પાંચ કાવ્ય (અછાંદસ) ~ શ્વેતા તલાટી

1. તકલીફ ક્યાં છે?

ફડફડ ફડફડ,
ફડફડ ફડફડ,
ફડફડ ફડફડ,
સતત
જોરજોરથી,
પાંખો ફફડાવતા,
અને
ખૂબ જ અવાજ કરતાં
એક કબૂતરે
મારું ધ્યાન ખેંચ્યું
અને
મારાથી
બોલાઈ ગયું –
“તકલીફ ક્યાં છે!
પાંખમાં કે….?

2. કોઈ…. કરી આપે?

આજે સવારથી જ
ઘરની સાફ-સફાઈનો મૂડ હતો.
એક એક ખૂણે,
એક એક કબાટમાં નજર ફરવા લાગી.
જ્યાં જ્યાં ધૂળ જામેલી હતી તે ઝાપટ્યું,
ખંચેર્યુ.
ફેકવાની વસ્તુઓ ફેંકી અને
જેનામાં જરા જરા સમારકામની જરૂર હતી,
એ વસ્તુઓ અલગ કાઢી.

થોડા સમય પછી અવાજ સંભળાયો-
“બૂટ, ચંપલ, સ્લીપર રીપેર કરાવવાના છે?
જિંદગીના ઉબડખાબડ રસ્તામાં ચાલતાં
થોડાં તૂટી ગયા હોય તો…? ”

મેં સ્લીપરની તૂટેલી પટ્ટીઓ કાઢી
નવી નંખાવી દીધી.
ચાલવામાં સરળતા રહે ને..
થોડા સમય પછી પ્લાસ્ટિકની ડોલ, ટબ..
તેમાં કોઈ રસાયણથી તિરાડો ભરનારો નીકળ્યો,
“કોઈને સંધાવવાની છે તિરાડો?
પાણી નહીં ઝરે.”
એક ડોલની તિરાડ સંધાવી દીધી.
જેમાં જરા જરા રીપેરીંગની જરૂર હતી
તેવાં લુગડાં
સોસાયટીમાં ઘેરથી રીપેરીંગ કરનારા
એક બહેનને આપી આવી.
ટપકતાં નળ અને બીજું ઘણું…… ,
સાંજ સુધીમાં બરાબર થઈ ગયું.
ને ઘર ચકાચક.
પણ એકના માટે….
કોઈ સમારકામવાળો ક્યારેય ના આવ્યો!
નજર શોધતી રહી.
કોઈ થોડા ભાાંગ્યા તૂટ્યા સંબંધો
રીપેર કરી આપે?

3. અટકી ગયેલા શબ્દો

અચાનક ઉધરસ શરૂ થઈ,
સતત ઉધરસ આવે અને
બંધ જ ના થાય;
ઘણીવાર અ. .. અઅ… અઅઅ.. કર્યું
દીકરી ગરમ પાણી લઈને આવી…
લે, જલ્દી કોગળા કરી લે,
કેટલા ખોંખારા ખાધા પણ..!
એ ડચૂરો ભરાયાનો ભાસ
અને ઉધરસ,
કેમેય ઓછા જ ના થાય,
‘શું ફસાયું છે?’
કહી એમણે પીઠ પર ધબ્બો માર્યો.
આટલું બધું કર્યું તો આંસુ નીકળી ગયાં
પણ
ના નીકળ્યા એ
અટકી ગયેલા શબ્દો…

4. બની ગઈ કવિતા

ન આંખથી,
ન ટેરવાંથી,
તો?
ભેટી જ પડ્યા-
વળગી પડ્યા,
શબ્દો સાવ
અંગત થઈ.
એમની પાંપણ
મારી પાંપણને
અડોઅડ
લગોલગ
ગોઠવી
હણી લીધી,
અશ્રુ-પીડા
એ…બસ એ જ,
સ્પર્શ
શબ્દોનો…
ને
હું
બની
ગઈ
આખેઆખી
કવિતા.

5. લાગણીવેલ

રોજ સવારે ચાલવા નીકળું
અને,
બધાંનાં ઘરની બહાર –
બાગમાં, ઓસરીમાં,
કોઈ ફ્લેટની બાલ્કનીમાં,
મને અચૂક મનીપ્લાન્ટ દેખાય જ.
એક માન્યતા લોકોનાં મનમાં
કેવી ઘર કરી ગઈ?
કે ઘરે…. ઘરે….. ઘરે…. ઘરે;
એક મની….મની… મનીવેલ.
પણ નાણાંથી મકાન તો બને
પણ ઘર..?
આજે મનમાં એક પ્રશ્ન થયો –
એવી કોઈ લાગણીવેલ પણ ખરી?

~ શ્વેતા તલાટી
shwetatalati16@gmail.com

Leave a Reply to શ્વેતા તલાટીCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

15 Comments

  1. કવયિત્રી શ્વેતા તલાટીની પાંચેય રચનામાં ‘જીવનઘરની વાત’ અફસોસ સાથે રજૂ થઈ છે.
    કબૂતરને તકલીફ છે એવી જ ઘરમાં રહેતા માણસને તકલીફ છે. જેને ઘર ઘર જેવું ત્યારે જ લાગશે. ‘સંબંધોની ચારેબાજુ તાજગી વરતાશે.’
    કવયિત્રી શ્વેતા તલાટીને ખૂબ ખૂબ🙏💕 અભિનંદન…!
    – વિજય ચલાદરી

  2. સુંદર કાવ્યો શ્વેતા બહેન શ્રી.
    અભિનંદન.

  3. વાહ શ્વેતાબેન બધી જ રચના ખૂબ જ સુંદર છે👌🌹…અભિનંદન💐

  4. શ્વેતાબેનની અભિવ્યક્તિમાં તાજગીપૂર્ણ નવીન્યસભર હોય છે.
    અભિનંદન. 🌹