|

નિસબત ~ મૈથિલી વાર્તા ~ મૂળ લેખકઃ પ્રદીપ બિહારી ~ અનુવાદઃ ગિરિમા ઘારેખાન

(લેખક પરિચયઃ બિહાર રાજ્યની સંસ્કૃતિને ઉજાગર કરતી, શ્રી પ્રદીપ બિહારી લિખિત મૈથિલી વાર્તાઓના સંગ્રહ, “સરોકાર”ને દિલ્હી સાહિત્ય એકેડમીએ સન્માનિત કરીને પ્રકાશિત પણ કર્યું છે. પ્રદીપજીની આ વાર્તાસંગ્રહની વાર્તાઓને ગુજરાતીના પ્રખર લેખિકા ગિરિમાબહેન ઘારેખાને ખૂબ સુઘડતાથી ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. એમની આ વાર્તાઓ છથી સાત ભાષાઓમાં અનુવાદિત થઈ છે)

નિસબત

સુનરાના ડરથી માત્ર ચંડાળો જ નહીં, પંડા પણ ડરેલા રહેતા હતા. બધાં એકી અવાજે એક જ વાત કહેતા હતા – સુનરા બધાનાં પેટ ઉપર લાત મારે છે. એની વિરુદ્ધ કેટલીય વાર એ બધાં ભેગા પણ થયાં, પણ સુનરો તો સાવ બેફિકર.

એ તો એકદમ નિડર છે. એને કંઈ થતું ય નથી- નથી બળી જતો, નથી ડૂબી જતો, નથી મરી જતો. પોલીસ પણ એને નથી પકડતી. કેટલીય વાર ગંગાના વચ્ચેના પ્રવાહ માંથી બચીને આવી ગયો છે. ગંગા પણ એને સ્વીકારતી નથી.

પંડાઓ અને ચંડાળો બધાં એનાથી ત્રાસેલાં છે. એક વાર એ લોકોએ સુનરાના પિતાજીને પણ ફરિયાદ કરી હતી કે એ પોતાના દીકરાને સંભાળે. જો સરકારને પણ કંઈ વાંધો નથી, તો ઘાટ ઉપર લાશના અગ્નિદાહને રોકવાવાળો સુનરા વળી કોણ છે? ઘાટ ગંદો થવાની ચિંતા એને એકલાને જ છે?

પંડાને તો તોય ઠીક છે. એ લોકો તો વ્રત રાખવાવાળા અને ગંગાસ્નાન કરવાવાળાને સંકલ્પ મૂકાવીને, ગૌદાન કરાવીને, પિંડદાન કરાવીને, કે એવી બીજી કોઈ રીતે કામ મેળવી લે છે. માત્ર મૃતકના અંતિમ સંસ્કાર વખતની એમની આવક ઓછી થઇ ગઈ છે.

સુનરા તો એના બાપનુંય નથી સાંભળતો. બાપ પોતે જ એના ડરથી ભાગતો ફરે છે. એને માટે તો દીકરો જાણે અસ્પૃશ્ય થઇ ગયો હતો.

સુનરા મૃતદેહને અગ્નિ આપવાવાળો અડધો બળેલો વાંસ લઈને એક ઘાટ ઉપરથી બીજા ઘાટ ઉપર ફર્યા કરતો. જેવી લાશને ઘાટ ઉપર લાવવામાં આવે કે કે તરત જ એ એની આડશ બનીને ઊભો રહી જાય અને લોકોને કહે, ‘અહીં કેમ? ઇલેક્ટ્રિક સ્મશાન તો ત્યાં છે. લાશને બાળવા માટે ત્યાં જાઓ.’

પછી વાદવિવાદ ચાલુ થઇ જાય. ચંડાળો ભેગા થઇ જાય, ‘તું કોણ છે ના પાડવાવાળો? માલિકને જેમ કરવું હોય એમ કરશે. લાશને ગંગાસ્નાન કરાવાશે અને પછી દાહ અપાશે. ચંડાળ પાસેથી અગ્નિ લીધા વિના મૃતદેહનું કલ્યાણ કેવી રીતે થાય? તું કોણ-?’

