દિલથી નહીં, Dealથી જીવતું જગત (લેખ) ~ અલ્પા શાહ
દુનિયામાં બે પ્રકારના માણસો જોવા મળે છે. એક જે દિલથી જીવે છે. એક જે dealથી જીવે છે. એમાં દિલથી જીવનારા કાયમ ઠોકર ખાતાં રહે છે.

આધુનિકતાથી ઘેરાયેલો માણસ દરેક વસ્તુમાં ડિલ કરતો થઈ ગયો છે. એને ક્યાં ફાયદો થાય એ જોવામાં જ રસ છે. ચાહે એ સંબંધ હોય કે પછી ધંધો. જો એને કાંઈ વળતર મળે તો જ એને એમાં રોકાણ કરવામાં રસ હોય છે.
નફો નુકશાન ધંધામાં વિચારાય, સંબંધોમાં નહીં. પણ એ એટલો પ્રેક્ટિકલ થઈ ગયો છે કે એને બધે જ ડિલ કરવી હોય છે.
![]()
ઘણા લોકો દિલથી જીવતાં હોય છે. એ લોકો લાગણીશીલ હોય છે. સારુંનરસું વિચાર્યા વગર બસ લાગણીથી જ સંબંધો સાચવે છે. એ લોકોની ભાવના નિ:સ્વાર્થ હોય છે. બાહ્ય જગતમાં આવા લોકોના દિલને ઠેસ પહોંચતી રહે છે.
એ લોકોને બસ નિભાવવાની ચાહત હોય છે, બદલામાં કાંઈ આશા ના હોય. સ્વાર્થભરી આ દુનિયામાં વારંવાર તેઓ હર્ટ થતાં રહે છે. પણ એ લોકો પોતાનો સ્વભાવ છોડી નથી શકતા.

જ્યારે ડિલથી જીવનારા બધામાં કેલ્કયુલેશન લગાવે છે. કાંઈ ફાયદો થશે એવી આશા હોય તો જ સંબંધોમાં ઓળઘોળ થાય નહીં તો બાંધ્યા પછી પણ સંબંધો તોડી નાખતા ખચકાતા નથી.

તમારો ઉપયોગ કરીને એ લોકો તમને છોડી દે છે. કાંઈક વળતર મળવું જોઈએ એવું એ લોકોનું ગણિત હોય છે.
પહેલાં સંબંધો સાચવવા માણસ જીવ ન્યોછાવર કરી દેતો જ્યારે આજે પોતાની પ્રગતિ માટે બીજાને પછાડવા એ તૈયાર થઈ જાય છે. યેનકેન પ્રકારેણ એને આગળ વધવામાં જ રસ છે. પછી ભલે બીજાની લાગણી કચડાઈ જાય, એનો વિકાસ ના અટકવો જોઈએ એ એનો જીવનમંત્ર બની ગયો છે.
![]()
આજે દરેક ક્ષેત્રમાં આ વસ્તુ થઈ ગઈ છે. પોતાનું જોવાનું બીજાથી કાંઈ લેવાદેવા નહીં. એ કારણે એની જિંદગી આજે વસમી થઈ રહી છે.
~ અલ્પા શાહ