. હજી બીજું હોડકું ભરવાનું શરૂ કરે તે પહેલાં પોલિસની સાયરન સંભળાઈ. કશું કહ્યા-મૂક્યા વિના એ લોકોએ બંને હોડકાં હંકારી મૂક્યાં.
“લઈ લો એમને કે પછી અમને ઊતારી દો, અલ્લાહને વાસ્તે!” મારી બીબીનો રડવા – કકળવાનો અવાજ અંધારે પણ ઓળખાયો, પછી કોઈએ એનું મોં દાબી દીધું હોય, તેવું લાગ્યું.
“સબ્ર રાખજે, પાછળ બીજી નાવમાં આવી જઈશ…” એવું ખોટું બોલીને મેં અલ્લાહને ભરોસે એમને મોકલી આપ્યાં.. બીજું થઈ પણ શું શકત? આ તે કેવી મજબૂરી! જરાક વારમાં હું તબાહ થઈ ગયો.
પછી થોડા દિવસ હું બીજી કોઈ નાવ મળે તેની ફિરાકમાં બંદર ઉપર ભટકતો રહ્યો, પણ કોઈ સવારી ન મળી. મારી પાસે હતા તેટલા બધા પૈસા વપરાઈ ગયા. અંતે નિરાશ થઈને ભીખ માગતો હું એલોપ્પો મારા ઘરે પાછો ફર્યો. ધરમાં જે કાંઈ બચેલું તે વીણી, વેચી-સાટીને પોટલું બાંધ્યું ને ટોળા સાથે જોર્ડન તરફ ચાલવા લાગ્યો.
અહીં ઝાતરીમાં જીવનું જોખમ તો નથી, પણ મારાં બીબી-બચ્ચાં ન જાણે ક્યારે મળશે? તેર વરસની ઉંમરે મારાથી દૂર થઈ ગયેલો મારો દિકરો એની અમ્મી અને બહેનનો ખયાલ રાખશે એ આશાએ હું જીવી રહ્યો છું. અલ્લાહ એમને ખુશ રાખે એવી દુઆઓ કરું છું, ને આ જુવાનિયાઓ સાથે ફેસબૂક પર મારા દીકરાને શોધ્યા કરું છું. હજી એ નાબાલિગ છે. આવું બધું એને આવડતું નહીં હોય, પણ ઈન્શાલ્લા એક દિવસ ચોક્કસ હું એને શોધી કાઢીશ. મેડમજી, મને વિશ્વાસ છે…’
હું ત્યાં રહેતા લોકોને પ્રશ્નો પૂછયા કરતી. મેં જોયું કે, યુવાનો કદીયે પોતાના દેશમાં પાછા ફરવા માગતા નહોતા. તેમને યુરોપના કોઈ બીજા દેશમાં પહોંચી જઈને નસીબ અજમાવવું હતું.
નેટ ઉપર તે સૌ ટર્કી, સર્બિયા, ઈટલી, જર્મની, ગ્રીસ કે પછી છેક નેધરલૅન્ડ્સ, ડેન્માર્ક અને સ્વીડન પહોંચી ગયેલા લોકોની કહાણીઓ વાંચતા રહેતા અને એક દિવસ યુરોપમાં ક્યાંક ને ક્યાંક પહોંચી જવાનાં સપનાં જોતા.
સ્વિડન તો કેટલું દૂર હતું! પણ ત્યાં જે રીતે નિરાશ્રિતોનું સ્વાગત થયું, કેવી સારી રીતે સરકારે અને પ્રજાએ તેમને નવા જીવનમાં ગોઠવ્યાં એ વાંચીને અનેક યુવાનોને સ્વિડન જવા ઈચ્છતા મેં જોયા. પણ પ્રૌઢો અને વૃદ્ધોનો જીવ વતન તરફ સતત ખેંચાતો જોવા મળતો. જવાદ જાણતો હતો કે, એનાં બીબી-બચ્ચાં સિરિયામાં તો નહીં જ હોય, છતાં એ મને વારંવાર કહેતો :
‘હજીય મને સપનામાં અમારા શહેરનો ટેકરી પર ઊભેલો સદીઓ પુરાણો કિલ્લો દેખાય છે. દેખાય છે કે, ટેકરીને પાછલી બાજુની પગથાર પરથી મારી પત્ની અને બાળકો મને મળવા ચાલ્યાં આવે છે. દૂરથી હું એમને ચોખ્ખેચોખ્ખાં જોઈ શકું છું, પણ પાસે પહોંચતાં જ એ લોકો ધુમ્મસમાં ઓગળી જાય છે.