આ સાંભળીને સુનરા કાળઝાળ થઇ જાય છે. અડધો બળેલો વાંસ બતાવીને કહે છે, ‘વધારે બોલશો તો આ વાંસ નીચેથી ઘૂસાડીને મોંમાંથી બહાર કાઢીશ. આખા ઘાટને પ્રદૂષિત કરી નાખ્યો છે. લોકો ગંગાસ્નાન કરવા આવે તો ન્હાય ક્યાં? તમારા- – ?’

મૃતદેહ લાવવાવાળા ડાઘુઓ પણ મૂંઝવણમાં પડી જાય છે. ઘણા સાંભળે છે, પણ માનતા નથી.

આ વિસ્તારમાં આ એક જ સ્મશાન ઘાટ છે સિમરિયા ઘાટ. અહીં ગંગા દક્ષિણ તરફ વહે છે – પવિત્ર, મહિમામયી  અને કરુણામયી ગંગા. મુંડન, જનોઈ, વગેરે વિધિઓ અહીં જ થાય છે. કારતક મહિનામાં તો આખો મહિનો સ્નાન, ધ્યાન, પૂજા, ચાલુ રહે.
***
એક વાર મારે એક અંતિમક્રિયામાં ભાગ લેવા માટે જવાનું હતું. ઘરના વડીલે નિર્ણય લઇ લીધો હતો કે અગ્નિદાહ ઇલેક્ટ્રિક સ્મશાનમાં જ આપવાનો હતો. એટલે સુનરા સાથે દલીલબાજી થવાની મને કોઈ ફિકર ન હતી. મેં એના વિષે સાંભળ્યું હતું અને એક વાર એને મળવાની ઈચ્છા હતી.

ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં અગ્નિદાહ આપવાનો મારે માટે આ પહેલો પ્રસંગ હતો. અહીં આ ક્રિયા કરવાથી કયા લૌકિક સંસ્કાર કેવી રીતે થાય છે એ જાણવા માટે હું ઉત્સુક હતો.

ઘાટથી નીચે ઉતરતાં જ સુનરાએ રોક્યા. પણ મૃતકનો ભત્રીજો બોલ્યો, ‘ફિકર ના કરો. મૃતદેહને વીજળીના સ્મશાનમાં જ લઇ જવાનો છે. બસ કાકાને ગંગાસ્નાન કરાવી લઈએ.’

મેં સુનરાને જોયો. થોડો અધીરો લાગ્યો. દાઢી મૂછ અને વધેલા વાળને લીધે એનો દેખાવ ભયંકર લાગતો હતો. ઊંચો -પહોળો યુવાન અને હાથમાં અડધો સળગેલો વાંસ .

સુનરાને લાગ્યું કે જાણે કોઈએ એના જેવી વાત કરી. એ અમારી સાથે જ આવ્યો. મૃતદેહ લાવવામાં આવ્યો. ગંગાની મધ્ય ધારામાંથી માટીના વાસણમાં પાણી લાવીને મૃતદેહને સ્નાન કરાવવામાં આવ્યું. કપડાં પહેરાવવામાં આવ્યાં. એના પછી વિવાદ ચાલુ થયો.

ચંડાળે કહ્યું, ‘તમે તો મોટા માણસો છો – રીફાઈનરીના માણસો. આજે તો આગની કિંમત પાંચસો રૂપિયાથી ઓછી ના થાય.’

સુનરા એમને વઢવા માંડ્યો, ‘વીજળીથી કરવાનું છે, તમારી આગની જરૂર જ શું છે?’

મૃતકના ભાઈ ચૂપ હતા. એમના માનવા પ્રમાણે આ નિર્ણય પહેલા નહોતો લેવાયો. એમનાથી રહેવાયું નહીં, ‘તમે લોકોએ બધાં સંસ્કારોને તિલાંજલિ આપી દીધી છે. ધર્મશાસ્ત્ર લખવાવાળા કંઈ મૂરખા ન હતા. મુખને અગ્નિ આપ્યા પછી જ લાશને અગ્નિ અપાય. અહીં મુખાગ્નિ આપીને લઇ જજો વિદ્યુત સ્મશાનમાં. મર્યા પછી પણ તમે લોકો ભાઈને શાંતિ નહીં લેવા દો.’

