“મૂંગા ફટાકા દિલ માંહી ફૂટે” ~ કાવ્યઃ ચંદ્રવદન મહેતા ~ આસ્વાદઃ અનિલ ચાવડા
(આમ તો દિવાળી હર્ષોલ્લાસ અને નવી ઉમંગોને આવકારવાનો તહેવાર છે. પણ, એક ભાઈ કે જેણે એની વહાલી બહેનને ખોઈ છે અને હવે તે ક્યારેય પાછી આવી નથી શકવાની, એને માટે દિવાળીની અભિધા શું છે, એનો સરસ ઉઘાડ કવિશ્રી અનિલ ચાવડા અહીં કરે છે.
આ વાંચીને પાંપણ પર આંસુનાં તોરણ અનાયાસે બંધાય છે. દિવાળીના તહેવારોમાં આ કાવ્ય અને આસ્વાદ મૂકવાનું મારું ગજું નથી. આ ખૂબ જ હ્રદયસ્પર્શી કાવ્ય અને આસ્વાદ આપ સહુ વાચકો સાથે વહેંચવો પણ છે, આથી જ, “ઓફ સીઝન” મૂકી રહી છું. )
‘ઈલા, દિવાળી! દીવડા કરીશું;
તારા સર્યા વ્યોમ થકી અહીં શું?
કેવા ફટાકા આ અહીં ફૂટે છે!
આ કાનના તો પડદા તૂટે છે.’
‘સુણ્યા નથી તેં વીજના કડાકા?
એ સ્વર્ગમાંના ફૂટતા ફટાકા!
ત્યાં વાદળવાદળીઓ અફાળી
સૌ દેવબાલો ઊજવે દિવાળી.’
‘તું બ્હેન જ્યારે કદી લે અબોલા,
ઝીલું ન તારાં વચનો અમોલાં;
મૂંગા ફટાકા દિલમાંહી ફૂટે
ને એ સમે તો ઉરતંતુ તૂટે.’
~ ચંદ્રવદન મહેતા
લોગઇનઃ

ચં.ચી. મહેતા આપણા ગાંધીયુગના અગ્રગણ્ય કવિ અને નાટ્યલેખક. તેમનું આખું નામ ચંદ્રવદન ચિમનલાલ મહેતા. તેમની આત્મકથાત્મક ‘ગઠરિયા’ શ્રેણી તેમનું બહુમૂલ્ય પ્રદાન છે. ‘ઈલાકાવ્યો’ તેમનું અનોખું કાવ્યસર્જન છે.
ગુજરાતી સાહિત્યમાં ભાઈબહેનના નિર્વ્યાજ કરૂણ-મધુર પ્રેમનો આટલો સઘન અને સફળ પ્રયોગ કરનાર તે પહેલા હતા. તેમના સાહિત્યસર્જન અને વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને ઉમાશંકર જોશીએ લખેલું, ‘ચંદ્રવદન એક ચીજ/ ગુજરાતે ના જડવી સહેલ/ એક અલક મલકની ચીજ/ ચંદ્રવદન તે ચંદ્રવદન તે ચંદ્રવદન.’

ચં.ચી. મહેતા રચિત આ કવિતામાં ભાઈબહેનના પ્રેમની સંવદનસભર રજૂઆત છે. દિવાળીના સમયમાં કાવ્યનાયક પોતાની બહેન ઈલાને યાદ કરે છે. કહે છે કે આપણે દિવાળીમાં સાથે મળીને દીવડા કરીશું. આકાશમાંથી જાણે તારાઓ ધરતી પર આવી ગયા છે કે શું? જાણે આકાશના તારાઓ પણ દીવડા બનીને અજવાળું પાથરવા આવી ગયા છે હોય એવું લાગે છે, પણ અફસોસની વાત એ છે કે બહેન હવે રહી નથી.
આજુબાજુમાં પુષ્કળ ફટાકડાઓ ફૂટી રહ્યા છે, પણ બહેન વિનાના ફટાકડા કાનના પડદા તોડી નાખતા હોય એવી અનુભૂતિ થાય છે.
પોતાની બહેનને ઉદ્દેશીને કહે છે કે તેં આકાશમાં થતા વીજળીના કડાકા સાંભળ્યા? એ કડાકા તો સ્વર્ગમાં ફૂટતા ફટાકડાના ધડાકા છે! કેમકે બહેને તો હવે સ્વર્ગમાં દિવાળી ઉજવવાની છે.