હું જાણું છું, ત્યાં હવે કોઈ નથી, છતાં ક્યારેક મન થાય કે, ભલે મરી જવાય, એકવાર જોતો તો આવું કે, ત્યાં એ લોકો મારી રાહ જોતાં તો નથી ને!’
*
બુશરા બહુ કામઢી હતી. આખો દિવસ કામ કરે અને રાતે યુરોપના કોઈ દેશમાં જવા મળતું હોય તે નેટ ઉપર શોધ્યા કરે. કહેતી હતીઃ
‘બમગોળા તો એવા વરસે ને બંદૂકની ગોળીઓની તો બૌછાર જ જોઈ લો! કોઈ મહોલ્લો, કોઈ ઘર તબાહીથી બચી શક્યું નહોતું. આમ મોતની ધાર ઉપર કેટલા દિવસ જીવી શકાય? અમારા ચાર વરસના દીકરાને જોઈને થતું, એને સુરક્ષિત ભવિષ્ય આપવું હશે તો અત્યારે ને અત્યારે કપરો નિર્ણય લેવો પડશે. તે દિવસે અમે નિર્ણય લઈ જ કાઢયો. દેશ, ઘર, સંપત્તિ, પોતાની ઓળખાણ બધું છોડીને અમે ચાલી નીકળ્યાં.
પરોઢિયે અમે નીકળ્યાં તેની આગલી રાતે હું મારા વૃદ્ધ માતા-પિતાને મળવા ગયેલી. તે દિવસે એમને બંનેને ભેટીને હું ખૂબ રડી. મને ખબર હતી, હવે આ જન્મમાં અમારો મેળાપ થવાનો નથી. એમની કબર ઉપર મૂકવા પણ હું નહીં જઈ શકું… હું એમને આ કડવું સત્ય કહી ન શકી. ઈન્શાલ્લાહ ફરી વહેલાં મળીશું – કહીને હું નીકળી આવી. કેટલું મોટું જૂઠ! પરવરદિગાર મને ક્યારેય માફ નહીં કરે!…’
*
યેસેનિયા વાઘણ જેવી હતી. એનો મિજાજ ખૂબ તીખો હતો. તેમાંય કોઈ યુવાન તેની સાથે અજુગતું વર્તન કરે, કે એની નિકટ આવવા પ્રયત્નમાત્ર પણ કરે તો યેસેનિયા એના ઉપર વાઘણની જેમ તૂટી પડે. મને તેની આ માનસિકતા સમજાતી નહોતી. એક દિવસ તેણે દિલ ખોલીને જે વાત કરી, તે મારા મનમાં કટારીની જેમ ખૂંપી ગઈ. યેસેનિયા કહેતી હતીઃ
‘એક દિવસ અમારા મહોલ્લા પર ગોળા વરસ્યા. ઘરનાં બધાં એમાં જન્નતનશીન થઈ ગયાં. હું અભાગણી ન જાણે શા માટે બચી ગઈ. લોકો આમતેમ ભાગી રહ્યાં હતાં. જીવ બચાવવા માટે એકાદ ટોળાં સાથે ચાલી નીકળવા સિવાય કોઈ છૂટકો નહોતો. કાટમાળ થઈ ગયેલા અમારા ઘરની તૂટેલી દીવાલ પાછળ હું થોડીક જીવન જરૂરિયાતની વસ્તુઓ એકઠી કરવા ગઈ, ત્યાં એક કાફિર ઊભેલો… એણે, એણે મને…!’
એક મોટું ડૂસકું, હૃદય હચમચાવી નાખે તેવું આક્રંદ હજીય મારા મનમાં પડઘાય છે. છોકરીની કરુણ કહાણી અહીં જ પૂરી થતી નહોતી.