સુનરાએ ગુસ્સાથી એમની સામે જોયું. બોલનાર ચૂપ થઇ ગયા. સુનરાએ કહ્યું, ‘ત્યાં એ બધી વ્યવસ્થા છે. અહીં લાવવાની જ જરૂર ન હતી. ત્યાં જ લઇ જાઓ.’

ત્યાં સુધીમાં થોડા બીજા ચંડાળો ત્યાં આવી ગયા. એમાંથી એક સ્ત્રીએ કહ્યું, ‘આ ઘાટ ઉપરથી લાશ નહીં ઉપાડાય. આ મારો ઘાટ છે. લાશને અહીં જ સળગાવાશે.’

બીજો ચંડાળ બોલ્યો, ‘લઇ જાઓ મશીન ઉપર, લઇ જાઓ. સરકારી પહોંચ લેજો. ત્યાં સુનરાનો બાપ ભોલાબા છે ને, એ છેલ્લે રાખ આપતી વખતે એકાવન રૂપિયાથી એક પૈસો ય ઓછો નહીં લે.

એક રૂપિયો પણ ઓછો આપો તો કહેશે- – .’ અને ચાળા પડતો હોય એમ નાટકીય રીતે બોલ્યો, “આ ભોળો ચંડાળ એકાવન રૂપિયામાં ખુશ થાય છે સાહેબ – એનાથી એક રૂપિયો ન ઓછો, ન વધારે.”’ પછી સહેજ વાર અટકીને બોલ્યો, ‘આ સાલા સુનરાને શું છે? બાપ કમાઈને આપે છે. બીજું કોઈ ભોગવવાવાળું છે નહીં. એનો છિનાળ ભાઈ દલાલી કરે છે. લાશને અહીં બાળવામાં આવે તો એ ભોલાબાને રૂપિયા કોણ આપે?’

આટલું સાંભળતા તો સુનરા એની ઉપર તૂટી પડ્યો. કોઈ એને રોકે એ પહેલા તો એ ચંડાળને એણે અધમુઓ કરી નાખ્યો હતો.

લોકો માત્ર બોલતાં રહ્યાં, કોઈએ એને છોડાવ્યો નહીં. ચંડાળ ચૂપ થઇ ગયો. હાંફતો હાંફતો સુનરા બોલ્યો, ‘પૂછજો મારા બાપને. એક વાર મારા ચેકીંગમાં પકડાઈ ગયો’તો તો શું હાલત કરી’તી સાલાની. જઈને પૂછો.’ સહેજ શ્વાસ લઈને પછી બોલ્યો, ‘જાઓ છો કે પછી ધસડીને- – ’.

સુનરા થોડો શાંત થયો એટલે મેં પૂછ્યું, ‘ભોલાબા હજી પણ એકાવન રૂપિયા લે છે?’

જવાબમાં એ બોલ્યો, ‘ના લઇ શકે સાહેબ. એ બધું સમજે છે. અને સાહેબ, તમે લોકો આપો તો એ લે ને? ના આપો તો ક્યાંથી લેશે? આપવાવાળા જ ખરાબ ટેવો પાડે છે.’

‘એમ વાત નથી. કોઈ પરિસ્થિતિવશ આપી પણ દે!’

‘એવું નથી.’ સુનરાએ જણાવ્યું, ‘તમને આ વ્યવસ્થાની નથી ખબર. જયારે આ સ્મશાનગૃહ બનીને તૈયાર થયું ત્યારે શરૂઆતમાં એવું નક્કી થયું હતું કે દરેક લાશ ઉપર ચંડાળને કમીશન મળશે, અલગથી  પગાર નહીં મળે. કોઈ ચંડાળ આવ્યો નહીં. છેલ્લે મારો બાપ તૈયાર થયો. પણ સ્મશાન બન્યાના છ મહિના સુધી મશીન ભૂખ્યું જ રહ્યું.’

‘શું?’

સુનરા હસવા માંડ્યો. મને એનું હાસ્ય વિકૃત લાગ્યું.

એણે કહ્યું, ‘આપણા દેશની વાત જ અનોખી છે, સાહેબ. કોઈ પણ જગ્યાનું ઉદ્ઘાટન નેતા જ કરે. એ સમયે સાલો કોઈ નેતા મર્યો જ નહીં. તો મશીનનો ઉપવાસ કેવી રીતે તૂટે? મશીન ભૂખ્યું તો મારો બાપ ભૂખ્યો, અને હું પણ ભૂખ્યો.’

‘પછી?’

‘છ મહિના પછી મોકામા તરફ કોઈ એસ્ટેટના રાજા મરી ગયા ત્યારે આનું ઉદ્ઘાટન થયું.’ સુનરાએ કહ્યું. ‘એના પછી પણ લાશ તો થોડી જ આવતી હતી. ત્યારથી મારા બાપને એકાવન રૂપિયાની ટેવ પડી ગઈ. હવે એને આ લોકો મારી દલાલી કહે છે.’

‘દલાલી નહીં, પણ તારી રોજી-રોટી તો એમાંથી જ નીકળે છે ને?’ મેં પૂછ્યું.

‘એમ વાત નથી, સાહેબ. મારે શું? હું તો મજૂરી કરીને ક્યાંય પણ કમાઈ લઈશ.’ સુનરો બોલ્યો, ‘ જુઓ, હું તો નવમી સુધી જ ભણ્યો છું સાહેબ. તમે તો અમલદાર છો. જરા ગંગાજીના પ્રવાહ તરફ જુઓ તો!’

મેં ગંગાજીના પ્રવાહ તરફ નજર કરી. મારા મોંમાંથી નીકળી ગયું, ‘ગંગાજી તો બહુ દૂર જતા રહ્યાં છે-એકદમ વચમાં.’

‘એ જ ને! હું કહું છું કે ગંગાજીને આપણે નહીં બચાવીએ તો કોણ બચાવશે? અને ગંગાજી જ નહીં રહે તો ગરીબો કેવી રીતે બચી શકશે?’

પછી સહેજ વાર થોભીને બોલ્યો, ‘આ ગરીબોની સરકાર તો ગંગાજીને વેચવા માટે તૈયાર હતી. તમે છાપામાં વાંચ્યું તો હશે. સરકારે પ્લાસ્ટિકની થેલીમાં ગંગાજળ વેચવાની યોજના બનાવી હતી. એક બાજુ પ્લાસ્ટીકમાં સરકારી દારૂ અને બીજી બાજુ ગંગાજળ! આ સરકારની દુર્ગતિ તો જુઓ સાહેબ. શું થશે?’

મેં કહ્યું, ‘શું થવાનું છે? સરકાર આટલી સરસ રીતે તો ચાલે છે.’

‘ના સાહેબ, ગંગાજળ તો ગંગામાનું દૂધ છે. જે પોતાની માનું દૂધ વેચે એ હરામીઓને કોઈ દિવસ શાંતિ ના મળે.’

થોડી વાર સુધી અમે બંને ચૂપ થઇ ગયા.

એ ચૂપકીદી તોડતાં મેં પૂછ્યું, ‘વિદ્યુત સ્મશાનગૃહની બીજી બધી વ્યવસ્થા કેવી છે?’

‘બહુ સસ્તું છે. એક સો સત્તર રૂપિયા આપવાના, બસ – – .’

મેં ગણતરી કરી – આ તો બહુ સસ્તું કહેવાય. આટલા પૈસામાં દાહના લાકડાં, ઘી-ચંદન- બધાનો ખર્ચો આવી જાય! કોઈ સરખામણી જ નથી.’

સુનરા મારી ગણતરી સમજતો હતો. એણે આગળ જણાવ્યું, ‘ત્યાં પણ છેક ભઠ્ઠીની નજીક મુખાગ્નિ આપી શકાય છે. ચંડાળ પાસેથી જ આગ લેવી એવું જરૂરી નથી.’

