નાગજી (વાર્તા) ~ અજય વખારિયા
(શબ્દો: ૨૬૫૫)
પોલિટેકનિક કોલેજમાં એડમિશન સાથે હોસ્ટેલમાં પણ એડમિશન થઈ ગયું, એટલે રાહતનો શ્વાસ લીધો. હોસ્ટેલ એકાકી હતી અને હતી પાછી ગામને છેવાડે, અને વિસ્તાર પણ અંતરિયાળ; એટલે સાંજ પછી એ રોડ પર આવતી એકલદોકલ બસ સિવાય ભાગ્યે જ કોઈ અવરજવર રહેતી.
હોસ્ટેલ આમ તો ગંગાપુર ગામના સીમાડાની જમીનમાં હતી, પણ નહીં નહીં તોયે ગામથી બે અઢી કિલોમીટર દૂર હતી. ગામ અને હોસ્ટેલની વચ્ચે ગંગાપુર ચોકડી આગળ, હોટલ મહાકાળી હતી, જે ઘણા બધા હેતુ પાર પડી આપતી.
ત્યાં નાસ્તો, ચ્હા-કોફી, પેન-પેન્સિલ-રબર-કાગળ-નોટબુક પણ મળી રહેતા. સાથે પાન-મસાલા અને બીડી સિગરેટ પણ ખરાં! સાયકલના પંચર પણ ત્યાં રીપેર થતાં અને બે-ત્રણ સાઇકલ રખાતી, જે બાજુના ગામમાં જવા માટે ભાડે મળી રહેતી.
હોટલના માલિક-કમ-પંચર કારીગર-કમ રસોઈયા-કમ સેલ્સમેન – બધુ તિભાજી હતા. સ્વભાવે શાંત અને પરગજુ એવા, કે કોઈ છોકરાની ફી કે દવાના પૈસા ખૂટતા હોય, તો જરૂર પડ્યે આપતા.
અમારી હોસ્ટેલમાં જ મેસની વ્યવસ્થા હતી. મેસમાં એક મુખ્ય રસોઇયો રઘુ અને તેની સાથે બે બીજા હતા જે તેને રાંધવા અને પીરસવામાં મદદ કરતાં. હોસ્ટેલનો ચોકીદાર નાગજી, ચોકીદારી ઉપરાંત મેસમાં પણ કામ કરતો અને ટાપાટઈયા કરતો. સાઇકલ રાખતો. એટલે ક્યારેક ગામમાંથી કે શહેરમાંથી પણ જરૂર પડ્યે વસ્તુ લઈ આવતો.
એ બોલતો ઓછું અને મોટા ભાગે બીડી પીધે રાખતો. હા, એની એક કળા પણ પ્રખ્યાત હતી! એ સાપ પકડી જાણતો! ગમે તેવા સાપને તે, જે ચપળતા પકડતો, એ કાબિલ-એ- તારીફ હતી! આમેય અમારી હોસ્ટેલમાં અવારનવાર સાપ નીકળતા. એ વખતે નાગજી અચૂક એને પકડી, દૂર નદીના વાંઘામાં મૂકી આવતો.
અમે એસ.વાય.માં આવ્યા અને હોટલ મહાકાળીએ સવાર-સાંજે બેસતા થયા. ચોમાસાના દિવસોમાં તિભાજીનો કારીગર ટીકલો, મેથીના ગોટા અને કાંદાની ટીકડી બનાવતો. મેથીકાંદાના ભજિયાને સહેજ તળી અને પછી દબાવીને ચપટા કરી, ફરીથી કડક તળેલી એ ટીકડી- અમારા વિદ્યાર્થીઓમાં ખૂબ પ્રિય હતી.
મારા રૂમ પાર્ટનર મહેશ મોદીને બીડી પીવાની લત લાગી હતી. એટલે, ઘણી વાર રાત્રે મોડા પણ અમે મહાકાળી પર જતાં.
