સૂર્ય ગુસ્સે થાય એવું ના કરો  ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

ન કરવાનું કામ, પહેલા કરવાનું મન આપણને થતું હોય છે. બાળકને કહીએ કે સોસાયટીની વિંગની બહાર નહીં જતો, તો ધરાર એને બહાર જવાનું મન થશે. ઉપવાસના દિવસે કશું ન ખાવાનો સંકલ્પ લીધો હોય પણ ગરમાગરમ ફરાળી પેટીસ જોઈને આપણો સંકલ્પ ફરાર થઈ જાય.

Farali Pattice (Updated)

કામ, ક્રોધ, મોહ, માયાના બંધનોમાંથી નીકળી જવા માટે સમજણ સાથે સજ્જતા પણ જોઈએ. ડૉ. મનોજ જોશી `મન’ ક્યાંથી નીકળવાનું છે એની શીખ આપે છે…

બધેથી વાળીચોળીને કરો અસ્તિત્વને ભેગું
ખૂણા ને ખાંચમાંથી આપણે નીકળી જવાનું છે
જરા મુશ્કેલ છે કિન્તુ, ચહો તો થઇ શકે ચોક્ક્સ
સમયની ચાંચમાંથી આપણે નીકળી જવાનું છે

અત્યારે તો અમેરિકાએ ભારત પર લાદેલી વધારાની ટેરિફની જાળમાંથી નીકળી જવાનું છે.

Donald Trump Tariffs News Highlights: Trump warns of '1929-style Great Depression' if court rules against tariffs - The Times of India

પ્રધાનમંત્રીએ ચીન અને રશિયાના વડા સાથે મુલાકાત કરી પછી ટ્રમ્પ શાસન દબાણમાં આવ્યું છે. ભારત આવું કરી શકે એવી ધારણા કદાચ એમને નહોતી. કોઈ પણ દેશે આર્થિક રીતે ટકવું હોય તો વૈશ્વિક પ્રવાહો પ્રમાણે જરૂરી ફેરફાર કરવા જ પડે. એના કારણે બે દેશોની મૈત્રીમાં ઉતારચઢાવ આવે એ સ્વાભાવિક છે. જયવદન વશી લખે છે…

લાખ કોશિશ પણ કરો ભુલાય નહીં
કોઇ હરપળ આંગણે ફરતું રહ્યું
સમય-સંજોગ બદલાતા રહ્યા
દૂર કોઈ પાસથી સરતું રહ્યું

અમેરિકા સાથેના ઉષ્માભર્યા સંબંધોમાં ઓટ આવી છે. ભારે માત્રામાં ટેરિફ લગાડવાથી આપણી નિકાસ ઓછી થાય એ સમજી શકાય પણ અમેરિકાની પ્રજાએ પણ માલસામાન ખરીદવા વધારે દોકડા ચૂકવવા પડે. ટૂંકમાં એમની મોંઘવારીમાં વધારો થાય.

Understanding Inflation and the Time Value of Money

અચાનક આવેલી આ ઉપાધિ જલદીથી દૂર થાય એ ઉભય પક્ષે સારું છે. દિનેશ ડોંગરે `નાદાન’ સૂચન કરે છે…

પાનખરની વારતા પૂરી કરો
લ્યો, ફરીથી ડાળીઓ લીલાય છે
લાખ પહેરા ફૂલ પર રાખો તમે
ખુશ્બૂ ક્યાં કોઈથી પકડાય છે

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવવાની ક્રેડિટ લેવાનો મરણિયો પ્રયાસ કર્યો જેને મોદી સરકારે મચક ન આપી. પણ ટેરિફ યુદ્ધને કારણે જો ભારત-ચીન નજીક આવે તો એની ક્રેડિટ કમ સે કમ ટ્રમ્પને આપવી જોઈએ.

