ભૂલાઈ ગયેલો ટહુકો ~ વાર્તા ~ વસુધા ઈનામદાર

(દેશવિદેશમાં વસતાં દરેક ગ્રાન્ડપેરન્ટોએ આ વાર્તા વાંચીને વાગોળવા જેવી છે. સામું પાત્ર જવાબદારીથી નથી વર્તન કરતું, એ માટે ક્યાંક સિનિયર સિટિઝનોએ પણ પોતાનો Approach – વલણ બદલવાની જરૂર છે.
નિદા ફાઝલીનો આ શેર યાદ આવે છેઃ
“કિસી   કે  વાસ્તે   રાહેં  કહાં  બદલતી  હૈ?
તુમ અપને આપકો ખુદ હી બદલ સકો તો ચલો!”) 

રોહન અને માનસીને બે ચાર મહિને એકાદ ટ્રીપ મારવાની આદત હતી. તેઓ પોતાનાં બંને બાળકો કંચનબહેનને સોંપીને જતાં રહેતાં. બાળકો નાનાં હતાં ત્યારે કંચનબહેનને થતું, ”હશે, ભલે ફરતાં. લગ્ન પછીના પાંચ વર્ષમાં બે બાળકો થયાં છે. માનસી બહુ હરીફરી નથી. પોતે બંને બાળકોને વિના તકલીફે સાચવી શકે છે. ”એમને પોતાને પણ દાદી બન્યાનો ઉમંગ હતો. બાળકોના જન્મ પછી એમનું જીવન પાછું હર્યુંભર્યું બન્યું, પણ સમય જતા તેઓ માત્ર બેબીસીટર બની રહ્યાં. દીકરાની વહુ માનસીને મદદ કરવાનો આનંદ ધીરેધીરે ઓસરતો ગયો. બાળ ઉછેરની સમગ્ર જવાબદારી જાણેઅજાણે એમના શીરે આવી! સવારનાં બાળકોને સ્કૂલે મૂકવા જવાથી માંડીને તે એમના હોમવર્કની જવાબદારી પણ એમની જ!

એ દિવસે સાંજના માનસીને એના બેડરૂમમાં સૂટકેસ ભરતા જોઈ, ત્યારે એમને બહુ આશ્ચર્ય ન થયું. બાજુમાં જ ઊભેલી પૌત્રી સરીનાએ કહ્યું, “મોમ અને ડેડ યુરોપની ટૂરમાં જઈ રહ્યાં છે. હું મારી જોઈતી વસ્તુઓનું લિસ્ટ બનાવવાની છું, બા તમારે કાંઈ જોઈએ છે?“ કંચનબહેને માનસીની સામે જોયું , પોતે બેગ ભરવામાં વ્યસ્ત છે એવા હાવભાવથી એણે જાણે કંચનબહેનની ઉપેક્ષા જ કરી! એમને પૂછવું હતું, ”ક્યારે જાવ છો? ક્યાં ક્યાં જાવ છો? કેટલા દિવસે પાછા આવશો?“ પણ માનસીની સામે જોયા પછી એ પ્રશ્નો પૂછવાની એમને ઈચ્છા જ ન થઈ.

સરીનાએ સામે ચાલીને કહ્યું, ”બા, અમે તો તમારી સાથે જ રહીશું. એ લોકો લોંગ વીકએન્ડમાં જવાનાં છે.“ એ વિચારતાં રહ્યાં કે બે દિવસ પછી જવાનાં છે, અને હજી મને કોઈ કાંઈ કહેતું નથી! આપણને પૂછે તો શાનાં જ? એમને ગુસ્સો આવ્યો અને થયું હવે તો હદ થઈ છે!

તેઓ રસોડામાં ગયાં. ડાઈનિંગ ટેબલ પર પડેલાં વાસણો સીંકમાં મૂક્યાં. હાથ રસોડાનાં કામમાં પરોવાયા, પણ મન ભૂતકાળમાં  સરી પડ્યું. ભારતથી અહીં આવ્યાં પછી ભણ્યાં, પતિના ખભેખભા મિલાવીને નોકરી કરી. લોકોને ત્યાં રસોઈ કરવાથી માંડીને કપડાં સીવવાનું કામ કર્યું. પૈસા ભેગા થતાં જ ધંધામાં રોકાણ કર્યું, આજે પોતાનાં નામે મકાન છે. બેંકમાં સારું એવું બેલેન્સ છે. મોટો દીકરો કેનેડા છે. અવારનવાર તેના પરિવાર સાથે અહીં આવે છે, દીકરી પણ એના બાળકોને લઈને આવતી હોય છે. મારા સંતાનો વિસામો લેવા આવે છે.