આમ તો ખાસ કશો ભય ન હતો એ વિસ્તારમાં પણ એ વિસ્તારમાં કોઈ સ્ત્રીનો આત્મા ત્યાં ફરતો હતો, એવી વાયકા હતી. એને જોઈને છળી ગયેલા બેએક વિદ્યાર્થીઓએ અગાઉ કોલેજ છોડી ગયાની વાતો પણ અમે સાંભળેલી હતી. પણ મને આવો અનુભવ કદી થયો ન હતો.
અમારી હોસ્ટેલની જમીન જ્યાં પૂરી થતી, તે કમ્પાઉન્ડ વોલને અડીને બાજુના ખેતરની ધારે ઝાડ રોપેલા હતા. મારો રૂમ ત્રીજા માળે હતો અને બિલ્ડીંગની સીડીની બંને બાજુ, દરેક માળે આઠ-આઠ રૂમો હતી.
અમારા માળા પર મારી બાજુની સીડી પાસેની રૂમ કોઈ વિદ્યાર્થીને અપાતી નહીં. એ રૂમમાં તૂટેલા બેડ, ખુરશી- ટેબલો અને બીજો નાનો મોટો ભંગાર પડી રહેતો. હા, એ રૂમમાં પંખો હતો અને જે દિવસે ગરમી વધુ હોય, ત્યારે ક્યારેક નાગજી ત્યાં સૂવા આવતો.
ઘણી વાર નાગજી મહેશ પાસેથી બીડી લઈને પીતો. પણ, એ જ્યારે બીડી પીતો, તે અવશ્ય બારી પાસે જઈને બીડી પીતો. ઘણી વાર તે અપલક બહાર જોઈ રહેતો.
શરૂશરૂમાં મને એમ કે અમને બીડીના ધુમાડાની ગંધ ન આવે, તે માટે મારી પાસે જતો હતો. પણ ના, ક્યારેક તે બીડી હાથમાં ન હોય ત્યારે પણ તે બારી પાસે જઈને ઊભો રહેતો.
હોસ્ટેલની કમ્પાઉન્ડ વોલની પેલી તરફ, ખેતરમાં એક ખંડેર જેવુ મકાન હતું. બાજુમાં એક વસુકી ગયેલો કૂવો હતો. એ બધું અમારા રૂમની બારીમાથી દેખાતું.
ખેતરની વાડેવાડે ચોફેર કણજી, લીમડા, સરગવો અને બોરડી અને ક્યાંક આંબાના ઝાડ વાવેલા હતા. પણ એક વાત તરફ મારુ ધ્યાન આકસ્મિક ગયેલું.
ખંડેર પછી અમારી હોસ્ટેલ તરફ કૂવો હતો અને કૂવા પછી તરત જ વાડ આવતી. એ જગ્યાએ એક ઘેઘૂર લીમડો હતો. એ પછી થોડી જગ્યા હતી અને તે પછી ખૂબ ફાલેલી કણજીનું ઝાડ હતું. એ બંને વચ્ચેની જગ્યામાં એક લીમડી ઊગી આવી હતી અને લગભગ ત્રણેક માથોડા જેટલી ઊંચી થઈ હતી. ખબર નહીં, કેમ, પણ એ લીમડી મને નાજુક નમણી લાગતી.
અનામતનું આંદોલન શરૂ થયું અને અમારા હોસ્ટેલમાથી છોકરાઓ ઘરે ભાગવા લાગ્યા. એક દિવસ, થોડા છોકરા પોલીસવાન પર પત્થરમારો કરીને, અમારી હોસ્ટેલ તરફ ભાગ્યા હશે. પોલીસવાળાએ અમારા રેકટરને બોલાવીને હોસ્ટેલ ખાલી કરવા કહી દીધું.
રેકટર સાંજે કહેવા આવ્યા ત્યારે લગભગ 6.30 થઈ ગયા હતા. જેમના ઘર નજીકમાં હતા, તે બધા હાઇવે પર જઈને, કોઈને કોઈ વાહન પકડીને ઘરે જવા નીકળી ગયા હતા. મારે બીજા દિવસે બપોરની ટ્રેન પકડવાની હતી.