પછી સહેજ વિચારીને બોલ્યો, ‘તમે લોકો દરભંગા- મધુબની તરફના લાગો છો. મોટા માણસ છો. તમે જ કહો – ત્યાં ગામના બગીચાઓમાં લાશ બાળે છે ત્યારે કયો ચંડાળ અગ્નિ આપવા આવે છે? પોતાનો જ અગ્નિ લેવાનો હોય છે ને?’

મારી નજર ફરીથી ગંગાના પ્રવાહ તરફ ગઈ. હું મનમાં ને મનમાં સુનરાની નિસબતનું કારણ શોધવા માંડ્યો. ગામ યાદ આવી ગયું. બાળપણ નજર સામે તરવા માંડ્યું.

દાદી નિયમિત રીતે ગંગાસ્નાન કરવા માટે આવતી હતી. પાછા આવીને ગંગાનું મહાત્મ્ય સમજાવતાં કહેતી, ‘લોકો સવા આનાના અક્ષત -સોપારી ખરીદીને ગંગાની ધારામાં ફેંકીને કહે, “હે ગંગા મા, કંઈ સંદેશો મોકલો.” એ સાથે ગંગાના મધ્ય પ્રવાહમાં માછલીઓ, મગર, વગેરે જળચરોની હલનચલન ચાલુ થઇ જાય.’

આ વાત મારા બાળમાનસમાં એવી ઘર કરી ગઈ છે કે હજી સુધી નીકળી નથી. હજી પણ જયારે ગંગાજીના દર્શન કરવા આવું ત્યારે સહુથી પહેલા દાદીની આ વાત યાદ આવી જાય છે.

મારી વિચારગાડીને અટકાવતો સુનરો બોલ્યો, ‘લોકો મને દલાલ ક્હે છે. પણ સાહેબ, હું જાણું છું કે અહીં લાશને અગ્નિદાહ આપવાથી બહુ મુશ્કેલીઓ ઊભી થાય છે. લોકો લાશને બાળે છે અને પછી અડધી બળેલી લાશને નદીમાં ફેંકી દે છે. પાછા કહે કે પૂરી બળી જાય તો “ગંગાલાભ” ન થાય. હવે તમે જ કહો કે અમે આનો વિરોધ ન કરીએ?’

‘તમે કારતક મહિનામાં અહીં આવેલા છો?’ સુનરાએ પૂછ્યું.

‘ના.’

‘આવો તો જોવા મળે. અત્યારે જ્યાં લાશ બળી રહી છે ને, ત્યાં જ આખો મહિનો ગંગાસ્નાન કરવાવાળા ઝૂંપડીઓ બાંધે છે. અહીં જ નાહવાનું, અહીં જ ખાવાનું, અહીં જ વ્રત રાખીને રહેવાનું. પછી તમારું મન માને?’

સુનરો બોલ્યો. ‘પહેલા વ્રત રાખવાવાળા પુલની આ તરફ જ રહેતા હતા. અહીં જ પાણી શુદ્ધ છે એમ મનાતું હતું. પણ મડદા બાળીબાળીને ઘાટને એટલો ગંદો કરી નાખ્યો છે કે હવે પુલની પેલી બાજુ પણ ઝૂંપડીઓ બનવા માંડી છે. જો કે સાલાઓ હવે એ બાજુ પણ મડદા બાળવા માંડ્યા છે.

આ વખતે પણ એક સ્ત્રી નાહતી હતી અને એના પગ નીચે એક અડધી બળેલી લાશ આવી ગઈ હતી. આખા વાતાવરણને પ્રદૂષિત કરી નાખ્યું છે અને મને દલાલ ક્હે છે.’

થોડી વાર રોકાઈને એણે આગળ ચલાવ્યું, ‘સિમરિયા ઘાટ ઉપર હવે બધું બેધડક થાય છે, સાહેબ. ચોર – ઉઠાવગીર બધાં અહીં જ મળશે. જેટલા ભિખારીઓ છે એ બધાં હરામીઓ પોતાની થેલીમાં ચોરીનો માલ રાખે છે. જે માસિક મેળો ભરાય એમાં તો ધાબળા નીચે બીજા કુકર્મો પણ થતાં હોય છે. એટલે તો અહીંના ધાબળા પ્રખ્યાત છે સાહેબ.

