કેક્ટસના જંગલમાં ~ મૈથિલી વાર્તા ~ મૂળ લેખકઃ શ્રી પ્રદીપ બિહારી ~ અનુવાદઃ ગિરિમા ઘારેખાન
(લેખક પરિચયઃ બિહાર રાજ્યની સંસ્કૃતિને ઉજાગર કરતી, શ્રી પ્રદીપ બિહારી લિખિત મૈથિલી વાર્તાઓના સંગ્રહ, “સરોકાર”ને દિલ્હી સાહિત્ય એકેડમીએ સન્માનિત કરીને પ્રકાશિત પણ કર્યું છે. પ્રદીપજીની આ વાર્તાસંગ્રહની વાર્તાઓને ગુજરાતીના પ્રખર લેખિકા ગિરિમાબહેન ઘારેખાને ખૂબ સુઘડતાથી ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે.
એમની આ વાર્તાઓ છથી સાત ભાષાઓમાં અનુવાદિત થઈ છે. આજે આપણે ગિરિમાબહેન દ્વારા અનુવાદિત મૈથિલી વાર્તા, “કેકટસના જંગલમાં” વાંચીશું. )
કેટલાય દિવસથી વિચારું છું કે એક સરસ વાર્તા લખું, પણ લખાતી જ નથી. કેવી રીતે શરૂ કરું અને ક્યાં એનો અંત લાવું એ નક્કી જ નથી કરી શકતો. લખવા બેસું, વિચારું, પછી કાગળ ને પેન ઊંચા મૂકી દઉં છું.
પણ ના, આવી રીતે થોડું કામ ચાલે? કંઈ ને કંઈ તો લખતાં તો રહેવું જ પડે ને? ફરીથી કાગળ, પેન લઈને વિચારોમાં ડૂબી જઉં છું. યોગ્ય પરિવેશ અને પાત્રની શોધ માટે મંથન કર્યા કરું છું. એ જ વખતે મા નો ઊંચો અવાજ કાને પડે છે, ‘મને તો એવું લાગે છે કે આખી ઓફિસનો ભાર તારા માથે જ છે. આમ ઓફિસથી આટલો મોડો આવીશ તો કેવી રીતે ચાલશે?’
મને લાગ્યું કે માથા ઉપર જાણે મોટો પથ્થર ફેંકાયો. હૃદય ઉપર ભાર આવી ગયો. મારા મોંમાંથી પણ નીકળી ગયું, ‘કેમ, મારા વહેલા આવવાથી શું થઇ જવાનું છે?
‘ધૂળને ઢેફાં. બીજું શું?’
‘એટલે? ‘
‘શાક બાક લાવી આપીશ કે રોટલી મીઠાની સાથે ખાઈ લેવાની છે?’
‘સમજી ગયો. બીજું કંઈ કામ છે?’
‘ઘઉં પણ ઘંટી પર ગયા નથી.’ વક્રોક્તિ કાનમાં વાગી.
‘કેમ?’
‘એવું છે ને કે ઘઉંને પગ નથી હોતાં કે જાતે ચાલીને ઘંટી સુધી જાય.’ પત્ની વ્યંગમાં બોલી.
સામે સાસુએ વહુ ઉપર વ્યંગબાણ ફેંક્યું, ‘ઘઉં પૈસા વગર તો કોઈ દળી આપતું નથી ને? આ તો ‘નાચવું નહીં ને આંગણું વાંકું ’ – કહેવત બોલતી બોલતી મા રૂમની બહાર નીકળી.
‘મારે તો કંઈ બોલવું જ ના જોઈએ. જે થતું હોય એ થાય, મારે કેટલા ટકા? મારું પેટ તગારું તો નથી જ ને કે- – ’
હું ઝડપથી રૂમની બહાર નીકળી ગયો. ત્યાં ઊભો રહ્યો હોત તો પત્ની કેટલું ય આડું તેડું સંભળાવી દેત.
મને બહાર નીકળતો જોઇને પત્નીએ એક પણ વાર પૂછ્યું ય નહીં કે ક્યાં જાઓ છો અને કેમ જાઓ છો..
હું જાણતો હતો કે કુટુંબના માણસો મારાથી નારાજ હતાં કારણ કે હું એમની બધી જરૂરિયાતો પૂરી ન હતો કરી શકતો. પણ હું બધાની ઈચ્છાઓ કેવી રીતે પૂરી કરું? ટૂંકા પગારમાંથી માણસ કેટલું કરી શકે?
એક દિવસ મારી પત્નીએ મને ટોણો મારતાં કહ્યું હતું, ‘લોકો એવું કેમ કહેતા હશે કે સાહિત્યકારો બહુ લાગણીશીલ હોય? મારા ખ્યાલથી તો એ લોકો જરા ય લાગણીશીલ હોતાં નથી. એમનું હૃદય તો પથ્થર જેવું હોય છે. એ લોકો પોતે જ પોતાના સુખને ભસ્મ કરી નાખતાં હોય છે.’
એ દિવસે હું ચૂપ જ રહ્યો હતો. એને કેવી રીતે સમજાવું કે મજબૂરી ભલભલા માણસને મહાત્મા બનાવી દે છે.
થોડા દિવસોથી મને એવું પણ લાગવા માંડ્યું છે કે મારું ઘર મારે માટે જાણે એક અજાણી જગ્યા હોય. ઘરમાં પોતાપણા જેવું કંઈ રહ્યું જ ન હતું. થોડો આનંદ મેળવવા હું ઘરની બહાર નીકળી જાઉં છું. બહાર નીકળતાં જ મનમાં વાર્તાનું કથાવસ્તુ, આલેખન, પરિવેશ અને પાત્રો મનમાં રમવા માંડે છે. મન એમાં જ રમમાણ થઇ જાય છે.
એ જ વખતે ચાર રસ્તા ઉપર ઊભેલા ટ્રાફિક પોલીસ ઉપર નજર પડે છે. સડક ઉપર ફૂલ સ્પીડમાં દોડતી એક ટ્રક પોલીસ પાસે આવીને ઊભી રહી જાય છે. પોલીસનો હાથ ઊંચો જાય છે, ડ્રાઈવરનો હાથ ટ્રકની બહાર નીકળે છે. બંનેના હાથ મળે છે અને પોલીસની મુઠ્ઠી બંધ થાય છે. ટ્રક આગળ ચાલવા માંડે છે.
પોલીસ એની મુઠ્ઠી ખોલે છે અને એમાં મૂકાયેલ વસ્તુને રસ્તા ઉપર ફેંકી દે છે. એને ગુસ્સો આવ્યો છે. જોરથી ગળું ખંખેરીને કફનો એક મોટો ગળફો એ સડક ઉપર થુંકે છે.
હું એણે ફેંકેલી વસ્તુ ઉપાડીને જોઉં છું અને પોલીસને આપતાં કહું છું, ‘લો ને ! ફેંકી કેમ દીધી?’
એ મારી સામે ટીકી ટીકીને જોયાં કરે છે. કૈંક વિચારમાં પડી જાય છે. પછી બોલે છે, ‘એ ટ્રકવાળો પાછો આવે તો ખરો! એના બાપને યાદ ના કરાવી દઉં તો મારું નામ બદલી નાખીશ. લુચ્ચો સાલો, છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ એને તો!’
‘આટલો બધો ગુસ્સો કેમ આવે છે તમને?’
‘અરે જોતાં નથી? હાથમાંની નોટને બતાવતાં એ બોલ્યો, ‘આવી ફાટેલી એક રૂપિયાની નોટ પધરાવી ગયો સાલો. રદ્દી આપીને મારી જોડે છેતરપીંડી કરી!’
‘રાખી લો સાહેબ. નોટ તો ચાલી જશે.’
‘તમે બી કેવી વાત કરો છો? આનાથી પણ ઓછી ફાટેલી બે રૂપિયાની નોટ પણ કાલે ન’તી ચાલી.’
‘એક રૂપિયાની નોટ તો ગમે તેટલી ફાટેલી હોય તો પણ ચાલી જાય છે.’
‘એવું કેમ?’
મને કહેવાનું મન તો થયું કે કારણ તો તમે જાણો જ છો, પણ બોલી ના શક્યો. એટલામાં ત્યાં બીજી ટ્રક આવી ગઈ અને પોલીસવાળો એમાં વ્યસ્ત થઇ ગયો.
હું સડક ઉપર આગળ ચાલવા માંડ્યો. વાર્તાનું બંધારણ મનમાં આકાર લેવા માંડ્યું હતું.
થોડે આગળ ચાલુ છું ત્યાં એક મિત્ર મળી ગયો. કોંટ્રાકટર છે. એ એટલો બધો ખુશ દેખાય છે કે હું પૂછી જ લઉં છું, ‘ ઓહો! શું ચાલે છે?’