એ રાત્રે મારી લોબીના બધા રૂમો ખાલી થઈ ગયા હતા. મારા રૂમ પાર્ટનર તો પહેલેથી જ જતાં રહ્યા હતા.
મારી રૂમમાં હું એકલો હતો. રાત થઈ અને મેં નાસ્તો કાઢ્યો અને સવારે થોડું દૂધ રાખ્યું હતું, તેની સાથે ખાઈ લીધું. થોડું વાંચ્યું, ત્યાં લાઇટ ગઈ, એટલે મારો પલંગ ખેંચીને, બારી પાસે લાવીને હું સૂતો. ગરમી હતી, પણ પવનની લહેરખી આવતી હતી,એટલે ઊંઘ આવી ગઈ.
લગભગ અઢી વાગ્યા હશે અને મારી આંખ અચાનક ખૂલી. બહાર પવનનું જોર વધ્યું હોય તેમ લાગતું હતું. ઝાડમાથી પસાર થતાં પવનને કારણે સુસવાટાનો અવાજ, ખાલી વાતાવરણને ભરી દેતો હતો. હું બાથરૂમ જઈ પલંગ પર આવીને બેઠો. સહજ મારું ધ્યાન બારીની બહાર ગયું.
અજવાળિયાની બારસ કે તેરસ હશે, એટલે ચંદ્રનો આછો પ્રકાશ, વાદળો વચ્ચેથી ચળાઈને આવતો હતો. હું બારી પાસે જઈને બેઠો અને બારી બહાર પવનનું તાંડવ જોઈ રહ્યો.
મારું ધ્યાન અનાયાસે જ પેલી નાજુક લીમડી તરફ ગયું. હું તેની સામે જોઈ રહ્યો હતો, કે એકાએક મને તે લીમડીનું કદ વધતું હોય તેમ લાગ્યું!
પહેલા તો મને એ મારો ભ્રમ થયો હોય, તેમ લાગ્યું. પણ એકાએક મને લીમડીના ટોચના ભાગે કોઈ માથા જેવો આકાર રચાતો દેખાયો. હું ડઘાઈ ગયો હતો. મારા ગળામાથી અવાજ નીકળી શકતો ન હતો. મારી આંખો ફાટી રહી હતી, અને આખા શરીરે મને પરસેવો વળી રહ્યો હતો.
મેં બારીના સળિયાને એટલી જોરથી પકડી રાખ્યા હતા, કે મને હથેળી અને આંગળીમાં દુ:ખાવો થતો હતો. એકાએક મને લીમડીની એક ડાળ વધીને, બાજુના લીમડાને વીંટળાતી હોય તેમ લાગ્યું. પવનનું જોર વધી રહ્યું હતું અને જાણે લીમડી અને લીમડો દ્વંદ્વ યુદ્ધમાં હોય તેમ જણાયું.
હું અવાચક થઈ ગયો હતો. ફાટી આંખે એ દ્રશ્ય મારા નેત્રપટલ પર ઝીલાતું હતું પણ મારું મગજ શૂન્ય થઈ ગયું હતું. મારે ચીસ પાડવી હતી. મારે ઊભા થઈને દોડવું હતું. પણ મારું શરીર જાણે પત્થરનું હોય તેમ મને પ્રતિભાવ આપતું ન હતું.
પવનના એક ભારે ઝપાટા સાથે લીમડાની ડાળીઓ તૂટવાનો અવાજ શરૂ થયો. સન્નાટામાં એ અવાજ સ્પષ્ટ થતો ચાલ્યો. આકાશમાથી વીજળી ત્રાટકી અને તેના તેજ લીસોટામાં કડ કડ કડ કડાટ… એવા ભયાનક અવાજ સાથે લીમડાને મેં ધરાશાહી થતાં જોયો. એ સાથે જ વીજળીના કડાકાનો અવાજ સંભળાયો.
