ઉપર જતી રે (વાર્તા) ~ ગિરિમા ઘારેખાન
(આજે ગિરિમાબહેનને એમના જન્મદિનના શુભ અવસરે, “આપણું આંગણું”ની સમસ્ત ટીમ અને વાચકો તરફથી અઢળક શુભકામનાઓ આપતાં હું અત્યંત આનંદ અનુભવું છું.
સાઈઠ વરસ પછી ગુજરાતી સાહિત્ય જગતમાં પ્રવેશ કરીને, ખૂબ ખંતથી, સતત અભ્યાસ કરીને, સાહિત્યજગતમાં વિશિષ્ઠ સ્થાન મેળવવું એ અઘરૂં કામ છે. પણ ગિરિમાબહેને આ સિદ્ધિ મેળવી છે.
ગુજરાત અને મુંબઈના લબ્ધપ્રતિષ્ઠ મેગેઝીનો અને છાપામાં એમની વાર્તા, નવલકથા, બાળવાર્તા કાયમ પ્રકાશિત થતાં હોય છે. બાળસાહિત્યમાં એમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે.
સાંપ્રત સમયમાં ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ સ્કૂલ ટેક્સ્ટ બુક્સની કમિટીમાં માનદ સલાહકાર તરીકે એમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અનેક સામયિકો અને સાહિત્યિક સંસ્થાઓમાં વ્યસ્ત હોવા છતાં, “આપણું આંગણું”માં એમની મદદ મળતી રહી છે, એ બદલ એમનો આભાર માનીએ એટલો ઓછો છે.
ગિરિમાબહેન, તમે આમ જ સદૈવ કર્મઠતા, ચોકસાઈ અને નિષ્ઠાથી ગુજરાતી સાહિત્યની સેવા કરતાં રહો અને તમારી કલમ સુંદર સર્જનો થકી ગુજરાતી ભાષાને સતત સમૃદ્ધ કરતી રહે એવી જ શુભેચ્છા ~ જયશ્રી વિનુ મરચંટ )
ઉપર જતી રે (વાર્તા)
બે પગ ઢીંચણમાંથી વાળીને, એડીના ભાગ ઉપર શરીર ટેકવીને બેઠેલી બેલા થોડી થોડી વારે ચારણીમાંથી ચળાઈને આવતા દીવાના અજવાળા સામે જોઈ લેતી હતી.
એ દીવામાં ઘી પૂરવાનું વિચારતી. પણ તરત જ નજર નજીકમાં જ ખુરશી ઉપર બેઠેલા ફોઈ ઉપર જતી અને એનો વિચાર ઝાંખા થતા જતા દીવાના અજવાળાની જેમ ટમટમવા માંડતો. આમ તો ફોઈ સ્થિર થઈને ક્યાંક ખોવાઈ ગયેલા લાગતા, પણ બેલા સહેજ પણ હલન ચલન કરે તો ફોઈ તરત એની તરફ જોઈ લેતા.
મમ્મીના શરીરને ઘેર લાવ્યા પછી ક્યાંય સુધી બેલાની આંખમાં થીજી ગયેલો નાયગ્રા પીગળતો જ ન હતો. આવું તો કંઈ હોય? દીકરી સાથે આવી છેતરપીંડી! હજી સાંજે તો મમ્મીએ છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી. એણે પોતાની મેળે જ થોડા ઘરગથ્થુ ઉપાયો કર્યા. પણ દુખાવો વધતો જ રહ્યો એટલે બેલા એમને હોસ્પિટલ લઇ ગઈ. તરત આઈ.સી.યુ. માં લઇ જવાનું નક્કી થયું એટલે એણે તરત નજીકમાં રહેતા ફોઈના દીકરા સૌરભને ફોન કર્યો.
એ વખતે ફોઈ પણ ગામડેથી ત્યાં આવેલા જ હતા. એટલે એ ફોઈ અને નમ્રતાભાભીને લઈને હોસ્પિટલ પહોંચી ગયો. પણ એ પહેલા તો ડોક્ટરે માથું ધુણાવી દીધું હતું.
રાત્રે તો નીલા નામની એ સ્ત્રીનું અસ્તિત્વ વિનાનું શરીર ઘેર આવી ગયું હતું. આમ રાજમહેલ જેવું જીવન એકાએક ખંડેર કરીને જતા રહેવાય?
