પુસ્તક સુધી પહોંચવામાં નડતી અડચણ ~ અનિલ ચાવડા
ગ્રંથને જીવનનો પંથ માનવામાં આવ્યો છે. પણ એ પંથ સુધી પહોંચવા માટે દિવસે દિવસે વિઘ્નો વધતાં જાય છે. જે હાથ પુસ્તક ઝંખતું હોય ત્યાં મોબાઈલ આવીને ગોઠવાઈ જાય છે. અને પાનાં ઉથલાવવાનું સ્થાન સ્ક્રોલિંગ લઈ લે છે.
મન વિવિધ રીલના રેલામાં વહી જાય છે. પુસ્તક હાથમાં લઈને શબ્દોની ગલીઓમાં વિહરવાનું શરૂ કરીએ કે ત્યાં જ મોબાઇલમાં નોટિફિકેશન આવી જાય છે.

નવી કઈ વેબસિરિઝ આવી, કઈ ફિલ્મ ચાલી રહી છે થિયેટરમાં… ફલાણા હીરોને કોની સાથે ચક્કર છે. કયો નેતાએ કોની ખરાબ ટીકા કરી, વોટ્સએપમાં કયો નવો જોક્સ આવ્યો છે, કોણે માતાજીનો ફોટો મોકલ્યો છે. ફેસબુક પર કોણ કોની સાથે બાખડ્યું છે, કોણ કોની ટાંટિયાખેચ કરી રહ્યું છે, ઇન્સ્ટાગ્રામમાં કોના ફોટાના વધારે લાઇક મળી છે વગેરે પંચાતોમાં બધો સમય વેડફી નાખીએ છીએ.

ગ્રંથના પંથ પર ઘણાં રોડાં પડ્યાં છે, અને તેને હટાવવા એટલાં સહેલાં નથી. પુસ્તક સુધી પહોંચતા પહેલાં અનેક સોશ્યલ મીડિયામાં ખર્ચાઈ ગયેલું મન પુસ્તક સુધી પહોંચતા પોતાની ઊર્જા ગુમાવી બેઠું હોય છે. પછી હાથમાં પુસ્તક હોવા છતાં વાંચવાની ઇચ્છા નથી થતી.
પુસ્તક કલ્પનાનું એક ખુલ્લું આકાશ આપે છે. એક જ નવલકથા અલગ અલગ લોકોના મનમાં અલગ અલગ કાલ્પનિક જગત રચે છે.
લેખના વર્ણનના આધારે વાચક પોતાના ચિત્તમાં એ વર્ણનને અનુસાર દૃશ્યો રચે છે. અને મજાની વાત એ છે કે વર્ણન ભલે એક જ હોય, પણ દરેક વાચકના મનમાં ઊભાં થયેલાં કલ્પનાદૃશ્યો અલગ હશે.
ફિલ્મ આ સુવિધા નથી આપી શકતી. તે દૃશ્ય બતાવે છે, ત્યારે કથાને દૃશ્યોની મર્યાદામાં કેદ કરી દે છે. તમારે એ જ જોવાનું છે, જે ફિલ્મકાર તમને બતાવી રહ્યો છે.
દરિયામાં ચાલતું વહાણ કે રોડ પર સડસડાટ દોડતી ગાડી વિશે તમે વાંચો ત્યારે તમારા મનમાં એ વહાણ કે કારનો એક ચોક્કસ આકાર, રંગ, રૂપ, ગતિ, બહારનો પવન, બાજુમાંથી પસાર થતાં અન્ય વાહનો, લોકો, આકાશ, ચાલકની સ્થિતિ, બધું જ મનમાં ગોઠવાય છે.

લેખકે ચોક્કસ વર્ણન કર્યું હોવા છતાં તે વાચકના મનમાં પોતાની રીતે આકાર લે છે. પણ જ્યારે એ જ વર્ણન કોઈ સિનેમામાં દેખાય ત્યારે ચોક્કસ દૃશ્યમાં બંધાઈ જાય છે. જોકે એનો અર્થ એ નથી કે મર્યાદિત છે. સિનેમા એક રીતે તો બધી કળાની મા છે. તેમાં ચિત્ર, શિલ્પ, કવિતા, નાટક, સંવાદ, સંગીત બધું જ આવી જાય છે.
કલ્પનાને વેગ આપવાની જે શક્તિ પુસ્તકમાં છે, તે ગજબની છે. પુસ્તક વિચારવા માટે તમામ દરવાજા ખોલી આપે છે.

