બે અછાંદસ કાવ્યો ~ ભાવેશ ભટ્ટ
“કારણ…!”
અચાનક નજર પડી
ટ્રેનની બારી બહાર.
જોયું તો
તડકાનો એક ટુકડો
ઉઘાડા પગે
દોડી રહ્યો હતો વીજળીના તાર પર.
ક્યાંક વચ્ચે પડી જતો,
તો પાછો ઊભો થઈને
દોડતો દોડતો બારી પાસે આવી જતો.
હાંફતા હાંફતા
બહુ જરૂરી વાત કહી રહ્યો હોય
એવું લાગ્યું,
પણ ટ્રેનના અવાજમાં
કશું સંભળાયું નહીં.
મારું સ્ટેશન આવવાની તૈયારી હતી.
મને થયું કે ત્યાં જ ઊતરીને પૂછી લઉં કે,
‘શું વાત કહેવી છે ?
શું સમાચાર આપવા છે ?’
પણ
સ્ટેશન આવતા પહેલાં
ક્યાંક છેલ્લી વારનું એવું પટકાયો કે પછી ઊભો જ ન થયો.
મારા સુધી આવી જ ના શક્યો.
કહે છે કે આવી રીતે મરનારની આત્મા ભટકતી રહેતી હોય છે,
ને
ક્યારેક અંધારામાં સામે આવી જાય છે.
મધરાતે રસ્તાઓ પર રઝળવાના
મારા કારણોમાં
હવે એક કારણનો ઉમેરો થયો છે.
– ભાવેશ ભટ્ટ
“વાંધા…..”
તું જેમ-જેમ આગળ વધતો જાય છે
એમ પાડતો જાય છે
માર્ગમાં પગલે-પગલે ઊભેલા
તારા વાંધાઓને.
કોઈને ગુસ્સાથી
કોઈને રમત-રમતમાં
કોઈને કારણ વગર
બસ પાડતો જ જાય છે
પાડતો જ જાય છે.
તને કદાચ એ વાતની ખબર નથી
કે,
હું પણ તારી બરોબરમાં જ ચાલી રહ્યો છું.
પણ હું પગલે-પગલે આવતા
મારા વાંધાઓને પાડતો નથી,
અદબવાળી ટટ્ટાર ઊભેલા
એમની સાથે હસીને હાથ મિલાવું છું,
એમને ભેટું છું,
અને આવજો કહીને
આગળ વધુ છું.
તું જો ક્યારેક પાછું વળીને જોઈશ
તો
તને મારા સંવેદનશીલ વાંધા થોડા ઝૂકેલા દેખાશે
બસ તારા નીચે પડી ગયેલા વાંધાઓને
ઊભા કરવા માટે.
– ભાવેશ ભટ્ટ
ખૂબ સરસ