બેલાથી વારંવાર એ નીચે સૂવાડેલા શરીર ઉપર નજર નંખાઈ જતી હતી. મમ્મીને નીચે સૂવાનું ક્યારેય ફાવતું ન હતું. એની કમરમાં દુખાવો થઇ જતો હતો. પણ ફોઈએ કશું જ પાથરવાની ના પાડી દીધી.
હૃદયમાં મોટું ગુમડું પાકી ગયું હોય અને એમાં સણકા મારતા હોય એવું કંઇક બેલાને થતું હતું. છેલ્લા એકાદ કલાકથી તો મનની એ પીડામાં શરીરની પીડા પણ ઉમેરાઈ ગઈ હતી. એને દર મહિને આ તકલીફ થતી જ.
શરૂઆતમાં પેટમાં ખૂબ આંકડી આવે, અસહ્ય દર્દ થાય, શરીર નીચોવાતું હોય એમ ચહેરો ફિક્કો પડી જાય અને પછી એકદમ જ લાલ રંગની ભીનાશ રેલા બનીને જાણે સંપૂર્ણ વિરક્તિથી શરીરનો ત્યાગ કરતી હોય એમ રેલાવા માંડે. અત્યારે પણ એવું જ થયું હતું. બેલાને ઊભા થવું હતું. પણ આ ફોઈ! એમને તો અત્યારે આની ખબર ના જ પડવી જોઈએ. બેલા એમને બરાબર ઓળખતી હતી.
ફોઈ જયારે પણ ગામડેથી એમને ઘેર રોકાવા આવે અને એમની હાજરીમાં આ પરિસ્થિતિનો સામનો કરવાનું આવે ત્યારે બેલાનું આવી બનતું. એમના મગજમાં જાદુઈ ઘંટડીઓ વાગતી કે શું, બેલા ગમે તેટલું દૂર રહેવા પ્રયત્ન કરે પણ એમને ખબર પડી જ જતી. અને પછી તરત એમનો હુકમ છૂટતો,
‘જો, કસે અડતી નહીં. સીધી ઉપર જતી રે’.’
પહેલા પહેલા તો એ દલીલો પણ કરતી, ‘પણ ફોઈ, આ તો વિજ્ઞાન—’
‘તું મને તારું વિજ્ઞાન ના સીખવાડીશ. મને બધી ખબર છે. સાસ્ત્રોમાં લખેલું કંઈ ખોટું ના હોય.’
‘કયા શાસ્ત્રોમાં?’ એ દબાયેલા અવાજે પૂછતી.
‘એટલે સું હું ખોટું બોલું છું, એમ? અરે કેટલીયે વાર મેં અથાણા ખરાબ થઇ જતા અને પાપડ લાલ થઇ જતા જોયા છે. નીલા, આ તારી છોકરી–’.
ફોઈનો પારો ભયંકર ચડી જતો. પછી મમ્મી એની સામે આંખો કાઢતી, મોટી બેન સંધ્યા એને ઉપર જતા રહેવાનો ઈશારો કરતી અને બેલા ધમધમ કરતી દાદર ચડી જતી. જો કે પછી તો એણે દલીલો કરવાનું બંધ કરી દીધું હતું.
એ સમજી ગઈ હતી કે આ ઘરમાં ફોઈના “ફોઇઆસ્ત્ર” આગળ કોઈનું કશું ચાલવાનું નથી. એનાથી ઘણી વાર મમ્મી પાસે બબડાટ થઇ જતો. પણ મમ્મી એને સમજાવતી,
‘એમણે આપણું ઘણું કર્યું છે. તારા પપ્પાના ભણવાની ફી નીકળી શકે એટલે એમણે સ્વેચ્છાએ એમનું ભણતર સ્કૂલમાંથી જ છોડી દીધું હતું. એમની કોલેજની અને હોસ્ટેલની ફી ભરવા માટે એ લોકોને ઘેર રસોઈ બનાવવા જતા હતા.
એમણે એ બધું ન કર્યું હોત તો આપણી જિંદગી આવી ન હોત. તારા પપ્પા ક્યારેય એમની સામે બોલ્યા નથી, અરે એ ગયા ત્યારે પણ એમની આ બેનનો હાથ એમના માથે હતો. તો પછી આપણે પણ–’.
