શાયર: ફિરાક ગોરખપુરી ~ શેરના ભાવાનુવાદ અને સંક્ષિપ્ત આસ્વાદ (૧) ~ જયશ્રી વિનુ મરચંટ
(શબ્દો: ૧૪૨૫)
શાયર પરિચયઃ રઘુપતિ સહાય (૨૮ ઓગસ્ટ, ૧૮૯૬ – ૩ માર્ચ, ૧૯૮૨) જેઓ તેમના ઉપનામ ફિરાક ગોરખપુરીથી પણ જાણીતા હતા, તેઓ એક ભારતીય લેખક, વિવેચક અને ભારતના સૌથી જાણીતા સમકાલીન ઉર્દૂ કવિઓમાંના એક હતા. તેમણે મોહમ્મદ ઈકબાલ, યાગના ચાંગેઝી, જિગર મુરાદાબાદી અને જોશ મલીહાબાદી સહિતના સાથીદારોમાં પોતાને પ્રસ્થાપિત કર્યા હતા.
રઘુપતિ સહાયનો જન્મ ગોરખપુર જિલ્લાના બંવરપર ગામમાં ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ના રોજ એક સંપન્ન અને શિક્ષિત કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરી ઉર્દૂ, ફારસી અને અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતકની પદવી પૂર્ણ કરી.
ફિરાકે ઉર્દૂ કવિતામાં ઉત્કૃષ્ટતાના પ્રારંભિક સંકેતો દર્શાવ્યા હતા જે તેમના સાહિત્ય પ્રત્યેના આકર્ષણને પ્રતિબિંબિત કરે છે. તેમના સમકાલીનોમાં અલ્લામા ઇકબાલ, ફૈઝ અહમદ ફૈઝ, કૈફી આઝમી અને સાહિર લુધિયાનવી જેવા પ્રખ્યાત ઉર્દૂ કવિઓનો સમાવેશ થતો હતો. તેઓ નાની ઉંમરેથી જ ઉર્દૂ કવિતામાં પોતાનું સ્થાન જમાવી શક્યા હતા.
ગોરખપુરી ગઝલ, નઝમ, રૂબાઈ અને કતાહ જેવા તમામ પરંપરાગત મેટ્રિક સ્વરૂપોમાં સારી રીતે પારંગત હતા. તેમણે ઉર્દૂ કવિતાના એક ડઝનથી વધુ ગ્રંથો, અડધો ડઝન ઉર્દૂ ગદ્ય, હિંદીમાં સાહિત્યિક વિષયો પર કેટલાક ગ્રંથો તેમજ સાહિત્યિક અને સાંસ્કૃતિક વિષયો પર અંગ્રેજી ગદ્યના ચાર ગ્રંથો લખ્યા હતા.
ફિરાક ગોરખપુરી ઉર્દૂ શેરોશાયરીમાં એક આગવો અને અલાયદો મુકામ હાંસિલ કરી ચૂકેલા શાયર છે. એમણે અનેક વિષયો પર, ગઝલો, નઝમ, રૂબાઇઓ લખી છે પણ એમની શાયરીનો પાયાનો વિષય હંમેશાં પ્રેમ અને સૌંદર્ય જ રહ્યો છે, જેની ઝલક એમના સર્જનોમાં આંખે ઊડીને વળગે છે.
પહેલી નજરે સાદા લાગતા છતાં ગહન એવા એમના ૫ શેર અહીં ગુજરાતી ભાવાનુવાદ અને ટૂંકા આસ્વાદ સાથે મૂકું છું. આશા છે કે આપને પસંદ આવશે.
૧. फ़ितरत मेरी इश्क़-ओ-मोहब्बत, क़िस्मत मेरी तनहाई
कहने की नौबत ही न आई, हम भी किसी के हो लें हैं।
અર્થાત્ઃ “મારા સ્વભાવમાં કુદરત રીતે જ પ્રેમ-ઈશ્કની છાપ ખૂબ ઊંડી છે, પરંતુ, મારા નસીબે એની સાથે એકલતા જ લખાઈ. મારો સ્વભાવ અને મારું ભાગ્ય, આ બેઉને કારણે, મને ક્યારેય કોઈનો બનવાનો મોકો જ મળી શક્યો નહીં.”
આ પંક્તિમાં કવિ પોતાના વ્યક્તિત્વ અને નસીબને આ રીતે વર્ણવે છે કે, તેમના સ્વભાવમાં ઊંડા મૂળ કરીને રહેલા પ્રેમ- ઈશ્કેમિજાજીએ એમને સદૈવ એકલતા પસંદ બનાવીને રાખ્યા છે. એટલે તેઓ ક્યારેય કંઈક અલગ રીતે, કોઈના જીવનનો ભાગ બનવાનો કે કોઈની સાથે હિસ્સેદારી કરીને, જીવવાનો અનુભવ મેળવી શક્યા નથી.
આમ જુઓ તો એવું કહેવાય છે કે માત્ર નસીબદારને જ સ્નેહ, મહોબત કે પ્રેમ – જે નામ આપો તે – મળે છે. પણ જો પ્રેમ ધરમૂળથી તમને પોતાના જ પિંજરમાં બંધ કરીને મૂકી રાખે તો એક પ્રકારનું એકાંત અંતરમાં ઉદભવે છે, જે ધીમેધીમે કોઠે પડવા માંડે છે.
એક કારણ એ પણ છે કે પોતાની પ્રકૃતિમાં ઘર કરી ગયેલો પ્રેમ સામા પાત્ર પાસેથી એટલી જ Intensity – ઉત્કટતા ઝંખે છે અને જો એ પ્રકારની તીવ્રતા સામી વ્યક્તિના પ્રેમમાં ન અનુભવાય તો એ વ્યક્તિના પ્રેમને સ્વીકારી શકાતો નથી કે એના જીવનમાં કોઈ પણ પ્રકારની Presence – હાજરી આપી શકાતી નથી.
પ્રેમની અનુભૂતિ એ ઈશ્વરનું વરદાન છે પણ એટલી હદે એ અનુભૂતિ પોતા પર હાવી થવા ન દેવી કે જેથી એનો અનુભવ કરવાની ક્ષમતા પણ એક પરાણે કરાતું કાર્ય બની જાય. આવું જ્યારે પણ થાય છે ત્યારે માણસ માટે એ વરદાન એક રીતે એકલતાનો અભિશાપ બની જાય છે.
નિદા ફાઝલીનો એક શેર યાદ આવે છેઃ
“અપની તરહ સભી કો કિસી કી તલાશ થી
હમ જિસકે ભિ કરીબ રહે, દૂર હી રહે!”
*****
૨. आई है कुछ न पूछ क़यामत कहाँ कहाँ
उफ़ ले गई है मुझ को मोहब्बत कहाँ कहाँ
અર્થાત્ઃ “ઉફ્, આ પ્રણયનો તલસાટ મને ક્યાં ક્યાં અને કોને કોને દ્વારે લઈ ગયો છે..! જોને, આ જ કારણે, જીવનમાં કોણ જાણે ક્યાં ક્યાંથી ઊથલપાથલ થતી રહી અને સતત ખળભળાટ થતો રહ્યો.”
જ્યારે પણ પ્રેમની ઉત્કટતાની ખોજમાં માનવી નીકળી પડે છે ત્યારે એને કોઈ પણ દેશકાળના કે વેરઝેરના સીમાડા નડતા નથી. પ્રેમના ન તો સમીકરણો બનાવી શકાય છે કે ન તો એમાં જમાઉધારના ચોપડા – Books of Accounts – લખી શકાય છે. પ્રણયમાં પડનારને સમય કે સ્થળ, શેનાય હોશ નથી હોતા.
“ચક્રવાક મિથુન” ખંડકાવ્યમાં કવિશ્રી “કાન્ત” કહે છેઃ
“પ્રણયની પણ તૃપ્તિ થતી નથી;
પ્રણયની અભિલાષ જતી નથીઃ
સમયનું લવ ભાન રહે નહીં:
અવધિ અંકુશ સ્નેહ સહે નહીં!”
અનેકવાર પ્રેમની અતિતીવ્રતામાં જેમ ઘાસની ગંજીમાં સોય ખોવાઈ જાય તેમ વિચારશક્તિ ખોવાઈ જાય છે. એના પછી દોસ્ત-દુશ્મનનો ભેદ પણ ઓળંગી જવાય છે. એટલું જ નહીં, એ જાણવા છતાંયે કે સામેથી પોતાપણું નથી જ મળવાનું અને કદાચ હાંસીપાત્ર પણ બની જવાય, છતાં પ્રેમના નૂરમાં અંજાઈ ગયેલી આંખો ન તો એ દ્રશ્યો ઝીલી શકે છે કે ન તો સમજી શકે છે. “કૈસા યે ઈશ્ક હૈ, ગજબ કા ઈશ્ક હૈ!”
પ્રેમમાં સતત સ્વીકાર, અસ્વીકાર અને અજંપાના અનુભવો થતા રહે છે. પ્રેમના માર્ગે આવતા બધા જ મોડ – વળાંકો આંધળા હોય છે, (કદાચ આ જ તો એનું ‘હુસ્ન’ – સાચું સૌંદર્ય છે) અને એનાં કારણે જ એની આગાહી શક્ય નથી હોતી. આ બધું જ જાણવા છતાં, પ્રેમનો તલસાટ કદી જતો નથી.
અહીં “બેફામ”સાહેબ અને “ઘાયલ”સાહેબની પંક્તિઓ યાદ આવી જાય છેઃ
“ઓ હૃદય, તેં પણ ભલા, કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારાં બન્યા, એનો બનાવ્યો છે મને!”
~
“ઘાયલ” અમારે તો નિભાવવી’તી દોસ્તી
આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા!”
*****
૩. “कुछ इशारे थे जिन्हें दुनिया समझ बैठे थे हम
उस निगाह-ए-आशना को क्या समझ बैठे थे हम।”
અર્થાત્ઃ “આમ તો માત્ર નજરના ઈશારા – સંકેતો હતા પણ અમે તો ‘આ જ અમારી દુનિયા છે’ એવું માની લીધું. પણ એ નજર તો માત્ર પરિચયની અને મૈત્રીની હતી. અમે જ એણે કોણ જાણે શું યે સમજી લીધી…!”
શું પ્રેમ નજરનો ભ્રમ – Elusion છે કે ભ્રમનું આખું વિશ્વ છે? પ્રેમ કરવાની વાતના પ્રેમમાં જ્યારે પડી જવાય છે ત્યારે આંખોની ભાષા, ઈશારા માત્ર પરિચિતતાનું સ્મિત રેલાવતાં હોય, પણ પ્રેમનાં પ્રેમમાં પડેલું મન એને પ્રેમ જ સમજી બેસે છે.
ઈશ્ક, પ્યાર, મહોબ્બત એ એક રીતે જુઓ તો Trance State – an Altered State of Consciousness – એક બદલાયેલી ચેતનાની સ્થિતિ, જેમાં વ્યક્તિ આસપાસની લૌકિકતાથી અચેતન રીતે અલગ થઈ જાય છે.
આ પરાકાષ્ઠાના પ્રણયે એક વાર તન અને મનને આવરી લીધો, તો પછી વાસ્તવિકતા સાથે જોડાણ થવામાં કહી ન શકાય કે કેટલો સમય જશે…! પણ જ્યારે ધ્યાનભંગ થાય છે ત્યારે સમજાય છે કે શું હતું અને શું સમજી બેઠાં?
શાહિદ કબીરની ગઝલનો આ શેર અનાયાસે યાદ આવે છેઃ
“नींद से आँख खुली है अभी देखा क्या है
देख लेना अभी कुछ देर में दुनिया क्या है ।”
*****
૪. “कुछ भी अयाँ निहाँ न था कोई ज़माँ मकाँ न था
देर थी इक निगाह की फिर ये जहाँ जहाँ न था”
અર્થાત્ઃ “કંઈ ખુલ્લું કે સ્પષ્ટ પણ નહોતું, કંઈ છુપાયેલું પણ નહોતું. ક્યાંય સમય કે જગ્યાનું અસ્તિત્વ પણ નહોતું. ફક્ત એમની એક નજર પડવાની જ વાર હતી. ત્યાર પછી તો આખું જગત પહેલાં જેવું જગત પણ ન રહ્યું, એક આખું નવું જ વિશ્વ ઊભું થઈ ગયું, જે પહેલાં ક્યાંય નહોતું.”
સામાન્ય લાગતી જિંદગીની ઘટમાળમાં આમ જુઓ તો કંઈક ખાસ બનતું નથી હોતું. એ સાથે હા, કંઈ ખૂટે છે, કોઈક ચીજની કમી છે, એવું પણ નથી લાગતું. કશું ગોપિત નથી કે કશું સ્પષ્ટપણે પણ છતું થઈ જતું હોય એવુંય નથી બનતું.
જીવાય છે, સતત અને એ માટેના રસ્તા પણ સમય અનુસાર એક રૂટિનમાં બનતાં જાય છે. પણ અચાનક, આ કશું ખાસ બનતાં, આપણાં ભાવજગતમાં કોઈકની એવી હૃદયને આરપાર નીકળી જતી દ્રષ્ટિ પડી જાય છે કે નવી દુનિયા જ નહીં, પણ નવું બ્રહ્માંડ ઊઘડે છે.
હવે જીવવાની ઉમંગ અને ઉમ્મીદ બેઉનાં તરંગો અસ્તિત્ત્વને આવરી લે છે અને જ્યાં કંઈ બનતું નહોતું, એવું લાગતું હતું, ત્યાં હવે અનેક નવી સંભાવનાઓના મેઘધનુષી રંગોમાં દુનિયા શણગારાઈ ગઈ હોય એવું લાગે છે.
મારો એક શેર યાદ આવે છેઃ
“હોય જો એ અમારી નજરનો ભરમ તો યે આબાદ છે!
આવતાં એના લાગે ચમનમાંય બસ, એક જ ગુલાબ છે!”
*****
૫. “किसी का यूँ तो हुआ कौन उम्र भर फिर भी
ये हुस्न ओ इश्क़ तो धोका है सब मगर फिर भी।“
અર્થાત્ઃ “આ જીવનમાં કોઈના પ્રેમમાં પડીને, આખી જિંદગી માટે કોઈ મળી જાય એવું તો હંમેશાં થતું નથી. હુસ્ન (સુંદરતા) અને ઈશ્ક (પ્રેમ) એ તો છેલ્લે એક ફરેબ, ધોખો જ સાબિત થાય છે. પરંતુ છતાં… માણસ પોતાને રોકી શકતો નથી. ફરી ફરી એ ધોખા તરફ જ ખેંચાય છે.”
આ શેરમાં પ્રેમની વ્યર્થતાના દુઃખદ અનુભવો છે — કવિ કહે છે કે: માણસ આખી જિંદગી માટે કોઈનો થતો નથી, પ્રેમ અને સુંદરતા, સદા સ-ચોટ હોય છે. એટલું જ નહીં, પણ સ્થિતિસ્થાપકતા કે સ્થિરતા એમાં નથી હોતી. છતાંય માનવસ્વભાવ એવો છે કે એ પ્રેમમાં પડી જાય છે, વારંવાર.
ખૂબ જ સાદા લાગતા આ શેરમાં પ્રેમના આભાસ અને આભાસી પ્રેમનું વાસ્તવ – આ બેઉ વચ્ચેની દ્વિધા દર્શાવી છે. “मगर फिर भी…” આ ત્રણ શબ્દો શેરને પોતાના ખભે ઊંચકી લે છે અને અહીં પૂર્ણવિરામ પણ મૂકાવી દે છે.
બસ, એકવાર ધોખો કે દગો થયો પછી એમાંથી બહાર નીકળીને આગળ શું થશે, એ અનિશ્વિતતાના આવરણ હેઠળ કેટલાં ડુસકાં, કેટલાં હિબકાં અને કેટલો સુનકાર ક્યાં સુધી જીરવવાનો? આ બધું સમજવા છતાં માણસ પ્રેમ તરફ ખેંચાયા વિના રહી શકતો નથી.
‘મરીઝ’નો શેર યાદ આવે છેઃ
“પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રદ્ધા મને,
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને.
કૈંક ખામી આપણા આ પ્રેમનાં બંધનમાં છે,
છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને.”
***
~ જયશ્રી વિનુ મરચંટ
વાહ ખૂબ સુંદર આસ્વાદ ! ઉર્દુ ગઝલનો આસ્વાદ સહેલો નથી જયશ્રી બેન તમે ખૂબ ન્યાય આપ્યો છે હું ખૂબ પ્રભાવિત થઇ છું વાહ વાહ
Vaaah… ખુબ સરસ 👌👌👌