સ્વર્ગમાં તો વાદળ-વાદળીઓ એકબીજા સાથે અથડાવીને બધાં જ દેવબાળો દિવાળી ઊજવે છે. તો ત્યાં પોતાની બહેન પણ દિવાળી ઊજવી રહી હશે તેવી ચં.ચી. મહેતા કલ્પના કરી રહ્યા છે.
સ્વર્ગમાં રહેલી બહેન સાથે તો હવે જાણે કાયમી અબોલા થઈ ગયા છે. તેના શબ્દો કાને પડતા નથી. કાનમાં અવાજનો દીવો પ્રગટે તો એનું અજવાળું છેક હૃદય સુધી પહોંચતું હોય છે. બહેનના ટહુકા માટે કાન તરસી રહ્યો છે. બહેનના અમૂલાં વચનો ઝીલવા તે તત્પર છે, પણ થાય શું? હવે તો તેની યાદમાં હૃદયમાં મૂંગા ફટાકડાઓ ફૂટી રહ્યા છે અને આ ફટાકડાથી હૃદયના તારેતાર તૂટી જાય છે. જાણે હૃદય અંદર કોઈકે સિંદળીબોમ્બ મૂકીને ફોડ્યો હોય એવો અહેસાસ થાય છે.
બહેન વિનાની દિવાળી પ્રકાશપર્વ નહીં, પણ અંધકારપર્વ બની ગઈ હોય એવું કવિને લાગે છે.
દરેક પરિવારમાં નાના-ભાઈબહેન સાથે મળીને દિવાળી ઊજવે છે. તેમાં નાના-મીઠા ઝઘડાથી લઈને ધોધમાર પ્રેમ સુધીની સ્મૃતિઓ રચાય છે. ભાઈબહેનના સંબંધને ચંચીએ ઈલાકાવ્યો દ્વારા હૃદયદ્વાવક રીતે રજૂ કરી આપ્યો છે.
તેમણે પોતે જ બહેન ઈલા માટે લખ્યું છે કે,
‘હું કુબેરદેવ હોઉં તો ઠેકઠેકાણે ઇમારતો બાંધી એને ‘ઈલા’ નામ આપું; (અરે હું વિશ્વકર્મા હોઉં તો -કે બ્રહ્મા જ હોઉં તો- નવી સૃષ્ટિ રચી એને ‘ઈલા’ નામ નહિ આપું?); હું શિખરિણી હોઉં તો એકાદ ભવ્ય અને સુંદર ગિરિશૃંગ શોધી, ત્યાં ચડી એને ‘ઈલાશિખર’ નામ આપું; હું કોઈ મોટો સાગરખેડુ હોઉં તો એકાદ ખડક શોધી વહાણોને સાવચેત રહેવા ત્યાં એક નાજુક પણ મજબૂત દીવાદાંડી બાંધી એને ‘ઈલા દીવી’ નામ આપું અથવા તો હું એક મહાન વૈજ્ઞાનિક થાઉં તો જગતજ્યોતિમાંથી એકાદ નવું રશ્મિ શોધી એને ‘ઈલાકિરણ’ નામ આપું કે ખગોળમાં નવો જ ‘ઈલાતારો’ શોધું.’
બહેન માટે આટલું કરવાની ભાવના ધરાવતા ભાઈને વંદન. તેમણે લખેલ ઈલાકાવ્યોમાંથી જ અન્ય એક કાવ્ય દ્વારા લોગઆઉટ કરીએ.
લોગ આઉટઃ
ઈલા! કદી હોત હું દેવબાલ!
તારા ભરી આપત એક થાળ,
એના વડે કૂકડીદાવ સાથે
બંને રમ્યાં હોત અહો નિરાંતે.
ચાંદો ફરંતો નભથી હું લાવી,
બ્હેનાં રમ્યાં હોત દડો બનાવી;
ને એ દડે હું વીજરેખ બાંધું
એને ઉછાળી જળવ્યોમ સાંધું.
ને સાતરંગી ધનુવસ્ત્ર ચારુ
લાવે સજાવું તુજ અંગ ન્યારું;
ને શુભકીર્તિ થઈ દિવ્ય પંથે
ઓહો ઊડ્યાં હોત જ દિગદિગન્તે.
~ ચંદ્રવદન મહેતા
(“અંતરનેટની કવિતા”ના સૌજન્યથી સાભાર)