“હેપ્પી મધર્સ ડે…!” ~ વાર્તા ~ ગોપાલી બુચ
(મધર્સ ડે તો રોજની ઘટના છે. આપણે આ તહેવારને માત્ર એક તહેવારની જેમ, એક દિવસ ઉજવીને ભૂલી નથી જવાનો, પણ રોજિંદી ઘટમાળમાં સમય મળતાં “મનસા, વાચા, કર્મણા” – જિંદગીમાં વણી લઈને, આ તહેવારને જીવી લેવાનો છે.
સાચું કહું તો માતૃદિન ૩૬૫ દિવસ, સતત જીવીને ઉજવવાનો હોય છે. એક સુંદર હૃદયંગમ વાર્તા સાથે આજે ફરી સર્વ માતાઓને વંદન કરીને મધર્સ ડેની ઉજવણીને આત્મસાત કરીએ. – સંપાદક)
“ઓહ ગોડ! જય, આજકાલ હું બહુ જ થાકી જાઉં છું. છોકરા આટલા મોટા થયા પણ બેમાંથી એક પણ જણ પોતાની વસ્તુ ઠેકાણે મુકતા નથી. અને ક્યારે તું પણ.” કહેતાં કહેતાં તો મનિષાએ પથારીમાં લંબાવી જ દીધું. એના અવાજમા થાક અને ગુસ્સો બન્ને સમાયેલાં હતાં.
“કમ ઓન સ્વિટ હાર્ટ! ક્યારેક એવું પણ થાય યાર! છોકરા થોડું ઘરકામ કરે?” જયે પ્રેમથી મનિષાના માથે હાથ ફેરવતા કહ્યું.
“કેમ? વ્હોટ ડુ યુ મીન બાય છોકરા થોડું ઘરકામ કરે? ઑફ કોર્સ કરે. એ જમાના ગયા કે છોકરીઓ જ ઘરકામ કરે. અને આ તું બોલે છે? તું પોતે તો કેટલું કામ કરતો? એ તો હવે આવો આળસુ થઈ ગયો છે.” મનિષા પથારીમાં બેઠી જ થઈ ગઈ.
“ઓકે, મની, મારે મેચ જોવી છે. સો લે’ટસ ફરગેટ ધ ટોપિક.” કહેતા તો જય ટીવી ઓન કરી મેચમાં ખોવાઈ ગયો.
જય અને મનિષા, સુખી પતિ-પત્ની હતાં. જય એક પ્રતિષ્ઠિત કંપનીમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ અને મનિષા એક એનજીઓમાં ડાયરેક્ટર. બન્ને સમાજમા મોભાદાર વ્યક્તિત્વ ગણાય.
મુંબઈના નેપયન્સિ રોડ જેવા પોશ એરિયામા પોતાનો લક્ઝુરિયસ ફ્લેટ. અભિ અને મીત નામના બે દીકરા. સંપૂર્ણ સુખીની વ્યાખ્યામાં બરાબર ફીટ બેસે તેવો પરિવાર.
મનિષા સોશિયલ એક્ટિવિટી સાથે ખૂબ સંકળાયેલી હતી. એનો આખો દિવસ ખૂબ પ્રવૃત્તિમય રહેતો. એ પથારીમાં જ વિચારે ચડી. આ રવિવારે મધર્સ ડે છે. મારે ટીવી પર સ્પીચ આપવાની છે. મારે હજી સ્ક્રિપ્ટ તૈયાર કરવાની છે. શું લખું? મધર ટેરેસાથી શરુ કરીને આજ સુધીની બધી એમ્પાવર્ડ વિમેન વિશે તૈયાર કરી લઈશ તો વિશેષ પ્રભાવ પડશે. ઈન્દ્રા નુયી, સુનિતા વિલિયમ….
‘મોમ….મોમ’ અભિ બૂમ પાડતો રૂમમાં આવ્યો અને મનિષાની વિચારયાત્રાને બ્રેક વાગી. “મોમ,આ વખતે આપણે મધર્સ ડે ઉપર પિકનિક જઈશું. યસ, મમ્મા. મારી એક્ઝામ પુરી થઈ પછી ક્યાંય ગયાં જ નથી” નાના દિકરા મીતે પણ મોટા ભાઈ અભિને સાથ આપ્યો.
“નો વે સન, એ દિવસે તો હું બહું જ બીઝી છું. સવારે ટીવીમાં પ્રોગ્રામ છે. પછી ઘરડાઘર અને પછી અનાથાશ્રમ. મિટિંગ, મીડિયા એન્ડ ઓલ….! ટાઈમ જ નથી મારી પાસે.” મોમનો ફેંસલો આવી ગયો હતો.
“મોમ ,ઇટ્સ અ મધર્સ ડે.” બન્ને દીકરાઓએ જય તરફ આશાભરી નજરે જોયું. જય લાચાર હતો. એ જાણતો હતો કે મનિષા ક્યાંય કોઈ ફેરબદલ કરે એવી હતી જ નહીં. એ એનો સ્વભાવ જ નહોતો.
જો એ થોડી પણ સમાધાનકારી હોત તો આજે કચ્છના વાગડ જેવા નાનકડા ગામમાં એકલી રહેતી પોતાની ગોમતીમાની જગ્યા આ આલિશાન વૈભવી જીવનશૈલીની વચમાં ચાર બેડરુમના ફ્લેટમાં થઈ શકી હોત.
“એ બિઝી છે.” જય એટલું જ બોલ્યો.
“ડેડુ, હાવ્સ યોર મોમ?” અચાનક જ મીતે પૂછેલાં પ્રશ્ને જયને ઢંઢોળી નાખ્યો.
જયને મા યાદ આવી. જય ચાર વરસનો હતો અને એના પિતા કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયેલા અને પછી ક્યારેય મળ્યા જ નહીં. એમની કોઈ ભાળ કદી ન મળી.
બધી કપરી પરિસ્થિતિનો સામનો કરી ગોમતીમાએ એકલે હાથે જયને ઉછેર્યો. સી.એ. બનવાનું જયનું સ્વપ્ન પૂરું થયું, એ ગોમતીમાની સાધના જ કહી શકાય.
જયને સી.એ. કરવા મુંબઈ મોક્લ્યો ત્યારે લોકો ગોમતીમાને કહેતાં કે “મા, વર તો ખોયો જ છે. મુંબઈ મોકલીને દીકરો પણ ખોશો. ત્યારે ગોમતીમા હળવેકથી હસીને કહેતા, “નસીબ ત્યારે! “
સવારે પ્રાથમિક શાળા અને બપોર પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બેવડી જવાબદારી નિભાવી ગોમતીમાએ જયને ભણાવ્યો. મનિષા સાથે પ્રેમલગ્ન કરવાની જયની ઈચ્છાને પણ રાજીરાજી વધાવી લીધી. પોતાની કેરિયરમાં તકલીફ ન આવે માટે લગ્ન પછી સાસુને જોડે નહીં રાખવાનો જાહેર થયેલો મનિષાનો નિર્ણય પણ એટલાં જ રાજીપાથી ગોમતીમાએ સ્વીકારી લીધેલો.
પછી તો પોતપોતાની કેરિયર, અભિ અને મીતની જવાબદારી, મુંબઈની દોડધામભરી પણ ઝાકઝમાળવાળી લાઈફસ્ટાઈલમાં વાગડના ગોમતીમા તો જાણે ભુલાઈ જ ગયાં. હા, જય ક્યારેક ક્યારેક મા સાથે વાત કરી લેતો. છોકરાઓને તો એટલી જ ખબર કે દાદી એટલે પપ્પાની મમ્મી. પણ દાદી એટલે શું એ અનુભવ્યું નહોતું.
અભિને એટલું યાદ હતું કે મીતને જ્યારે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો ત્યારે કામવાળી રજા પર હતી ત્યારે દાદીને લાવવામાં આવ્યાં હતાં. ત્યારે દાદીએ પુરણપોળી બનાવી બહુ લાડથી એને જમાડ્યો હતો.
જ્યારે એણે દાદી સાથે સુવાની જીદ કરી એના બીજે દિવસે ગોમતીમાને પાછાં વાગડ મોકલી દેવામાં આવ્યા હતાં, એવું કહીને કે અહીં રહેશે તો છોકરાઓની આદત બગાડી નાખશે.
“ડેડુ, હાવ્સ યોર મોમ?” અચાનક જ મીતે પૂછેલાં પ્રશ્ને જયને ઢંઢોળી નાખ્યો.
“મજામાં જ હશે.” જવાબ આપી જય ટીવી બંધ કરી બાલ્કનીમાં બેસવા ચાલ્યો ગયો. એ જાણતો હતો કે હવે વધુ ચર્ચાને અવકાશ નથી. મનિષાએ જયની ધીમી ચાલને ધ્યાનથી ઓબ્ઝર્વ કરી.
“આપણે પછી ક્યારેક બહાર જઈશું, નોટ ઓન મધર્સ ડે.” કહીને મનિષા સૂવાની તૈયારી કરવા લાગી.
“મમ્મા, વ્હોટ અબાઉટ નાની? અજાણતાં જ બન્ને દીકરા આજે એક પછી એક તીર છોડી રહ્યાં હતા. હવે વારો મનિષાનો હતો. અભિના પ્રશ્ને એની ઊંઘ ઊડાડી દીધી.
વરસ થઈ ગયું હશે પૂના ગયે. મનિષાને પોતાની મા યાદ આવી. ‘અન્નપૂર્ણા’ નામ અને તેવા જ ગુણ. સાક્ષાત પ્રેમમૂર્તિ. મનિષા અને મલય બન્ને ભાઈબહેનનો એકસરખો ઉછેર કર્યો. મલય મનિષા કરતાં પાંચ વરસ મોટો અને વળી આગલા ઘરનો. પણ અન્નપૂર્ણાબહેન મલયને મનિષા કરતા પણ વિશેષ સ્નેહ કરતાં. ક્યારેય મલયને અહેસાસ ન થવા દીધો કે પોતે ઓરમાન મા છે.
મલય પણ એમની કાળજી રાખતો.પણ મનિષાના લગ્ન પછી જ્યારે મલય સપરિવાર અમેરિકા ગયો ત્યારે બિમાર અન્નપૂર્ણાબહેનને તે પૂના હેલ્થકેર સેન્ટરમા મુકતો ગયો. એમની આર્થિક જવાબદારી મલય જ ઉપાડતો હતો.
જય અને મનિષા શરુ શરુમાં તો નિયમિત પૂના જતા, પણ ક્રમશઃ એમની મુલાકાતો ઘટતી ગઈ. એ જ જૂનો, સમયનો જ પ્રશ્ન….!
મનિષા બેબાકળી થઈ ગઈ. જીવનની ભાગદોડમાં હું એટલી વ્યસ્ત છું કે વરસ થઈ ગયું, હું મારી માને મળવા નથી ગઈ? બીજે દિવસે સવારે મનિષા વહેલી તૈયાર થઈ પૂના જવા નીકળી. આખો રસ્તો એના મનમાં રાત્રે બાળકોએ પૂછેલાં સવાલ ઘૂંટાતા રહ્યાં.
હેલ્થ સેન્ટર આવતાં તો એની ધીરજ સાવ ખૂટી ગઈ હતી. એ કાર પાર્ક કરી હેલ્થ સેન્ટરના કાર્યાલય તરફ દોડી. મુંબઈથી સેલ્ફ ડ્રાઈવ કરીને પૂના સુધી આવ્યાનો થાક ક્યાંય ભૂલી ગઈ.
કાઉન્ટર પર બેઠેલાં બહેને જરા આશ્ચર્યથી મનિષા સામે જોયું. “અન્નપૂર્ણાબહેન દવે, મારા મમ્મી. એમને મળવા આવી છું.”
હવે મનિષા માટે ધરતીકંપ આવવાનો હતો. “અમને તો એમ કે તમને ખબર હશે કે તમારા મા હવે અહીંયા નથી રહેતાં.” પેલા બહેને ઠંડે કલેજે કહ્યું.
“વ્હોટ! નથી રહેતાં એટલે? અહીંયા જ છે. તમને ખબર છે ને કે કોણ અન્નપૂર્ણા? જરા ચેક કરો, પ્લીઝ.” મનિષા એક શ્વાસે બોલી ગઈ.
“હા, બહેન. તમારાં જ મમ્મી. એમને તો અહીંથી ગયે દસ મહિના થયાં. કોઈ એક બહેન આવ્યા હતાં એમને લેવા અને કોઈને પણ જાણ કરવાની અન્નપૂર્ણાબહેને જ ના કહી હતી.” કાર્યકર બહેને કહ્યું.
“કોણ આવ્યું હતું? ક્યાં ગયાં ?સરનામું આપો. તમે એવી રીતે તો કેમ એને મોકલી શકો?” મનિષા રડમસ થઈ ગઈ.
“સોરી મૅડમ, અમે પેશન્ટની મરજી વિરુદ્ધ કશું જ ન કરી શકીએ. એમને અહીં રાખી પણ ન શકીએ.”
મનિષાએ મલયને તરત ફોન જોડ્યો. મલય પણ સ્તબ્ધ થઈ ગયો. વધુ તો એને નવાઈ એ લાગી કે મનિષા પોતાની સગી માને જોવા એક વરસથી ગઈ નહોતી. મલય ઉકળી ઉઠ્યો. એણે ગુસ્સામાં મનિષાને કહી દીધું કે “સરખી વહુ તો ન બની, પણ દીકરી પણ ન બની શકી?”
મનિષાએ મા માટે બધે જ તપાસ આદરી પણ હતાશા સિવાય કાંઈ હાથ ન લાગ્યું. મનિષા હવે તૂટી પડી. ધીમે પગલે બહાર કાર તરફ ચાલી. અચાનક એને લાગ્યું કે એની અત્યારની ચાલમાં અને જયની ગઈકાલ રાતની ચાલમાં સામ્યતા છે. મનિષા પૂના આવી હતી એના કરતાં બમણા વેગે મુંબઈ પાછી ફરી.
બધી વાત જાણીને જય અને બન્ને દીકરા પણ ચોંકી ઊઠ્યા. અન્નપૂર્ણાબહેન કોઈને કહ્યાં વિના ક્યાં ગયાં હશે એ સવાલ સતત ધોળાતો રહ્યો.
હવે મનિષાને સાસુ ગોમતીમાનો વિચાર આવ્યો. એનું હૃદય વલોવાતું હતું. પોતાની ભૂલ સમજાવા લાગી. મનિષાએ જય પાસે કચ્છ જવાની ઇચ્છા વ્યક્ત કરી અને બાળકોને તૈયારી કરવાનું કહ્યું.
જયે કહ્યું, “મનિષા, તારા પ્રોગ્રામનું શું? આપણે પછી જઈશું”
પણ મનિષા બોલ્યા વગર જ સામાન પેક કરવા લાગી. બીજે દિવસે, એટલે કે મધર્સ ડેના દિવસે સવારે ચારેય જણ વાગડ ગામમાં ગોમતીમાનાં આંગણામાં હતાં.
મનિષા જરાક અટકાવેલી ડેલીને ધક્કો મારી “ગોમતીબા…!” બૂમ પાડી સીધી ઓસરીમાંથી રૂમમાં જ પહોંચી ગઈ. મનિષાને મનમાં હતું કે એ ગોમતીમાને સરપ્રાઈઝ આપે, પણ રૂમની અંદરનું દ્રશ્ય જોઈ મનિષા જમીનમાં જ જડાઈ ગઈ.
અંદર રૂમમાં ગોમતીમા વ્હિલચેર પર બેઠેલાં અન્નપૂર્ણામાને ખૂબ વહાલથી શિરામણનાં કોળિયાં ભરાવી રહ્યાં હતાં.
મનિષાની આંખમાંથી દરિયો ઊછળી ઊછળીને બહાર આવવા લાગ્યો. મનિષા દોડીને બન્ને માવડીનાં પગમાં પડી ગઈ. પણ મા તો મા છે. ગોમતીમાએ મનિષાને વ્હાલથી ઊભી કરી અને છાતીએ વળગાડી દીધી. ત્રણેય માની આંખમાંથી વ્હાલનો ધોધ વહી રહ્યો હતો.
આ દ્રશ્ય જોઈ રહેલા બન્ને દીકરા અને જયે પાછળ આવી મનિષાના કાનમા ટહુકો કર્યો. “હૅપ્પી મધર્સ ડૅ મૉમ!”
લેખિકાઃ ગોપાલી બુચ
gopalibuch@gmail.com
વાહ સરસ માતૃદિન મુબારક
સરસ વાર્તા છે. कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति। શંકરાચાર્યના સ્તોત્ર દેવ્યપરાધક્ષમાપન સ્તોત્રની આ પંક્તિઓ યાદ આવે. માતાને બદલે આધુનિક મોમ બને તો પણ માતૃત્વ,માતૃહ્રદય તો જાગૃત થાય જ.
સાદર આભાર હરીશભાઈ 🙏