PM Narendra Modi, President Xi could meet 3 more times this year: Chinese envoy | India News - The Times of India

ડોકલામના તણાવ પછી પહેલી વાર બે નેતાઓ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભેગા થયા. યુક્રેન અને રશિયા બંને સાથે સારો સંબંધ ધરાવતું ભારત જો એમના યુદ્ધવિરામમાં નિમિત્ત બને તો આખા વિશ્વની આંખ પહોળી થઈ જશે. યુદ્ધ હવે કોઈ દેશને પોસાતું નથી. જીત મળે તો એની પણ કિંમત ચૂકવવાની હોય છે. ગની દહીંવાળા અમન ઝંખે છે…

હે ખારા નીર! ખમૈયા કરો ખુદા ખાતર
અમીઝરણ! હવે પાંપણની ઝારીએ આવો
દિમાગને અને દિલને લગાવીએ કામ
સમયના સ્કંધથી બોજો ઉતારીએ આવો

દિલ અને દિમાગને ઝાઝું બનતું નથી. એક પૂર્વ તરફ ખેંચે તો બીજું પશ્ચિમ તરફ ખેંચે. દિમાગ તર્કથી વિચારે છે તો દિલ લાગણીથી વિચારે. દિલ્હીના શ્વાનપ્રેમીઓ કોર્ટમાં ગયા તો કોર્ટે ચોખ્ખું પરખાવી દીધું કે તમારા ભાવુક નિવેદનો અહીંયા નહીં ચાલે.

SC Orders Removal of All Stray Dogs in Delhi NCR

આપણા ધર્મમાં જીવમાત્ર પ્રત્યે દયા ને કરુણા રાખવાની વાત છે. પંખીઓ અને પ્રાણીઓને સાચવવાનું સત્કર્મ હવે કાયદાની અડફેટે આવ્યું છે. રવિ ઉપાધ્યાય લખે છે…

યુગોથી મીટ માંડવી તપ એનું નામ છે
શ્રીરામને જમાડવા શબરી થવું પડે
બદલાની અપેક્ષા વિના સત્કર્મ જો કરો
પત્થરના દેવને કદી પ્રગટી જવું પડે

Floods in South Asia: How to Help the Poor Help Themselves | TIME.com

એક વર્ગ પથ્થરમાં ઈશ્વર જુએ છે તો બીજો વર્ગ ઈશ્વરમાં પથ્થર જુએ છે. આખરે તો આપણી આસ્થા અને અનુભૂતિ પ્રમાણે મંતવ્યો ઘડાતા હોય છે. એમાં બાલીશતા હોય તો ચલાવી લેવાય પણ લુચ્ચાઈ ન ચલાવવી જોઈએ. શાંતિથી વિચાર કર્યા બાદ ઉભરતું તારણ સો ટચના સોના જેવું હોય છે. ઉર્વીશ વસાવડા એક કડવું તારણ રજૂ કરે છે…

સૂરજ ડૂબી જવાની પ્રતીક્ષા કરો હવે
ના આગિયાઓ હોય દિવસના ઉજાસમાં
અન્યોને દોષ આપવા કેવી રીતે પછી
મારો હાથ હોય જ્યાં મારા રકાસમાં

I am responsible! | kimberly smith

લાસ્ટ લાઈન

આ ધરા શેકાય, એવું ના કરો
સૂર્ય ગુસ્સે થાય એવું ના કરો

મૂર્તિ અતિસુંદર બનાવો, ઠીક છે
માણસો ભરમાય, એવું ના કરો

ગાલ પર મારો ભલે થપ્પડ મને
માંહ્યલો મૂંઝાય એવું ના કરો

ભીડ રાખો દંભની છેટી જરા
સત્ય ના દેખાય, એવું ના કરો

ઝાડવાનો પૂછજો માળા વિશે
પથ્થરો શરમાય, એવું ના કરો

ગુપ્ત રાખો વાત શસ્ત્રોની બધી
દુશ્મનો ગભરાય, એવું ના કરો

પ્યાસને વાળો, નદીના મારગે
ઝાંઝવા હરખાય, એવું ના કરો

– બાબુ રાઠોડ

Leave a Reply to Jayshree PatelCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. સાંપ્રત વિષયનું સુચારુ આલેખન, અભિનંદન અને આભાર હિતેનભાઈ.