જન્માષ્ટમી નિમિત્તે ~ (અ) કટાર: અર્ઝ કિયા હૈ (બ) મુક્તક, શેર, ગઝલ : વિવિધ કવિઓ દ્વારા
(અ) કટાર: અર્ઝ કિયા હૈ
ગુજરાતી મિડ-ડે
ગોકુળાષ્ટમીની રાહ માત્ર ભક્ત નહીં, ખુદ સમય પણ જોતો હોય છે. અર્જુન વિરાટ સ્વરૂપ જોઈને ચકિત થયો હતો. આપણે બાળસ્વરૂપ જોઈને ગદગદિત થઈએ છીએ.

બાળસ્વરૂપમાં સ્ત્રી-પુરુષના ભેદ ઓગળી જાય છે. તોફાની બાળક હોય તો કાનુડો કહીએ એ સમજ્યા પણ તોફાની બાળકી હોય તો સહજ રીતે કાનુડી બોલાઈ જાય છે. આજે આ કટાર કૃષ્ણાર્પણ કરીએ.
નીરજા પારેખ કહે છે એવી અસમંજસ ઘણાને થતી હશે…
છે પ્રભુ, તો પણ પ્રભુ જેવો કદી લાગે નહીં
કૃષ્ણ તું મારી સમજમાં કોઈ દિ’ આવે નહીં
મિત્ર લાગે, પુત્ર લાગે, લાગે છે તું રાહબર
પણ મને ‘ભગવાન‘ જેવી ભાવના જાગે નહીં
કૃષ્ણ અનેક ભૂમિકામાં યથોચિત ગોઠવાયા છે. એ ગોપીઓ સાથે મસ્તીખોર બન્યા તો રાક્ષસો સામે મહાપરાક્રમી બન્યા. એ ગોવાળ બનીને ગાયો ચરાવવા ગયા તો રાજા બનીને વૈભવી મહેલમાં પણ રહ્યા.
એક તરફ એમણે યમુનામાં છલાંગ લગાવી તો બીજી તરફ ગીતા દ્વારા વિસ્તરેલી છલાંગ આજે યુગો સુધી લંબાતી રહી છે. ખરેખર તો શાશ્વત શબ્દને તેમણે સાચો અર્થ આપ્યો.

રશ્મિ અગ્નિહોત્રી વિરોધાભાસને નિરૂપે છે…
ફેરવે ભારે સુદર્શન, જાણે ફૂલની પાંખડી
ભલભલા પર્વત ઊંચકતી એક ટચલી આંગળી
એ પ્રભુને છે ખબર આ સ્નેહની તાકાતની
બેય હાથે એણે ઊંચકી નાની અમથી વાંસળી
![]()
વાંસળી દ્વારા પ્રભુએ માત્ર સૂર નથી વહાવ્યા, પ્રેમ વહાવ્યો છે. એવી કલ્પના કરવાનું મન થાય કે અંતિમ સમયે વાંસળીના મધમીઠા સૂર સાથે જીવ જાય તો સીધો જ કૃષ્ણના ચરણે પહોંચી શકે. કૃષ્ણજન્મના માહોલમાં મરણની વાત અજુગતી લાગે પણ કૃષ્ણએ માત્ર જન્મ દ્વારા જ નહીં, મૃત્યુ દ્વારા પણ સંદેશ આપ્યો છે.

દરેકે પોતાનું કર્મ પૂરું કરી વિદાય લેવાની છે. એક જીવનમાં બધાં કામ પૂરા થઈ શકતા નથી. કિરણ જોગીદાસ `રોશન’ કૃષ્ણને સકારણ વિનવે છે…
તમે છોડી ગયા એવી જ એ રાધા અધૂરી છે
યુગોથી એક પાવન પ્રેમની ગાથા અધૂરી છે
ફરી અવતાર લઈ આવો ઘણાં ભેગા થયા છે કામ
યશોદાએ લીધેલી કેટલી બાધા અધૂરી છે
ફરીથી અવતાર લઈ આવે એવા એક, બે કે ત્રણ નહીં હજાર કારણ મળી આવશે. રાક્ષસો સતયુગમાં પણ હતા અને કળિયુગમાં પણ છે. ફરક એટલો કે હવે શિંગડા દેખાતા નથી. નોકરાણી, પોલીસ, ડૉક્ટર, પાર્ટીની કાર્યકર્તા વગેરે અનેક સ્ત્રીઓ પર દુષ્કર્મ આચરનાર કર્ણાટકના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને જન્મટીપની સજા જાહેર થઈ છે.
વગનો ઉપયોગ ભોગ માટે કરતા આવા અનેક ગુનેગારો રાક્ષસોથી કમ નથી. એક દ્રૌપદીના ચીર પૂરનારો એક કૃષ્ણ ક્યાં ક્યાં પહોંચી શકે? છતાં જિતુ સોની કરે છે એ વાત સાર્થક થાય એવી આશા જરૂર કરીએ…
નવી નવી લીલા ફરીથી તું કરી શકે નહીં?
ફરી ફરી યુગે યુગે તું અવતરી શકે નહીં?
યદા યદા હી વાળી વાતનું સ્મરણ નથી તને?
પતન ધરમનું રોકવા પરત ફરી શકે નહીં?