ક્યારેક મોટો દીકરો એમની નજીક બેસીને હકથી કહે છે. “મોમ ધીસ ઈઝ અવર વેકેશન હોમ! “ તેઓ વિચારતાં, ‘કોઈને એમ થાય છે કે, માને પણ વિસામાની જરૂર છે! અહીં આવીને પોતાના બાળકો મને  સોંપીને શોપિંગ કરવામાં કે પોતાના મિત્રોને મળવામાં વ્યસ્ત થઈ જાય છે .

તે દિવસે માનસી વાતવાતમાં કહેતી ગઈ, ”બા તમે મને હું ક્યાં જાઉં છું એવું પૂછો છો ને ત્યારે મને જૂનાં જમાનાનાં મધર-ઈન-લો  યાદ આવી જાય છે! “ ત્યારથી કંચનબહેને એને પૂછવાનું બંધ કર્યું હતું.

સાંજ પડે બંને નોકરીએથી આવે ત્યારે રોહન પૂછશે, ”મા શું જમવાનું બનાવ્યું છે ?” માનસી પેટ ભરીને રસોઈના વખાણ કરશે. પોતાને સવારે વહેલા મિટિંગમાં જવાનું છે, કહી ‘ગુડ નાઈટ’ કરી દેશે. વીકએન્ડમાં બહાર જમવા જાય ત્યારે મને ન લઈ જાય તો કાંઈ નહીં, બાળકોને પણ નથી લઈ જતાં. પોતે એકવાર કહ્યું, ત્યારે કહે ,”બા તમે એમને બહુ બગાડ્યા છે. બહાર જમવા લઈ જઈએ તો ત્યાં ખૂબ ધમાલ  કરે છે. અમે પિઝા ઘરે લઈ આવીશું એમ કહી દે છે પણ એ લોકો કેમ એમ વિચારતા નહીં હોય કે મા પણ પીઝા ખાઈ શકે છે?

કંચન બહેનને ક્યારેક થતું કે રોહન અને માનસીને કહું કે.  ‘હું આ દેશમાં છેલ્લા ૨૦ વર્ષથી રહું છું. તમારી જેમ હવે આ મારો પણ દેશ છે. તમારા રુટ આ દેશમાં મજબૂત કરવામાં મારો ફાળો કાંઈ નાનોસુનો નથી.’ પણ કંઈ કહેવાતું નહીં અને એમનું મન ઉદાસ થઈ ગયું અને ગ્લાનિભર્યા મનમાં ગુસ્સાએ સ્થાન લઈ લીધું.

ધીરેધીરે સ્વસ્થ થયાં, અને તે વિચારવા લાગ્યાં, ‘હું માનસીની મા ના બની શકું, તે સમજાય એવી વાત છે. શરૂઆતમાં હું વિચારતી કે ‘એક દીકરી ગઈ, તો બીજી બે દીકરીઓ ઘરમાં આવી. હું એમને માની ખોટ નહીં સાલવા દઉં, પણ જીવનમાં માનીએ છીએ એટલું કરવું સહેલું અને સરળ નથી હોતું. મેં સમજણપૂર્વક એની મમ્મી નહીં, પણ સારી સાસુ બનવાનો પ્રયત્ન કર્યો. એ નોકરી કરે છે, એમ વિચારી એના તરફથી કામની અપેક્ષા ન રાખી. બંને જણાં ફરવા જતા ત્યારે, ‘રોહનને ગમે છે’ આથી, એના આનંદ ખાતર કશું કહ્યું નહીં.”

બેઝિકલી, એમનો દાદી બનવાનો ઉમંગ હવે ક્ષીણ થતો જતો હતો. એમને લાગતું હતું કે, “આ લોકો મારી પાસેથી વધુને વધુ અપેક્ષા કરતાં જાય છે. આ ઘરની અને એમના બાળકોની જવાબદારી મારી છે એમ વણબોલે સ્વીકૃત થયું છે. આ ઉપરાંત વખતોવખત, સાવ ખુલ્લી ઉપેક્ષા પણ કરતાં જાય છે!’

કંચનબહેને બાળકોને મોટાં કર્યાં. હિમ્મતપૂર્વક જીવ્યાં, પોતાનો બિઝનેસ સંભાળીને બાળકોને ભરપૂર પ્રેમ આપ્યો. પોતાનાથી શક્ય એટલા પૂર્વ અને પશ્ચિમના સંસ્કારો આપ્યા. પૌત્ર અને પૌત્રીનું ઘડતર કરવામાં એમનો મોટો ફાળો છે. આ ઘરની હરેક વસ્તુ પર એમનો હક્ક છે. દરેક ચીજ સાથે મહેનત અને લાગણીના તંતુથી તે જોડાયેલાં છે. પોતે કર્તવ્યદક્ષ મા અને સફળ બિઝનેસ લેડી હતાં, એનો અહેસાસ એમને હજીય છે.

પોતાની જીવન પ્રત્યેની સમજણ વિશે એમને ગર્વ હતો. એ માનતાં હતાં કે, એમની છાયામાં બાળકો સુખી અને સુરક્ષિત છે, પણ હવે સમગ્ર પરિસ્થિતિ પલટાવવા લાગી હતી. ‘રોહન અને માનસી યુરોપ જવાનાં છે. પૂછવાની તો અપેક્ષાયે નહોતી રાખી, છતાં કહેવાનીયે એ લોકોએ તસ્દી પણ નહોતી લીધી!’ આ વિચાર એમનો પીછો છોડતો નહોતો.

ખૂબ વિચારો પછી, અંતે એમણે નિર્ણય લઈ લીધો. થોડાંક કપડાં, ક્રેડિટકાર્ડ. ચેકબુક અને થોડી કેશ લઈને, તેઓ ઘરની બહાર તો નીકળ્યાં. પણ જવું ક્યાં અને કોને ત્યાં? એમણે ઘરનું બારણું પાછું ખોલ્યું, ટેક્સી માટે ફોન કર્યો અને ઘરનું બારણું ધીરેથી વાસીને બહાર આવ્યાં. થોડીવારમાં ટેક્સી આવી અને તે બોલ્યાં, ”એરપોર્ટ…….!“

સાંજ પડવા આવી હતી, માનસીએ રોહનને કહ્યું, ”હજી બા નથી આવ્યાં….! તમને કંઈ કહ્યું છે?“

“ના મને નથી કહ્યું. અરે, આવશે. આજુબાજુ જ ગયાં હશે. કોઈકની રાઈડ મળી હશે તો મંદિર ગયાં હશે. નહીં તો કોઈકની ખબર કાઢવા હોસ્પિટલ ગયાં હશે.”

“ગયાં હોય તો પણ આટલે મોડે સુધી રોકાય નહીં.”

માનસી રસોડામાં જઈને જુએ છે રોજની જેમ આજે ટેબલ પર ડિનર મુકાયેલું નહોતું. રાતના દસ વાગ્યા. પિઝા ઓર્ડર કરીને જમવાનું તો પતાવ્યું. બાળકો પણ દાદીને શું થયું? ક્યાં હશે? એમ વિચારતાં સૂઈ ગયાં.

રાત ઘડિયાળના કાંટે દોડી રહી હતી. રોહન ફોનની બાજુમાં જ બેસી રહ્યો. માનસી એની સામે જોઈ રહી. ક્યાંય સુધી વાતાવરણમાં ચૂપકીદી છવાઈ રહી હતી. અચાનક માનસી ઊંચા સાદે બોલી; ”તમારી માનાં લક્ષણ કંઈ સારા નથી. તમારી ઓફિસનો જૂનો મેનેજર અવારનવાર ફોન કરતો હોય છે.“

“ચૂપ રહે! કંઈ બોલવા પહેલાં એની ઉંમર તો જો? સાંઈઠની ઉપર થયા મારી માને! “

“વાહ ભાઈ વાહ! આટલા વર્ષે, માંડ પચાસનાં લાગે છે. એમનું શરીર કેવું એકવડું છે અને મોઢામાંના બત્રીસ દાંત સલામત છે. એટલું જ નહીં, મારી કરતાં એમના વાળ તો જુઓ! પાછળથી કોઈ જુએ તો ભૂલથાપ ખાઈ જાય! આ બધા પર મુગટ ચઢાવવાનો બાકી હોય તેમ યુવાન સ્ત્રીને શરમાવે એવી એમની ગરવી ચાલ અને ચહેરા પર કરચલીનું તો નામો નિશાન નથી! અમે સાથે જઈએ તો મારા મોટાંબહેન જેવા લાગે! તે દિવસે સરીનાની સ્કૂલમાંથી કોઈએ બાને બતાવીને પૂછ્યું હતું ,”આ તારી મમ્મી છે?” આ તો અમેરિકા છે, સમજ્યા?“

“તું હવે મારી મા વિશેની અતિશયોક્તિભરી વાતો બંધ કરીશ?“

“કેમ? સાચી વાત કડવી લાગી? આ મને જુઓ, આ ઉંમરે મારા વાળ ઉતરે છે અને તમારી મા..,”

“તું તો છાશવારે ડાયટ કરે છે. જાતજાતના કલરથી વાળ રંગે છે. અને મેકઅપ…. તે તો ચાલ, હવે જવા દે …એ વાત!” પછી રોહને પૂછ્યું, “કેનેડા ભાઈને ફોન કરીને પૂછું?”

“ગાંડા છો? એ તો ઉપરથી આપણને લેક્ચર આપશે! તમે હવે તમારી માને શોધી કાઢો નહીં તો આપણી યુરોપની ટ્રીપ તો ગઈ અને રિફંડ પણ નહીં મળે!”

“એમ કર તારી મોટીબહેનને બોલાવ. “

“શું વાત કરો છો? એને ટાઈમ છે? આપણે સાજાં માંદા હોઈએ અને એ આવે એ વાત જુદી! આ તો આપણે લહેર કરવાની અને એ આપણાં છોકરાં સાચવે?”

“એવું જ તો મારી મા સાથે છેલ્લા દસ વર્ષથી થઈ રહ્યું છે!“

માનસીએ જાણે રોહનની વાત સાંભળી જ ન હોય તેમ પોતાનું જ બોલવાનું ચાલુ રાખ્યું, “તમારી માએ ખોટા લાડ લડાવ્યાં છે. મોટો આખો દિવસ સેલફોન અને કમ્પ્યુટર અને આવડી અમથી  સરીના પણ ટેલીફોન અને આખો દિવસ ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ… ! કોણ, ક્યાં સાચવે છે આપણાં છોકરાંને, બધું મને ખબર છે! બસ, અમેરિકન છોકરાની જેમ ……!”

એને અધવચ્ચેથી અટકાવીને રોહને કહ્યું, ”માનસી, મને એ નથી સમજાતું કે તું વારંવાર મારી માને આટઆટલું કર્યા પછી પણ કેમ બ્લેમ કરે છે? એ તોફાની બારકોસોની મા-બાપ તો આપણે છીએ! તુંયે થોડોક સમય કાઢ ને, નોકરી છોડીને બાળકોને સાચવ! હું કમાઉં છું એમાં આપણે સરસ રીતે જીવી શકીએ એમ છીએ! “

“હવે તમારું ભાષણ બંધ કરી તમારી માની તપાસ કરો. ખરે ટાઈમે એમને શું સુઝ્યું તે આમ કહ્યાંકારવ્યાં વગર જ, નીકળી પડ્યાં! મેં એમની બધી જ બહેનપણીને ફોન કર્યો. ન્યૂયોર્ક તમારી બહેનને પણ ફોન કર્યો. એ તો સામેથી મને ચોંટ્યાં; “તમે મમ્મીનું ધ્યાન નથી રાખતાં, એમનાં ઘરમાં એમને જ બેબીસીટર બનાવી દીધા છે! પહેલાં તો એ કેટલા એક્ટિવ હતાં….!”

રોહન માનસીની સામે અવાક્ જોતો રહ્યો.

“પણ મેં તો તમારી બેનને સામે સંભળાવી દીધું કે બહુ લાગણી ઉભરાય છે તો લઈ જાવ થોડો વખત..!” તો વળી એ સામે કહેવા માંડ્યાં કે, ”એમ કહોને કે તમારે એને રાખવી નથી. એના ઘરમાં મફત રહો છો… બહાર ઘર લઈને રહો ત્યારે ખબર પડશે કે કેમ રહેવાય છે!”  એમના કહેવા પરથી તો એમ લાગ્યું કે તમારા બા ત્યાં જ છે!”

રોહન બોલ્યો, “ના, બા ત્યાં ના હોય! ત્યાં જવાની હોય તો કહીને જ જાય, આમ પોતાનું ઘર છોડીને બેનેને ત્યાં કે ભાઈને ત્યાં તો ન જ પહોંચી જાય…!“

“મા ત્યાં ન હોય તો અનુબહેન એની ચિંતા કરવાને બદલે આમ સંભાષણ કરવા બેસી જાય, એ પણ મારે ગળે નથી ઉતરતું!”

“મા ત્યાં હોય તો અનુ તો આપણને કહે જ ને ! “

“તો બા આમ આપણને જ્યારે જરૂર હતી ત્યારે, ખરા વખતે ક્યાં ગયાં? તમારી ફેમિલીમાં તો ……”

“માનસી, પ્લીઝ, તારી ફેમિલી વિશે તો મને બોલાવીશ જ નહીં! ચાર દિવસ માટેય કદી હેલ્પફૂલ થયાં છે?

રાત આમ જ પસાર થઈ. બીજે દિવસે બપોર થતાં માનો ફોન આવ્યો. ,”હલો “

“હા, બોલો બા તમે ઠીક છો ને? “

“રોહન, હું મજામાં છું. બે દિવસમાં આવી જઈશ મારી ચિંતા ના કરશો. “

માનસી દોડીને આવી, ”ક્યાંથી બોલો છો? બા તમે ક્યાં છો?“ પણ ફોન કટ થઈ ગયો.

રોહન અને માનસીને એમની ટ્રીપ  કેન્સલ કરવી પડી. બા ગયાં ત્યારની માનસી રજા લઈને ઘરે જ છે. મનમાં બા પ્રત્યેનો રોષ લાવાની જેમ ઉકળતો હતો. હવે ઘણી વખત એ કારણ વગર જ બાળકો પર ગુસ્સે થતી.

આજે રજાનો છેલ્લો દિવસ હતો. એને થયું કે; “ભગવાન કરે અને બા પાછા આવે! આજે જો બા નહીં આવે તો કાલે પણ કામે નહીં જવાય! અને બધું જ વેકેશન આમ બેબીસિટીંગમાં જ પૂરું થઈ જશે…!”

એણે રોહનને એની ચિંતા કહી. રોહને એને આશ્વાસન આપ્યું. “બાએ મને કહ્યું છે. તો તે નકી જ આવશે. શાંતિ રાખ, ઓકે?“

જ્યારે  કંચનબહેન પોતાના ઘર આગળ આવીને ઊભા રહ્યાં, ત્યારે ખાસ્સું અંધારું થવા આવ્યું હતું. બારણાંનો ડોરબેલ વાગ્યો. માનસી અને રોહન બંને એકી સાથે બારણાં  આગળ આવ્યાં. બા બારણે ઊભાં હતાં. ટેક્સીવાળો ટર્ન લઇ રહ્યો હતો. એમના હાથમાં નવી સુટકેસ અને ખભે પર્સ હતી. ઘરમાં પ્રવેશતાં જ તે બોલ્યાં, ”માનસી, જરા પાણી આપ અને ઓછી ખાંડવાળી ચા બનાવ ……અને જો હું જમવાની નથી. અને હા, છોકરાંને કહી દેજે કે મને ડિસ્ટર્બ ના કરે! “

માનસીએ એમની વાત તરફ દુર્લક્ષ કર્યું. તે બોલી ઊઠી ,”પણ તમે આમ અચાનક કોઈને કહ્યાં વગર ક્યાં અને કોની સાથે ગયાં હતાં? “

“કહ્યું ને હમણાં કોઈ વાત નહીં, ચા લઈ આવીશ?” અને બા અંદરના રૂમમાં ચાલ્યાં ગયાં.

