નવરાત્રી નિમિત્તે મા અંબાના ચરણે કાવ્યવંદના ~ વિવિધ કવિઓ દ્વારા ~ કુલ ૭ કૃતિ
૧. ભારતી વોરા ‘સ્વરા’
કરું તારી આરાધના મા ભવાની
તું કરજે પૂરી માનતા મા ભવાની
ન જાણું કોઈ ભક્તિ કે પાઠ-પૂજા
તું જો ભક્તની ભાવના મા ભવાની
બધાં દુઃખ હરી લેજે પળમાં તું માડી
પૂરી કરજે સૌ કામના મા ભવાની
આ દુનિયામાં કોઈ નથી મારું અંગત
કહું કોને હું વેદના મા ભવાની
સદા ગુંજે મારા હૃદયમાં તું અંબા
છે અંતરમાં એક યાચના મા ભવાની
‘સ્વરા’ નિત્ય કરતી રહે છે રટણ એક!
તું સાંભળજે ને પ્રાર્થના મા ભવાની.
૨. ડૉ. પ્રીતિ પુજારા
તમસ ભરેલો છે ઓરડો આ,
પ્રકાશ થઈને તું આવજે મા
વધ્યાં છે વ્રણ થઈ પીડા અકારી,
ધીરેથી ચંદન લગાવજે મા!
તું જપ છે, તપ છે, તું ભક્તિ અંબા,
તું શક્તિરૂપા સ્વયં શિવાની
મેં તારી શ્રદ્ધાનો શઢ લગાવ્યો,
તું પાર નૈયા કરાવજે મા!
થયા છે પગલાં ભવાની તારા,
કર્યા છે સ્વસ્તિક ને ચોક પૂર્યા,
સજીને શણગારો આવજે તું,
નૂપુરના નાદે જગાડજે મા!
ઝૂમી રહ્યું છે નગર અમારું
ધરીને ગરબો મા અંબા નામે
જલે છે શ્રદ્ધાના દીપ સઘળે,
બધાને રાસે રમાડજે મા!
ભમે દશાનન ગલી-ગલીએ,
ને મોહ મત્સર વધી રહ્યા છે
હણીને અંબા! પિશાચ મનનાં
તું ભવના ફેરાને તોડજે મા!
છું બાળ તારો હે! જગ જનેતા!
ચરણમાં તારા સદન છે મારું
અમી ભરેલી નજરથી માડી!
અમારા દોષો પ્રજાળજે મા!
૩. કેયુર ‘આઝાદ’ વ્યાસ
એક તારો આશરો છે છાંયડામાં રાખજે મા
છો બધે અંધેર તારા દાયરામાં રાખજે મા
હાથ તારો છે સદા ઝંઝાવતોને ખાળશું મા
એટલી કૃપા ભરેલા વાયરામાં રાખજે મા
ભાવભક્તિથી કરી છે એક અરજી મા તને બસ
ભીતરે ભીનાશ સાચી ડાયરામાં રાખજે મા
નોરતાની રાત છે ને વાસ તારો આંગણામાં
ધૂપ દીપોની અસર આ ઝાયરામાં* રાખજે મા
*(Blooming Flower)
૪. દીપિકા યાદવ
કાંઈક જાદુ એવો કરજો આ વખતે તો
સૌને ઝાઝું-થોડું ફળજો આ વખતે તો
થોડાં મન આળાં છે, થોડાં ભયભીત આંસુ
ઊંડા ઘાને હળવે ભરજો આ વખતે તો
૫. ડૉ. ભૂમા વશી
માતા ભવાની, દેવી છો સચરાચરા
નતમસ્તકે કરીએ તમારી સાધના
જગદીશ્વરી દર્શન તમારા પામીએ
એવી કૃપા વરસાવજો એ કામના
૬. ભારતી વોરા ‘સ્વરા’
તું વિસર્જનમાંથી પણ સર્જન કરે
માવડી દુનિયા તને વંદન કરે
ચકલું ના ફરકી શકે મરજી વિના
સૌના માટે અંબા આયોજન કરે
નામ તારા છે હજારો માવડી
સૌ ભવાની નામે સંબોધન કરે
ક્યાં હશે રહેઠાણ જાણું ના કશું
દૂર બેઠી તું સતત ચિંતન કરે
માવતર છે સૌની તું સંભાળજે
આખું જગ તારું અભિવાદન કરે
ભક્તિ ભાવે આરતી ગાતી ‘સ્વરા’
સૌના સુખનું અંબા નવસર્જન કરે
૭. ગીત: ભૂમિ પંડ્યા ભટ્ટ
શું કહું કે કેટલો એ લાગે છે કામનો,
એક ઢોલ મારામાં વાગે મા નામનો.
મનડાને ગરબો કહું, કહું શ્વાસને હું દીવડો,
ઝળહળતી જ્યોત માડી તારી આ જીવડો,
ચોરાસી લાખ નગર ફરી-ફરી જોયા પણ,
માનવી હું નીકળ્યો બસ તારા આ ધામનો.
શરણાઈ, ખંજરી, મંજીરા, ડાકલું,
શબ્દો છે વાજિંત્રો સમજી લો આટલું.
માડી તારા ગરબા રચે મારું આ મન.
આજ અવસર ભૂમંડળમાં ભરવાને હામનો.
શું કહું કે કેટલો એ લાગે છે કામનો,
એક ઢોલ મારામાં વાગે મા નામનો.
***
ખૂબ સરસ અને ભક્તિસભર રચનાઓ મારી રચના સમાવવા બદલ સંયોજકોની આભારી છું🙏🏻
Vaaah… ખૂબ સરસ ભક્તિમય રચનાઓ 🙏🙏🙏🙏
એક તારો આશરો છે છેડા માં રાખજે માં
સુંદર રચના 👌. ખૂબ ભાવવાહી રચના .
કવિ ને અભિનંદન .
મા જગદંબાના ચરણોમાં વંદન🙏…. બધી જ રચનાઓ માતાને સમર્પિત ભાવથી લખાઈ છે… અભિનંદન સર્જકોને💐.. મારી બે ગઝલને સ્થાન આપવા બદલ બ્લોગને ધન્યવાદ🙏
સરસ.. સંકલન