મારી માતા વિશ્વની સહુથી સુંદર સ્ત્રી.. ~ સંધ્યા શાહ
આજે મારી આંખો સજળ છે. મને મારી મા યાદ આવી છે. ‘રોમરોમમાં સુપ્ત’ એવી મારી માતાને ભૂલી શકાય એવું છે જ નહીં છતાં આજે સ્મરણોની વણઝાર વણથંભી ચાલી આવે છે.
મને બરાબર યાદ છે. હું પાંચ વર્ષની હતી. બાળમંદિરમાં બધું જ આવડે. મારા શિક્ષિકા કુમુદબેન કહે, “આને પહેલા ધોરણમાં મૂકી દો, અહીં તો એને બધું આવડે છે.”
આચાર્યની સંમતિ મેળવી મને પહેલા ધોરણના વર્ગમાં જવા કહ્યું. તેઓ ઓફિસમાં કોઈ વાત કરવા રોકાયાં. સદાય શાંત રહેતી હું ન જાણે કેમ પગથિયાની સીડી પરથી લપસવા પ્રેરાઈ.
હજી તો લપસવાની શરૂઆત કરી ત્યાં કોઈના વજનદાર પગલાનો અવાજ આવતા ગભરાઈને નીચે જોયું ને સંતુલન ગુમાવી દીધું. નીચે પટકાઈ. મોંઢામાંથી પુષ્કળ લોહી વહેવા લાગ્યું.
પટાવાળાએ મને ઊંચકી લીધી. શાળાનો સ્ટાફ એકત્રિત થઈ ગયો. મને બાજુની હોસ્પિટલમાં લઈ ગયા. તેના કપડાં પણ લોહીથી તરબોળ થઈ ગયા. મારી માને કોઈએ જાણ કરી. શ્વાસભેર દોડતી દોડતી મારી મા હોસ્પિટલમાં આવી, તેને થયું કે આટલું બધું લોહી વહે છે તો મારી દીકરી કદાચ હવે બોલી જ નહીં શકે.
ખીચોખીચ ભરેલા એ ઓરડામાં ધસમસતી આવેલી મારી માને જોઈ હું બોલી ઊઠી, એમને હાશકારો થયો પણ ડૉક્ટરે કહ્યું, ‘આ સારવાર મારા હાથની વાત નથી, તમે મુંબઈ ડૉ. ધોળકિયાને ત્યાં લઈ જાવ.’
તે જ સાંજે મા અને પિતા મને લઈને મુંબઈ આવવા નીકળી પડ્યા. સાથે જૂની સાડીઓનું બંડલ લઈ લીધું. આખી રાત સાડલાના ટુકડા ફાડી, ફાડી મારું લોહી અટકાવવાની કોશિષ કરી. બૉમ્બે હોસ્પિટલમાં ડૉ. ધોળકિયાએ ઓપરેશન કર્યુ. લગભગ એક મહિના સુધી સતત મારી પાસે જ રહીને માએ મને સાજી કરી.
અમે નાના ભાઈબહેન – બધાને કડક શિસ્તમાં રહેવું પડતું. કશું જ અનિયમિત ચલાવી લેવાનું તેમના સ્વભાવમાં ન હતું. દર રવિવારે દીકરીઓના માથા ધોઈને ઝીણી કાંસકીથી ઓળીને તેલ નાખવાનું, કાન સાફ કરવાના, નખ કાપવાના. (નખ કાપીને કાગળમાં બાંધીને ફેંકવાના જેથી ચકલી એને ચોખા સમજીને ખાય નહીં.)
આ બધું જ કામ આખી સવાર ચાલતું પછી જ મા રસોઈ કરવા જતી. મગની દાળ ધોઈને એનાં ફોતરાં અચૂક ગાયને ખવડાવવાનાં (મા કહેતી ગાયને આ ફોતરાં દૂધપાક-પૂરી જેવા સ્વાદિષ્ટ લાગે.
ગાય દૂઝણી થાય ને અમારા ભૂરીબેન એનું પહેલું મીઠું દૂધ અમને દેવા આવે, પણ મા કહેતી, ‘એના પર આપણો અધિકાર નથી. કુદરતે આટલું મીઠું દૂધ એનાં વાછરડાં માટે આપ્યું છે.’
મરણ પાછળ ક્યારેય જમવાનું નહીં. કોઈ ખોટા રીતરિવાજમાં માનવાનું નહીં એટલે સુધી કે મંગળસૂત્ર, ચૂંક અને પાયલ તો એમને ગુલામીના પ્રતીક લાગતા. ગાંધીજીના આદર્શોથી રંગાયેલા, 1942ની ‘ભારત છોડો’ ચળવળમાં જેલમાં ગયેલા. સ્વાતંત્ર્યસેનાની પિતા સાથે લગ્ન કર્યા ત્યારે ખાદીનું પાનેતર પહેર્યું હતું, પણ એ જમાનાના રિવાજ મુજબ લાજ નહોતી કાઢી.
પ્રબુદ્ધ વાચક એવી મારી માએ અમારા ગામની ડિસ્ટ્રિક્ટ લાઈબ્રેરીમાંથી સાહિત્યના અનેક પુસ્તકો વાંચી લીધા હતા. (એ જમાનામાં સ્ત્રીઓ વર્તમાનપત્રો પણ ભાગ્યે જ વાંચતી)
બચપણથી અમને ઘઉં વીણવા બેસાડે અને શરદબાબુની વાર્તાઓ કહે. દેવદાસ અને પારુની વાર્તા તો અનેકવાર સાંભળી હતી. ‘કલાપીનો કેકારવ’ એમને ખૂબ પ્રિય, એના ઘણાં કાવ્યો અમને સંભળાવે તેમાંય જ્યારે ‘અરર! બાલુડાં! બાપલા! અહો!, જનની આ હવે સ્વર્ગમાં જતી’ ગાય ત્યારે અમે બધા ભાઈ-બહેનો ચોધાર આંસુએ રડતાં.
‘શશિકાંત મારા લગ્નની કંકોતરી આ વાંચજો’ કે ‘આંધળીમાનો કાગળ’ આવા તો અનેક ગીતો એમણે ઘેરા સ્વરમાં અમને સંભળાવ્યા છે. કચ્છમાં રહ્યાં હોવાથી દુલેરાય કારાણીની કેટલીય કાવ્યપંક્તિઓ અને ‘જાત ભારી તક્ડી’ જેવી વાતો કહી છે.
અનેક વિદ્વાનો, શિક્ષણશાસ્ત્રીઓ અમારે ઘેર આવતા. આખાય ઘરનો માહોલ સાહિત્યમય બની જતો. ટી.વી.નો જમાનો ન હતો ત્યારે રેડિયો નાટકો અમે સહુ સાથે બેસીને સાંભળતા.
અનાથ આશ્રમના બાળકો એમને જીવથી વહાલા, સતત એ બાળકોના વિકાસ માટેની પ્રવૃતિઓ કરતા. હિંદુ અનાથાશ્રમનું નામ બદલાવીને બાલાશ્રમ રાખવાનું એમનું જ સૂચન હતું. એક દિવસ અનાથાશ્રમના સંચાલિકા શાંતાતાઈ આવ્યા અને કહે કે બાળકોએ જીદ પકડી છે કે અમારે પણ મોઢું દેખાય એવા સ્ટીલના થાળી વાટકામાં જ જમવું છે.
મા જમતાં જમતાં ઊભા થઈ ગયા. ગામમાં દુકાને દુકાને ફરીને સ્ટીલના થાળી વાટકાના સેટના પૈસા ઉઘરાવ્યા. સાંજે આશ્રમના બાળકોને સ્ટીલના થાળી વાટકા મળ્યાનો સંતોષ એમના ચહેરા પર ઝળકતો હતો.
પ્રત્યેક રક્ષાબંધને આશ્રમના બાળકોને રાખડી બાંધવાનો, તેમનો સાંસ્કૃતિક કાર્યક્રમ જોઈને એમને પ્રોત્સાહિત કરવાનું એમને બહુ ગમતું.
અમને બધા સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપ્યું. શિસ્તમાં રહેવું પડતું હોવાથી મિત્રો કહેતા, ‘તારી મમ્મી તો બહુ કડક છે’ પણ એ કડક, મક્કમ, કદી કોઈની ખુશામત ન કરતી માએ જ અમને કોઈ પણ પરિસ્થિતિમાં જરાયે વિચલિત થયા વગર હિંમતભેર સામનો કરવાનું, કોઈ પણ પ્રલોભનને વશ નહી થવાનું, સત્યને વળગી રહેવાનું અને અમારી પાસે જે હોય તેમાં જ ખુશ રહેતા શીખવ્યું છે.
એક અંગ્રેજી વાર્તામાં ઉત્સવના દિવસે એક ખેતમજૂરની ભૂલી પડી ગયેલી બાળકી ખૂબ રડતી હતી. રસ્તે જતા માણસે તેનું નામ પૂછ્યું, `તું શું કામ રડે છે? તું ક્યાં રહે છે? તારી મા ક્યાં છે?’
બાળકી તો જવાબ આપ્યા વગર રડ્યા જ કરે. અંતે, પેલો ભલો માણસ તેને મુખી પાસે લઈ ગયો. તેણે બાળકીને સમજાવી પટાવીને પૂછ્યું, ‘તારી મા કોણ છે?’ બાળકીએ કહ્યું, ‘મારી મા આ જગતની સહુથી સુંદર સ્ત્રી છે.’ ‘My mother is the most beautiful woman in the world.’
મુખીએ ગામની તમામ સુંદર સ્ત્રીઓને એકઠી કરી પણ બાળકીએ ઈનકાર કર્યો. એકાદ કલાક પછી આંખમાં અશ્રુ અને મુખ પર પ્રસ્વેદના બિંદુઓ સાથે હાંફતી, હાંફતી એક સ્ત્રી આવી, પેલી બાળકી ઊછળી પડી, ‘જુઓ, આ મારી મા, જગતની સહુથી સુંદર સ્ત્રી!’
આજે માતૃસ્નેહનું અપૂર્વ વરદાન પામેલી હું મારી માતાને શતશત પ્રણામ કરું છું. કારણ મારી મા જગતની સહુથી શ્રેષ્ઠ માતા છે.
~ સંધ્યા શાહ
+91 93246 80809
બહુ જ સરસ હૃદય સ્પર્શી