“આ શબ્દો જ મને સાચવે છે….” ~ લતા જગદીશ હિરાણી

(“કાવ્યવિશ્વ” (www.kavyavishva.com) જેવા માતબર કવિતાના બ્લોગના ખૂબ સંનિષ્ઠ સંચાલક, કવયિત્રી લતા જગદીશ હિરાણીનો આજે જન્મદિન છે. “આપણું આંગણું”ની સમસ્ત ટીમ અને વાચકો તરફથી લતાબહેન, આપને જન્મદિન નિમિત્તે અઢળક શુભ કામનાઓ.

આ સાથે આજે, તા. ૨૮મી ફેબ્રુઆરી, ૨૦૨૫ ને રોજ, એમનાં સાત પુસ્તકોના વિમોચનનો આનંદનો અવસર પણ અમદાવાદમાં ઉજવવામાં આવી રહ્યો છે.

આ સાત પુસ્તકોમાંના પાંચ પુસ્તકો, “ઊગ્યું રે અજવાળું,” “સાવ કોરો કાગળ,” “વ્હાલનું વાવેતર,” “ભાવવધારા,” “તાકધિનાધીન” ગુર્જર પ્રકાશને પ્રકાશિત કર્યા છે અને બે પુસ્તકો, કેવો “ગડબડગોટાળો,” તથા “ઉઠિયાની આંખ” નેશનલ બુક ટ્રસ્ટ તરફથી પ્રકાશિત કરવામાં આવ્યા છે.

એકસાથે સાત પુસ્તકો અને એ પણ જુદા જુદા જોનરનાં લખીને પ્રસિદ્ધ કરવા એ કંઈ નાનીસૂની વાત નથી.

આપને ખૂબ ખૂબ અભિનંદન. એ પણ ગુજરાતીભાષામાં બાળસાહિત્ય અંગે સાંપ્રત સમયમાં કામ કરવું એ બદલ તમારી પ્રશસ્તિમાં જેટલું પણ કહીએ એટલું ઓછું છે.

આ શુભ અવસરે વિશ્વકોશ સંસ્થાના પ્રમુખ આદરણીય શ્રી કુમારપાળ દેસાઈ, ગુજરાતી સાહિત્ય એકેડમીના પ્રમુખ આદરણીય કવિશ્રી ભાગ્યેશ જહા, આદરણીય કવિશ્રી વિનોદ જોશી, માનનીય શ્રી પ્રવીણ દરજી અને માનનીય શ્રી હસમુખ પટેલ જેવા મહાનુભવો પોતાનું વક્તવ્ય રજુ કરશે તથા ડૉ. ફાલ્ગુની શશાંક “ઊગ્યું રે અજવાળું”ના ગીતોની સંગીતમય પ્રસ્તુતિ કરવાનાં છે.

એમની કલમ આમ જ, માતૃભાષાના ખોળામાં અનેક સર્જનો ધરતી રહે એવી અંતરની શુભકામનાઓ.
તો આવો, લતાબહેન જેવા નીવડેલાં કવયિત્રીને એમની કવિતાના મંદારપુષ્પોથી જ આવા ગૌરવવંતા પ્રસંગે વધાવીએ. ~ જયશ્રી વિનુ મરચંટ)

કાવ્ય
શબ્દો જ મને સાચવે છે

હું પુસ્તક ખોલું છું
અને
મારી સામે પથરાય છે
શબ્દોનો અખૂટ સાગર
જેમાં તું જીવ્યો
જેમાં જીવવાનું તેં મને શીખવ્યું
તરતાં શીખવ્યું અને ડૂબતાંયે

આજે પણ
પથરાયેલું છે એ જ વિશ્વ.
ત્યાં કવિતા છે, કલ્પના છે,
કંઈક શોધવાની તડપ છે
પણ પાનાંઓ ભેજવાળા રહે છે
શબ્દોમાં કવિતા ને કવિતામાં શબ્દો
કોણ કોને ભેટે છે?
કોણ કોને ચૂમે છે?
આ શબ્દો જ મને સાચવે છે
ધરે છે હૂંફ
વેરે છે વ્હાલ
મારા ખોવાયેલા શબ્દો તેં શોધી આપ્યા
વણલખાયેલું તારું વીલ
ફરી મને સહારો આપી ગયું………

~ લતા જગદીશ હિરાણી

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. અરે, આ પોસ્ટ છેક આજે જોઈ !!! અનહદ આનંદ આનંદ જયશ્રીબહેન…. તમે તો બધું આવરી લીધું…..
    આભાર તો બહુ ઓછું પડે ! રોમેરોમ પ્રસન્નતા ભરાઈ ગઈ….
    લતા જગદીશ હિરાણી