“જવું પડશે….!” ~ ઉડિયા કાવ્ય ~ મૂળ કવિઃ પ્રતિભા શતપથી ~ અનુવાદઃ ડૉ. રેણુકા સોની
(કવયિત્રી શ્રી પ્રતિભા શતપથીનો પરિચયઃ ડૉ. રેણુકા સોની દ્વારા અનુવાદિત પુસ્તક ‘તન્મય ધૂળ’ એ સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત ઉડિયા ભાષાના અગ્રણી કવયિત્રી પ્રતિભા શતપથીના કાવ્ય સંગ્રહ ‘તન્મય ધૂલિ’નો ગુજરાતી અનુવાદ છે. પ્રતિભાજીની કવિતામાં કાવ્યાત્મકતા સાથે ‘સ્વ’ની શોધ છે અને આધ્યાત્મિક અનુભૂતિ છે.
કવયિત્રી પ્રતિભા શતપથીનો જન્મ કટક, ઓરિસ્સામાં ૧૯૪૫માં થયો હતો. તેઓ ચાર દાયકાથી કવિતા લખી રહ્યાં છે. એમનાં ૧૧ કવિતાસંગ્રહો, ૭ વિવેચન ગ્રંથ અને ૭ અનુવાદિત પુસ્તકો પ્રગટ થયાં છે.
પચીસેક વર્ષોથી વધુ એમણે ‘ઈસ્તહાર’ નામના પ્રતિષ્ઠિત ઉડિયા પત્રિકાનું તંત્રીપદ સંભાળ્યું હતું. તેમણે પ્રતિષ્ઠિત ઉડિયા પત્રિકા ‘ઉદ ભાવના’નું તંત્રીપદ પણ સંભાળ્યું છે.
તેમને મળેલા અસંખ્ય સન્માનો, અને પુરસ્કારમાં દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર, રાજીવ ગાંધી સદ્ભાવના પુરસ્કાર, ‘સેઈલ’ કવિતા સન્માન અને કર્ણાટકનો એન.એન. તિરૂમલ્લમ પુરસ્કાર વગેરે મુખ્ય છે.
૨૦૨૫માં કવયિત્રી પ્રતિભાજીને પદ્મશ્રીના સન્માન અને ઍવોર્ડથી નવાજવામાં આવ્યાં છે.
*
” જવું પડશે…!”
મધુરતમ અસફળતાએ
આમંત્રણ આપ્યું છે મને કાલે –
જમીન ફાડીને ઊગે છે
ગોટલીમાંથી અંકુર
ઊભરાઈ રહ્યું છે
ક્ષણિક સુંદર વચન
સ્વરથી એક મૂર્તિ
બની શકે છે અને
અચાનક ટુકડે ટુકડા થઈ જાય છે
અણુ અણુ થઈ સ્વર
તરે છે ઊડે છે ડૂબે છે
મારા નાચતા લોહીના પ્રવાહમાં….
બેધ્યાન જવા
અને વ્યાકુળ થઈ જવાને
હાસ્યાસ્પદ બનાવ્યું છે મેં…
કોણ જાણે કેટલીવાર
મધ ચાખ્યું છે
રસભરી હથેળીમાંથી…
ફેંકી નથી શકી સુગંધને…
ને, ‘માયા’ ‘માયા બૂમો પાડી છે….
આકાશ તરફ જોઈને ક્યારેક
તો ક્યારેક સમયનો ટેકો લઈને
આખી રાત વિતાવી છે
માટે જ
‘હા’ ‘ના’ કરું એ સ્વાભાવિક છે…
એક ક્ષણમાં
ચૌદ ભુવનમાં વિખરાઈ ગયેલી
હું
બીજી ક્ષણે
ભેગી થઉં ખાલી એક સ્પંદનમાં
****
તો પણ
તેના બોલાવ્યા પછી
ભૂંસાઈ જાય છે
હું કાલ સુધી પાર કરીને
આવેલો રસ્તો..
ભૂંસાઈ જાય છે
શનિ ચંદ્રના વિષયોગમાં ગૂંચવાયેલી
મારી ભાગ્યરેખા
ખરી પડે છે
તથાકથિત સફળતાનો મુગટ..
શું જવાબ આપીશ પૂછો છો?
કહેવાનો હવે વખત નથી
હાડકાના મેલાં ચાંદીનાં આભૂષણથી
થીગડું મારેલી લોહી માંસની રેશમી સાડીને
સજવા-સજાવવાનો પણ
વખત નથી…
મારે જવું પડશે, આ જ ક્ષણે..
મારે જવું પડશે….
~ કવિઃ પ્રતિભા શતપથી
~ અનુવાદઃ ડૉ. રેણુકા સોની