મેં આછા અજવાળામાં પેલી લીમડીનું માથું ફરી પાછું લીમડીમાં જ સમાઈ જતું જોયું. મને આંખે અંધારા આવ્યા અને કાનમાં તમારા બોલતા સંભળાયા. મારું શરીર શિથિલ થયું અને હું સૂધબૂધ ખોઈ, પલંગમાં પડ્યો. મહાપરાણે મેં આંખો બંધ કરી અને મને ક્યારે ઊંઘ આવી ગઈ, તે સમજ ન પડી.
સવારે કોલાહલના અવાજથી હું જાગ્યો. મારા શરીરમાં જાણે અશક્તિ ફરી વળી હતી. માંડમાંડ પથારીમાં બેઠા થઈને મેં બારી બહાર જોયું. ત્યાં તૂટી પડેલ લીમડાની આસપાસ કેટલાક માણસો ટોળે વળ્યા હતા, અને નીચે જમીન પર કોઈ સૂતેલું દેખાતું હતું.
કેવળ જિજ્ઞાસાથી હું નીચે ઉતર્યો, ત્યાં મેં લોકોને ઝોળીમાં પેલા માણસને નાખીને બહાર લાવતા જોયા. ઝોળી મારી પાસે આવી અને મારી આંખો ફાટી ગઈ હતી. ઝોળીમાં નાગજીની લાશ હતી. લીમડાના ઝાડ નીચેથી તેની લાશ મળી આવી હતી. માથું છૂંદાઈ ગયેલું.
“પણ નાગજી ત્યાં શું કરવા રાત્રે ગયો?” બધાના મોઢે એક જ પ્રશ્ન હતો.
નાગજીના અગ્નિસંસ્કાર પણ અમારી હોસ્ટેલની પશ્ચિમ તરફ આવેલ સ્મશાનમાં જ થયા હતા. મને બીજો આંચકો ત્યારે લાગ્યો, જ્યારે મને ખબર પડી, કે નાગજીના અગ્નિસંસ્કારની વિધિ તિભાજીએ કરી હતી.
તિભાજી, નાગજીના સાવકા ભાઈ થતા હતા. બાપ એક હતા- દલપાજી અને મા બંનેની અલગ હતી. જમનીમા તિભાજીના મા હતા અને શકરીમા નાગજીના.
જમનીમા ગુજારી ગયા હતા. શકરીમા જીવતા હતા, અને ગંગાપુર ગામમાં રહેતા હતા.
અમારી હોસ્ટેલની પાછળનું ખેતર નાગજીનું હતું અને વર્ષો પહેલા, નાગજીનું કુટુંબ તેમાં રહેતું હતું. નાગજીના મૃત્યુ પછી તેની અંત્યેષ્ટિ સમયે આવેલા રેક્ટર સાહેબને રાતે થયેલ ઘટના વિષે મેં વાત કરી. તેમણે મને ઘરે પહોંચવાની સલાહ આપી.
બપોરની ટ્રેન પકડી હું ઘરે પહોંચ્યો ત્યારે મને સખત તાવ હતો. બાપુજી મને અમારા ફેમિલી ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટર સાહેબનું ક્લિનિકલી નિદાન સચોટ રહેતું! એમનો બહોળો અનુભવ અને અદ્યતન શોધો સાથે સતત સંકળાએલા રહેવાને કારણે તે અમારા જેવા ઘણા કુટુંબોના ફેમિલી ડોક્ટર હતા.
એમણે મને તપાસી સીધું પૂછ્યું, “કશાથી બીક લાગી છે? કઇં અજુગતું જોયું છે?”
હું આભો બની ગયો હતો. મેં તેમને માંડીને વિગતે વાત કરી હતી. તેમણે મારી વાત શાંતિથી સાંભળી અને પછી મને દવા આપી અને કહ્યું, “એ બાબતે બહુ વિચાર નહીં કરવાનો અને અભ્યાસ તરફ ધ્યાન રાખો. આવી બધી વાતોમાં સત્ય ઓછું અને ભ્રમ વધારે હોય છે.”
આશરે દસેક દિવસ પછી કોલેજ ખૂલી અને હું ફરીથી હોસ્ટેલમાં ગયો. મારા રૂમ પાર્ટનર, મહેશ મોદી અને વિનેશ પણ આવી ગયા હતા. તેમને મારી તબિયતના સમાચાર મળ્યા હતા.