ધરમનું પતન જ્યારે ધરમના જાણકારો કરે ત્યારે વધારે આઘાત લાગે. આશ્રમમાં અધ્યાત્મને બદલે લીલા આચરનારા બાબાઓ આપણી આસ્થા પર ખીલ્લા ખોડે છે.
પ્રજાનો પૈસો ઘર ભેગો કરનારા અધિકારીઓ, શાસકો, સ્કેમરો અનેક સુદામાને જન્મ આપે છે. આ બધું આપણને દેખાય છે તો શું પરમેશ્વરને દેખાતું નહીં હોય?

દેખાતું હશે, પણ માણસજાત પોતાનું પતન પોતે જ નોતરી રહી હોય તો મારે વિસર્જનમાં શું કામ શક્તિ ખર્ચવી એવો કોઈ વિચાર એના મનમાં રમતો હશે. છતાં જિજ્ઞેશ ક્રિસ્ટી `સંગત’ કહે છે એવો અનુભવ ક્યારેક ને ક્યારેક દરેકને થયો હશે…
જ્યારે તમારા મનમાં વિકટ પ્રશ્ન આવશે
ગમ્મે તે રીતે કરવા મદદ કૃષ્ણ આવશે
લાસ્ટ લાઈન
નિષ્કામ છે, મદન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે
પાણી છે ને અગન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે
ગીતા સ્વરૂપ કાયમી સાથે જ હોય છે
યુગોનું જે કવન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે
બ્રહ્માંડ જેની સાક્ષી પુરે છે પળે પળે
જાતે ધરા ગગન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે
સમજી શકો તો સાવ સરળ પાત્ર લાગશે
ચિંતન અને મનન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે
યોગી બની સમજશો કે શું કૃષ્ણ હોય છે
ઉત્થાન છે પતન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે
જો પામવો જ હોય તો પ્રેમી બની જુઓ
રાધા-મીરા મગન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે
પામ્યો અમર ગઝલથી કનૈયાના પ્રેમને
કીર્તન, ગઝલ, ભજન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે
~ સુનિલ કઠવાડિયા, વડોદરા
(બ) મુક્તક, શેર, ગઝલ : વિવિધ કવિઓ દ્વારા
૧.
બની આજ રાધા પરમની દિવાની
થઈ જાણે મીરાં મદનની દિવાની
અગર મોક્ષ પામું એ આશા ધરીને
ચરણમાં છું બેઠી, શરણની દિવાની
~ પલ્લવી જોષી `સરિતા’
૨.

શોધવો ક્યાં તને, કૃષ્ણ તું ક્યાં નથી?
હર કણે તું વસે, કૃષ્ણ તું ક્યાં નથી?
તું અહીં તું તહીં, તું બધે વિસ્તરે
હર ઘટે તું શ્વસે, કૃષ્ણ તું ક્યાં નથી?
~ રમેશ મારુ “ખફા”
૩.
શ્યામ તારી બંસરીએ કેવા તે કામણ કર્યા
બાવરી થઈ રાધિકા ને મીરાંએ ભગવા ધર્યા
~ રોશન પાલનપુરી
૪.

શોક્ય પણ જાણે સહેલી થઈ ગઈ
આજ રાધાએ કબૂલી વાંસળી
શૂન્ય સઘળું, સ્થિર છે સંસારમાં
શ્વાસ ફૂંકી દે સલૂણી વાંસળી
~ રૂપલ સંઘવી ‘ઋજુ’
૫.

