“એવી ને એવી જ..!” (લઘુકથા) ~ ગિરિમા ઘારેખાન

(માતૃદિન હમણાં જ ગયો. આ લઘુકથા વાંચીને, સાંભળીને થયું કે માતૃત્વ ક્યાં એક દિવસ પૂરતો જ ઉજવીને આવતા વરસ સુધી ઉજવવાની રાહ જોવાની વાત છે? મા હોવું, એ તો હયાતીનો સતત ઉજવાતો ઉત્સવ છે. આજે આ લઘુકથા એની પ્રતીતિ કરાવી ગઈ અને આથી જ આજે એને આપ સહુ વાચકો સાથે વહેંચી રહ્યાં છીએ. – સંપાદક)

બહુ વિચાર કર્યા પછી મેં મારા બધા વાળ કપાવી નાખવાનો નિર્ણય લીધો હતો. બધા એટલે બધા જ- સાવ મુંડન જ. મારે માટે એ નિર્ણયને અમલમાં મૂકવાનું મુશ્કેલ તો હતું જ.

નાનપણથી મારા વાળ બહુ સુંદર હતા, લાંબા, લીસા અને ભરાવદાર. બહેનપણીઓ મારા વાળની મીઠી ઈર્ષા કરતી. લગ્ન પછી સુમિત તો હું માથું ઓળતી હોઉં ત્યારે મારા વાળ સામે જોઈ રહેતો અને પછી કહેતો, ‘લોકો ચોટલાને નાગ સાથે કેમ સરખાવતા હશે એ તો તારો ચોટલો જોઈએ ત્યારે સમજાય.’

મારો દીકરો નમન પણ ક્યારેક મસ્તીમાં મારી પાછળ પાછળ મારો ચોટલો પકડીને ચાલતો. સ્વાભાવિક છે કે હું પણ મારા વાળને ખૂબ જ પ્રેમ કરતી હતી. પણ ડાબા સ્તનમાં દેખાયેલી એક ગાંઠ અને પછી ચાલુ થયેલી કેમોથેરાપીની સારવારે મારા વાળને મારી જેમ જ મૂળમાંથી હલાવી નાખ્યા હતા.

ડોકટરે સમજાવ્યું હતું કે મારો રોગ બહુ જલદી પકડાઈ ગયો હતો એટલે સો ટકા મટી જ જવાનો હતો. તો પણ એક અજાણ્યો ભય મને રાતોની રાતો સુધી સૂવા ન હતો દેતો. પાછું જેટલી વાર હું પથારીમાંથી ઊઠું એટલી વાર ઓશીકાની ઉપર મારા ખરેલા વાળની ચાદર પથરાયેલી જોતી.

એ વખતે તો કેમો કરતાં પણ મારી પીડા વધી જતી. છેવટે હું એક સાથે જ બધા વાળ કઢાવી નાખવાના નિર્ણય ઉપર આવી હતી-આ રોજરોજની પીડામાંથી તો છૂટું! ડોકટરે આશ્વાસન તો આપ્યું જ હતું કે અમુક સમય પછી યોગ્ય સારવારથી વાળ પાછા ઊગી જતા હોય છે.

હું વાળ કપાવીને ઘેર ગઈ ત્યારે મને સહુથી વધુ ચિંતા મારા નમનની હતી. એની લાંબા વાળવાળી મમ્મીને આમ સાવ વાળ વિનાની જોઇને એને કેવું લાગશે? એનો પ્રતિભાવ કેવો હશે? ચાર વર્ષનું બાળક-એને સમજાવી પણ શું શકાય?

હું ઘેર ગઈ ત્યારે નમન કમ્પાઉન્ડમાં જ રમતો હતો. મને જોઇને એ હમેશની જેમ મને વળગી પડ્યો. હાશ! ઓળખી તો લીધી! બાકી પાર્લરમાં તો અરીસામાં જોઇને જાણે હું જ મારી જાતને ન હતી ઓળખી શકી.

ચૂમીઓથી નવડાવતી હું નમનને તેડીને ઘરમાં લઇ ગઈ અને સોફામાં બેસીને એને મારા ખોળામાં બેસાડી દીધો. હું  ધીરે ધીરે એના વાળમાં હાથ ફેરવતી રહી. થોડી વાર પછી એણે મારી ડોકમાં એના હાથ પરોવી દીધા અને મારા ગાલ ઉપર મસ્ત પપ્પી કરીને એકીટસે મારી સામે જોઈ રહ્યો.

આ જ તો એ પળ હતી જેનો મને ડર હતો. એ કંઈ બોલે એ પહેલા મેં જ નમનને કહ્યું, ‘મમ્મી પાછી હતી એવી જ થઇ જશે હોં બેટા!’

એની આંખોમાં આશ્ચર્ય ડોકાયું. પછી બોલાયેલા એના શબ્દોમાં પણ એટલું જ આશ્ચર્ય હતું, ‘પણ મમ્મી, તું હતી એવી ને એવી જ તો છે!’

ક્યાંકથી ઠંડી હવાની લહેરખી આવી અને મારા ન ઊગેલા વાળ હવામાં લહેરાવા માંડ્યા.

~ ગિરિમા ઘારેખાન

Leave a Reply to Apurva RughaniCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. ‘ ક્યાંકથી ઠંડી હવાની લહેરખી આવી અને મારા ન ઊગેલા વાળ હવામાં લહેરાવા માંડ્યા. ‘

    વાહ, ખૂબ જ અસરકારક ! આવાં વાક્યો લખાતાં નથી હોતા પરંતુ સ્ફૂરતાં હોય છે. આ પણ કુદરતની એક પ્રકારની કૃપા છે…. હેમંત કારિયા