હું રૂમ પર પહોંચ્યો ત્યારે મારી રૂમમાં ઝમેલો જામેલો હતો. બધા મને ઘેરી વળ્યા અને શું થયું હતું, તે વિષે પૂછાપૂછ કરી મૂકી હતી. મેં તેમને બધાંને વિગતે માંડીને વાત કરી હતી. બધા પેલી બારી તરફ પહોંચ્યા અને પેલી લીમડીને જોઈ રહ્યા.
હું પણ બધા સાથે તે લીમડી તરફ જોઈ રહ્યો હતો અને અમને બધાને તે લીમડી સામાન્ય જ લાગતી હતી. હા, બાજુમાં તૂટી પડેલા લીમડાના અવષેશો અને તેનું અડધું બટકાયેલું થડ દેખાતું હતું.
મારું મન, વાળવાના લાખ પ્રયત્ન છતાં, એ લીમડી, લીમડો અને નાગજી વિષે જ વિચાર્યા કરતું હતું. છેવટે મેં આ બાબતનો તાગ મેળવવાનું નક્કી કર્યું. એક શનિવારે મોડી સાંજે હું તિભાજીની હોટલે ગયો. તિભાજી હોટલ વધાવીને જવાની તૈયારીમાં હતા.
“અલ્યા, હોટલ હાલ જ વધાઈ. કોંય લેવું’તું? ચમ એકલા? મહેશ્ભૈ નહીં આયો?” તિભાજીએ પૂછ્યું.
મેં કહ્યું, “ના, તિભાજી. આજે એકલો આયો છું. કશું લેવું નથી, પણ થોડી વાત કરવી છે.”
તિભાજી મારી સામે ઝીણી આંખ કરી થોડી વાર જોઈ રહ્યા. પછી કહે, “મૂકો ન ભઈ. એ વાત મોં કોંય લેવા જેવુ નથ.”
મેં કહ્યું, “ના, તિભાજી. મને જ્યાં સુધી વાતનો તાગ નહીં મળે, ત્યાં સુધી ચેન નહીં પડે. ભણવામાં પણ મારું મન લાગશે નહીં. મને તમે જે જાણતા હોય એ કહો.”
તિભાજી નીચે જોઈને થોડી વાર ઊભા રહ્યા અને ખિસ્સામાથી બીડી – પેટી કાઢી. મને કહે, “બેહો.”
હોટલની પાસે સાંકળે બાંધેલ બાંકડા પર હું બેઠો. સામે તિભાજી ઊભા પગે બીડી ખેંચતો બેઠો.
તિભાજીએ જે વાત કહી, એનો સાર એટલો હતો, કે તેની મા જમનીમા, એ દલપાજીના પહેલી વારના પત્ની હતા. દલપાજી બળૂકો અને ભારાડી આદમી ગણાતો. એટલે આજુમાજુની સીમમાં તેને ખેતરના રખોપા સોંપાતા.
તેનો દીકરો તિભાજી થયો તે પછી દલપાજી એક કેસમાં તડીપાર થયા. ગામ છોડીને દલપાજી, વરસોડા દરબારને ત્યાં, નોકરીએ રહ્યા. ત્યાં, બાજુના ગામ રેથાલથી આવતા શંકરજીની દીકરી શકરીના સંપર્કમાં આવ્યા અને તેની સાથે લગ્ન કરી, ગંગાપુર આવ્યા.
ઘરે જમનીમા અને દલપાજીને ખૂબ ઝગડો થયો. અંતે, ગંગાપૂર ચાર રસ્તાવાળી જમીન અને જમીન પરનું ખોરડું, દલપાજીએ જમનીમાને નામે કરી આપ્યા. અહી, હોસ્ટેલના પાછળની જમીનમાં કૂવાની પાસે એમણે બીજું ઘર બનાવ્યું.