શાણી સંધ્યા પણ એમાં સૂર પૂરાવતી, ‘ક્યાં કાયમ સાથે રહે છે? વર્ષમાં એકાદ મહિનો આપણી સાથે રહેવા આવે છે. એટલું પણ આપણે સાચવી ના શકીએ?’
પણ અત્યારે બેલાએ નક્કી કરી લીધું હતું. હમણાં તો એ ફોઈને નહીં જ જણાવે. મમ્મીની સાથે બેસવાના માંડ ગણત્રીના કલાકો બાકી હતા અને અત્યારે પણ ફોઈ ઉપર મોકલી દે તો!
મમ્મીને છોડીને ન જવા માટે તો એણે સુમિતમાં લાગી ગયેલું મન પાછું વાળી લીધું હતું, એને મૂકીને બહેનપણીઓ સાથે ક્યાંય બહાર પણ ન હતી જતી, સંધ્યાને ઘેર દુબઈ ફરવા ન હતી ગઈ. મમ્મી એને માટે ‘ત્વમેવ માતા, પિતા ત્વમેવ, ત્વમેવ સાથી, સખી ત્વમેવ’ એવી હતી. હવે અત્યારે મમ્મીને આમ અહીં છોડીને ઉપર કેવી રીતે જતા રહેવાય?
પણ કરવું શું? ફોઈ જગ્યાએથી ઊભા થાય એની રાહ જોવામાં થોડો સમય કાઢી નાખ્યો. પછી કપડાં ન બગડે એટલે એડી ઉપર શરીર ટેકવીને બેસી ગઈ. પણ ક્યાં સુધી?
ક્યારેક જોરથી આંકડી આવે ત્યારે આંખોમાં આંસુ તગતગી જતા હતાં. આમ પણ એના અમળાટ અને મોં ઉપર ચાસ પાડી જતી પીડાએ કદાચ ફોઈના મનમાં ઘંટડીઓ વગાડી પણ દીધી હોય. એટલે જ થોડી થોડી વારે આમ ભમ્મરો કપાળમાં લઇ જઈને એની સામે જોયા કરતાં હતાં.
સારું છે કે અલગ અલગ દુ:ખના આંસુના રંગ અલગ નથી હોતા. નહીં તો ફોઈએ ક્યારની ઉપર મોકલી દીધી હોત.
એ એમને બહાર મોકલી શકે? નમ્રતાભાભી ક્યારના રસોડામાં લાડુ બનાવે છે એમને પણ ફોઈની કંઈ જરૂર નથી પડતી? સૌરભભાઈ અર્થીનો સામાન લઈને જલ્દી આવી જાય તો સારું. તો કદાચ ફોઈ ઊભા થાય.
‘ફોઈ, તમે સહેજ આડે પડખે થાઓ. હું અહીં બેઠી છું. સંધ્યા આવી જાય પછી જ બધાને ખબર આપવાના છે ને? હજી તો એને વાર લાગશે.’
‘ના. પછી આ દીવાનું ધ્યાન કોણ રાખશે?’
‘એ તો હું –’ શબ્દો બેલાના રૂંધાયેલા ગળામાં જ અટકી ગયા.
છેવટે એને લાગ્યું કે હવે નહીં જ ચાલે. એ ધીરેથી ઊભી થઇ.
‘હે ભગવાન! ફોઈ આ તરફ ન જુએ તો સારું.’ પણ મમ્મી માટેની પ્રાર્થના ક્યાં ભગવાને સાંભળી હતી કે અત્યારે સાંભળે?
એ જેવી રૂમની બહાર જવા ઊંધી ફરી કે ફોઈની ત્રાડ સંભળાઈ, ‘બેલા!’
બેલા થથરી ગઈ.
‘ક્યારથી?’ ફોઈની આંખો જાણે બહાર નીકળી આવશે એવું લાગતું હતું.
‘ફોઈ, હમણાં જ. એટલે જ હું ઊભી થઇ.’
ફોઈએ પાછળનો ડાઘ જોઈ લીધો હોય પછી એ કેવી રીતે માને? બીજો કોઈ સમય હોત તો એમણે બેલાને ઝાટકી નાખી હોત. પણ અત્યારે એમણે એટલું જ કહ્યું,
‘તે આમ ઠોયા જેવી ઊભી છે હું? જા, ઉપર જતી રે!’
