|

મા દુર્ગાના મોહરાં ~ ઉડિયા વાર્તા ~ મૂળ લેખકઃઅરવિંદ દાસ ~ અનુવાદક: ડૉ. રેણુકા સોની

દુર્ગા ડર અને આશંકા ભરી નજરે સાહેબો સામે જોતી રહી. સભ્યતાનું મહોરું પહેરીને સમાજમાં ફરતાં માણસો શું ખરેખર આવા દેખાતા હશે? ફરી એકવાર એણે એ લોકોને પગથી માથા સુધી નીરખી લીધાં.

“લે, આ આ દશ લાખ રૂપિયા રાખ. તને કામ લાગશે. તને અને તારા ભાઈને સરકારી નોકરી મળશે. બસ ખાલી તારું બયાન ફેરવી નાખ. પ્રેસવાળા સામે કંઈ બોલીશ નહીં. સરકાર તને બધી સગવડ આપશે.”

“આ સરકાર વળી કોણ છે ? એકવાર તેને મારી સામે લાવો જોઈએ. અને મારું બયાન ફેરવી નાખું એટલે વળી શું ?”

“પોલીસવાળાએ નહીં, પણ માઓવાદીઓએ એ લોકોના વેશમાં તારી પર બળાત્કાર કર્યો હતો, એમ કહેજે. બાકી અમે બધું સાંભળી લઈશું.”

દુર્ગાએ વ્યાકુળ બની સાહેબો જોડે ઉભેલાં પોતાના ભાઈ અને બાપા અમે નજર નાખી.

પોળના ખૂંધીયા નેતા બિશી માસાએ કહ્યું, “તું અમારી ડાહ્યી દીકરી છે. શા માટે નકામી બદનામી વહોરે છે? વિરોધી પક્ષની વાતમાં આવી પોલીસ પર આળ ચઢાવીશ તો એ લોકો કામ વખતે આપણી જોડે ઊભા નહીં રહે. અને માઓવાદીની નજર તો તારા પર હતી જ. હવે એમ કહેજે કે એ લોકોએ જ પોલીસના ડ્રેસ પહેરી તારા પર દુષ્કર્મ આચર્યું છે. હવે તને અને તારા ભાઈને સરકાર નોકરી આપવાની છે. ‘સાહેબ’ અને ‘માડમ’ બનીને રહેજો. તારા બા-બાપુના નસીબ પણ ખુલી જશે. સાહેબો રુપિયા પણ આપે છે. હજુ વધારે આપશે.”

દુર્ગાને તે દિવસની સાંજ યાદ આવી. બાજુના ગામમાં ભરાયેલા મેળામાં તે જાતજાતના મહોરાં બનાવીને વેચવા ગઈ હતી. પાછા વળતાં જંગલના રસ્તે આ દુર્ઘટના ઘટી. ચાર સેતાન તેના પર ચઢી… ઓહ … લોહીથી લથપથ પોતાની જાતએ ઢસડતી ઢસડતી તે માંડ માંડ રસ્તા પર… એ પછી ઘેર અને પછી દવાખાને…. યાદ આવતાં જ અત્યારે પણ તેને કમકમા આવી જાય છે.

દુષ્કર્મનો શિકાર થવું એ એક છોકરી માટે કદાચ દુનિયાનો સૌથી મોટો અભિશાપ છે. તેણે સહન કરેલી શારીરિક અને માનસિક પીડા આજ દિવસ સુધી  દિવસ રાત તેને કોરી ખાય છે. એ વાતને લઈને વળી આ રાજનીતિ ચાલી છે. ગયા વર્ષે બાજુના ગામની કુમુદ પર આર્મીવાળાએ દુષ્કર્મ આચર્યું હતું. એ કુમુદનું શું થયું!

“અરે તારી દીકરીને જરી સમજાવ.” બાપાની પાસે ઊભેલો એક પોલીસ બોલ્યો. સનિયો વ્યગ્ર બની દુર્ગા તરફ તાકી રહ્યો હતો.

શક્તિશાળી પ્રસાશનની સામે એક નિસહાય બાપ; જાણે વાવાઝોડા સામે એક ખરેલું સુકું પાન.

“કુમુદ જોડે કેવું થયું જોયું નહીં? વિરોધી દળની વાતમાં આવીને, મહિલા કમિશન આગળ આડુંઅવળું બયાન આપ્યું. સરકારી સહાય પણ પાછી વાળી. શું મળ્યું કુમુદને? છેવટે આત્મહત્યા કરી. શું ફાયદો થયો?”

હવે દુર્ગાનું મોં સખત થયું. તેણે સાંભળ્યું છે કે પીડિતા યુવતી પર ગાડી ચઢાવી પેટ્રોલ છાંટી તેને બાળી કાઢે છે.

તેણે જરી વિચારીને સાહેબના હાથમાંથી રૂપિયાની થપ્પી લઈ લીધી. બધાં સાહેબોના ચહેરા ખુશીથી ઝળકવા લાગ્યા. ‘ચાલો એમનું મિશન પૂરું થયું. હવે એમનું પ્રમોશન પાકુ.’

તોપમાંથી દારુ ગોળા છૂટે, એમ દૂર્ગા ગરજવા લાગી.

“સાહેબ, લે આ દશ લાખ રૂપિયા તને આપું છું. ઘારી લે કે તારી દીકરી પર રેપ થયો છે, રૂપિયા લઈ તું મોં બંધ રાખીશ ને? આવ્યો મોટો સરકારનો દલાલ… નીકળ મારા ઘરમાંથી.“

પોલીસે એને મારવા હાથ ઉગામ્યો. પણ પછી પાછો ખેંચી લીધો. ઘરની બહાર ગામના લોકો ભેગાં થવા લાગ્યા હતાં. સાહેબો અંધારામાં ગાડીમાં બેસીને નીકળી ગયા. દુર્ગા રડતી હતી. દીકરીનું માથું ખોળામાં લઈ મા પસવારતી રહી.