શકરીમાને નાગજી આવ્યો, એ પછી દલપાજી મોટે ભાગે બહાર જ રહેતા. ત્રણ ચાર મહિને પંદરેક દિવસ માટે તે આવતા.
તિભાજી મોટો થયો અને જમનીમાએ ચાર રસ્તે હોટલ કરી, તિભાજીને ત્યાં બેસાડયો. તિભાજી ખેતીવાડી અને હોટલ કમ સાયકલ કમ સ્ટેશનરી કમ પરચુરણ કામમાંથી સારું કમાતો થયો, અને પરણીને બચરવાળ થયો, એ પછી જમનીમા ગુજરી ગયા.
નાગજી ખેતીવાડીમાંથી સારું કમાતો. એની મા, શકરી, ભોળા સ્વભાવની અને સીધી બાઈ હતી. નાગજીના લગ્ન ગંગાપુરથી વીસેક કિલોમીટર દૂર મહાદેવપુરાની રુડી સાથે કર્યા.
રુડીના બાપા જેઠાજી અને દલપાજીને સારી મિત્રતા હતી. પણ, અહીથી તકદીરે પલટો ખાધો. રુડી એના બાપાના ઘેર હતી, ત્યારથી ગામનો એક આવારા કિસમનો યુવાન, લાખો, એની પાછળ પડી ગયો હતો.
લાખો ભારાડી હતો. એટલે રુડીના બાપે તેને તાત્કાલિક પરણાવી દીધી હતી. નાગજી અને રુડી, બંને એકબીજા માટે ખૂબ લાગણી ધરાવતા હતા. પણ પરણ્યાં પછી પણ લાખો અહી, નાગજીને ઘેર આવતો. હવે દસ વિઘાના ખેતરમાં શકરી અને નાગજી આઘે કામ કરતાં હોય અને લાખો હોસ્ટેલની દીવાલ ઠેકી, નાગજીને ઘેર પહોંચતો.
વાત વાયરે ગઈ અને દલપાજીને પહોંચી. એ પછી, કૈંક એવું બન્યું હતું, કે રુડી અને લાખો ગાયબ થઈ ગયા હતા. પોલીસ ફરિયાદ અને ચારે બાજુ શોધખોળ પછી ન તો લાખો મળ્યો હતો, ન તો રુડી. એ પછી લગભગ બે અઢી વર્ષે દલપાજી ગુજારી ગયા.
બારે માસ વગર ગાળ્યે છલકાતો કૂવો, સુકાઈ ગયો અને તળિયે કાંકરા દેખાવા માંડ્યા હતા. ખેતરનું મકાન, એક વાર ભારે વરસાદમાં ધસી પડ્યું, એ પછી શકરીમા ગંગાપુરના મકાનમાં રહેવા આવી ગયા હતા.
નાગજી હોસ્ટેલમાં ચોકીદાર તરીકે લાગ્યો હતો. એ બહાને જમીન પર એની નજર રહેતી હતી. બસ, એ પછી આ, નાગજી મરી ગયો. એ કેમ ત્યાં ગયો, ઝાડ એની ઉપર કેમ પડ્યું, કશું કરતાં કશું સમજાતું ન હતું.
તિભાજીએ વાત પૂરી કરી હતી. પણ મને હજુ વાતના કેટલાક છેડા મળતા ન હતા. લાખા અને રુડીનું શું થયું? નાગજી કેમ ખેતરે કે કૂવે જતો ન હતો? એ રાત્રે નાગજી કેમ ત્યાં ગયો? એ બધા પ્રશ્નો સાથે હું પરત આવ્યો.
વચ્ચે એક મહિનો ગયો. ઇન્ટરનલ એક્ઝામ પૂરી થઈ. પણ મારું મન એ જ પ્રશ્નો પર અટવાયેલું રહ્યું. છેવટે મેં શકરીમાને મળવાનું નક્કી કર્યું.
શકરીમા હવે કોલેજ રોડ પર કોઈ સખાવતી પાણીની પરબમાં કામ કરતાં અને ત્યાં જ રહેતા, એવું જાણવા મળેલું. રવિવારે સાંજે હું ગામમાં પિકચર જોઈને પરત આવતો હતો, ત્યાં મેં પરબ જોઈ અને સાઈકલ રોકી. પરબમાં કોઈ દેખાયું નહીં. મેં જાતે પાણી પીધું અને શકરીમાની રાહ જોવા લાગ્યો.
લગભગ અડધો કલાકે શકરીમા આવતા દેખાયા. એ પોતાનાં ખેતરમાંથી આવતા હોય તેમ લાગ્યું. એ આવીને બેઠા અને મે મારી ઓળખાણ આપી. નાગજી ગુજરી ગયો તે રાત્રે મેં જે જોયેલું, તે કહ્યું.
શકરીમાને મારી વાત ક્યાંકથી જાણવા મળી હતી, એવું પણ એમણે મને કહ્યું. મેં એમને મારા પ્રશ્નો કહ્યા. શકરીમા કૈંક અગમ ભાવમાં હતા. પહેલા તો એમણે મને વાત છોડી દેવા કહ્યું.
“જે થઈ જ્યુ હ, ઇન હૂઁ કોમ વંછેરવું?”. પણ મેં કેડો ન મૂક્યો. છેવટે માએ કહ્યું એનો સાર આવો હતો.
લાખા અને રુડીની વાત દલપાજીને પહોંચી અને ત્રણ-ચાર મહિને એક વાર આવતો દલપાજી, અણધાર્યો પંદર દિવસમાં પરત આવ્યો. નસીબ સંજોગે એ દિવસે સમીસાંજે લાખો ત્યાં આવેલો હતો.
ખેતરમાં માળે બેઠેલા દલપાજીની આંખો, પાછળ, હોસ્ટેલની કમ્પાઉન્ડ વોલ પર જ હતી. એણે લાખાને દીવાલ ઠેકીને પડતાં જોયો. એ તરત જ ધારિયા સાથે નીચે ઉતર્યો અને એકીદોટે ઘરની પાછળ વાડામાં પહોંચ્યો. એણે લાખાને રુડીનો હાથ ખેંચતા જોયો.
વાડાની બારીથી દલપાજીએ અંદર કૂદી, લાખો હજુ કાઇં સમજે તે પહેલા ધારિયાના એક જ ઘાએ જનોઈવઢ ઘા કરી, એનું ઢીમ ઢાળી દીધું. રુડી ત્યાં થરથર ધ્રૂજતી ઊભી હતી.
દલપાજીને ઘર તરફ દોડતો જોઈને શકરીમા અને નાગજી પણ ઘર તરફ દોડ્યા. ઘરમાં પ્રવેશતાં જ એ બંનેની નજરે પડ્યાં – લાખાની લાશ, બાપાના હાથમાંનું ધારિયું અને થરથર ધ્રૂજતી રુડી…
એ રાત્રે, ખેતરની વાડે, હોસ્ટેલની કમ્પાઉન્ડ વોલ પાસે ઊંડો ખાડો ખોદી, દલપાજી અને નાગજીએ લાખાની લાશ દાટી દીધી.
એ પછી પંદરેક દિવસે અંધારિયામાં એક રાતે નાગજી વાડામાં ઢોલિયે સૂતો અને તેનું મન ચકારવે ચડ્યું હતું. રહીરહીને તેને રુડી પર શંકા જતી હતી. બાપાએ એને કહ્યું હતું, કે એમણે એ દા’ડે લાખાને રુડીનો હાથ પકડીને ખેંચતા જોયો હતો.
માઝમ રાત હતી. એ ઊભો થયો. ત્રણેક દિવસ પહેલા એણે ખેતરમાથી કાળોતરો પકડી, ગરગુડે પુરીને ઉપર મીણિયું બાંધ્યું હતું. એ ગરગુડું કાઢીને તે અંદર ઓરડે સૂતી રુડીના ખાટલાની પાંગતે જઈને ઊભો રહ્યો. ઘસઘસાટ સૂતી રુડી, ઊઠીને કાઇં સમજે તે પહેલા કાળોતરો એના પગે ચોંટયો.
