શ્રાવણની વિવિધ મહેક ~ કાવ્યો ~ દેવિકા રાહુલ ધ્રુવ
(૧) શ્રાવણનો આ સરતો મહિનો….
શ્રાવણનો આ સરતો મહિનો, પણ ક્યાં છે સૌનો કાનો,
ગોતીગોતી થાકી આંખો, ના દેખાય યમૂનાનો કાંઠો….
વસુદેવ ને દેવકી લઈને આવે જેલની યાદો,
નંદ-જશોદા બાંધી બેઠાં ક્યારનો મનમાં માળો,
શોધી શોધી થાકી આંખો, ના દેખાય ગોકુળની ગાયો…..
લાગણીઓ તો લળીલળીને રમવા માંડી રાસો,
ઉજાગરાએ માંડ્યો હવે, લો, રાતનો અહીં વાસો,
ગોતીગોતી થાકી આંખો, ના દેખાય મન-મંદિરનો માધો……
ખોટી મટકી, માખણ લઈને, ગોરસ વહેંચુ ઘાટો,
નીકળ, છબીની બહાર હવે ને, તોડ પીડાની વાડો,
શોધીશોધી થાકી આંખો, ના દેખાય જશોદાનો જાયો…..
ખૂબ મનાવું પ્રેમથી તુજને, રહે નહિ હવે આઘો,
છાને પગલે આવી આવી, સ્પર્શી લે જગનો વાંસો,
ખોળીખોળી થાકી આંખો, ના દેખાય વ્રજનો વ્હાલો;
શ્રાવણનો આ સરતો દા’ડો, પણ ક્યાં છે સૌનો કાનો,
શોધીશોધી થાકી આંખો, ના મળતો છેલછોગાળો….
—દેવિકા રાહુલ ધ્રુવ
(૨) કૃષ્ણ-રાધાઃ સંવાદ-ગીત..
પૂછે છે રાધા,પાસે જઈ કાનાને, વ્હાલપથી કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ, સાચુકડું કે’જે, શું ચાહત તું શ્યામ?
“પૂછે કાં રાધા, આમ અણગમતું કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ, સાચુકડું કહેજે, તું જાણે ના જવાબ?!!”
પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, ધીરેથી કાનમાં,
અગર જો હોત ના ગાયો ને ગોપી, તો મથુરામાં વાસ કરી, ખેલત તું હોળી ?
“પૂછે કાં રાધા, આમ, અમથું સાવ કાનમાં,
અગર જો હોત, ના ગાયો ને ગોપી, તો સઘળું સરજીને હા, ખેલત હું હોળી !”
પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, હળવેથી કાનમાં,
અગર જો હોત ના છિદ્ર આ વાંસળીમાં, વીંધ્યા વિણ સૂર, શું રેલત તું વાંસળીના ?
“પૂછે કાં રાધા, આમ ખોટું ખોટું કાનમાં,
અગર જો હોત, ના છિદ્ર આ વાંસળીમાં, વીંધ્યા વિણ સૂર, શું પામત તું વાંસળીના ? ”
પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, સ્નેહેથી કાનમાં,
અગર જો મોરપીંછ હોત જરા પીળુંપચ, સાચુકડું કે’જે, શું રાખત તું શિર પર ?
“અગર જો મોરપીંછ, હોત આ પિત્તરંગ, રુદિયાનો રંગ ભરી, રાખત હું શિર પર !!
“પૂછ ના, પૂછ ના ગોરી, મનમાની, તું આવ જરા ઓરી,
અગર જો રાધા, હોત જરા શ્યામ, શ્યામ રંગ, શામ સંગ, આમ દિસત એકાકાર !!!”
–દેવિકા રાહુલ ધ્રુવ
(૩) ક્યાં?
વાંસળીના સૂર ક્યાં.
લાગણીના પૂર ક્યાં ?
આવી જન્માષ્ટમી પણ,
પ્રીતમાં ચક્ચૂર ક્યાં ?
ગાવડી, ગોકુળ ને
ગોપીનાં નૂપુર ક્યાં ?
શ્યામ શોધે રાધિકા,
માખણ ભરપૂર ક્યાં?
અવતરે તો કૃષ્ણ પણ
લોકને જ જરૂર ક્યાં ?
ઉત્સવો આ યંત્ર સમ
માનવીનાં નૂર ક્યાં ?
— દેવિકા રાહુલ ધ્રુવ