પોલીસો સાલા લાંચ આપીને અહીંની ડ્યુટી લે છે. ગંગા માતા કેટલું સહન કરશે? હું વિરોધ કરું છું તો મને દલાલ કહે છે. ચંડાળો અને પંડાઓએ ભેગા થઈને મને કેટલીયે વાર માર્યો છે. મેં તો મારું શરીર લાકડાનું બનાવી લીધું છે, સાહેબ. મારો હરામીઓ, મારવો હોય એટલો મારો, પણ હું તો વિરોધ કરીશ જ.

હવે તો વિચારું છું કે જે જે મડદા બાળવા આવશે એ બધાને જ કહીશ. જે નહીં માને એમને આ અડધો બળેલો વાંસ બતાવીને ભગાડી દઈશ. એકાદનું માથું ફૂટે તો ફૂટે.’

સુનરાની વાતોનો હવે મને કંટાળો આવતો હતો. એની વાતો આમ તો સારી હતી પણ એનો દેખાવ ભયંકર હતો. મેં ચારે બાજુ જોયું. હું જે કામ માટે આવ્યો હતો એ હવે પૂરું થવા આવ્યું  હતું. બધાં ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહમાં રાહ જોતાં હતાં.

સુનરો મારી અકળામણ સમજી ગયો. એણે કહ્યું, ‘તમને અહીં ખાલી પકડી રાખ્યાં. જાઓ સાહેબ. આમ પણ હવે થોડી જ વારમાં બધાં ગંગાસ્નાન કરીને આવી જશે. વીજળીથી તો મડદું બળવામાં બહુ ઓછો સમય લાગતો હોય છે.’

હું ઊઠીને ચાલવા માંડ્યો. સુનરો પણ ઊઠ્યો અને એનો અડધો સળગેલો વાંસ હાથમાં લઈને બોલ્યો, ‘હું જરા પુલની બીજી બાજુ આંટો મારીને આવું છું.’

આજે હવે બીજી શબયાત્રા સાથે સિમરિયા ઘાટ જઈ રહ્યો છું ત્યારે સુનરાનો ભયંકર ચહેરો અને દ્રઢ સંકલ્પ આંખો સામે દેખાય છે. એ તો નક્કી થયેલું જ છે કે આ મૃતદેહને ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં નથી મૂકવાનો. એને લીધે પછી બહુ બધાં લૌકિક સંસ્કાર કરવામાં તકલીફ પડતી હોય છે.

પુલની બીજી બાજુ ચિતા તૈયાર કરી છે. મુખાગ્નિ આપી દેવામાં આવ્યો છે. ઘી રેડવાને લીધે જોતજોતામાં ચિતા ભભૂકી ઊઠી છે. લોકો વેરવિખેર બેઠેલાં છે.

ત્યાં જ થોડે દૂરથી સુનરા આવતો દેખાય છે. એના હાથમાં અડધો સળગેલો વાંસ છે અને એ ખૂબ ગુસ્સામાં હોય એવો દેખાય છે. પેલે દિવસે પેલા ચંડાળ ઉપર તૂટી પડ્યો હતો એવા જ ક્રોધમાં અત્યારે પણ લાગે છે. મને એની બધી વાતો યાદ આવે છે. ડર લાગે છે. હું ચારે બાજુ જોઉં છું. મારો ભય કોની પાસે વ્યક્ત કરું? ચારે બાજુ જોયાં કરું છું.

સુનરા આ તરફ જ આવી રહ્યો છે.

~ મૂળ લેખકઃ પ્રદીપ બિહારી
~ અનુવાદઃ ગિરિમા ઘારેખાન

Leave a Reply to અપૂર્વ રુઘાણીCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. દેશી રીત રસમો અને આધુનિક યુગની જરૂરિયાત- અસરકારક આલેખન

  2. વાહ જેટલી ઉત્તમ વાર્તા‌ એટલો જ સુંદર અનુવાદ. અભિનંદન ‌ગિરીમાબેન.