ઝબકીને જાગેલી રુડીએ કાળોતરો જોયો અને એણે કારમી ચીસ પાડી. એ સાથે જ એણે ખૂણામાં ઊભેલા આકારને ઓળખ્યો. એ સાથે જ એને બધું સમજાઈ ગયું હતું. “ફટ ભૂંડા! તને આટલો વશવા ના રિયો?”
એણે એકઝાટકે કાળોતરો પકડીને ફંગોળ્યો. એ ઊભી થઈને નાગજીની કોટે પડી. એનું કારમું આક્રંદ નાગજીના કાને પડતું તો હતું, પણ તેના મગજ પર તેનો કોઈ અસર ન હતી.
“નાગજી, નાગજી! મી તને ક્યારે ય ધોખો નથ કર્યો. લાખો ઓંય આવતો, તોય મુ ઇન કદી વશ નથ થઈ. મુ તન નથ કીધું ચમ ક તારો સભાવ હું જોણું. ચોંક તમારા વચ્ચે બથ્થંબથ્થા થાય અન બેમોંથી એકનો જીવ જાય. અને એક મર ન બીજો જેલ મોં જાય. તી આ હું કર્યું.”
બોલતા બોલતા રુડીને મોઢે ફીણ વળવા માંડ્યા. પાછળ દલપાજી અને શકરી આવીને ઊભા રહ્યા. છેલ્લા ડચકા લેતી રુડીને એ જ વાડે કણજી તરફ ખાડો ખોદીને દાટી.
લાખા અને રુડીને દાટયા હતા, એના ઉપર લીમડા વાવ્યા. શકરીમા પછી ગામમાં રહેવા જતાં રહ્યા. નાગજી હોસ્ટેલમાં નોકરી કરતો અને રહેતો. ક્યારેક શકરીમા ખેતરે આવતા. એમને કોઈના રુદનનો અણસાર થતો.
એમણે નાગજીને કોઈ પણ સંજોગમાં એ લીમડા-લીમડી તરફ જવાની ના પાડી હતી અને સમ આપ્યા હતા.
ઝાડ પડ્યું એ રાતે નાગજી લઘુશંકાએ જવા ઉઠ્યો અને ભાન ભૂલીને એ બાજુ જતો રહ્યો. એનું મોત ત્યાં પોકારતું હતું.
શકરીમાએ વાત પૂરી કરી. મારું મગજ ભારેખમ થઈ ગયું હતું. એક ઊંડો નિશ્વાસ મૂકી, હું ઊભો થયો. શકરીમાને હાથમાં બે રૂપિયા આપી, સાયકલ લઈ હોસ્ટેલ પર આવી ગયો.
બીજા દિવસે સાંજે હું તિભાજીને મળ્યો અને શકરીમાની બધી વાત કરી. તિભાજીના માથાના વાળ ઉતારેલા હતા. તિભાજી મારી વાત સાંભળી રહ્યો. એની આંખો ચકળવકળ થતી હતી.
એણે પૂછ્યું, “તમને શકરીમા ચાણ મળ્યો?”
મેં કહ્યું, “ગઇકાલે મોડી સાંજે. કેમ?”
તિભાજીની આંખો આશ્ચર્યચકિત થતી દેખાઈ. એનું મોં ખૂલ્યું અને ગળામાથી ઘરઘરાટી જેવો અવાજ નીકળ્યો. મેં તિભાજીને પકડી હલબલાવ્યા. “શું થયું, તિભાજી?”
થોડી વારે તિભાજી સહેજ શાંત થયા અને કહ્યું, “શકરીમા રેથલ, એમના પિયોર અઠવાડીયા પે’લા જ્યા’તા અન ઇમન મરી જ્યે આજ તઇણ દા’ડા થ્યા.”
~ અજય વખારિયા
+91 99252 12642
ધડ માથા વિનાની વાર્તા લખાઈ એ તો ઠીક, પણ અહીં પ્રસ્તુત કરવા પાછળ કોઈ ખાસ કારણ?