એ માત્ર શબ્દોથી તમને બધું વર્ણવે છે, તેમાંથી દૃશ્યો તો વાચકે જાતે બનાવે છે પોતાના મનમાં. વિચારના દરવાજા આપોઆપ ઊઘડી જાય છે. વાંચનથી ઊભી થયેલી કલ્પના આપણી પોતાની જ હોય છે.
આજકાલ વાંચન ઘટતું જાય છે, તેના કારણમાં મનોરંજનનાં અન્ય સાધનો છે. જો કે સોશ્યલ મીડિયાનો ઘણો પોઝિટિવ ઉપયોગ પણ છે. તમે ત્યાં ઉત્તમ કવિતાઓ, લેખો અને સમાચાર પણ વાંચી શકો છો. પણ આપણને એમાં રસ નથી પડતો, આપણને દસપંદર સેકન્ડની ઠઠ્ઠા મશ્કરી કરતી રીલ્સ જોવાનું વધારે ગમે છે.

કોઈ વ્યક્તિ લપસીને પડી ગઈ હોય, કોઈ માણસ કોકની સળી કરીને ભાગી જતો હોય તે જોઈને હસવામાં મઝા આવે છે. કેમ કે આપણી અંદર પણ એક સળીબાજ બેઠો છે, જેને ટીકાટિપ્પણી, ખેંચાખેંચી, ચાગલી કરવામાં ખૂબ રસ પડે છે. એટલા માટે જ આપણે સાત્વિક સાહિત્ય સુધી પહોંચતા પહેલા આવી અનેક ગલીઓમાં ફસાઈ જઈએ છીએ.
નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હુલુ જેવી અનેક સ્ટ્રીમિંગ સાઇટ્સ રોજે નવી ફિલ્મો અને વેબસિરિઝનો ખડકલો કરી રહી છે.

સોશ્યલ મીડિયાઓ કરોડો અર્થહિન રીલ્સ નાયગ્રાના ધોધની જેમ પછડે છે. માત્ર વધારે વ્યૂ મેળવવા માટે કરવામાં આવેલા અટકચાળાઓ પણ આપણું ધ્યાન તેમની તરફ ખેંચે છે.
સત્યની ખાતરી કર્યા વિનાના ચપટપટા સમાચાર પણ આપણને લોભાવે છે. વળી મેસેજિસનો મારો તો ચાલતો જ હોય છે. સાચાખોટા સુવિચાર, ભગવાનના ફોટા, છીછરા જોક્સ અને આવું બધું સતત ખડકાયા જ કરે છે.
લોકોને પુસ્તક પાસે પહોંચતા પહેલા આ બધી જ બાબતોનો સામનો કરવો પડે છે. આટલું કર્યા પછી પણ પુસ્તકમાં કંઈ ભલીવાર ન નીકળે તો વાચકને વધારે આઘાત લાગે છે. એટલે લેખકોની જવાબદારી ખૂબ વધી જાય છે કે આવેલા વાચકને નિરાશ ન થવા દેવો.
આજે ઓનલાઇન પુસ્તકો મેળવી શકાય છે, ઇબુક પણ વાંચી શકાય છે.

પુસ્તક શબ્દમાં જ પુશ અને તક બંને શબ્દો રહેલા છે. જે તમને એક અનોખી તક તરફ ધકેલે છે.
પુસ્તક સુધી પહોંચતા આવતા અવરોધને અવગણીને શબ્દોના સરનામે પહોંચવાની કોશિશ કરવા જેવી છે. રોજે થોડો સમય વાંચન માટે ફાળવવામાં આવે તો તે મગજ માટે પણ ખૂબ લાભદાયી છે. શરીર માટે કસરત જરૂરી છે, તેમ મન માટે વાંચન જરૂરી છે. વાંચનથી તે કસાય છે, તે વધારે ખંતુલી, બુદ્ધિશાળી અને હાજરજવાબી બને છે.

એક સારું પુસ્તક બેન્કની એફડી કરતા પણ વધારે મૂલ્યવાન સાબિત થતું હોય છે. એક નાના પુસ્તકે કોઈ વ્યક્તિનું આખું જીવન બદલી નાખ્યું હોય એવા સેંકડો દાખલા છે. સારું પુસ્તક જીવનમાં બરકત લાવે છે.
આનાથી મોટી શું બરકત ઘરમાં આવે,
સારું એક પુસ્તક જ્યારે કુરિયરમાં આવે.
– જુગલ દરજી