‘ફોઈ, પ્લીઝ, આજે, અત્યારે–’
‘તારી મા ના સરીરને અભડાવું છે તારે?’
એમના ધગધગતા અવાજની ગરમી નમ્રતા સુધી પહોંચી. એ રસોડાની બહાર આવી ગઈ અને આંખોથી જ ‘શું થયું?’ એમ પૂછ્યું.
જવાબમાં ફોઈએ હાથના ઇશારાથી એને સમજાવી દીધું. બેલા સામે એક અનુકંપાભરી નજર નાખીને એ પાછી રસોડામાં જતી રહી.
બેલાને એ ન સમજાયું કે જો મૃતદેહને અડીને બધાએ નાહવું પડતું હોય તો એના અડવાથી એ કેવી રીતે—? શું અત્યારે સ્ત્રી શબ કરતાં પણ વધારે–?
સામાન્ય સંજોગો હોત તો એ કદાચ કંઈ બોલી હોત પણ આ ઓચિંતો આવી ચડેલો દુ:ખનો અગ્નિ અને ફોઈની આંખોમાંથી નીકળતી જવાળાઓએ એના શબ્દોને હૃદયની અંદર જ ભસ્મ કરી દીધા.
બેલા ચૂપચાપ ઉપર ચડી ગઈ અને પેલા ભસ્મના ઢગલાને ઠારવા નહાવા બેસી ગઈ. પણ આ તો જાણે પેટ્રોલ ઉપર લાગેલી આગ હતી. મન ઠરતું ક્યાં હતું? એને લાગતું હતું કે ખાલી એનું શરીર જ ઉપર ચડ્યું છે. બાકી ચેતના તો ત્યાં મમ્મી પાસે જ રોકાઈ ગઈ છે.
આ તે કંઈ કારણ હતું એને આમ ઉપર મોકલી દેવાનું? જે ખરેખર ઉપર જતી રહી છે એને છોડીને મારે આમ ઉપર બેસવાનું? મમ્મીનો ચહેરો એની આંખ સામેથી ખસતો જ ન હતો. એનો ગોરો, ગોળમટોળ ચહેરો મને હવે જોવા જ નહીં મળે? મમ્મીની કાળી આંખોમાં એણે પ્રેમ સિવાય બીજું કંઈ જ અંજાયેલું જોયું ન હતું. એ હમેશ માટે બંધ થઇ ગયેલી આંખોની પાંપણોને પણ મારી આંખો નહીં જોઈ શકે?
એની લાંબી ડોક અને એમાં લટકતી ‘ઓમ’ના પેનડન્ટવાળી સોનાની ચેઈનથી એ રમતી ત્યારે મમ્મી કહેતી, ‘લે, તને આટલી ગમે છે તો તું જ પહેર ને!’
‘ના, હું પહેરું તો મને તારી આ સુંવાળી ડોક ઉપર હાથ ફેરવવા કેવી રીતે મળે?’
‘ગાંડી જ છે.’ મમ્મી હસીને કહેતી.
ગાંડી તો એ હતી જ ને? રાત્રે સૂતી વખતે મમ્મી એનો ગુજરાતી ઢબે પહેરેલી સાડીનો પાછળનો છેડો કાઢી નાખતી અને એ મમ્મીના ખુલ્લા થઇ ગયેલા પેટ ઉપર હાથ મૂકીને એને ઊંચું નીચું થતું અનુભવી રહેતી. એ હલનચલન અત્યારે ક્યાં જતું રહ્યું?
‘તું તો ક્યારેય મોટી નહીં થવાની.’ મમ્મી એના માથે હાથ ફેરવતાં કહેતી અને એ મમ્મીની વધારે નજીક સરતી. અત્યારે એની પાસે એક રૂમમાં પણ બેસવાનું નહીં!
અત્યારે આમ તો મમ્મી સૂતેલી હોય એવું જ લાગતું હતું ને! બીમાર ક્યાં રહી જ હતી કે ચહેરો ઝાંખો પડે!
અરે રે! મેં ઉપર આવતી વખતે પાછા ફરીને મમ્મીનું મોઢું પણ ન જોયું? ફોઈથી ડરીને આમ ધડબડ ધડબડ ઉપર આવી ગઈ!
એક પળ માટે બેલાને વિચાર આવ્યો કે એ બધો ડર મૂકીને એ પાછી નીચે જતી રહે અને ફોઈને સ્પષ્ટ કહી દે કે ‘હું તો અહીં જ બેસીશ.’ પણ પછી મમ્મી હમેશા જે કહેતી એ વાત યાદ આવી ગઈ-
“ફોઈને કંઈ પણ કહીશું તો તારા પપ્પાને દુ:ખ થશે.” બેલા ઉપર અત્યારે તો બે આત્માઓને દુ:ખી ન કરવાની જવાબદારી આવી ગઈ હતી. મમ્મીએ આખી જિંદગી ફોઈનું મન અને માન – બંને સાચવ્યા હતા. બધા કહેતા હોય છે એમ હજી મમ્મીનો આત્મા તો ત્યાં ફરતો હશે ને?
નીચે ગાડી ઊભી રહેવાનો અવાજ આવ્યો. સંધ્યા આવી ગઈ હશે. થોડીક જ વારમાં ઝાંપો ખૂલ્યો. સંધ્યાનો અને જીજાજીનો અવાજ સંભળાયો. સંધ્યા રડતી હતી. નમ્રતાભાભી એને સાંત્વના આપતા હતા. સંધ્યાનો ડૂસકાં ભરેલો અવાજ સંભળાયો, ‘બેલા ક્યાં છે?’
બેલાની નજર સામે ફોઈએ નમ્રતાભાભીને કરેલો ઈશારો યાદ આવી ગયો. એમણે અત્યારે પણ એવી જ રીતે સમજાવ્યું હશે. બેલાને થયું કે એ દોડીને નીચે પહોંચી જાય અને બેનને ભેટીને દુ:ખનો આખો દરિયો ઠાલવી દે. મમ્મીને આમ જોઇને સંધ્યાને પણ કેટલી ફાંસો હૃદયમાં ઘૂસતી હશે? એ પોતે પણ ક્યાં બરાબર રડી શકી હતી? ઓચિંતા આવેલા આ આઘાતથી રૂદન જાણે બેનની ઉષ્માની રાહ જોતું અંદર જ ઠરી ગયું હતું.
‘ફોઈ હું ઉપર જાઉં, એકવાર–’
‘બધું પતી જાય પછી. મૃતદેહને અભડાવાય નહીં.’
આ કેવી માન્યતા? બેલાએ જોરથી કપાળમાં મુઠ્ઠી મારી. એનાથી બૂમ પડાઈ ગઈ, ‘સંધ્યા!’
એ દાદરના ઉપરના કઠેડા પાસે ઊભી રહી. સંધ્યા નીચે આવીને ઊભી રહી. બેલાથી હાથ લંબાવાઈ ગયા. આખો દાદર ડૂસકે ચડ્યો.
‘મા, બેલાને ક્હો હવે બધાને ફોન કરવા માંડે. હું ફૂલની વ્યવસ્થા કરીને આવું.’
સૌરભ પાછો આવી ગયો હતો. લાગતું હતું કે એ બેલાને કોઈ કામમાં વ્યસ્ત કરી નાખવા માંગતો હતો.
બેલાએ સગાંસંબંધીઓને ફોન કરવાના ચાલુ કર્યા. મોં યંત્રવત બોલતું જતું હતું પણ કાન તો નીચે જ હતા. નીચેથી હવે ધીરે ધીરે નવા નવા અવાજો આવવાના ચાલુ થઈ ગયા હતા:
‘કેવી રીતે થયું?’
‘જાણ તો કરવી હતી.’
‘સારું થયું સંધ્યા આવી ગઈ. બેલાને શું ખબર પડે? એનામાં તો હજી છોકરમત ભરી છે.’ કાકી કહેતા હતા.
‘છોકરમત? આ છોકરમતે જ આટલો વખત એની મા ને સાચવી છે. સંધ્યા તો ક્યારની દુબઈ જઈને બેસી ગઈ છે. અહીં પણ છોકરાઓ તો ઘણા ય હતા. પણ બેને દુબઈ પસંદ કર્યું. અને હવે નીચે “સંધ્યા સંધ્યા” થઇ ગયું છે.’
નીચેથી કીડીઓની વચ્ચે મંકોડો આવી ગયો હોય એવો ફોઈનો અવાજ સંભળાયો
‘ગાયનું છાણ લાવીને ચોકો કરી દો.’
’અરે રે, મમ્મીને છાણ ઉપર સૂવડાવશે? એ તો કેટલી ચોખલીયણ હતી! બહારથી આવીને સીધી પગ ધોવા જતી!
‘સંધ્યા બેટા, હવે તું અને નમ્રતા થઈને તારી મા ને નવડાવી દો.’
એને નવડાવવાની તો હતી જ. તો પછી મને એક વાર અડી લેવા દીધી હોત તો!
બેલાને યાદ આવતું હતું – માસી ગુજરી ગયા ત્યારે મમ્મીએ કેવા સરસ તૈયાર કર્યા હતા! ચીવટથી માથું ઓળ્યું હતું અને આખા શરીરે ચંદનનો લેપ કર્યો હતો. પોતે એ બધું જોયું હતું. સંધ્યા તો એ વખતે આવી પણ ન હતી. એને ક્યાં કંઈ ખબર જ છે?
મમ્મી માથું ધૂએ ત્યારે એના લાંબા વાળની ગૂંચ તો હળવે હળવે હું જ કાઢી આપતી. પછી એનો બોચીમાં લટકતો ઢીલો અંબોડો એના લાવણ્યને ત્યાં થીજાવી દેતો. સંધ્યા તો વર્ષોથી નાની પોની રાખે છે. એને મમ્મીનું માથું ઓળવાનું નહીં જ ફાવે.
બેલાને લાગ્યું કે અત્યારે એનો આત્મા પણ જાણે મમ્મીના આત્માની સાથે એ રૂમની છત ઉપર ક્યાંક ગોઠવાઈ ગયો હતો.
અરેરે! આ લોકો સાડી કેમ સરખી નથી પહેરાવતા? મમ્મી તો એકે એક પાટલી વ્યવસ્થિત ગોઠવતી. આમ લોચો કરીને ગોળ વીંટી દેવાય? કોઈને કંઈ પડી નથી.
લોકોનું આવવાનું ચાલુ જ હતું. બેલા એ આખું દ્રશ્ય આંખ સામે જોઈ રહી હતી. એક પછી એક બધા આવે છે, સંધ્યાએ પકડેલી થાળીમાંથી ફૂલ ઉપાડે છે અને મમ્મીના શરીર ઉપર મૂકે છે. એટલો લાભ પણ મને નહીં મળે?
એ નાની હતી ત્યારે ઘણી વાર મમ્મી ખુરશીમાં બેઠી હોય એની ગોળ ગોળ એ ફરતી અને પછી કહેતી, ‘મેં પૃથ્વીની પાંચ વાર પ્રદક્ષિણા કરી. હવે મને તું શું વરદાન આપીશ?’ મમ્મી એને ખોળામાં ખેંચી લઈને પપ્પીઓ કરતી અને કહેતી, “આ તારું વરદાન.” અત્યારે હું કેવી રીતે વરદાન માગું? મા ની છેલ્લી વારની પ્રદક્ષિણા કરવાનો મારો હક પણ જતો રહ્યો? માત્ર એટલા માટે કે—
‘સંધ્યા, હવે તું આ હાર પહેરાવી દે.’
બેલાના હાથ છતને ચીરીને નીચે સુધી લાંબા થયા. એણે થાળીમાંથી હાર લીધો અને મમ્મીની છાતી ઉપર ગોઠવ્યો. મમ્મી કેવી સરસ લાગતી હતી!
‘લો, ડેડ બોડી વેન આવી ગઈ.’ સૌરભનો અવાજ સંભળાયો.
બેલા બાલ્કનીમાં દોડી. શાંત, સફેદ આકૃતિઓ હવે ધીરે ધીરે બહાર આવવા માંડી હતી. ઘણાએ પોતપોતાના વાહન તરફ ચાલવા માંડ્યું.
‘ક્યાં લઇ જવાના છે?’
‘સંધ્યાને ખબર હશે.’
કોઈ પાછું અંદર દોડ્યું. નીચેથી ‘શ્રી કૃષ્ણ શરણમ મમ્’ ની ધૂન સંભળાતી હતી. એ લોકો કોઈ વાર બહાર જમવા જવાનું નક્કી કરે ત્યારે એ મમ્મીને પૂછતી, ‘મમ્મી, ક્યાં જઈશું?’ મમ્મીનો કાયમ એક જ જવાબ હોય, ‘મને ક્યાં કંઈ ખબર જ છે? તું જ્યાં લઇ જાય ત્યાં જઈશું. મારે તો બેલાનામ્ શરણં મમ.’
અત્યારે મારે મમ્મીને ન’તી લઇ જવાની?
નીચેથી આવતા રૂદનના અવાજો થોડા મોટા થઇ ગયા હતા. બેલા બાલ્કનીમાંથી જોતી રહી. આંખો સ્પષ્ટ જોઈ શકે એટલે બળજબરીપૂર્વક આંસુને અંદર રોકવાનો પ્રયત્ન કરતી રહી.
સંધ્યા બહાર આવી. નમ્રતાભાભી અને પડોસવાળા આન્ટીએ એના હાથ પકડ્યા હતા. બધા વારાફરતી આવીને એની પીઠ ઉપર હાથ ફેરવી જતા હતા. બેલાને લાગ્યું કે એ એકલી, અટૂલી, આકાશમાં ફંગોળાઈ ગઈ છે.
ચાર જણ મમ્મીને ઊંચકીને બહાર લાવ્યા. વેનનું બારણું ખોલવામાં આવ્યું. મમ્મીના દેહને એમાં ગોઠવવામાં આવ્યો. સૌરભ અંદર જઈને બેઠો. જીજાજી વેનનું બારણું પકડીને ઊભા હતા. સંધ્યા દોડતી આવી, આગળ નમીને મમ્મીના પગે હાથ લગાવ્યો અને પછી એ હાથ માથે અરાડ્યો. સ્ત્રીઓ હાથ જોડીને મમ્મીને અંતિમ વિદાય આપી રહી હતી.
એ નાની હતી ત્યારે કેટલી બધી વાર એવું થતું કે ક્યારેક મમ્મી એકલી કોઈ કામે બહાર જવા નીકળે ત્યારે પોતે રડતી આંખે ઝાંપા પાસે ઊભી રહીને એને જોયા કરે. છેક છેલ્લે મમ્મી એની સામે જુએ અને એનો વિચાર બદલાઈ જાય. એ બે હાથ લંબાવીને કહે, “સારું, આવી જા બેટા.”
બેલાથી જોરથી ડૂસકું ભરાઈ ગયું.
સંધ્યાએ ઉપર જોયું.
સંધ્યાની આંખો એકદમ મમ્મી જેવી જ તો હતી.
તો શું અત્યારે પણ મમ્મી એને–?
અચાનક ચારેબાજુની હવાને જાણે વાચા ફૂટી. એના અનેક મુખમાંથી શબ્દો રેલાવા માંડ્યા- “તું તૈયાર છે ને બેલા?” “તું તો બહુ ઠંડી. ચલ, જલ્દી કર,” “કેટલી વાર બેલુ, મોડું થાય છે!”
એ ચીસો પાડતી હવાએ જાણે બેલાને ઉપર ઊંચકી. એના પગમાં પૈંડા આવી ગયા. પાણીના રેલાની જેમ એ દાદર ઉપરથી નીચે સરકી અને વાદળોના થરની વચ્ચેથી વીજળી રસ્તો કરી લે એવી રીતે બૈરાંના ટોળામાંથી રસ્તો કરીને વેન પાસે જઈને ઊભી રહી.
સંધ્યા અને નમ્રતાથી ઝાંપો પકડીને ઊભેલા ફોઈ સામે જોવાઈ ગયું. એમના હોઠ બીડેલા હતા, આંખો આકાશ તરફ હતી અને ચહેરા પર બુદ્ધની સ્થિતપ્રજ્ઞતા આવી ગઈ હતી.
બેલાએ એનો હાથ લાંબો કર્યો. સૌરભભાઈ અને જીજાજીએ એને અંદર ખેંચી લીધી.
વેન ચાલવા માંડી.
~ ગિરિમા ઘારેખાન
[વા રે વા , મે, ૨૦૨૩ના સૌજન્યથી, સાભાર. ]
અસ્ખલિત વાર્તા પ્રવાહ
અદભૂત હૃદયસ્પર્શી
અદ્ભુત. અંત ખૂબ સરસ આપ્યો છે. જય હો