કાન કાળો હો ભલે પણ નામ લઉં ત્યાં ભોર છે
હા, હજારો નામમાંથી એક માખણચોર છે
જેલના તાળા તૂટે ને પૂરમાં રસ્તો બને
જન્મતાની સાથમાં પરચાઓ ચારેકોર છે
~ અંકિતા મારુ ‘જિનલ’
૬.

ઘણી લીલા કરો ત્યારે બને કંઈ
બનાશે કૃષ્ણ, શું રણ છોડવાથી?
~ હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ
૭.

ઊંચક્યો ટચલીએ ગોવર્ધન એણે
ડૂબતાં માટે કિનારો છે સખા
હાથમાં હથિયાર નહિ ભગવદ્ ગીતા
પાર્થને સમજાવનારો છે સખા
~ શિલ્પા શેઠ ‘શિલ્પ’
૮.

પ્રેમના બંધન મહી ગૌરવ જુએ
એ જ સાચા સ્વર્ગનો વૈભવ જુએ
આંગણે શ્રીકૃષ્ણનો સંભવ જુએ
વાટ એની એટલે હરભવ જુએ
~ ભારતી કાંતિલાલ ગડા
૯.
ઓઢણી ખેંચે કે ફોડે માટલી મંજૂર છે
કાંકરા લઈને એ ફરતો હોય તો શું જોઈએ
માત્ર એના નામનું ત્રોફાવું હું તો છૂંદણું
શ્યામ રૂપે એ ઉપસતો હોય તો શું જોઈએ
~ દેવેન્દ્ર જોશી
૧૦.

હું બનાવીશ જાતને અર્જુન સમી
કૃષ્ણ ખુદ બનશે પછી તો સારથિ
એ પછી તો મોજ, કેવળ મોજ છે
ભક્તિરસ ચાખી ગયો છું જ્યારથી
~ રાજેશ હિંગુ
૧૧.
જળનાં દર્પણમાં કેદ છે રાધા
જળને ઝાકળનો ભેદ છે રાધા
ફૂલ ચંપાનું મ્હેંકતું માધવ
ને ચમેલી સફેદ છે રાધા
એટલે કૃષ્ણએ ધરી હોઠે
વાંસળી પરનો છેદ છે રાધા
કૃષ્ણ રુચા છે પ્રેમગીતાની
ચીર વિરહનો વેદ છે રાધા
ઓગળી ના કદી થઈ ને અશ્રુ
બંધ આંખોનો ખેદ છે રાધા
~ શૈલેષ પંડ્યા ‘નિશેષ’
૧૨.
વેણુ વગાડે શ્વાસમાં, એવો સુરીલો સાદ તું,
પડકાર ને હંફાવતો, યદુવંશનો અપવાદ તું.
ગોવાળ થઈ હંકારશે, મનમાં સ્મરણના ધણ હવે,
નીરવ નિશામાં રણઝણે, ગેબી અલૌકિક નાદ તું.
પીળું પીતાંબર, વાંસળી ને મોરપીંછે સોહતો,
એ ભાન ભૂલી રાસ રમતા યૌવને ઉન્માદ તું.
બ્રહ્માંડ ધીરે ખૂલતું, ઊઘડે રહસ્યો સામટા,
આ યુદ્ધ મધ્યે ઉચ્ચરાતા, સત્યનો સંવાદ તું.
હાંફે સમય પણ શ્યામ થઇ, ત્યાં પીપળાની છાંયમાં,
ઘેરી ઉદાસી પાંપણે ને આંખમાં અવસાદ તું.
~ ભાર્ગવી પંડ્યા
superb
ખૂબ ખૂબ સરસ 👌👌👌👌
આભાર સૌ સર્જકોનો. હિતેનભાઈની ધગશને સલામ.
ચીર વિરહનો વેદ છે રાધા.. 🌹🌹🌹💐💐
ખૂબ સુંદર રચના.. શૈલેષ પંડ્યા નિશેષ
Kya baat jay shri krushna
વાહ… અમારી જન્માષ્ટમી સુધરી ગઈ.. એક શાથે આટલાં શેર, મુકતક અને ગજલ… એ પણ કાળિયા ઠાકરને નામ…… વાહ આભાર હિતેનભાઈ.. આભાર. જય હો… જય હો નંદલાલ… જય હો માખન ચોર…