“લિ. તારી પ્રિય સખી…” ~ પત્રશ્રેણીઃ પત્ર ૭ નો પ્રત્યુત્તર દિનાને ~ લેખિકાઃ અમિતા શુક્લ
પ્રિય દિના,
દીકરી માટેના ભાવસભર આલેખાયેલા તારાં શબ્દો જાણે હૃદયમાંથી વહેતી લાગણીની સરિતા લાગે છે, જે વાંચીને હું ભાવવિભોર થઇ જાઉં છું. દિના, દીકરી એટલે શ્વાસ, બે શ્વાસની વચ્ચે પણ તે રહે છે , ઉચ્છવાસમાં પણ તે રહે છે. શ્વાસની આવનજાવનમાં વસતી દીકરી આપણી જિંદગીનું ગીત છે. તેનાં વગરની દુનિયા અલ્પવિરામ જેવી લાગે છે. તેનાં ટહૂકાથી જીવન પૂર્ણવિરામ પામે છે.
મેં પરિવાર સાથે પ્રવાસના આનંદની ક્ષણો માણી જે અવર્ણનીય છે. શબ્દોનો સાથ લેવા જાઉં છું, તો તે સરકતા સરકતા યાદોની ગઠરી થઈને દિલમાં અંકિત થઇ જાય છે. દિના, પરિવાર સાથે હોય એટલે આનંદના સ્ત્રાવ વધારે ઝરતા હોય એવું આપણને મનમાં થયા કરે છે. એમાં પકૃતિનું સાંનિધ્ય હોય પછી પૂછવું જ શું! મિષ્ટી જોડેની નિર્દોષ મસ્તીમાં જાણે ફરી બાળપણ જીવી જવાની તક મળી. દીકરા-વહુ સાથે હતાં એટલે જવાબદારીમાંથી મુકત રહી હું શાંતિથી હરીફરી શકી. તને ખબર છે સખી, મારા પરિવાર માટે પ્રવાસમાં ચાલશે, ગમશે અને ફાવશે.. બસ આ ત્રણ શબ્દોને અમે સ્વીકારીને ચાલીએ છીએ. અમે મુક્ત મને ફરીને એનો ભરપૂર આનંદ માણી શકીએ છીએ.
“અજાણ્યું લાગે છે નભ સકળ, નીચે અજનબી
જણાતી આ કેવી નવલ-નવલી સાવ ધરણી!
જુઓ, આ ડોકાયાં ઝમઝમ થતાં શાંત ઝરણાં
રુંવાટાં શાં ફૂટયાં લહલહ થતાં ભોંય તરણાં
ઝરે માથે ઝીણાં ક્ષણ ઝબકતાં ઓસ ટપકાં
હજારો સૂર્યોની ચિર છવિ લઈ મંદ મલકે
મથું એને મારા દૃગ ઉભય મધ્યે પકડવા
અને હું રેલાતો અરવ અણજાણી પળ વિશે..”
કશું ધીમેધીમે વિકસિત થતું ને વિલસતું
વહે અંગાંગે કૈ, અકળ, સમજાતું નવ મને
નિહાળું હું સામે પળ પળ નવાં રૂપ ધરતી
નવી સૃષ્ટિ જાણે મુજ હૃદય માંહે ઊઘડતી
બધાયે આલાપો સમય-સ્થળના સાવ વિસરી
રહ્યો હુંયે ઊભો પવન-ઝૂલતા વૃક્ષ સરિખો.”
– રમણીક સોમેશ્વર
હું પ્રવાસમાં ધરતીના રૂપને મન ભરીને નિહાળતી, દિલમાં તેને અનુભવું છું. એ વિસ્મયનું વર્ણન કરતી આ કવિતાની પંક્તિઓ લખાઈ હોય એવું મને લાગે છે. વિસ્મય પમાડતી આ દુનિયાના અવનવા રંગોને સંતોષવા પ્રવાસમય બનવું અગત્યનું બની જાય છે. દિના, આ જગત કેટકેટલા વિસ્મયોથી ભરેલું છે. આપણે વિસ્મય પામીએ ત્યારે સૌ પ્રથમ આપણા આંખ અને મોં ખુલ્લા રહી જાય છે. આવી ઘટના જ્યારે બને છે ત્યારે આપણી અંદર આવું કેમ અને કેવી રીતે એ પ્રશ્નનો ઉકેલ શોધવાની મથામણ ચાલુ થાય છે.
આ સવાલના જવાબો પ્રવાસ કરતાં હોય ત્યારે નવી નવી વસ્તુઓના આકર્ષણથી, અવનવા લોકોના સંપર્કથી, અનુભવથી, જ્યાં ત્યાંની સંસ્કૃતિની વાતોમાંથી મળતા રહેતા હોય છે. પ્રવાસ એટલે આંખોને જોવું ગમે, દિલમાં તેની તસ્વીર વસી જાય, એની યાદોને વારેવારે વાગોળવાનું મન થાય ખરુંને!
જેસલમેરમાં વેકેશનના માહોલને લીધે ભીડનું પ્રમાણ ધારવા કરતાં વધુ હતું. રણમાં રેતીનાં ક્યાંક ઊંચા ઊંચા ટીંબા હતાં અને બાકી નજર કરો ત્યાં સુધી રેતીની ચાદર પથરાયેલી જાણે પડી હતી. અમે ઉંમરનો લિહાજ ભૂલી જઈ સરખી ઉંમરના સાથી બની મસ્તી કરતાં રેતી ઉડાડતાં રહ્યાં, રેતીમાં પગને ખૂંપાવી દોડવાની મજા લેતા રહ્યાં. અમે નારીવર્ગે તો ત્યાં હાર્મોનિયમ લઈને ફરતાં અને બીજા વાજિંત્રો સાથે ત્યાંના કલાકારો સંગ ભાતીગળ લોકગીતોનો આનંદ લીધો. બીજી પર્યટક સ્ત્રીઓ અમારી સાથે જોડાઈ અને અમે ઘુમ્મર ડાન્સ કર્યો ત્યારે સાક્ષાત દેવીસ્વરૂપ દરેક સ્ત્રી લાગતી હતી એવું જાણવા મળ્યું. ઘરની જવાબદારીઓથી નિશ્ચિત બની અલૌકિક આનંદ સૌના મુખ પર રમતો જોવા મળ્યો હતો.
વર્ષ દરમ્યાન કામમાંથી થોડી રજા લઈ અલગ માહોલ માણવો જરૂરી બને છે. એક જ ઘરેડથી માણસ કંટાળી જાય છે. થોડાં દિવસનો પ્રવાસ આપણને તન અને મનથી રિલેક્સ કરે છે, જેનાથી શરીરની ઉર્જા વધે છે.
અમે ફરતાં હતાં ત્યારે એક બાળક તેના માતાપિતાને કહી રહ્યું હતું કે મારાં શિક્ષકે કહ્યું છે, વેકેશનમાં બહાર ફરવા ચોક્કસ જવું જોઈએ. ફરવા જવાથી આપણે પ્રકૃતિના સાંનિધ્યમાં રહીએ છીએ. તે દરમ્યાન તેનાથી આપણા જ્ઞાનમાં વધારો થાય છે. જ્ઞાન એવું ગ્રહણ કરીએ જે બીજાને વહેંચી શકાય. આપણા દોસ્ત કોઈ પુસ્તક વાંચે તો આપણને બધું આવડી જતું નથી. આપણે દરેક વસ્તુને સમજીને વાંચવાનું અને મનમાં ઉતારવાનું હોય છે. વાંચીએ ત્યારે મગજને સજાગ રાખવું પડે છે તો વાંચેલું યાદ રાખી શકીએ છીએ. એ વાંચેલું જીવનમાં ક્યારેય પણ કામમાં આવી શકે છે. માથા પર પુસ્તકનો ફક્ત ભાર લઈને ગધેડાની જેમ ફરવાથી કશું થતું નથી.
વેકેશનની મજા કરતાં આપણાં બાળકો ઘરે રહેતા હોય છે એટલે સતત પરિવારના સંપર્કમાં રહેવાય છે. પરિવારને એટલે જ મૂલ્યોની ઝાળથી ગૂંથાયેલું બંધન કહેવાય છે. જીવન ઘડતરનો મોટો પાયો પરિવારથી શરૂ થતો હોય છે. પરિવારના લોકોની એકબીજાને સમજવાની નિખાલસતા અને આત્મીયતા સંબંધોનું જોડાણ મજબૂત કરે છે. પરિવારની એકતા હોય ત્યાં એકબીજાનું અસ્તિત્વ અમૂલ્ય બનતું હોય છે. જો પરિવારનું મૂલ્ય નાનપણથી સમજાઈ જાય તો જિંદગીના પ્રવાહમાં ભવસાગર તરી જવાય છે!
દિના, શ્રીમદ ભગવત ગીતામાં બહુ સ્પષ્ટ કહ્યું છે કે આપણે જન્મ લઈએ ત્યારથી કુટુંબ, સમાજ અને બ્રહ્માંડ સાથે જોડાઈએ છીએ. પહેલું જ્યાં જન્મ્યા હોય તે કુટુંબ. ઘરનાં સભ્યો સાથે આપણો એક નાતો બંધાય જાય છે. બીજું સમાજમાં આપણે ઉછરીએ છીએ એ સમાજના લોકો સાથે આપણે કનેક્ટ થઈએ છીએ તો તે આપણો પરિવાર બની જાય છે. ત્રીજું સમસ્ત બ્રહ્માંડ. આપણે પ્રકૃતિને માણીએ છીએ ત્યારે આપણા અસ્તિત્વના એક એક કણની હાજરી માણીએ છીએ તો દરેક વસ્તુ સાથે સુસંગત થતાં આખું વિશ્વ પરિવાર બની જાય છે. આપણે જે જીવન જીવીએ છીએ ક્યારેક તેના સંજોગો અને સંદર્ભ બદલાતા પરિવારનો અર્થ બદલાઈ જાય છે. તેમાં મુખ્ય કારણોમાં દૂર રહેવાની સ્થિતિ અને ટેકનોલોજી જવાબદાર છે. પરિવાર એટલે પરસ્પર સંબંધોને જોડતી પરંપરા. ખરુંને સખી!
આપણી જિંદગીમાં ધ્યેય હોતું નથી પરંતુ આપણે ધ્યેય બનાવવું પડે છે. ધ્યેય પ્રાપ્ત કરવાની તાકાત આપણી મનની શક્તિ પર છે. ધ્યેય પ્રાપ્તિ માટે તેના સ્વપ્નાઓ રચવા પડે છે, જેમકે બાળકોના મનમાં સ્વપ્નાઓ હોય છે. તેને કેવી રીતે પૂરા કરવા તેની પૂર્વતૈયારીરૂપે એ પરિવાર સાથે હોય ત્યારે ચર્ચા દરમ્યાન એના ધ્યેયને આપણે નક્કર સ્વરૂપ આપી શકીએ છીએ. જીવનના મૂલ્યો અંગે નાનપણથી જાગૃતતા ખૂબ જરૂરી છે. સખી, આ અંગે તારું શું કહેવું છે? પત્રમાં લખી જણાવજે.
ચાલ મિષ્ટીની ‘દાદી.. દાદી’ એવી બૂમો પડી રહી છે, એને બોર્ડગેમ રમવી હશે. ફરી મળીએ નવી વાતોના ખજાના સાથે. ઘરમાં બધાને મારી યાદી.
લિ, તારી સખી
અમી.