“મા, મેં કંઈ ખોટું કર્યું છે ?”

“ના, બેટા. તેં સાવ સાચું કર્યું છે. ગામની બધી બહેનો દીકરીઓ તારી સાથે છે.“ પડોશી બનજા માસીએ કહ્યું.

તે પછીના દિવસે દુર્ગા આગણામાં બેસી મહોરાં બનાવતી હતી.

સાનિયાએ બાજુમાં આવી કહ્યું, “દીકરી, રાવણદહન માટે રાવણ, મહી રાવણ, ઈન્દ્રજીતના પૂતળા બનાવવા પડશે. અને તું અત્યારે આ બધું શુ કરે છે? એક જ જાતના મહોરાં? આની માંગ કોઈએ કરી છે કે શું? કોને જોઈ એ છે?”

“બાપુ મારે જોઈએ છે અમારી લડાઈ માટે જોઈએ છે. આપણે દર વર્ષે આ બધાં પૂતળાં બનાવીએ છીએ. તેનું દહન થાય છે. તો પછી ક્યાંથી પાછા જનમ લે છે?

આપણાથી ચોક્ક્સ કોઈ ભૂલ થાય છે. જો ને, પોલીસે ટેસ્ટ કરવા માટે લીધેલાં મારા કપડાં બદલાઈ ગયા અને તેમાં તે સેતાનના લોહી, વીર્યના બદલે ખાલી મારું લોહી, થુંક, ગળફાના ડાઘ છે એવો રિપોર્ટ આવ્યો. ને સૌથી નવાઈ એ વાતની છે કે જે દેશમાં સૌથી વધારે બળાત્કાર થાય છે ત્યાં હવે નવ દિવસ દેવીની પૂજા થશે!”

“બેટા, તું ગાંડી ન થા. ”

“બાપુ, તમે ચિંતા ના કરો. હું કંઈ કુમુદ નથી કે આપઘાત કરીશ. બધાં મારી વાત ભૂલી ગયા છે. જુઓ ને, રોજ કેટલાં બળાત્કાર થાય છે. પણ તમે મને વચન આપો કે તમે અમારી જોડે રાજધાની આવશો.”

સનિયો નવાઈ ભરી નજરે જોઈ રહ્યો.

તે દિવસે રાજધાનીના રાજમાર્ગ પર એક નવાઈ ભર્યું દૃશ્ય જોવા મળ્યું. બધાં અવાક બની જોઈ રહ્યા.

સાધારણ લોકોથી માંડીને પત્રકાર. પોલીસ બધાં મૂક દર્શક હતાં. કોઈના મોંમાંથી એક હરફ નીકળતો ન હતો. કોણ જાણે કેમ દર્શકોમાંથી કોઈ પોતાના મોબાઈલમાં આ દૃશ્ય રેકર્ડ કરતુ ન હતું કે ફોટો પાડતું ન હતું.

એ રસ્તે થોડી વાર પછી મુખ્ય મંત્રી અને બીજા મંત્રીઓ એ માર્ગ પર થઈને રાવણદહન માટે જવાના હતા, રાજમાર્ગ પર સુરક્ષા કર્મીઓનો કાફલો ખડકાયેલો હતો. પોલીસ બધાં કંટ્રોલ રૂમમાં ફોન કરતાં હતા.

“સાહેબ, કેટલીક સ્ત્રીઓ પ્લેકાર્ડ લઈને આ રસ્તા પર નીકળી છે. “

“રેલી માટે તો કોઈને પરમિશન નથી આપી. કયા પ્લેકાર્ડ એમના હાથમાં છે? કયા સ્લોગન એ લોકો બોલે છે?“

“રેપ થયેલી પેલી છોકરી માટે એ લોકો નીકળા છે.” પ્લેકાર્ડમાં લખેલું છે,

“આવો સરકાર, અમને રેપ કરો. બળાત્કારી પોલીસને લાંચ આપી બચાવો. આજે રાવણના બદલે અમને આગ ચાંપો.”

“એ લોકોને તરત એરેસ્ટ કરો.”

“સાહેબ, તમે જલદી આવો. એમની પાસે જતાં અમને ડર લાગે છે. એ લોકોના શરીર પણ એક કપડું નથી. એકદમ ઉઘાડી…” (તે દિવસે જાણે મહિષાસુર સાવ અવશ થઈને પડ્યો હતો. )

“કોણ છે એ લોકો?” પેલી બાજુ પોલીસ વડાએ  વ્યગ્ર થઈનેપૂછ્યું

“સાહેબ બધાં એકસરખા લાગે છે. બધાંના ચહેરાં પર મહોરાં છે.. મા  દુર્ગાના મહોરાં….!”

***

લેખક પરિચય:

અરવિંદ દાસ: જન્મ ૧૩-૭-૧૯૬૭. વાર્તાકાર. સાહિત્ય કૃતિ, વાર્તાસંગ્રહ: પ્રજપતીર નૂઆ ઠીકણા, બિઅર, બીધર્મી, બોઉ, લીપસ્ટીક, વગેરે નવ વર્તાસંગ્રહ. સન્માન અને પુરકાર: સત્યવાદી ગળ્પ પુરસ્કાર, આઈના ગળ્પ પુરસ્કાર, સમારોહ ગળ્પ પુરસ્કાર, પશ્ચિમા ગળ્પ સંન્માન, રાજ્ય સ્તરીય આનંદપુર ગળ્પ પુરસ્કાર વગેરે.

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment