નિયતિ કે ગતિ..? ~ શ્વસુરગૃહે જવા વિદાય લેતી કન્યાનું પિતાને સમર્પિત કાવ્ય ~ યામિની વ્યાસ
(ધ્વનિ ત્રિવેદી દ્વારા કરાયેલા કાવ્યપઠનનું ઑડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન કાવ્યના અંતે પોસ્ટ કર્યું છે.)
પપ્પા,
તમારી ડાળ પર
તમને ગમતું જે ફૂલ છે
એ
એકચુઅલી પતંગિયું છે….
એ ઊડી જવાનું છે,
એની ખબર
તમે તમારી જાતને
જાણી જોઈને
પડવા દીધી નહોતી.!
જો કે મને એની ખબર હતી
પણ
આટલું જલદી
ઊડી જવું પડશે
એની ખબર નહોતી..
હવે તમને
છોડીને જાઉં છું પપ્પા..
પરણેલી દીકરી
શ્વસુરગૃહે જ સોહે
એ
નિયતિ છે કે ગતિ?
ડૂમો ભરાયો છે તમારી આંખોમાં..
જાણું છું
હું જાઉં પછી એ આંખો ડૂસકે ચઢશે…
સમજુ છું પપ્પા.
કાલિદાસે લખ્યું જ હતું ને
કે
એક ઋષિ મહર્ષિ પિતાને પુત્રીવિદાયનું
આટલું દુઃખ છે તો
માનવ-પિતાનું શું ગજું?
પણ તમે મહર્ષિથી કમ થોડા છો?
પપ્પા, જુઓ,
દવાથી લઈ દેવસેવા
સુધીની બધી જરૂરિયાતો
માટેના કોન્ટેકટ નંબર સહિતનાં
દસ લીસ્ટ તમારી નજર પડે
એ રીતે મૂક્યા છે
અને
મારો નંબર અને હું તો
ઘરમાં ઠેર ઠેર મળી જઈશું.
પપ્પા, પ્લીઝ તમારી કાળજી
રાખજો મારે માટે..
મેં રોપેલી મધુમાલતીની વેલી સુકાય
નહીં જાય, એ કામ મારી ફ્રેન્ડને સોંપી દીધું છે.
મારા ટોમીને રમાડજો, જોકે એ જ તમને સાચવશે.
પણ પ્લીઝ, હમણા વાડામાં બાંધી દેજો
નહિ તો મારો છેડો ખેંચી રોકી લેશે…..
કોઈની પત્ની બનવાથી કોઈની દીકરી
થોડી મટી જવાય છે !!
એક ક્ષણ તો થાય છે કે અહીં જ થોભી જાઉં
પણ આંખો લૂછવી જ નથી
ઉભરાવવા દો..
છેલ્લે આખા ઘરને ભીનું જોવું છે.
જતાં જતાં હું આંગણાનાં
મનીપ્લાન્ટને ચોરી જાઉં છું
ત્યાં રોપીશ, જોઈએ
કોણ પહેલું સેટ થાય છે?
હું કે એ?
અમને બન્નેને જોવા કદી આવશોને પપ્પા?
ને
જુઓ, મારી આંગળીઓ..
સહેલીઓએ દસ દસ વીંટીઓથી સજાવી છે,
બધી જ
તમારા જમાઈરાજે ભેટ આપી છે….
એટલે દુષ્યંતની માફક એ મને ભૂલી જાય તો…
તો એક પછી એક…!
આમ તો હું આખા ભારતને
જન્મ આપી શકું એમ છું,
ને કોઈ દુર્વાસા મુનિનો શ્રાપ પણ નથી
છતાં
પતિ પત્નીને કેટલું ઓળખી શકે?
એક પિતા દીકરીને ઓળખી શકે એટલું કે
એથી વધારે?
પપ્પા, સમય રૂપી માછલી બધી જ મુદ્રિકા
એક પછી એક ગળી જશે કે પછી…?
– યામિની વ્યાસ
(કાવ્યપઠનઃ ધ્વનિ ત્રિવેદી – સાભાર.)