મેં એને પાણી આપ્યું અને કહ્યું કે, શાંત થઈ જા પ્લીઝ, માફ કરજે, આ બધું યાદ કરાવીને મેં તને દુઃખી કરી. હવે ફરી ક્યારેય આપણે આ બાબતમાં વાત નહીં કરીએ. પાણી પીધા પછી જરાક સ્વસ્થ થતાં એ બોલી,
‘ના, ના, હવે ચૂપ નથી રહેવું. એક વાર મને કહી દેવા દ્યો. મન ઉપરનો ભાર હવે મારાથી વેઠાતો નથી.’ મેં એને બોલવા દીધી. કહેતી હતી,
‘અહીં આશરો મળ્યો ને જરાક હાશ વળી, ત્યાં જ ખ્યાલ આવ્યો કે મારા પેટમાં બાળક પનપી રહ્યું હતું. અલ્લાહ! કેવી ઇમ્તિહાનની ઘડી! એક તરફ થાય કે, એને જન્મ લેવા દઉં. આ બેકસૂર રૂહના ખૂનથી હાથ નથી રંગવા મારે.
આમ પણ દેશ છોડવા સાથે મારી ઓળખાણ પણ ક્યાં બાકી રહી હતી? કોણ જાણતું હતું મને અહીં? આ તિફ્લુનની રિયાયતુનમાં સમય નીકળી જશે. દુનિયામાં મારું કહી શકાય એવું એક એ જ તો છે! એ મારી હયાતનો સહારો બનશે.. પણ પછી બીજી જ મિનિટે થતું કે, એબના ચહેરા પરથી પેલા હૈવાનનો ચહેરો હું શી રીતે ભૂંસી શકીશ? એ જ કારણે હું એને ચાહી નહીં શકું તો? એ બેકસૂર રૂહનું ત્યારે શું થાય?
એક અઠવાડિયા સુધી મારા મનમાં ગડમથલ ચાલતી રહી, પછી એક દિવસ મન મક્કમ કરીને હું એને પડાવી આવી. હું મારું દામન ખૂનથી રંગીને બેઠી છું. કુદરત મને માફ નહીં કરે!’
મેં એને મન ભરીને રડવા દીધી. મને થયું, આવી લાખો કરુણ કહાણીઓના ભારથી પૃથ્વી જરાય નમી નહીં હોય? માનવજાત આટલી નિષ્ઠુર કેવી રીતે થઈ શકે? ઝાતરી જેવી હજારો વસાહતો ખોલીને પણ મનુષ્યના આ પાપનું પ્રાયશ્ચિત શી રીતે થઈ શકે? પારકાંને પોતાનાં બનાવીને ફરી જીવન સાથે સમાધાન કરવા મથતાં હજારો લોકોની પોતપોતાની કરુણ કથનીઓ હતી.
માનવજીવનને અસ્તવ્યસ્ત કરી નાખનારાઓ કયામતને દિવસે જવાબ આપશે તો આપશે, પણ આજે આ હજારો-લાખો લોકોનાં જીવનમાં જીવતે જીવ કયામત લાવી દેવાનો અધિકાર કોણે આપ્યો એ સીતમગારોને?
મનુષ્યત્વ જવાબ માગી રહ્યું હતું, પણ દસે દિશાઓ મૂંગી હતી. બસ, કૅમ્પમાં માનવતાની જ્યોત ઝગમગી રહી હતી, જે મૌન રહીને લાખો લોકોને આવતી કાલની આશા આપી રહી હતી.
ઝાતરીમાં લોકોને સ્વસ્થ થતાં અને જીવન સાથે ફરી ગોઠવાઈ જતાં જોઈને હું આશ્ચર્યચકિત રહી જતી. મનુષ્યની જિજીવિષા અને વિષમતાઓ સાથે લડીને હરેક સંજોગોમાં ગોઠવાઈ શકવાની તેની ક્ષમતા મને વિસ્મિત કરી મૂકતી. મને મારો લૉસ, મારું દુઃખ મને નગણ્ય અને તુચ્છ લાગવા લાગ્યું હતું. ઈટ ગેવ મી ઇમેન્સ સ્ટ્રેન્થ ટુ મૂવ ઑન!’
(ક્રમશ:)