છ ગઝલ ~ (વેલેન્ટાઈન દિવસના અનુસંધાનમાં) ~ હિમાદ્રી આચાર્ય દવે
(પરિચય: હિમાદ્રી આચાર્ય દવે. જન્મ 1971. વતન રાજકોટ. અભ્યાસ: અર્થશાસ્ત્ર સાથે અનુસ્નાતક. હાલ પુણે (મહારાષ્ટ્ર) સ્થાયી થયા છે.
પિતા શિવકુમાર આચાર્ય એક સંનિષ્ઠ અને પ્રતિબદ્ધ પત્રકાર-લેખક હોવાને કારણે નાનપણથી ઘરમાં સાહિત્ય અને કલાનું વાતાવરણ મળ્યું.
‘અભિયાન’ જેવાં ટોચના ગુજરાતી સામયિકો અને વર્તમાનપત્રોમાં તેમના વિવિધ વિષયક લેખો તેમજ અહેવાલો પ્રગટ થાય છે. ગુજરાતી ભાષામાં ગઝલ તેમ જ અછાંદસ કાવ્યલેખન તેમના રસના વિષયો છે.)
1.
બધી ખાટી મીઠી વાતે તને હું પ્રેમ કરતી‘તી!
જુદી રીતે, જુદી ભાતે, તને હું પ્રેમ કરતી‘તી!
ધરીને ધ્યાન તારા નામનું આઠે પ્રહર કેવળ,
હતી એવી જ ઓકાતે તને હું પ્રેમ કરતી‘તી!
વળી તારી પ્રતીક્ષામાં થતું’તું કામ બસ એક જ,
સવારે-સાંજે-મધરાતે તને હું પ્રેમ કરતી’તી!
નશીલા ખ્વાબ, ભીની આશ ને આવેગ મદઝરતો,
મચલતા કૈક જજબાતે તને હું પ્રેમ કરતી’ તી!
તને ઝંખી રહી અસ્તિત્વની પળ-પળ– કદી તેં પણ,
મને ઝંખી‘તી એ નાતે તને હું પ્રેમ કરતી‘તી!
2.

તમારા દિવસો, તમારી રાતો,
તમારી વાતો, તમારી યાદો!
તમારા થઈ જો ગયા અમે તો
મળી છે મોંઘેરી આ મિરાતો!
કબૂલ, અપરાધ છે અમારો,
કબૂલ! સરઆંખો પર આ ચુકાદો!
ભલે, છે ગુસ્તાખી આ હૃદયની!
ભલે, મળે દેહને સજાઓ!
નજરથી દુનિયાની છે છુપાવી,
નજર મળ્યાની મધુર કહાણી
છતાંયે દુનિયાની છે નજરમાં,
નજર નજરથી કરે છે વાતો
પૂછે છે લોકો સવાલ અઘરા,
હુંયે ના જાણું જવાબ જેના
ન આપણે એકબીજાને કીધી,
શું છે એ વાતો, શું છે એ નાતો!
ઘૂંટાયા રંગો વડે રચાયાં,
બધાને મારા કવન ગમ્યા છે
લખ્યાં ‘તા મેં કિસ્સા તારા-મારા,
મળ્યા મને કેટલાં ખિતાબો!
હા, આવશે એ અમારે આંગણ,
સતત પ્રતીક્ષા રહે છે એની
સતત વસે મારા શ્વાસે શ્વાસે
સુગંધો જેની, ને જેના શ્વાસો!
પવન વહ્યા ઠંડા ચોતરફ ‘ને,
કદી તો લાગ્યું થીજી જશું-પણ
તમારા સ્મરણોની ચાદરોમાં
થયો છે જન્મારો આ હૂંફાળો!
3.

રાતરાણી શી સુગંધી રાત કરશું
આવજે તું, મનભરીને વાત કરશું!
લાવજે તું રંગ છલકતાં લાલ-લીલા,
પોત હું લાવીશ, રુડી ભાત કરશું!
ઓળખો કેરા બધા વાઘા ત્યજીને
આપણા બેની અનોખી નાત કરશું
રાત કાળી, સાવ કાળી છે, ખબર છે
રાતની કોરે રુડું પરભાત કરશું
રસભરેલી રંગ-સુગંધે મ્હાલશું ‘ને
તરબતર હા એકબીજામાં જાત કરશું!
4.

સૌમ્ય સૂરજના ઊજાસે, ઢળતી સાંજે આવજે!
બેસી ઝુરાપાની પાંખે, ઢળતી સાંજે આવજે!
પંખી માળે આવે, ત્યારે ઢળતી સાંજે આવજે!
તું ક્ષિતિજને સૂને આરે, ઢળતી સાંજે આવજે!
બેઝિઝક, ને સામસામે, ઢળતી સાંજે આવજે!
આંગણામાં તું અમારે ઢળતી સાંજે આવજે!
કાગડાને વિનંતી કરતાં બચી રહી છે હજુ,
આંખના એ ઈન્તઝારે, ઢળતી સાંજે આવજે!
આયખા આખાની દીવાલો ભુલાવી, ‘ને પછી–
આખરી એક ખતની સાખે, ઢળતી સાંજે આવજે!
યુગયુગોનાં અંજળોને સાથમાં સંભારશું,
કાળની ગંગાને ઘાટે, ઢળતી સાંજે આવજે!
જિંદગીભરની જુદાઈ ન્યાય માંગે, તો પછી–
લઈ કફન, સામા પ્રવાહે ઢળતી સાંજે આવજે!
અહીંની માટીમાં ભળીને છોડશી ઊગી જઈશ,
પુષ્પ થઈ તું એની શાખે ઢળતી સાંજે આવજે!
5.
કોણ જાણે આજ આવું અવનવું કાં થાય છે?
કોઈ ના બોલાવે તોયે સાદ એક સંભળાય છે!
કેટલું એને કહ્યું પણ, એ જરી ના માનતી
ઊર્મિઓ એક નામ પર સઘળું ય વારી જાય છે!
મારા પર એના રટણની આ ગુલાબી છે અસર
શ્વાસ– શ્વાસે રોમે રોમે એ સતત વર્તાય છે!
એટલે મારા નયનમાં દ્રશ્ય સૌ ઝળહળ રહે
જાગતાં ને સ્વપ્નમાં બસ તું હવે દેખાય છે!
આયનો જોઈને અચરજ બસ મને પૂછતો રહયો
કોણ આ તારામાં રહીને ભીતરે ડોકાય છે!
6.
ક્ષણ હું આપું, કે પછી આખી સદી આપું તને?
જે તું ચાહે, અબઘડી સઘળું ગણી આપું તને!
થર-પરત જો અશ્મિનાં તાગી શકે તો વાત કર,
ભગ્ન મારા આ નગરના અથ-ઇતિ આપું તને!
આવ બેસીએ તળાવે હાથ નાખી હાથમાં,
રિક્તતામાં ચાલ રંગો હું ભરી આપું તને!
હું હતી, અહીં પણ હતી; ત્યાં પણ હતી; ને તું હતો!
આદિયુગોના સકળ અંજળ કળી આપું તને!
અહીં નશીલા જામ છે, ને છે અમીની ધાર પણ,
લે, છલોછલ આંખની આખી નદી આપું તને!
કોઈ દિન આવે જો તું, એવું બને, હું હોઉં નહિ!
સંઘરી લે, ક્ષણ સુહાગી સામટી આપું તને!
~ હિમાદ્રી આચાર્ય દવે
himadridave447@gmail.com
ઢળતી સાંજે આવજે તથા આપું તને એ બે ગઝલો વધારે ગમી.