‘બધું સરસ ચાલે છે દોસ્ત. બહુ જ સરસ. અત્યારે એન્જીનીયર સાહેબને ઘેરથી જ ચાલ્યો આવું છું.’
‘એમનું શું કામ હતું?’
‘એ તો એક ટેન્ડર માટે–’
‘કામ થઇ ગયું ને?’
‘હા હા, કામ તો થઇ જ જાય ને? કોઈ મફતમાં થોડું કામ કરે છે?’
એ સાંભળીને મારો વાર્તા લખવાનો ઉત્સાહ મૃત:પાય થઇ જાય છે. મનમાં ઊઠેલો એક પ્રશ્ન હૃદયને બેચેન કરી નાખે છે – એવો પ્રશ્ન જેનો જવાબ મને મળતો નથી પણ એ મનને એક પીડા જરૂર આપી જાય છે.
થોડા દિવસ પહેલા મારા ભાણેજે મને પૂછ્યું હતું, ‘મામા, લોકોને ‘કારકુન સાહેબ, જમાદાર સાહેબ, પટાવાળા સાહેબ, એવું કહેતાં સાંભળું છું. કોઈને ક્યારેય ‘લેખક સાહેબ’ કે ‘કવિ સાહેબ’ એવું બોલતા નથી સાંભળ્યા. એવું કેમ?’
હું એ વખતે ચૂપ જ રહ્યો હતો.
****
રાત આગળ વધી રહી હતી. પત્ની પથારી ઉપર ચૂપચાપ સૂતેલી છે. દીકરો ઊંઘમાં નસકોરાં બોલાવતો હતો. હું પણ ભીંતને અઢેલીને કૈંક વાંચી રહ્યો છું. મૌનનું સામ્રાજ્ય છવાયેલું છે. એ શાંત વાતાવરણમાં દીકરાના નસકોરાંનો અવાજ વધારે પડઘાય છે.
‘સાંભળો છો–?’ પત્ની પૂછે છે.
‘ – – – ’
‘નથી સાંભળતા?’
‘હું ચૂપ જ રહું છું. એ ચાર પાંચ વાર મને એનો એ જ સવાલ કરતી રહી. હવે મને ગુસ્સો આવે છે. હું જોરથી મારી પ્રતિક્રિયા આપું છું, ‘તને ખબર તો છે કે કોઈ વાંચવામાં ખલેલ પહોંચાડે એ મને જરા ય નથી ગમતું.’
હું પાછો ચોપડીમાં આંખો ખોસી દઉં છું.
એ નારાજ થઈને બોલવા માંડે છે, ‘ઓહો! આવ્યા મોટા ભણેશ્રી. પહેલેથી આવા જ ભણેશ્રી હોત તો ડોક્ટર બોક્ટર ના બની ગયા હોત?’
‘તું કહેવા શું માંગે છે?’
‘શું તમે સમજતા નથી?’
‘શું—?’
‘દીકરો દવા વિના મરી જશે ત્યારે સમજશો?’
‘આમ ગાંડું ઘેલું કેમ બોલે છે?’
‘હા, હું ગાંડી થઇ ગઈ છું.’ એ એકદમ જ ઉશ્કેરાઈને બોલવા માંડી, ‘મારું તો ફટકી જ ગયું છે. પણ મારી આવી હાલત કરી કોણે? તમે જ ને? તમારા કારણે જ મારા બધાં દાગીના પણ વેચાઈ ગયા ને?’
‘હા, હા, મારે લીધે જ તારી આવી હાલત થઇ છે.’ મેં જવાબ આપ્યો, ‘અને હું તો બહુ સુખશાંતિવાળું જીવન જીવું છું, એમ જ ને?’
‘’મેં એવું ક્યાં કીધું છે?’
‘તો તું બીજું કહે છે પણ શું?’
‘તમે મુન્નાની દવા લાવવાનું ક્યાં સુધી ટાળ્યા કરશો?’
‘હું ક્યાંથી લાઉં? પગાર તો જેવો આવે છે એવો જ ખલાસ થઇ જાય છે.’
‘પણ ગમે તે રીતે એની વ્યવસ્થા તો તમારે જ કરવી પડશે ને? એ હું તો નહીં કરી શકું ને?’
‘મને તો કંઈ સૂઝતું નથી.’ આટલું બોલીને હું ચોપડીનું પાનું ફેરવીને પાછું વાંચવાનું ચાલુ કરી દઉં છું.
‘કાલે પટણાથી જિજાજી આવવાના છે.’
‘કેમ?’
‘મા ને લઇ જવા માટે. અને હા, મા કહેતા હતા કે એને માટે થોડીઘણી સગવડ કરવી પડશે.’
‘શેની સગવડ?’
દીકરીને ઘેર ખાલી હાથે થોડું જવાય? કપડાં લત્તા, મીઠાઈ—
‘પટણા જવાની કોઈ જરૂર નથી.’ હું એની વાત પૂરી નથી થવા દેતો. ‘મારાથી એ બધું થઇ શકે એમ નથી.’
અરે, ના જાય તો કેવું ખરાબ લાગે? લવલી [મારી બેન] બીમાર છે એટલે તો મા ને બોલાવ્યા છે. બધું બરાબર જ હોત તો થોડી બોલાવત?’
‘એ બધું સારું- ખરાબ – કેવું લાગે એની વાત મારી પાસે ના કરીશ.’ મારું મગજ ફાટફાટ થતું હતું. ‘મને લાગે છે કે હું ગયા જનમનો તમારા બધાનો દેણદાર છું. તમારી વસૂલાત કરવા કરવા માટે જ મા, પત્ની, દીકરો બનીને આમ મારે માથે ચડી બેઠાં છો.’
હું રૂમની બહાર નીકળીને વરંડામાં જતો રહું છું. એક અજબ બેચેની મને વીંટળાઈ વળે છે. થોડી વાર પછી મને લાગે છે કે પત્ની હવે સૂઈ ગઈ હશે. એટલે પાછો અંદર જાઉં છું. પણ અંદર જતાં જ એનું વ્યંગ ભરેલું હાસ્ય મારા કાને અથડાય છે. એના હાથમાં મારી ડાયરી છે.
‘ વાહ! શોષણ રહિત સમાજની કલ્પના! શોષણમુક્ત વ્યક્તિના સપનાં! મજૂરો પર માલિકના અત્યાચાર બંધ થઇ જાય! કોઈ વ્યક્તિ પોલીસના અત્યાચારનો શિકાર ન બને!’
એ આગળ ચલાવે છે, ‘એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિ ઉપર થતાં અત્યાચારની વાતો તો લખી છે, પણ લખતી વખતે એ યાદ ના આવ્યા જે પોતાનાનું જ શોષણ કરે છે?’
પત્નીના ચહેરા ઉપર દ્રઢતાની રેખા ઉપસી આવી છે.
હું આંખોમાં પ્રશ્ન ભરીને એની સામે જોઈ રહું છું.
‘સાચું જ કહું છું.’ એ ડાયરી અને પુસ્તક બતાવીને બોલે છે, ‘જો તમારું મન આમાં જ પરોવાયેલું હતું તો પરણવાનો, પરિવાર રાખવાનો શોખ ન હતો કરવો ને! કુટુંબ જેવું કંઈ હોત જ નહીં અને સાહિત્યનું સર્જન કર્યા કરત. એક સાથે બે ઘોડા ઉપર સવારી કેમ કરી?’
હું ચૂપચાપ ઊભો રહ્યો છું. જાણે કોઈ અદ્રશ્ય શ્રોતા સાથે વાત કરતી હોય એવી રીતે એનું બોલવાનું ચાલુ છે’ – ‘આની ઓફિસમાં બીજા માણસો પણ છે, અને બધાં કેવી મોજ-મસ્તીથી રહે છે! પણ આ તો મોટી સિધ્ધાંતની પૂંછડી ! “ખોટું કામ નહીં કરું.” હું પૂછું છું છે કે મોમ્પાસા, ગોર્કી, યાત્રી [નાગાર્જુન] અને રાજકમલની ચોપડીઓએ તમને આટલું જ શીખવાડ્યું?’ થોડી વાર શ્વાસ ખાઈને પાછી આગળ ચલાવે છે, ‘ઓફિસરોની ચાપલુસી ના કરો તો પછી ભોગવો! વધારાની આવક એમનેમ તો ના થાય ને?’
હું પાછો વરંડામાં જતો રહું છું.
****
પત્નીનો એક માત્ર બચેલો સોનાનો ચેઈન લઈને હું આલોક શેઠની દુકાન તરફ જઈ રહ્યો છું. પત્ની મારા હાથમાં આ ચેઈન મૂકતી હતી એ ક્ષણ મને યાદ આવે છે. એનો હાથ ધ્રૂજતો હતો. આંખો છલકાઈ ઊઠી હતી. વાતાવરણ એકદમ ભારે થઇ ગયું હતું. મારું મન કહેતું હતું કે માતૃત્વનો આનાથી સારો બીજો કોઈ દાખલો હોઈ ના શકે. હવાઓ પણ જાણે બોલતી હતી કે ‘સાહિત્યકારમાં લાગણી ઓછી, નિસ્પૃહતા વધારે હોય છે.’
આલોકશેઠની દુકાનમાં બેસવાની પાંચ -છ જગ્યા છે. હું બીજા લોકોની સામે જોયા વિના એક ખૂણામાં જઈને બેસી જાઉં છું. મન ગ્લાનિથી ભરાઈ આવ્યું છે. મને લાગે છે કે મારું નોકરી કરવાનું નિરર્થક જ છે. મારે માટે તો નોકરી ને બેકારી-બધું સરખું જ હતું.
આલોક શેઠ કોઈ ઘરાક સાથે ભાવતાલ કરવામાં પડ્યા છે. ‘એટલા બધા પૈસા નહીં મળે. થોડા ઓછા મળશે.’
‘ના શેઠ, તમારા પગે પડું.’ યાચના કરતો એક મજૂર વિનવણીના સૂરમાં બોલી રહ્યો હતો, ‘તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું, શેઠ.’
‘મેં તને જે કીધું એ સાંભળ્યું નહીં?’
‘દયા કરો શેઠ. મહેરબાની કરીને એટલા પૈસા તો આપો કે એમાંથી હું દવા લાવી શકું! લાચારી છે એટલે તો આવ્યો છું.’
‘જેટલી વસ્તુ આપશો એ પ્રમાણમાં જ પૈસા મળશે.’
આ બધાની વચ્ચે મારું ધ્યાન ડોક્ટર સાહેબ તરફ જાય છે. એ આલોક શેઠ સાથે કૈંક વાત કરી રહ્યાં છે. હું સાંભળ્યા કરું છું.
બાજુમાં બેઠેલો એક માણસ બીજાના કાનમાં કહી રહ્યો છે, ‘ડોક્ટર પાસે તો કેટલો પૈસો છે! ડોકટરીમાંથી કમાય અને આવી રીતે વ્યાજના પણ કમાય.’
‘શું કરીએ ભાઈ?’
‘ઓછામાં ઓછા દવા અને દર્દી માટે ફળ વગેરે થોડું સારું ખાવાનું લાવી શકું એટલા તો આપો! આ દર્દીને તો તમે જુઓ જ છો. કેવા જીવલેણ રોગથી પીડાઈ રહ્યો છે!’
એના હાથમાંની વસ્તુઓ જોઇને ડોકટર કહે છે, ‘આટલામાંથી તો દવા લાવવાના પૈસા પણ ના આપી શકાય. હજી બીજું કૈંક જોઇશે.’
‘મારી પાસે આનાં સિવાય બીજું કંઈ નથી, શેઠ, જે છે એ આજ છે.’
‘સારું, તો આના બદલામાં જેટલા થતાં હોય એટલા પૈસા આપી દઉં?’
‘પણ આપ તો કહો છો ને કે એટલામાંથી દવા પણ ન આવે! ઓછામાં ઓછા દવા જેટલા પૈસા તો આપો!’
હવે યાચનામાં પીડા ભળી રહી હતી.
‘હું શું ગયા જનમનો તારો દેણદાર છું કે એમ જ, મારા ઘરના પૈસા તને આપી દઉં?’
ડોક્ટરને હવે ગુસ્સો આવ્યો છે.
એમના કર્કશ શબ્દો સાંભળીને યાચક ડઘાઈને પથ્થર જેવો બની જાય છે.
હવે હું ત્યાં બેસી નથી શકતો. એકદમ ઊઠીને ઘર તરફ ચાલવા માંડું છું. વીજળીના ચમકારાની જેમ ડોક્ટરનું નામ સ્મૃતિમાં ઝબકી જાય છે- ડૉ સુલોક અગ્રવાલ-નાક, ગળા કાનના તજજ્ઞ. હું ખાંસીને ગળું સાફ કરું છું અને ઘૃણાથી મોંમાં આવેલા ગળફાને સડક ઉપર થૂંકી દઉં છું.
હવે હું વાર્તા લખવાની શરૂઆત કરું છું – ડોક્ટર તો ઘણા હોય છે, પણ આવા —.
[રચનાકાળ – ૧૯૮૬ ]