વિશ્વ ગુજરાતી દિવસે મુક્તક અને ગઝલનું સંકલન (કુલ ૨૩) ~ સાભાર: ગઝલ શિબિર કૉમન ગ્રૂપ
૧.
પરદેશે “છે” સાંભળી મનડાં ખોયાં હો
મેઘાણીની “રસધારે” જે મોહ્યાં હો
મારે દિલનો નાતો છે એ સૌ સાથે
જેણે સપનાં ગુજરાતીમાં જોયા હો
ડૉ. પ્રણય વાઘેલા
૨.
ગૌરવભરી ભાષા અમારી વિશ્વમાં છે વંદિતા
સંસ્કાર એમાં હોય જાણે વેદની હો સંહિતા
લાગે સરળ તોયે ઘણી અઘરી છે વાણી ગુર્જરી
જન્મો જતાં ત્યારે થતા કોઈક વિરલા પંડિતા
દિલીપ ધોળકિયા ‘શ્યામ’
૩.
માતા મારી ગુજરાતી છે
ગાથા મારી ગુજરાતી છે
સૌને ગમતી જીભે રમતી
ભાષા મારી ગુજરાતી છે
સ્મિતા શુકલ
૪.
ન બારાખડીને રમત સાવ ધારો
ન ભાષા મૂકીને મમતને વધારો
રહે બાળ છાનું તમે એ જ ગાઓ
ઊગે ભીતરે એ ભણો ને ભણાવો
માધવી ભટ્ટ
૫.
જન્મથી માતાય ગુજરાતી મળી
એટલે ભાષાય ગુજરાતી મળી
એકડો કક્કો શીખ્યો જ્યાં ઘૂંટતા
તે મને શાળાય ગુજરાતી મળી
ડૉ. ઈમ્તિયાઝ મોદી ‘મુસવ્વિર’
૬.
માતૃભાષા ગુર્જરીનો અસ્મિતાનો વારસો
છંદ, મુકતક ને ગઝલનો, વારતાનો વારસો
મુજ મહીં ધબકે અને સીંચાય છે હર શ્વાસમાં
શૂન્ય, ઘાયલ ને બીજા કંઈકેટલાનો વારસો
રિદ્ધિ પરમાર
૭.
પ્રાચીન વારસો અને આ નવ્ય વારસો
સોના સમો, ગિરાનો મળ્યો દ્રવ્ય વારસો
સચવાશે કેટલો હવે એ પ્રશ્ન થાય છે
પશ્ર્ચિમ પ્રવાહ સામે ઝૂકે ભવ્ય વારસો
અંકિતા મારુ ‘જિનલ’
૮.
ઓલો કો’ કે પેલો કો’, સરખું છે ગુજરાતીમાં
ચાલો કો’ કે હેંડો કો’, સરખું છે ગુજરાતીમાં
ખૂણે-ખૂણે નોખા શબ્દો, લહેકા નોખા લાગે
હેંથી કો’ કે સેંથો કો’, સરખું છે ગુજરાતીમાં
દેવેન્દ્ર જોશી
૯.
ગૌરવથી કહેવું એવું, ગુજરાતી મારી ભાષા
કોઈ ના મારા જેવું, ગુજરાતી મારી ભાષા
નેતા બનો કે એક્ટર, ઍન્જિનિયર કે ડૉક્ટર
ઓળખમાં એવું કહેવું, ગુજરાતી મારી ભાષા
મિતા ગોર મેવાડા
૧૦.
જન્મ પ્રભુ દે તો બસ માતા ગુજરાતી દે
વ્યક્ત થવા દે તો તું વાચા ગુજરાતી દે
ગ્રંથ લખી દઉં આખેઆખો કોઈ વિષયમાં
જો તું લખવા માટે ભાષા ગુજરાતી દે
સુનિલ કઠવાડિયા
૧૧.
નરસૈંયે કરતાલે ઝીલી, શામળ, પ્રેમાનંદે જાણી
નર્મદ વીરે પ્રણ લીધા તો, એને પાછી લાવ્યા તાણી
મુનશી, ઘાયલ, મેઘાણીએ, ને કાકાએ ગરવી પોંખી!
સૌથી વ્હાલી, મીઠી લાગે, ભાષા ગુજરાતી ને વાણી
રમેશ મારુ ‘ખફા’
૧૨.
તું જ આ રીતે ઉદાસી મોકલી દે એ ન ચાલે
ભેટમાં આંખો બે પ્યાસી મોકલી દે એ ન ચાલે
ચાહું હું મીઠાશ : મા ને માતૃભાષાની હૃદયમાં
હોઠ પર તું ઈંગ્લિશમાસી મોકલી દે એ ન ચાલે
શૈલેષ પંડ્યા ‘નિશેષ’
૧૩.
મીરાં ને નરસૈંયો, નર્મદ, સૌની પ્યારી માતૃભાષા
સૈફ, શયદાએ ગઝલમાં, આવકારી માતૃભાષા
ડાયરો ને લોકગીતો, ગુર્જરીની ભવ્યતા છે
હોય ગરબો કે ભજન હો, દીપે મારી માતૃભાષા
જિતુ સોની
૧૪.
ઘોડિયામાં કાને પડતી આ મારી ભાષા ગુજરાતી
ધીરેધીરે લોહીમાં ભળતી આ મારી ભાષા ગુજરાતી
ઘાના હોકે હો આફ્રિકા, એ યુકે હો કે કૅનેડા
હર ચોરાહે કાને પડતી આ મારી ભાષા ગુજરાતી
બારીન દીક્ષિત
****
૧૫.
ગુર્જર હૃદયના ભાવનો આધાર ગુજરાતી સદા
રાખે જગતમાં કાયમી સત્કાર ગુજરાતી સદા
ખળખળ વહે જાણે ધવલ હિમ શિખરે ભાગીરથી
પાવન સહજ છે જીભનો શણગાર ગુજરાતી સદા
શબ્દો મહીં છે જોમ ‘ને શૂરવીરતા એવી અજબ
મડદાં કરે એ જીવતાં રણકાર ગુજરાતી સદા
કોમળ હશે શબ્દો છતાં ભીતર શૂરાતન છે ભર્યું
સમરાંગણે થઈ ગાજતો ટંકાર ગુજરાતી સદા
નર્મદના ખોળે ઉછરી, દલપત મુખે શોભી ઘણી
રાખે છે મેઘાણી તણી, અણસાર ગુજરાતી સદા
નરસિંહની કરતાલમાં ગુંજ્યા કરે ભવનાથમાં
અહીં દોહરામાં ગુંજતો, પડકાર ગુજરાતી સદા
શીખો ભલે ભાષા અનેકો પણ હૃદય રહેશે વસી
“હે! મા” મુસીબતમાં થશે, ઉદ્દગાર ગુજરાતી સદા
દિલીપ ધોળકિયા ‘શ્યામ‘
૧૬.
જેમ બા ગમતી રોજ સાડીમાં
બોલી ગુજરાતી એમ વાણીમાં
ના મિટાવી શકાયો એ કક્કો
જેને ઘૂંટયો હતો મેં પાટીમાં
દેશ પરદેશમાંય સાથે હોય
એક ટહુકો ભર્યો મેં છાતીમાં
જાઉં જ્યાં ઓળખાણ આપે છે
ઉતરી ગઈ છે મારી નાડીમાં
ખોળે બેસો તો લાડ કરશે પણ
માના ગુણ હોય નહિ ને માસીમાં
સાંભળે જે ભૂલી શકે નહિ એમ
બોલે ગુજરાતી જે જુબાનીમાં
~ ભારતી વોરા ‘સ્વરા‘
૧૭.
આ હૃદય ધબકાર ભાષા
વાણીનો શણગાર ભાષા
સાવ સાદી પણ અનોખી
નેક દિલ પડકાર ભાષા
ચો દિશાએ ગુંજતી ને
મહેંકતી ટહુકાર ભાષા
લાડઘેલી, લાજવંતી
લોકની રસધાર ભાષા
માનવીથી માનવીને
જોડતો આધાર ભાષા
‘હું’ થી ‘તું’ પહોંચી જવાને
દિલથી દિલનો પ્યાર ભાષા
ખોડલો ખૂંદી ધરા, જા
સરહદોની પાર ભાષા
~ પીયૂષ ભટ્ટ
૧૮.
દોસ્ત, લોહીમાં ભળી છે મારી ભાષા ગુર્જરી
એક મા જેવી મા મળી છે મારી ભાષા ગુર્જરી
એટલે તો સાત કોઠા પાર થઈ ગયો છું હું પણ
માનાં પેટે સાંભળી છે મારી ભાષા ગુર્જરી
એમ ક્યાંથી હામ હારી જાઉં, મે પકડી છે જે
બાપની એ આંગળી છે મારી ભાષા ગુર્જરી
દીકરીની મીઠુડી, કાલીઘેલી બોલીમાં પણ
રોજ ટ્હુકો થઈ ફળી છે મારી ભાષા ગુર્જરી
હોય સુખ કે હોય દુઃખ કાયમ વહેતા અશ્રુમાં
પાંપણેથી નીકળી છે મારી ભાષા ગુર્જરી
ભીંજવે તરબોળ આખા જગને એવી તો પ્રેમાળ
સ્નેહભીની વાદળી છે મારી ભાષા ગુર્જરી
હોય તારી ભાગવત ગીતા ભલે સંસ્કૃતમાં
કૃષ્ણ તારી વાંસળી છે મારી ભાષા ગુર્જરી
~ શૈલેષ પંડયા નિશેષ
૧૯.
ગળથુથીમાં પીધી છે મેં ભાષા મારી ગુજરાતી છે
ઈશ્વરનો આભારી છું કે ભાષા મારી ગુજરાતી છે
ગરબા, ફાગુ, પ્રભાતિયાં ને સપાખરું, આખ્યાનો, છંદો
ગૌરવવંતા સાહિત્યની એ ભાષા મારી ગુજરાતી છે
હેમચંદ્રથી નરસિંહ મીરાં નર્મદ મેઘાણીથી મડિયા
ગાંધી, ર.પા.એ પોંખી જે, તે ભાષા મારી ગુજરાતી છે
અમદાવાદી સુરતી બોલો સોરઠી કો’ કે મેહોણી કો’
છે જુદી બોલીઓ પણ એ ભાષા મારી ગુજરાતી છે
ભાષાના વારસ છીએ જાળવીએ એની અસ્મિતાને
ગાથા ગરવી ગાવી છે તે ભાષા મારી ગુજરાતી છે
~ કાજલ શાહ ‘કાજ‘
૨૦.
ઉદરથી માતના રગેરગે ગળી છે ગુર્જરી
ને પોઢતા મેં પારણાંમાં સાંભળી છે ગુર્જરી
નિશાળમાં જતાં જ અન્ય વિષયે અકળ બની
સમજ પડી તરત મને સખી મળી છે ગુર્જરી
છે કલ્પવૃક્ષ સ્વર્ગમાં બધાની આશ પૂરવા
વહાવવાને સ્પંદનો અહીં મળી છે ગુર્જરી
છે સૂર સાત મીઠડાં ગમે છે અન્ય ગીત પણ
જે નાદ હૈયે ગૂંજતો એ વાંસળી છે ગુર્જરી
ખમીર ખુનન્સે જગત પછાડતી એક હાકથી
શુરા ને સંત ભક્તને ચરણ લળી છે ગુર્જરી
~ પાયલ ઉનડકટ
૨૧.
સાત ટીકડી, ધૂળ છે, બાળકપણું છે
સ્વપ્નના ઘરનું આ નાનું આંગણું છે
હૂંફ ખોળાની હજી વિસરાઈ ક્યાં ભઈ?
બાના હાલાં, ટાઢ વચ્ચે તાપણું છે
આપણા હાથેથી ના સરકી શકે એ
માતૃભાષાનું રતન તો ‘આપણું’ છે
બાંધતાં પાયા વિનાનાં જે મકાનો
ભાવિ એ બાળકનું તો બિહામણું છે
માતૃભાષા છે, તો ઓળખ છે આ તારી
આટલું સમજે હવે તોયે ઘણું છે
~ નીરજા પારેખ
૨૨.
મીઠડી ભાષા સદાયે બોલજે તું
જાગતી તારી કલમને રાખજે તું
કૈં વળાંકો સાથ સુંદર એ લખાતી
સ્વર ને વ્યંજનથી જરા શણગારજે તું
એક હાકલથી ધરા ધ્રૂજી ઉઠે છે
એ જ મેઘાણી ને નર્મદ વાંચજે તું
સ્નેહ રશ્મિને કલાપી જ્યાં વસેલા
જન્મભૂમિને સલામી આપજે તું
સૈફ, ઘાયલ, શુન્ય, બરકતની એ ગઝલો
વારસો છે એમનો સંભાળજે તું
~ ભારતી ગડા
૨૩.
મા મળે ને મા તણો પાલવ મળે
સ્વપ્નમાં પણ ગુર્જરી આસવ મળે
એજ કક્કો એજ હો બારાખડી
એજ હો રણકાર એ આર્જવ મળે
મીઠડા દોહા ફટાણા ને ભજન
એજ રુઢી પોખતા ઉત્સવ મળે
મૌન થઈને બસ સહજ ચાલ્યા કરું
એક કેડી શબ્દથી રવરવ મળે
જ્યાં મળે એ શબ્દ હું ભેટી પડું
મા તરીકે તું મને હરભવ મળે
~ ડૉ. ગુરુદત ઠક્કર
Vaaah… ખૂબ સરસ.. અભિનંદન 🌹🌹🌹
ઉમદા સંકલન. 👌