ઓચિંતું (વાર્તા) ~ જયશ્રી પટેલ ‘જયુ’
ઓચિંતું કોઇ મને રસ્તે મળે
ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે?
કવિ ધ્રુવ ભટ્ટની પંક્તિઓ ગણગણતી સ્નેહા ઉપરથી દાદર ઉતરી રહી હતી. અચાનક તેની સામે દાદરના કઠેરા પાસે એક અજાણ્યા વ્યક્તિને જોઈ ચમકી ઊઠી. પાછળ ઉતરતા પ્રકાશે જોયું કે તે ગણગણતી બંધ થઈ ગઈ કે તેની નજર કઠેરા પાસે ઊભેલા સર્વેશ પર ગઈ ને તે મોટેથી બોલી ઊઠ્યો, ”અરે સર્વા ક્યારે આવ્યો?”
જવાબ મળે તે પહેલાં તો સ્નેહાને વટાવીને પ્રકાશ નીચે પહોંચી સર્વાને ભેટી પડ્યો. બન્ને વાતોએ વળગ્યા, સ્નેહાને થયું કે તેને પ્રકાશ જાણી જોઈને અવગણે છે. મંદ મંદ હસતા પ્રકાશને જોઈ તે વધારે પોતાની જાતને સંકોચતી રસોડા તરફ વળી ગઈ.
પ્રકાશે પાણી માંગ્યું તો તેણે રામુકાકા સાથે મોકલાવ્યું. ધીરે ધીરે ચા-નાસ્તો પણ રામુકાકા સાથે જ બહાર ગયો. તે વિચારતી રહી શું હું ઓળખાણ આપવા જેટલી પણ યોગ્ય નથી?
પ્રકાશનું આ વર્તન તેને ખૂબ જ ડંખી ગયું. તેની પાંપણ પર ઝાંકળ બાઝ્યું ને તે રામુકાકા ન જોઈ જાય તેમ મોઢું ફેરવીને લૂછવા લાગી.
અચાનક સર્વાને લઈ પ્રકાશ રસોડામાં આવ્યો અને બોલ્યો, ”સર્વા આ સ્નેહા છે, અમારાં ગામની ખેતી સંભાળે છે તે ત્રિભોવનકાકાની દીકરી.”
સર્વાએ હાથ લંબાવ્યો ને સ્નેહાએ બે હાથ જોડી તેનો જવાબ વાળ્યો.
“બા જાત્રાએ ગયાં છે તેથી ઘરની સંભાળ તેને સોંપી ગયાં છે.” કહી પ્રકાશ બહાર નીકળ્યો ને તેની સાથે સર્વેશ પણ એકવાર પાછળ નજર કરી બહાર નીકળી ગયો.
સ્નેહાને થયું કે મારી ઓળખ તો કરાવી પણ તેમની ઓળખ ન આપી ‘આ માણસને એટલું તો શેનું અભિમાન છે? જાણે હું કામવાળી તરીકે અહીં આવી હોઉં તેવું તેમનું વર્તન છે.’
“સર્વેશ છે તેમનું નામ. નાના સાહેબના ખાસ મિત્ર છે. આ ઘરમાં તેઓ વિના પૂછે, વિના ફોન કરે ગમે ત્યારે આવી શકે.જમી શકે ને રહી શકે” આમ રામુકાકાએ તેમની ઓળખ આપી.
તે બહાર નીકળી તો બન્ને બહાર નીકળી ગયા હતા. તે પાછી બહાર આવી અને ઉપર પ્રકાશના શયનખંડ તરફ ગઈ. ઓરડો સાફ કરી રામુકાકાને કચરાપોતું કરવાની સૂચના આપી પોતાના ઓરડા તરફ વળી. ત્યાં સુધીમાં તો તે પાછી પોતાના મૂળ મૂડમાં આવી ગઈ હતી ને ફરી ગણગણવા માંડી…
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે
ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
એકદમ સામેના મહેમાનના ઓરડામાંથી કોઈ બોલ્યું, ”ગીત આગળ આવડે છે કે પછી બે જ કડી ગણગણી શકો છો?”
સ્નેહા આમેય પ્રકાશના વર્તનથી ગુસ્સે તો હતી જ તેથી ચિડિયા સ્વરે બોલી, ” હવે તમે કોણ મને પૂછનારાં? બહાર આવો તો જવાબ આપું.”
સર્વેશ હસતો હસતો બહાર આવ્યો, તે ગંજી ને નીચે ટોવેલ વીંટાળેલી ને અડધી દાઢી પર સાબૂ લપેટેલી હાલતમાં જ બહાર આવ્યો. તેને જોઈ સ્નેહા ડઘાઈ ગઈ, ”તમે અહીં? ગયા નથી?
સર્વેશ હસ્યો, ”ના, તમારે કાઢી મૂકવો છે?”
સ્નેહાને લાગ્યું ‘માણસ પેલા ખડુસ પ્રકાશ કરતાં તો સારો પ્રેમાળ ને મળતાવડો લાગે છે.’
માણસને શું જોઈએ? બે મીઠાં બોલ. સ્નેહા ખડખડાટ હસી પડી, એનાં હાસ્યમાં જાણે ઘંટડીનો રણકાર રણક્યો. સર્વેશનું હૈયું આનંદી ઊઠ્યું. સ્નેહા પણ પંદર દિવસમાં પહેલી વાર ખુશ થઈ ગઈ. ધીરે ધીરે બન્ને વાતોએ વળગ્યાં.
સર્વેશે આખું ગીત ગાવાનો આગ્રહ રાખ્યો ને તેણે સુમધુર કંઠે એ ગીત પૂર્ણ સંભળાવ્યું. સર્વેશે સ્નેહાને ભણતર પૂછ્યું. તેણીએ જવાબ આપ્યો કે તે સંગીતમાં વિશારદ કરી રહી છે. રેવાબાનાં આગ્રહને કારણે તે મહિનો અહીં ઘર સાચવવા આવી છે.
સાંભળી સર્વેશને આશ્ચર્ય થયું. પ્રકાશનું વર્તન તો એણે જોયું હતું. એ સમજી શક્યો નહિ કેમ આમ કરે છે પ્રકાશ? બે ત્રણ દિવસ પછી બન્ને મિત્રો સાથે બહાર જતા હતા ને ત્યારે ઔપચારિક રીતે જ સર્વેશે સ્નેહાને પૂછ્યું,” શું તમે આવશો અમારી સાથે?”
સ્નેહાએ એક નજર પ્રકાશ તરફ નાંખી ને જોયું કે પ્રકાશના ચહેરા પર સખત અણગમો હતો, તેણીએ તુરંત ઉત્તર આપ્યો, “ના, આભાર.”
એ દિવસે સર્વેશે પ્રકાશને આનું કારણ પૂછ્યું,” શામાટે તું સ્નેહાની આવી અવગણના કરે છે?”
પ્રકાશે કહ્યું,” બાની ઈચ્છા છે હું આ ગવાર સાથે લગ્ન કરું, મને એ જરાય પસંદ નથી. હું જો જરા હસીને વાત કરીશ તો જરૂર એ ઊંધું સમજી લેશે. મારી ને એની બરાબરી હું ન કરી શકું. ક્યાં હું એમ.બી.એ ને આ ગામડામાંથી આવેલ સ્ત્રી? સોરી સર્વા, હું તો કલ્પના પણ નથી કરી શકતો. મારો ધંધો ને પૈસા જોઈ બાપ-દીકરી સપના જોતા હોય તો ખાંડ ખાય છે. એમ હું ફસાઈ જાઉં તેવો નથી.”
સર્વેશ તો પ્રકાશના આ વિચારો જાણી ખૂબ જ ડઘાઈ ગયો. સામાન્ય માનવીની આવી ઉપેક્ષા! સ્વર સમ્રાજ્ઞી સ્નેહાને ગવાર કહી રહ્યો છે તેનો મિત્ર! આશ્ચર્ય તો એ વાતનું છે કે સ્નેહાને તો આ વાતની ગંધ પણ નથી. તેણે મનોમન નિર્ધાર કર્યો કે સ્નેહાને તેના હુન્નરમાં તે સહાય કરશે.
બીજે દિવસે તે સ્નેહાને તેના સંગીતકાર મિત્ર પાસે લઈ ગયો. આમેય તે સંગીતની અંતિમ પરીક્ષાના ચરણે તો પહોંચી જ ગઈ હતી. પંદર દિવસ તો જોતજોતામાં પસાર થઈ ગયાં. આજે બા પાછા આવવાના હતાં, સર્વેશ પણ બે દિવસ પછી અમેરિકા પાછો ફરવાનો હતો. આજ અને પરમદિવસની વચ્ચેના દિવસે કુદરત એક કરિશ્માનું સર્જન કરવાની હતી.
બા આવી ગયાં, સ્નેહા ખુશ હતી. બીજે દિવસે સવારે સર્વેશે બાને કહ્યું ,” આજે તમારાં મનગમતા કાર્યક્રમમાં જવાનું છે. તમે પ્રકાશને પણ સાથે લઈ લેજો.”
સાંજે બાએ સ્નેહાને પણ સાથે આવવા કહ્યું પણ સ્નેહાએ તબિયત નથી બરોબર કહી વાત ટાળી. બા, સર્વેશ અને પ્રકાશ નીકળ્યા કે તરત રામુકાકા સાથે સ્નેહા પણ નીકળી ગઈ. બરાબર ત્રીજી ઘંટડીએ પરદો ઉંચકાયો ને સામે સફેદ સાડી ને તેની પર સુંદર લાલ બોર્ડરવાળી સાડી, મેંચિંગ લાલ ચોળીમાં મંચની વચ્ચોવચ્ચ સુંદર આરસપહાણની મૂર્તિ સમ યુવતીએ વીણા ઉપાડી. સરસ્વતી વંદના ગાઈ.
તેના મધુર કંઠ પર આખું થિયેટર વાહ વાહ કરી ઊઠ્યું. ધીરે રહી બીજું ભજન ને પછી જેવો તેના પર પ્રકાશ ગોળાકારમાંપડ્યો તો તેને જોઈ બા ને પ્રકાશ અવાચક જ રહી ગયા.
સ્નેહાના સુમધુર કંઠથી આખું થિયેટર મંત્રમુગ્ધ થઈ ગયું. ત્યાં સ્નેહાએ અંતિમ ગીત ઉપાડ્યું..
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
રોજ ગણગણતી સ્નેહાને સદાય અવગણતો પ્રકાશનો ચહેરો ઝંખવાઈ ગયો. હવે સમજાયું તેને કે સ્નેહા તેનાં સુધી તેનો મીઠો સ્વર પહોંચાડવા માંગતી હતી પણ પોતે તેનાં ઘમંડમાં કંઈ જ નહોતો વિચારી શકતો. ઘરે જતાં તે સ્નેહા સામે જોઈ રહ્યો. સ્નેહા તો સર્વેશ સાથે વાતોમાં મશગૂલ હતી.
બીજે દિવસે બાએ સ્નેહાને મંદિરમાં બોલાવી ભજન ગવડાવ્યું. ત્યાં તો પ્રકાશ ને સર્વેશ પણ પહોંચી ગયા. બાએ એ બેની સામે જ સ્નેહાને પૂછ્યું,” બેટા તું મારાં ઘરની વહુ બનીશ.”
સ્નેહાએ જવાબ આપ્યો ,” હા બા, તમારાં સર્વેશ દીકરાને હું પસંદ કરું છું. શું તમે મને એમની સાથે પરણાવશો?”
બે ઘડી વિચાર કરી બાએ તેને પાસે ખેંચી પ્રેમથી તેના કપાળ પર એક પ્રેમાળ ચુંબન કરી મંજૂરીની મહોર મારી દીધી. પ્રકાશની આંખમાં ત્યારે અવગણના નહિ પસ્તાવો ડોકાતો હતો.
~ જયશ્રી પટેલ ‘જયુ’
(૧૫/૬/૨૫)
jayshree patelmiltaja@yahoo.com
બહોત ખુબ, આભાર