રોહને કહ્યું, ”જા. ચા બનાવ, મારી પણ બનાવજે !”

બા એમની નવી પૈડાંવાળી બેગ એમના રૂમમાં લઈ ગયાં. માનસી જોતી જ રહી. એણે રોહનની સામે જોયું અને હજુ કંઈ કહે કે કરે એ પહેલાં તો ફોન રણક્યો. રોહને જ ઉપાડ્યો. ”હલો …હા કોણ? વાત કરવી છે? …ના …ના.. એવું કંઈ નથી. હા, અહીં જ છે. બે દિવસ બહાર ગામ ગયા હતાં. હા …હા … તમારો ફોન હતો એવું એમને કહીશ.“

રોહન ફોન ડિસકનેક્ટ કરે એ પહેલાં તો બાએ અંદરના રૂમમાંથી ફોન ઉપાડ્યો. માનસી ચાનો કપ લાવી. બા આનંદપૂર્વક વાતો કરતા હતાં.

એમનાં રૂમમાંથી બહાર નીકળતાં માનસીના કાને શબ્દો પડ્યાં ,”હા… હા…હવે હું કંચન બનીને જ જીવવાની છું.“

સૂતાં પહેલાં એમણે રોહન અને માનસીને બોલાવીને કહ્યું , ”મારાંથી રોજ સવારે છોકરાંઓને મૂકવા નહીં જવાય. હવેથી ત્રણ દિવસ તમે જજો. બાકીના બે દિવસ હું જઈશ.”

સવારના બ્રેકફાસ્ટના સમયે એમણે કહ્યું, ”માનસી, બાળકો તમારાં છે અને હા, મારાંય છે.  પણ મા તમે છો. બાળકો પર ધ્યાન રાખો. એમને શિસ્તની ટ્રેનિંગ તમે આપશો તો એમનાં ઘડતરમાં મહત્વનો ફાળો ભજવાયેલો ગણાશે. તોફાની બાળકોને આનંદમાં રાખીને પ્રવૃત્તિ કરાવો તો ધમાલ ઓછી કરશે અને હું આ બધું જ કરવામાં મદદ કરું પણ પ્રાઈમરી જવાબદારી તમારી અને રોહનની  છે.”

પછી કંચનબહેન બે ઘડી અટક્યાં અને આગળ કહે કે; “ને સાંભળો, હવે પછી ઘરમાં થતી નાનીમોટી પ્રવૃત્તિ વિશે આપણે એકબીજાને કહેવાનું રાખીએ. તમે ક્યારેક વગર બોલે મારી ઉપેક્ષા કરતાં હો એમ મને લાગે છે. મને એમાં મારું અપમાન થતું હોય એવું લાગે છે. હવે પછી એ બાબતે ધ્યાન રાખશો.”

માનસી ચૂપ! એને ગુસ્સો કરવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. રોહને એની સામે જોયું અને પોતાની કારની ચાવી લઈને એ ઓફિસે જવા નીકળ્યો. માનસી પણ ‘ન બોલવામાં નવ ગુણ’ સમજીને ‘કામ પર મોડું અવાશે’ એવો ફોન કરીને બાળકોને સ્કૂલમાં મૂકી આવી .

બપોરના કંચનબહેને  પોતાના ફ્રેન્ડને સવારની વાતચીત વિશે કહ્યું અને પોતાની થતી ઉપેક્ષાની વાત કરી. એણે કહ્યું ,”નાનીમોટી બાબત તે પછી બાળ ઉછેરની હોય કે ઘરમાં ફર્નિચર ગોઠવવાની હોય કોઈપણ બાબતમાં મારી વાતને મહત્વ નથી અપાતું.”

બે ચાર દિવસ ઘરમાં ધુમ્મસ જેવું વાતાવરણ રહ્યું. પોતે ક્યાં ગયાં હતાં, એ કંચનબહેનને કહેવું જ નહોતું. ‘હું ક્યાં ગઈ, કોઈની સાથે ગઈ હતી……એ એમને જાણવું છે, પણ એ લોકો ક્યાં જવાનાં છે, ક્યારે જવાનાં છે, એ બધું કોઈ દિવસ મને કહેતાં નથી! મજાની વાત તો એ છે કે છોકરાંઓ મારી પાસે મૂકીને જવાનાં છે તે છતાંયે નથી કહેવું..! મને તો ક્યારેય સાથે આવવાનું ખોટા મોંયે પણ કહેતાં નથી, તો મારે શા માટે એમને કહેવું!’

તેઓ હવે સવારના નિયમિત  ફરવા જાય છે. ત્યાંથી ક્યારેક પુસ્તકાલયમાં જાય છે તો ક્યારેક સિનિયર સિટીઝનની ક્લબમાં જાય છે. કોઈકવાર બૅકયાર્ડમાં હીંચકે બેસીને નિરાંતે મનગમતા પુસ્તકો વાંચે છે. બાળકોના હોમવર્કમાં માથું મારવાનાં બદલે બાગમાં કામ કરે છે. મન થાય ત્યારે બાળકો માટે ભાવતી વસ્તુઓ બનાવે છે. રોહન અને માનસીને એમણે કહી રાખ્યું છે, કે, કામ પરથી વહેલાંમોડાં આવવાનાં હો, તે દિવસે મને અનુકૂળ હોય તો રસોઈ બનાવી રાખીશ. હવે માનસીએ જોબની સાથે પણ રસોઈનું મેનેજ કરતી થઈ ગઈ છે. રોહન પણ એને મદદ કરે છે.

એક દિવસ ઘરે કમ્પ્યુટરની ડીલીવરી થઈ. માનસી રોહન સામે જોઈને બોલી, ”ઘરમાં કમ્પ્યુટર શું ઓછા હતા કે એક વધુ મંગાવ્યું?”

કંચનબેન કહ્યું, ”આ મારું છે.” માનસી અને રોહન સદંતર નિઃશબ્દ બની જોતાં રહી ગયાં….!

કળ વળતાં રોહન બોલ્યો, “હવે આ ઉંમરે કમ્પ્યુટર શીખવાનાં?”

“શીખનારને માત્ર ઉંમર નહીં, ઈચ્છા અને મન પણ હોય છે. પહેલી તારીખથી ક્લાસમાં જવાની છું. કહે છે, એના પર ગેમ રમીએ તો સમય ક્યાં જતો રહે છે, તેની ખબર પડતી નથી.” ત્યાં તો એમની પર્સમાંથી ટેલિફોનની ઘંટડી સંભળાઈ. “બા ,આ શું ,?” રોહન બોલી ઊઠ્યો.
“સેલફોન”
“એ તો મને પણ ખબર છે. પણ તમારે સેલફોનની શી……”

“અરે હા, સિનિયર સિટીઝનની ક્લબમાંથી અવારનવાર ટ્રીપમાં જવાનું હોય છે. મારે તમારો સંપર્ક સાધવો હોય તો ……પછી વાત કરું, પહેલાં ફોનનો જવાબ આપી દઉં..!” અને એમણે ફોન ઉપાડ્યો, “હા, હું કંચન બોલું છું. બોલો, આવતીકાલથી કેટલા વાગે? હા, આવી જઈશ. વાહ, ખુબ સરસ!”

રોહન જાણે ગૂંચવાઈ ગયો હોય એમ કંચનબહેનની વાત સાંભળતો રહ્યો અને માનસી ઉદ્વિગ્ન મને એમની ફોન પરની વાતચીત સાંભળતી રહી. એમનો ફોન પૂરો થતાં જ, તે સહેજ વ્યંગમાં બોલી, “શું હવે બહાર જવાનાં અને ગાડી પણ નવી લાવવાનાં?”

“ના, મારી ગાડી તું છોકરાંઓને લેવા મૂકવામાં વાપરે છે ને તે હું કાલથી લઈ જઈશ.”

માનસી એમની વાત પૂરી થાય તે પહેલાં રસોડા તરફ નીકળી ચૂકી હતી.

જીમમાં જવાનાં કપડાં પહેરી કંચનબહેને મૃદુ ટહુકો કર્યો, “માનસી ,છોકરાંને લેવા  જાય ત્યારે મને જીમમાં મૂકતી જજે! હું  તૈયાર છું…!”

(સમાપ્ત)

Leave a Reply to હરીશ દાસાણી.મુંબઈCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment